Related Questions

ક્રોધ ઉપર કાબૂ કેવી રીતે મેળવાય?

anger

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, વર્લ્ડમાં કોઈ માણસ ક્રોધને જીતી શકે નહીં.

ક્રોધ બે પ્રકારે હોય છે. એક બહાર દેખી શકાય તેવો કઢાપારૂપી ક્રોધ, અને બીજો ના દેખી શકાય તેવો અજંપારૂપી ક્રોધ. લોકો ક્રોધને જીત્યો કહે તો એ કઢાપારૂપી ક્રોધને જીત્યો કહેવાય. ફક્ત બહાર દેખાય તેવો, દૃશ્ય ક્રોધ જીત્યો કહેવાય. પણ ખરી રીતે ક્રોધ જડમૂળથી સંપૂર્ણપણે નથી જીતાતો. જો કોઈ એમ કહે કે ‘મેં ક્રોધને જીત્યો’ એટલે પાછું એનું માન વધે. પછી માનને ઘસરકો પડે, થોડું અપમાન થાય તો એનું રક્ષણ કરવા માટે ક્રોધ ઊભો થઈ જ જાય. ક્રોધ બહાર ન નીકળે તો અંદર ભયંકર અજંપો થાય જ. એટલે એકને દબાવે તો બીજો વધે.

પરમ પૂજ્ય દાદા ભગવાન વૈજ્ઞાનિક દૃષ્ટિએ ઉકેલ આપતા કહે છે, કે ક્રોધ એ પરિણામ છે. એના કારણો ફેરવવાથી ક્રોધ બંધ થઈ શકે. આ કારણો કયા છે અને કારણોને ભાંગવાના ઉપાયો શું, તેની પણ વિગતવાર સમજણ પરમ પૂજ્ય દાદાશ્રી આપણને આપે છે.

પરિણામ તો, કૉઝીઝ ફેરવ્યે જ ફરે!!

દાદાશ્રી : એક ભાઈ મને કહે કે, ‘અનંત અવતારથી આ ક્રોધને કાઢીએ છીએ, પણ એ ક્રોધ કેમ જતો નથી?’ ત્યારે મેં કહ્યું કે, ‘તમે ક્રોધ કાઢવાના ઉપાય નહીં જાણતા હો.’ ત્યારે એ કહે કે, ‘ક્રોધ કાઢવાના ઉપાય તો શાસ્ત્રમાં લખ્યા છે એ બધા ય કરીએ છીએ, છતાં પણ ક્રોધ નથી જતો.’ ત્યારે મેં કહ્યું કે, ‘સમ્યક્ ઉપાય હોવો જોઈએ.’ ત્યારે કહે કે, ‘સમ્યક્ ઉપાય તો બહુ વાંચ્યા, પણ એમાં કશું કામ આવ્યા નહીં. પછી મેં કહ્યું કે, ‘ક્રોધને બંધ કરવાનો ઉપાય ખોળવો એ મૂર્ખતા છે, કારણ કે ક્રોધ એ તો પરિણામ છે. જેમ પરીક્ષા તમે આપી હોય ને રિઝલ્ટ આવ્યું, હવે હું રિઝલ્ટને નાશ કરવાનો ઉપાય કરું, એના જેવી વાત થઈ. આ રિઝલ્ટ આવ્યું એ શેનું પરિણામ છે, તેને આપણે ફેરફાર કરવાની જરૂર છે.’

આપણા લોકોએ શું કહ્યું કે, ‘ક્રોધને દબાવો, ક્રોધને કાઢો.’ અલ્યા, શું કરવા આમ કરે છે? વગર કામના મગજ બગાડો છો! છતાં ક્રોધ નીકળતો તો છે નહીં. તો ય પેલા કહેશે કે, ‘ના સાહેબ, થોડો ઘણો ક્રોધ દબાયો છે.’ અલ્યા, એ મહીં છે ત્યાં સુધી એ દબાયેલો ના કહેવાય. ત્યારે પેલા ભાઈ કહે કે, ‘તો આપની પાસે બીજો કોઈ ઉપાય છે?’ મેં કહ્યું, ‘હા, ઉપાય છે, તમે કરશો?’ ત્યારે એ કહે ‘હા.’ ત્યારે મેં કહ્યું કે, ‘એક વાર તો નોંધ કરો કે આ જગતમાં ખાસ કરીને કોની ઉપર ક્રોધ આવે છે?’ જ્યાં જ્યાં ક્રોધ આવે, એને ‘નોટ’ કરી લે અને જ્યાં ક્રોધ નથી આવતો, તેને પણ જાણી લે. એક વાર લિસ્ટમાં નાખી દે કે આ માણસ જોડે ક્રોધ નથી આવતો. કેટલાક માણસ અવળું કરે તો ય એની પર ક્રોધ ના આવે અને કેટલાંક તો બિચારો સવળું કરતો હોય તો ય એની પર ક્રોધ આવે, એટલે કંઈક કારણ હશે ને?

