Related Questions

પતિ-પત્નીના સંબંધોમાં ક્રોધ કેમ થાય છે?

પતિ પત્નીમાં ક્રોધથી દુઃખ આપવાના સૌથી મોટા કારણોમાં આવે છે, એકબીજા માટેની અપેક્ષાઓ, અભિપ્રાયો, અણસમજણ અને પરિણામે સર્જાતી અથડામણો. ઘણીવાર એક વ્યક્તિ પોતાનું ધાર્યું સામા ઉપર કરાવવા જાય, અને સામો માને નહીં એટલે પછી ક્રોધનું હથિયાર ઉગામી દેવાય. પાછો કુદરતનો નિયમ છે કે, એકબીજાથી વિરુદ્ધ પ્રકૃતિ એક જ ઘરમાં ભેગી થાય. જેમ કે, એકને ઠંડી ફાવે તો બીજાને ગરમી. એકને બહાર ફરવાનો શોખ હોય તો બીજાને ઘરમાં રહેવાનો. નાની કે મોટી બાબતોમાં હસબન્ડ-વાઈફ વચ્ચે મતભેદ ઊભા થાય, અને તેનું સમાધાન કરતાં બેઉને ફાવે નહીં, એટલે વ્યવહાર વધારે ને વધારે ગૂંચાયા કરે છે. પતિ-પત્ની બંને એકબીજા સાથે એડજસ્ટમેન્ટ લઈ ના શકે, એટલે એકબીજા માટે અકળામણ, દ્વેષ અને ક્રોધ થઈ જાય છે.

પતિ-પત્ની વચ્ચે ક્રોધ થઈ જવા પાછળ કયા કારણો કામ કરે છે, અને તેમાં કઈ સમજણથી વર્તવું જેથી લગ્નસંબંધોમાં ક્રોધની સમસ્યા નિવારી શકાય તેના અનેક ઉપાયો પરમ પૂજ્ય દાદા ભગવાન આપણને આપે છે.

માન્યતા બદલવી

દરેક સમસ્યા પાછળ કોઈક ને કોઈક માન્યતા કામ કરતી હોય છે. જ્યાં સુધી એ માન્યતા છેદાય નહીં ત્યાં સુધી સમસ્યા ઊભી ને ઊભી જ રહે છે.

આવી જ એક માન્યતા હોય છે કે, “પતિ-પત્નીમાં ઝઘડા તો થાય, ત્યારે જ પ્રેમ વધે!” આ માન્યતા ઉપર પરમ પૂજ્ય દાદા ભગવાનની વાણી થકી અહીં ઘસરકો પડે છે.

પ્રશ્નકર્તા : પતિ-પત્ની વચ્ચે થોડો ક્રોધ તો હોવો જ જોઈએ ને?

દાદાશ્રી : ના. એવો કંઈ કાયદો નથી. પતિ-પત્નીમાં તો બહુ શાંતિ રહેવી જોઈએ. આ દુઃખ થાય એ પતિ-પત્ની જ ન હોય. સાચી ફ્રેન્ડશીપમાં દુઃખ થતું નથી. તો આ તો મોટામાં મોટી ફ્રેન્ડશીપ કહેવાય! અહીં ક્રોધ ના થાય, આ તો લોકોએ ઠોકી બેસાડેલું, પોતાને થાય એટલે ઠોકી બેસાડેલું, કાયદો આવો જ છે, કહેશે! પતિ-પત્નીમાં તો બિલકુલ દુઃખ ના થવું જોઈએ, બીજે બધે થાય.

આપણે એમ પણ સાંભળતા આવ્યા છીએ કે “ઘરમાં વાસણ હોય તો ખખડે!”. પણ પરમ પૂજ્ય દાદા ભગવાન આ લૌકિક માન્યતાથી વિરુદ્ધ નવી જ દૃષ્ટિ આપે છે.

