Related Questions

હું ક્રોધ પર કેવી રીતે નિયંત્રણ કરી શકું?

પ્રશ્નકર્તા : મારું કોઈ નજીકનું હોય, તેના પર હું ક્રોધિત થઈ જાઉં. એ કદાચ એની દ્રષ્ટિએ સાચો પણ હોય. પણ હું મારી દ્રષ્ટિએ ક્રોધિત થાઉં, તો શા કારણે ક્રોધિત થઈ જાઉં છું ?

દાદાશ્રી : તમે આવતા હોય અને આ મકાન ઉપરથી એક પથ્થર પડ્યો માથા પર, ને તે લોહી નીકળ્યું, તો તે ઘડીએ ક્રોધ બહુ કરો ?

પ્રશ્નકર્તા : નહીં, એ તો 'હેપન' (બની ગયું) છે.

દાદાશ્રી : ના, પણ ક્રોધ કેમ કરતા નથી ત્યાં આગળ ? એટલે પોતે કોઈને દેખો નહીં, એટલે ક્રોધ કેવી રીતે થાય ?

પ્રશ્નકર્તા : કોઈએ જાણી-જોઈને માર્યો નથી.

દાદાશ્રી : અને હમણે બહાર જાય ને એક છોકરો છે તે એ ઢેખાળો (પથ્થર) મારે અને આપણને વાગે ને લોહી નીકળે એટલે આપણે એને ક્રોધ કરીએ. શાથી ? પેલો મને ઢેખાળો માર્યો, માટે લોહી નીકળ્યું ને એટલે ક્રોધ કરે કે કેમ માર્યો તેં ? અને ડુંગર ઉપરથી ગબડતો ગબડતો પથ્થર પડે અને માથામાં લોહી નીકળે તો પછી જોઈ લે પણ ક્રોધ ના કરે !

આ તો એના મનમાં એમ લાગે કે આ જ કરે છે. કોઈ માણસ જાણી જોઈને મારી શકતો જ નથી. એટલે ડુંગર ઉપરથી ગબડવું અને આ માણસ પથ્થર મારે એ બેઉ સરખું જ છે. પણ ભ્રાંતિથી એવું દેખાય છે કે આ કરે છે. આ વર્લ્ડમાં કોઈ માણસને સંડાસ જવાની શક્તિ નથી.

આપણે એમ જાણીએ કે જાણી-જોઈને કોઈએ માર્યો નથી, એટલે ત્યાં ક્રોધ નથી કરતો. પછી કહે છે, 'મને ક્રોધ આવી જાય છે. મારો સ્વભાવ ક્રોધી છે.' મૂઆ સ્વભાવથી ક્રોધ નથી આવી જતો. ત્યાં પોલીસવાળા જોડે કેમ નથી આવતો ? પોલીસવાળા ટૈડકાવે તે ઘડીએ કેમ ક્રોધ નથી આવતો ? એને વહુ જોડે ગુસ્સો આવે, છોકરાં પર ક્રોધ આવે, પાડોશી પર, 'અન્ડરહેન્ડ' (હાથ નીચેના) જોડે ક્રોધ આવે ને 'બોસ' (સાહેબ) જોડે કેમ નથી આવતો ? ક્રોધ એમ ને એમ સ્વભાવથી માણસને આવી શકતો નથી. આ તો એને એનું ધાર્યું કરવું છે.

પ્રશ્નકર્તા : કેવી રીતે કંટ્રોલ કરવો ?

દાદાશ્રી : સમજણથી. આ જે તમારી સામે આવે છે, એ તો નિમિત્ત છે અને તમારા જ કર્મનું ફળ આપે છે. એ નિમિત્ત બની ગયો છે. હવે એવું સમજાય તો ક્રોધ કંટ્રોલમાં આવે. જ્યારે પથ્થર ડુંગર પરથી પડે છે તેવું જુઓ છો ત્યારે ક્રોધ કંટ્રોલમાં આવી જાય છે. તો આમાં ય સમજી લેવાની જરૂર છે કે ભઈ, આ બધું ડુંગર જેવું જ છે.

રસ્તામાં બીજો કોઈ ગાડીવાળો ખોટે રસ્તે આપણી સામે આવતો હોય તો ના વઢેને ? ક્રોધ ના કરે ને ? કેમ ? આપણે અથાડીને તોડી પાડો એને, એવું કરે ? ના. તો ત્યાં કેમ નથી કરતો ? ત્યાં ડાહ્યો થઈ જાય છે કે હું મરી જઈશ. ત્યારે મૂઆ તેના કરતાં વધારે મરી જાવ છો આ ક્રોધમાં તો, પણ આનું દેખાતું નથી ચિત્રપટ ને પેલું દેખાય છે ઊઘાડું, એટલો જ ફેર છે ! ત્યાં રોડ ઉપર સામું ના કરે ? ક્રોધ ના કરે, સામાની ભૂલ હોય તો ય ?

પ્રશ્નકર્તા : નહીં.

દાદાશ્રી : એવું જીવનમાં ય સમજી લેવાની જરૂર છે.

×
Share on
Copy