પ્રશ્નકર્તા : પેલા માટે મનની અંદર ગ્રંથિ બંધાઈ ગઈ હશે?

દાદાશ્રી : હા, ગ્રંથિ બંધાઈ ગયેલી છે. તે ગ્રંથિ છોડવા હવે શું કરવું? પરીક્ષા તો અપાઈ ગઈ. જેટલી વખત એની જોડે ક્રોધ થવાનો છે એટલો વખત થઈ જવાનો છે અને એના માટે ગ્રંથિ પણ બંધાઈ ગયેલી છે, પણ હવેથી આપણે શું કરવું જોઈએ? જેના ઉપર ક્રોધ આવતો હોય, એના માટે મન બગડવા ના દેવું જોઈએ. મન સુધારવું કે ભઈ, આપણા પ્રારબ્ધના હિસાબે આ માણસ આવું કરે છે. એ જે જે કરે છે એ આપણા કર્મના ઉદય છે માટે એવું કરે છે. એવી રીતે આપણે મનને સુધારવું. મન સુધાર સુધાર કરશો અને સામાની જોડે મન સુધરે એટલે પછી એની જોડે ક્રોધ આવતો બંધ થાય. થોડો વખત પાછલી ઇફેક્ટ છે, પહેલાંની ઇફેક્ટ, એટલી ઇફેક્ટ આપીને પછી બંધ થઈ જશે.

આ જરા ઝીણી વાત છે અને લોકોને જડી નથી. દરેકનો ઉપાય તો હોય જ ને? ઉપાય વગર તો જગત હોય જ નહીં ને! જગત તો પરિણામને જ નાશ કરવા માંગે છે. એટલે ક્રોધ-માન-માયા-લોભનો ઉપાય આ છે. પરિણામને કશું ના કરો, એના કૉઝીઝને ઉડાડો તો આ બધા ય જતાં રહેશે. એટલે પોતે વિચારક હોવો જોઈએ. નહીં તો અજાગૃત હોય તો શી રીતે ઉપાય કરે?

પ્રશ્નકર્તા : કૉઝીઝ કેવી રીતે ઉડાડવાં, એ ફરી જરા સમજાવોને!

દાદાશ્રી : આ ભાઈ જોડે મને ક્રોધ આવતો હોય તો પછી હું નક્કી કરું કે આની જોડે ક્રોધ આવે છે, એ મારા પહેલાંના એના દોષો જોવાનું પરિણામ છે. હવે એ જે જે દોષો કરે તે મન ઉપર ના લઉં તો પછી એના તરફનો ક્રોધ બંધ થતો જાય, પણ થોડાં પૂર્વપરિણામ હોય એટલાં આવી જાય, પણ પછી બીજું આગળ બંધ થઈ જાય.

પ્રશ્નકર્તા : બીજાના દોષ જોવાય, તેનાથી ક્રોધ આવે છે?

દાદાશ્રી : હા. એ દોષો જોઈએ છીએ, એને પણ આપણે જાણી રાખવું કે આ પણ ખોટાં પરિણામ છે. એટલે આ ખોટાં પરિણામ જોવાનું બંધ થઈ જાય, તે પછી ક્રોધ બંધ થઈ જાય. આપણે દોષ જોવાનું બંધ થઈ ગયું, એટલે બધું બંધ થઈ ગયું.

ક્રોધના મૂળમાં અહંકારને ઓળખો

પરમ પૂજ્ય દાદા ભગવાન ક્રોધના મૂળને ઓળખી ત્યાંથી જ તેને નાબૂદ કરવાની સુંદર ચાવી આપે છે. તેઓશ્રી કહે છે કે ક્રોધને દબાવવાથી એ નાશ પામતો નથી. પણ ક્રોધ ઊભો થવા પાછળ કયો અહંકાર કામ કરે છે તે ઓળખવાથી ક્રોધ બંધ થઈ શકે છે.