દાદાશ્રી: વાસણ રોજ રોજ ખખડવાનું કેમનું ફાવે? આ તો સમજતો નથી તેથી ફાવે છે. જાગૃત હોય તેને તો એક મતભેદ પડ્યો તો આખી રાત ઊંઘ ના આવે! આ (માણસરૂપી)  વાસણોને તો સ્પંદનો છે, તે રાત્રે સૂતાં સૂતાં ય સ્પંદનો કર્યા કરે કે 'આ તો આવાં છે, વાંકા છે, ઊંધા છે, નાલાયક છે, કાઢી મેલવા જેવા છે!' અને પેલાં વાસણોને કંઈ સ્પંદન છે? આપણા લોક સમજ્યા વગર ટાપસી પૂરે કે બે વાસણો જોડે હોય તો ખખડે! મેરચક્કર, આપણે કંઈ વાસણ છીએ કે આપણને ખખડાટ હોય?  

ઉદાહરણ તરીકે, પતિને ઓફિસ જવાનો ટાઈમ થયો હોય અને ચા બનવામાં મોડું થયું હોય, ત્યારે એ સવાર-સવારમાં ઉઠીને ગુસ્સો કરે કે “મારી ચા ક્યાં છે? કેમ મોડું થયું?” અને ટેબલ ઉપર ત્રણ વાર હાથ ઠોકીએ તો જવાબદારી કોની? પત્ની એ સમયે તો બોલે નહીં, પણ અંદર સ્પંદન ઊભા થઈ જાય કે “તે દિવસે મને આવું કીધું, હું જોઈ લઈશ!” અને સમય આવ્યે એનો બદલો લેવાય. આજકાલ પત્નીઓ પણ નોકરી કરે છે, પોતે પણ પૈસા કમાય છે. ઘણીવાર પત્ની પણ પતિ ઉપર રોફ મારતા કહે કે, “તમારામાં અક્કલ જ નથી! તમને કંઈ સમજાતું જ નથી!” એટલે પછી પતિનો ય અહંકાર વીફરે છે. આમ સામસામે સ્પંદનોનું વહેણ ચાલ્યા કરે અને બંને વચ્ચે ભેદની દીવાલ ચણાતી જાય છે.

એટલે સૌથી પહેલાં તો આપણી માન્યતામાં એ ન હોવું જોઈએ, કે પતિ-પત્નીમાં ક્રોધ કરવો જરૂરી છે.

બીજાનો ગુસ્સો પતિ કે પત્ની પર ન કાઢવો

સામાન્ય રીતે પત્નીની ફરિયાદ હોય છે કે પતિને ધંધામાં ખોટ ગઈ હોય, અથવા નોકરીમાં બોસ ગુસ્સે થયા હોય ત્યારે ઘરમાં બધો ગુસ્સો પત્ની ઉપર કાઢે છે. પતિ પણ ફરિયાદ કરતા હોય કે પત્નીને ઘરમાં સાસુ-સસરા સાથે ખીટપીટ થઈ હોય, અથવા બાળકો કહ્યું માનતા ના હોય, તો પતિના ઘરમાં પગ મૂકતા જ પત્ની બધો ગુસ્સો એના ઉપર કાઢે છે. જે રીતે પ્રેશર કૂકરમાં વરાળનું દબાણ વધી ગયું હોય અને ફાટે તે જ રીતે પ્રેશર વખતે બીજી વ્યક્તિઓ ઉપર ક્રોધ થઈ જાય છે.

ત્યારે જો એમ ખ્યાલમાં રહે કે, દુનિયામાં કિંમતીમાં કિંમતી કોઈ વસ્તુ હોય તો તે છે આપણા મનની શાંતિ. નાની નાની બાબતોમાં અશાંતિ થાય, આર્તધ્યાન, રૌદ્રધ્યાન થાય તો ઘરની શાંતિ ડહોળાય છે. એટલે બહારની કોઈ ચીજની એટલી વેલ્યુ ના મૂકવી જોઈએ જેનાથી આપણા ઘરમાં અશાંતિ થાય.

બીજું, આપણા કષાયો જ આપણને ક્રોધ કરાવે છે. ધંધામાં નફો મેળવવાનો લોભ હતો તેથી જ ખોટ જવાથી ક્રોધ આવ્યો. નોકરીમાં માન મેળવવાની આશા હતી ત્યારે જ બોસે અપમાન કર્યું તો ક્રોધ આવ્યો. ક્રોધના કારણો ઉપર જો આપણી જાગૃતિ હોય તો નિમિત્ત નિર્દોષ દેખાય, બુદ્ધિ શાંત પડે છે અને બીજી વ્યક્તિ ઉપર ગુસ્સો નથી નીકળતો.

