Related Questions

પારસ્પરિક સંબંધોમાં ક્રોધને કેવી રીતે કાબુ કરવો?

પ્રશ્નકર્તા : આપણે ક્રોધ કોની ઉપર કરીએ, ઓફિસમાં સેક્રેટરી ઉપર ક્રોધ ના કરીએ અને હોસ્પિટલમાં નર્સ ઉપર ના કરીએ પણ ખાસ તો ઘરમાં વાઈફની ઉપર આપણે ક્રોધ કરીએ.

દાદાશ્રી : એટલાં માટે તો બધા સો જણા બેઠા હોય ને, જ્યારે સાંભળતા હોય ને, ત્યારે બધાને કહું છું કે ત્યાં આગળ બોસ ટૈડકાવતો હોય, અગર તો બીજો કંઈ વઢતો હોય, એ બધાનો ક્રોધ એ ઘરમાં અહીં વાઈફ પર કાઢે છે લોકો. એટલે મારે કહેવું પડે છે કે અલ્યા મૂઆ, બૈરીને શું કરવા વઢો છો, બિચારીને? વગર કામના બૈરીને વઢો છો ? બહાર કોઈ ટૈડકાવે તો એને બાઝોને, અહીં શું કરવા બાઝો છો બિચારીને?

આ તો આખો દહાડો ક્રોધ કરે. ગાયો-ભેંસો સારી, ક્રોધ નથી કરતી. જીવન કંઈ શાંતિમાં તો હોવું જોઈએ ને ? નબળાઈવાળું ના હોવું જોઈએ. આ ક્રોધ વારે ઘડીએ થઈ જાય છે ! તમે ગાડીમાં આવ્યા ને? તે ગાડી આખે રસ્તે ક્રોધ કરે તો શું થાય ?

પ્રશ્નકર્તા : તો અહીંયા અવાય જ નહીં.

દાદાશ્રી : ત્યારે આ તમે ક્રોધ કરો તો શી રીતે એની ગાડી ચાલતી હશે ? તું ક્રોધ તો નથી કરતી?

પ્રશ્નકર્તા : કો'ક વાર થઈ જાય.

દાદાશ્રી : અને જો બેઉનું થાય તો પછી રહ્યું જ શું ?

પ્રશ્નકર્તા : પતિ-પત્ની વચ્ચે થોડો ક્રોધ તો હોવો જ જોઈએ ને?

દાદાશ્રી : ના, એવો કંઈ કાયદો નથી. પતિ-પત્નીમાં તો બહુ શાંતિ રહેવી જોઈએ. આ દુઃખ થાય એ પતિ-પત્ની જ ન હોય. સાચી ફ્રેન્ડશીપમાં દુઃખ થતું નથી. તો આ તો મોટામાં મોટી ફ્રેન્ડશીપ કહેવાય! અહીં ક્રોધ ના થાય. આ તો લોકોએ ઠોકી બેસાડેલું, પોતાને થાય એટલે ઠોકી બેસાડેલું. કાયદો આવો જ છે, કહેશે! પતિ-પત્નીમાં તો બિલકુલ દુઃખ ના થવું જોઈએ, બીજે બધે થાય.

×
Share on
Copy