કેવા પ્રકારનાં અહંકારથી ક્રોધ થાય છે? તેની તપાસ કરવી જોઈએ. આ છોકરાએ પ્યાલો ફોડ્યો તો ક્રોધ થઈ ગયો, ત્યારે આપણે અહંકાર કેવો છે, આ પ્યાલામાં ખોટ જશે એવો અહંકાર છે. નફા-નુકસાનનો અહંકાર છે આપણને. એટલે નફા-નુકસાનના અહંકારને, એને વિચારીને નિર્મૂળ કરો જરા, ખોટા અહંકારને સંઘરી રાખીને ક્રોધ થયા કરે. ક્રોધ છે, લોભ છે, તે તો ખરેખરા મૂળમાં બધા અહંકાર જ છે.

સાચી સમજણથી ક્રોધ શાંત

જેમ ડુંગર પરથી પથ્થર ગબડતો ગબડતો માથામાં વાગે ત્યારે કોઈ નિમિત્ત નથી દેખાતો એટલે ક્રોધ નથી આવતો. પણ જયારે એ જ પથ્થર કોઈ છોકરાએ માર્યો હોય તો આપણને છોકરા ઉપર ક્રોધ આવે છે. ખરેખર જોઈએ તો ડુંગર ઉપરથી પથરો ગબડતો ગબડતો આવવો, અને કોઈ છોકરો પથ્થર મારે એ બેઉ સરખું જ છે. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, આ જે તમારી સામે આવે છે, એ તો નિમિત્ત છે અને તમારા જ કર્મનું ફળ આપે છે. એ નિમિત્ત બની ગયો છે. હવે એવું સમજાય તો ક્રોધ કંટ્રોલમાં આવે.

જેમ આપણે રસ્તા ઉપર ગાડી લઈને જતા હોઈએ, અને સામેથી બીજું વાહન રોંગ સાઈડથી આવતું હોય, તો આપણે એની સાથે અથડાઈએ છીએ? ના. કારણ કે, ત્યાં આપણને ભાન રહે છે કે અહીં અથડાઈશ તો મારું મૃત્યુ થશે. ક્રોધ કરવાથી પણ આપણે સામી વ્યક્તિ સાથે અથડાઈએ જ છીએ. ક્યારેક બોલીને કે ઝગડીને સ્થૂળ અથડામણ કરીએ છીએ, તો ક્યારેક મનથી ભાવ બગાડીને કે દોષિત જોઈને સૂક્ષ્મ રીતે અથડાઈએ છીએ. એક્સિડન્ટમાં તો દેખીતું મૃત્યુ થાય છે, જયારે ક્રોધ કરવાથી એના કરતા પણ વધારે નુકસાન થાય છે.

બધા પાસાં અવળા પડો

આપણા ધાર્યા પ્રમાણે પરિણામ ન આવે ત્યારે અંદર અકળામણ અને ક્રોધ થઈ જાય છે. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે સામાના ધાર્યા પ્રમાણે કરીએ તો આપણી આડાઈઓ જતી રહે છે. આપણે રમતમાં બધા પાસાં સવળા પડે એવી આશા રાખીને પાસાં ફેંકીએ, અને એમાં કેટલાક ઊંધા પડે તો આપણે દુઃખી થઈ જઈએ અથવા ક્રોધિત થઈએ. પણ “બધા પાસાં ઊંધા પડજો.” એવો વિચાર કરીને પાસાં નાખીએ તો જેટલાં છત્તા પડે એટલા સાચા. એમ સમજણથી એડજસ્ટમેન્ટ લઈ લઈએ તો આપણને અકળામણ ન થાય.

સામાના લેવલ પર આવવું

જયારે આપણા વિચારોની સ્પીડ સામાના વિચારોની સ્પીડ કરતા વધારે હોય, ત્યારે સામાને આપણી વાત પહોંચતી નથી અને આપણને અંદર અકળામણ થાય અથવા સામી વ્યક્તિ ઉપર ક્રોધ થઈ જાય છે.

એનો ઉપાય આપતા પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે આવા સમયે આપણે આપણા રિવોલ્યુશન (વિચારોની સ્પીડ) ધીમા કરી નાખવા જોઈએ. તેઓશ્રી ઉદાહરણ આપે છે કે એક લાઈટ ડીમ હોય અને બીજી લાઈટ હાઈ વોલ્ટેજની હોય, તો ડીમ લાઈટનો પ્રકાશ વધારી નહીં શકાય, પણ વધારે પ્રકાશવાળી લાઈટને ડીમ કરી શકાય. તે જ રીતે આપણી પાસે વધુ સમજણરૂપી પ્રકાશ હોય તો સામી વ્યક્તિ સાથે એવું એડજસ્ટમેન્ટ લઈ શકીએ, જેથી મતભેદ ના સર્જાય. પરિણામે અંદર અકળામણ કે બહાર ક્રોધ ઉત્પન્ન ન થાય.