બાળકોની હાજરીમાં ઝઘડવું નહીં

પતિ-પત્નીમાં ઘણી વખત બાળકોને લઈને પણ ક્રોધ થઈ જતો હોય છે. છોકરા ઉપર રાગ હોય, એટલે એને દુઃખ આપે તેના પ્રત્યે દ્વેષ થઈ જાય. જેમ કે, પતિ એમના બાળક ઉપર ગુસ્સો કરે તો પત્નીને પતિ માટે દ્વેષ થાય, અને પત્ની બાળકો સાથે કચકચ કરે તો પતિને પત્ની માટે દ્વેષ થાય. પરિણામે બાળકોની હાજરીમાં જ પતિ-પત્ની એકબીજા ઉપર અકળાઈ જતા હોય છે.

આવા સમયે પતિ-પત્નીએ એકબીજાની ભૂલ ના કાઢવી જોઈએ. ઊલટું શાંતિથી સમજાવવું જોઈએ કે “બાળકો એમની સમજણ પ્રમાણે કરે છે. આપણે એમને સમજાવીને કામ લેવું જોઈએ. જો ઘરમાં જ એમને વઢીશું તો એ લોકો ક્યાં જશે?” એમ પ્રેમથી કામ લેવું જોઈએ. પતિ-પત્નીએ છોકરાંઓની હાજરીમાં ક્યારેય એકબીજા ઉપર ગુસ્સો ના જ કરવો જોઈએ.

સામો ભડકે ત્યાં શાંત રહેવું

ઔરંગાબાદમાં એક મુસલમાન છોકરી પરમ પૂજ્ય દાદા ભગવાન પાસે આવી હતી. એની સગાઈ નક્કી થઈ હતી. પરમ પૂજ્ય દાદાશ્રીએ તેને પૂછયું કે લગ્ન પછી પતિ સાથે કેવી રીતે વર્તવું? એની જોડે મેળ પડશે કે નહીં? એ વિચારી રાખ્યું છે? લગ્ન પછીની કોઈ તૈયારીઓ એણે કરી રાખી છે? ત્યારે છોકરીએ જવાબ આપ્યો કે “મેં બધી તૈયારી કરી રાખી છે. એ જરાક આમ બોલશે તો હું સામો આવો જવાબ આપીશ, એ આમ કહેશે તો હું આમ કહીશ, એ આમ કહેશે તો... એક-એક બધા જવાબો મારી પાસે તૈયાર છે!” પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, જેમ યુદ્ધમાં સામસામી તૈયારીઓ કરે તેમ આ મતભેદ પાડવાની જ તૈયારીઓ કરી રાખી હતી. પેલો(પતિ) ઝઘડો કરે તે પહેલાં જ (પત્ની) ફોડે! સામો આમ સળગાવે તો આપણે આમ સળગાવવાનું, એ આમ તીર છોડે, ત્યારે આપણે આ બાજુ છોડવાનું. આ તો ઘરમાં જ ઠંડુ યુદ્ધ ઊભું કર્યું, એ શમે ખરું? આ રીતે તો છ મહિનામાં જ તલાક (છૂટાછેડા) થઈ જશે, અને જો તલાક ના જોઈતા હોય તો તેની આ રીત ખોટી છે.

પછી તેઓશ્રીએ છોકરીને સમજણ પાડી કે, “એનો મૂડ જોઈને ચાલવાનું. એનો મૂડ જોજે અને અત્યારે મૂડમાં ના હોય, તો આપણે અંદર ‘અલ્લાહ’નું નામ લીધા કરવું, અને મૂડ ફરે એટલે આપણે એની જોડે વાતચીત ચાલુ કરવી. એ મૂડમાં ના હોય અને તું સળી કરું, એટલે ભડકો થશે કંઈ! એને નિર્દોષ તારે જોવા. એ તને અવળું બોલે તો ય તારે શાંતિ રાખવી, પ્રેમ સાચો હોવો જોઈએ. આસક્તિમાં તો છ-બાર મહિનામાં પછી પાછું તૂટી જ જવાનું. પ્રેમ સહનશીલતાવાળો હોવો જોઈએ, એડજસ્ટેબલ હોવો જોઈએ.”

