Related Questions

આસકિત એટલે શું?

પ્રશ્નકર્તા : બે જણા પ્રેમી હોય અને કંઈ ઘરનો સાથ ના મળે અને આપઘાત કરે. આવું ઘણી વખત બને છે તો એ જે પ્રેમ છે, એને કયો પ્રેમ ગણાય ?

દાદાશ્રી : રખડેલ પ્રેમ ! એને પ્રેમ જ કેમ કહેવાય ? ઈમોશનલ થાય અને પાટા આગળ સૂઈ જાય ! અને કહેશે, 'આવતા ભવમાં એકલા જ જોડે હોઈશું.' તો તે એવી આશા કોઈએ કરવી નહીં. એ એના કર્મના હિસાબે ફરે. એ ફરી ભેગા જ ના થાય !!

પ્રશ્નકર્તા : ભેગા થવાની ઈચ્છા હોય તો પણ ભેગા થાય જ નહીં ?

દાદાશ્રી : ઈચ્છા રાખ્યે કંઈ દહાડો વળે ? આવતો ભવ તો કર્મોનું ફળ છે ને ! આ તો ઈમોશનલપણું છે.

તમે નાના હતા ત્યારે આવું લફરું વળગેલું કોઈ જાતનું ? તે પુરાવા ભેગા થાય, બધા 'એવિડન્સ' ભેગા થાય એટલે લફરું વળગી જાય.

પ્રશ્નકર્તા : લફરું એ શું છે ?

દાદાશ્રી : હા, તે હું કહું. એક નાગર બ્રાહ્મણ હતો, તે ઓફિસર હતો. તે એના છોકરાને કહે છે, 'આ તું ફરતો હતો, તે મેં તને દીઠો, તે જોડે લફરાં શું કરવા ફેરવે છે ?' છોકરો કોલેજમાં ભણતો હતો, કોઈ ગર્લફ્રેન્ડ જોડે એના બાપે દીઠો હશે. એને લફરું આ લોકો નથી કહેતા, પણ આ જૂના જમાનાનાં માણસો એને લફરું કહે છે. કારણ કે ફાધરને મનમાં એમ થયું કે 'આ મૂરખ માણસ સમજતો નથી પ્રેમ શું છે એ. પ્રેમને સમજતો નથી ને માર ખાઈ જશે. આ લફરું વળગ્યું છે તે માર ખાઈ ખાઈને મરી જશે.' પ્રેમને નીવેડવો એ સહેલો નથી. પ્રેમ કરતાં બધાને આવડે છે પણ એને નીવેડવો સહેલો નથી. તેથી એના ફાધરે કહ્યું કે, 'આ લફરાં શું કામ કરવા માંડ્યો ?'

તે પેલો છોકરો કહે છે, 'બાપુજી, શું કહો છો આ તમે ? એ તો મારી ગર્લફ્રેન્ડ છે. તમે આને લફરું બોલો છો આમ ? મારી નાકકટ્ટી થાય એવું બોલો છો ? એવું ના બોલાય.' ત્યારે બાપ કહે છે, 'નહીં બોલું હવે.' એ ગર્લફ્રેન્ડ જોડે બે વર્ષ દોસ્તી ચાલી. પછી એ બીજા કોઈ જોડે સિનેમા જોવા આવી હતી ને તે આણે જોઈ. એટલે એનાં મનમાં એમ લાગ્યું કે આ તો પપ્પાજી કહેતા હતા કે 'આ લફરું વળગાડ્યું છે', તે એવું આ લફરું જ છે.

એટલે પુરાવા ભેગા થાયને તો લફરાં વળગી જાય, પછી છૂટે નહીં અને બીજાને લઈને ફરે એટલે રાતદહાડો પેલાને ઊંઘ ના આવે. બને કે ના બને એવું ? પેલા છોકરાએ જ્યારે જાણ્યું કે 'આ તો લફરું જ છે. મારા બાપ કહેતા હતા એ ખરી વાત છે.' ત્યારથી એ લફરું છૂટવા માંડ્યું. એટલે જ્યાં સુધી 'ગર્લફ્રેન્ડ' કહે અને એને લફરું જાણે નહીં ત્યાં સુધી શી રીતે છૂટે ?

×
Share on
Copy