પ્રતિક્રમણ

ક્રોધ ખોટો છે જાણવા છતાં, ક્રોધ થઈ જાય પછી શું કરવું?

ત્યારે પોતે જે ભગવાનને માનતા હોઈએ તેમને યાદ કરીને પ્રાર્થના કરવી કે, “હે ભગવાન! જબરજસ્ત ક્રોધ થયો. સામાને કેટલું દુઃખ થયું! એની માફી માગું છું, આપની રૂબરૂમાં ખૂબ માફી માગું છું.” એમ મનમાં ને મનમાં સામી વ્યક્તિના આત્માને યાદ કરીને માફી માંગવી, ફરી આવી ભૂલ નહીં થાય તેવું નક્કી કરવું, અને તે માટે ભગવાન પાસે શક્તિઓ માંગવી. સાચા દિલના પસ્તાવાથી વહેલું મોડું પણ આ દોષમાંથી મુક્ત થવાય છે.

ક્રોધનું રક્ષણ ન કરીએ

કોઈ શિક્ષક એના વિદ્યાર્થી ઉપર ગુસ્સો કરતા હોય ત્યારે કોઈ કહે કે, “આને શું કામ આટલું વઢો છો?” ત્યારે જો શિક્ષક કહે કે, “એને વઢવા જેવો જ છે!” એટલે ક્રોધનું રક્ષણ થઈ ગયું. છોકરાના પિતા ક્રોધે ભરાઈને એના છોકરા ઉપર હાથ ઉપાડતા હોય ત્યારે કઈ રીતે ક્રોધને રક્ષણ મળે છે એ વાત પરમ પૂજ્ય દાદા ભગવાન આપણને સમજાવે છે.

દાદાશ્રી : “છોકરાંને મારે, ખૂબ ક્રોધે થઈને મારે, પછી બાઈ કહેશે, 'આવું શું કરવા છોકરાને બિચારાને માર્યો?' ત્યારે કહેશે, 'તું ના સમજે, મારવા જેવો જ છે.' એટલે ક્રોધ સમજી જાય કે, 'ઓહોહો, મારો ખોરાક આપ્યો!' ભૂલ તો નથી જાણતો, પણ હજુ મારવા જેવો છે, એવો અભિપ્રાય આપ્યો છે, માટે આ મને ખોરાક આપે છે.' આને ખોરાક આપ્યો કહેવાય.

આપણે ક્રોધને એન્કરેજ કરીએ, ક્રોધને સારો ગણીએ, એ એને ખોરાક આપ્યો કહેવાય. ક્રોધને 'ક્રોધ ખરાબ છે' એવું જાણીએ તો એને ખોરાક ન આપ્યો કહેવાય. ક્રોધનું ઉપરાણું ખેંચ્યું, એનો પક્ષ લીધો તો એને ખોરાક મળી ગયો. તે ખોરાકથી તો જીવી રહ્યા છે.”

ક્રોધ ખોટો છે એવું જાણવા છતાં આપણે ક્રોધનું આ રીતે ઉપરાણું લઈએ છીએ, એટલે ક્રોધને એક્સ્ટેન્શન મળી જાય છે. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, કોઈપણ દોષનું રક્ષણ કરવાથી બીજા વીસ વર્ષ સુધી એ દોષ ચાલુ રહે છે. રક્ષણ કરવાથી ખૂબ પ્રયત્નો કરવા છતાં ક્રોધ કાબૂમાં આવતો નથી.

ભેદજ્ઞાનથી છૂટે કષાયો

ક્રોધમાંથી મુક્ત થવાનો બીજો એક ઉપાય છે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ. આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી તીવ્ર ક્રોધ કષાયો મોળા પડે છે. અક્રમ વિજ્ઞાન થકી આ કાળમાં આત્માનું જ્ઞાન મળવું શક્ય બન્યું છે. જેમાં જ્ઞાનવિધિના પ્રયોગ પછી ઘણાનો અનુભવ છે કે તેમનો ૮૦% ક્રોધ ખલાસ થઈ જાય છે.

×
Share on