આપણે શાંત રહીએ અને સામો લડવા આવે ત્યારે શું કરવું? એ પ્રશ્નના જવાબમાં પરમ પૂજ્ય દાદા ભગવાને કહ્યું કે, “કશું ય નહીં, એ આમનું તીર ઠોકે તો તું સ્થિરતા પકડીને અલ્લાહનું (અથવા જેમાં શ્રદ્ધા હોય તે ભગવાનનું) નામ યાદ કરજે. ફરી આમનું ઠોકે તો સ્થિરતા પકડીને ફરી એમને યાદ કરજે. તું ના એકુંય ફેંકીશ!” આવી અલૌકિક સમજણ એક જ્ઞાની પુરુષ સિવાય આ જગતમાં કોણ આપે?

એકબીજાને પ્રેમથી મનાવી લેવું

પતિ કે પત્નીમાંથી કોઈ એક ગરમ થઈ જાય તો બીજાએ નરમ થઈ જવું. નરમ કેવી રીતે થવું? પતિ ગરમ થઈને આવે, ત્યારે તેમને ગરમાગરમ ચા હાથમાં આપવી એટલે ઠંડા પડે. આપણે સામે કોઈ ફરિયાદ કે રીએક્શન કર્યા વગર પોઝિટિવ કરીને પ્રેમથી વાતાવરણ બદલી નાખવું. પતિ રોફવાળા હતા ત્યારે જ તો તમે એમને પસંદ કર્યા, તો હવે નભાવી લેવાનું.

પત્ની ક્રોધ કરે ત્યારે પતિએ શું કરવું, તેની સમજણ આપતા પરમ પૂજ્ય દાદા ભગવાન એક સુંદર પ્રસંગનું વર્ણન કરે છે. તેઓશ્રી એક ભાઈના ઘરે ગયા હતા. એ કડિયાનું કામ કરતા હતા, અને ઘરમાં બે રૂમો હતી. પરમ પૂજ્ય દાદાશ્રીએ તેને પૂછ્યું, “આ બીબી પજવતી નથી કે તને? ત્યારે કહે છે, બીબીને તો ક્રોધ થઈ જાય પણ હું ક્રોધ ના કરું. મેં કહ્યું, કેમ એમ? ત્યારે કહે છે, તો તો પછી એ ક્રોધ કરે અને હું ય ક્રોધ કરું, પછી આ બે રૂમોમાં એ ક્યાં સૂઈ જાય ને હું ક્યાં સૂઈ જઉં? એ અવળી ફરીને સૂઈ જાય, હું અવળો ફરીને સૂઈ જઉં, એમાં તો સવારમાં ચા ય સારી ના મળે મને તો. એ જ મને સુખ આપનારી છે, એને લીધે સુખ છે મારું! મેં કહ્યું, બીબી કોઈ વખત ક્રોધ કરે તો? ત્યારે કહે, એને મનાવી લઉં. યાર જાને દે ને! મેરી હાલત મૈં જાનતા હું, એમ તેમ કરીને મનાવી લઉં. પણ એને ખુશ રાખું. બહાર મારીને આવું પણ ઘરમાં ના મારું.”

ગુસ્સો ન કરવાથી પ્રભાવ પડે

સામાન્ય રીતે રસોઈ સારી ન બની હોય તો પતિ પત્ની ઉપર ગુસ્સે થઈ જાય છે. પરમ પૂજ્ય દાદા ભગવાનના પોતાના લગ્નજીવનમાં પણ આવા ઘણા પ્રસંગો બન્યા હતા. પણ તેઓશ્રી તેમના પત્ની હીરાબા ઉપર ક્યારેય ગુસ્સે નહોતા થતા, અને તોય તેમનો પ્રભાવ પડતો હતો! જ્ઞાની પુરુષનો જીવન વ્યવહાર અને તેની પાછળ તેઓશ્રીની સમજણ આપણને ખૂબ ઉપયોગી થઈ પડે છે. એવી જ એક સમજણ અહીં ખુલ્લી થાય છે.

પ્રશ્નકર્તા : હીરાબાથી રસોઈ બરાબર ના થઈ હોય તોય ના લડો?

દાદાશ્રી : રસોઈ બરાબર ના થઈ એમ નહીં, એ આમ દેવતા લઈને જતા હોય ને મારી પર પડે તોય ના લડું.

પ્રશ્નકર્તા : તો પછી આપનાથી ગભરાય કેમ?

દાદાશ્રી : એ જ, હું ના લડું એટલે જ ગભરામણ બેસે. લડવાથી માણસનું વજન તૂટી જાય. એક ફેરો કૂતરો ભસ્યો, એટલે પેલાં સમજી જાય કે આનામાં બરકત નથી, બરકત વગરનો છે. એ નહીં બોલવાથી જ વજન પડે અને 'ભાભો ભારમાં, તો વહુ લાજમાં', એ સમજાય એવી વાત છે.

પ્રશ્નકર્તા : બરાબર સમજાયું.

દિલથી માફી માંગવી

પરમ પૂજ્ય દાદા ભગવાન શીખવાડે છે કે જો ઘરમાં શાંતિ જોઈતી હોય તો નક્કી કરવાનું કે મનથી, વચનથી કે વર્તનથી કોઈને દુઃખ આપવું નથી. કોઈ દુઃખ આપી જાય તો નવું ધીર્યા વગર જમા કરવું. કારણ કે, આપણે વેર-ઝેર વધારવું નથી. જેમ સફેદ કુરતા ઉપર ચાનો ડાઘ પડ્યો હોય અને આપણે બીજા દિવસે પાણી, સાબુ, બ્લીચ નાખીએ તો પણ ડાઘ ચોખ્ખો ના થાય. પણ જો ડાઘ પડતાંની સાથે ત્યારે ને ત્યારે પાણીથી જ ધોઈ નાખીએ તો ડાઘ જતો રહે છે. તે જ રીતે, રોજ રાત્રે 10-15 મિનીટ બેસીને આખા દિવસમાં આપણાથી કોઈને દુઃખ અપાયું હોય તેની દિલથી માફી માંગી લઈએ તો આપણો ગુનો ધોવાઈ જાય છે.

આપણે ક્રોધ ના કરવો હોય છતાં થઈ જાય, અને બોલ્યા પછી આપણો જીવ વધારે બળ્યા કરે કે ‘ખોટો ગુસ્સો થઈ ગયો’ તો બે-ત્રણ વખત ચોખ્ખા દિલથી, ચોક્કસ રીતે પ્રતિક્રમણ કરવા કે, “હે દાદા ભગવાન! જબરજસ્ત ક્રોધ થયો. સામાને કેટલું દુઃખ થયું! એની માફી માગું છું, આપની રૂબરૂમાં ખૂબ માફી માગું છું.” અને ફરી આવો ક્રોધ ના થાય તેમ નક્કી કરવું.

પરમ પૂજ્ય દાદા ભગવાન નજીકની ફાઈલો જેમાં રાગ-દ્વેષની ચીકાશ વધુ હોય છે તેમના માટે પ્રતિક્રમણની રીત સમજાવે છે.

પ્રશ્નકર્તા : અતિક્રમણથી જે ઉશ્કેરાટ હોય ને એ પ્રતિક્રમણથી ટાઢો પડી જાય છે.

દાદાશ્રી : હા. ટાઢો પડી જાય. પ્રતિક્રમણ તો ‘ચીકણી ફાઈલ’ હોય, તેમાં તો પાંચ-પાંચ હજાર પ્રતિક્રમણ કરવાં પડે ત્યારે ટાઢું પડે. ગુસ્સો બહાર ના પડ્યો ને અકળામણ થઈ હોય તો ય આપણે એના પ્રત્યે પ્રતિક્રમણ ના કરીએને તો એટલો ડાઘ આપણને રહ્યા કરે. પ્રતિક્રમણ કરીએ એટલે ચોખ્ખું થઈ જાય. અતિક્રમણ કર્યું એટલે પ્રતિક્રમણ કરો.

×
Share on