Related Questions

વ્યવહારમાં મતભેદ પડતા કેવી રીતે અટકાવી શકાય?

પ્રશ્નકર્તા : આપણે કલેશ ના કરવો હોય પણ સામો આવીને ઝઘડે તો શું કરવું? એમાં એક જાગ્રત હોય પણ સામાવાળો કલેશ કરે, તો ત્યાં તો કલેશ થાય જ ને? 

દાદાશ્રી :  આ ભીંત જોડે લઢે, તો કેટલો વખત લઢી શકે? આ ભીંત જોડે એક દહાડો માથું અથડાયું તો આપણે એની જોડે શું કરવું? માથું અથડાયું એટલે આપણે ભીંત જોડે વઢવાડ થઇ એટલે. આપણે ભીંતને માર માર કરવી? એમ આ જે ખૂબ કલેશ કરાવતું હોય તો તે બધી ભીંતો છે! આમાં સામાને શું જોવાનું? આપણે આપણી મેળે સમજી જવાનું કે આ ભીંત જેવાં છે. આવું સમજવાનું, પછી કોઈ મુશ્કેલી નથી. 

પ્રશ્નકર્તા : આપણે મૌન રહીએ તો સામાને ઊંધી અસર થાય છે કે આમનો જ દોષ છે ને એ વધારે કલેશ કરે. 

દાદાશ્રી : આ તો આપણે માની લીધું છે કે હું મૌન થયો તેથી આવું થયું. રાત્રે માણસ ઊઠ્યો ને બાથરૂમમાં જતાં અંધારામાં ભીંત જોડે અથડાયો, તે ત્યાં આપણે મૌન રહ્યા તેથી તે અથડાઇ ?

મૌન રહો કે બોલો તેને સ્પર્શતું જ નથી, કંઇ લાગતું-વળગતું નથી. આપણા મૌન રહેવાથી સામાને અસર થાય છે એવું કશું હોતું નથી કે આપણા બોલવાથી સામાને અસર થાય છે એવું પણ કશું હોતું નથી.  'ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ', માત્ર વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવા છે. કોઇની આટલીય સત્તા નથી.  આટલીય સત્તા વગરનું જગત, એમાં કોઇ શું કરવાનું છે ? આ ભીંતને જો સત્તા હોય તો આને સત્તા હોય !  આ ભીંતને આપણને વઢવાની સત્તા છે ? એવું સામાને બૂમાબૂમ કરવાનો શો અર્થ ? એના હાથમાં સત્તા જ નથી ત્યાં! માટે તમે ભીંત જેવા થઈ જાઓ ને ! તમે બૈરીને ટૈડકાવ ટૈડકાવ કરો તો તેની મહીં ભગવાન બેઠેલા તે નોંધ કરે કે આ મને ટૈડકાવે છે ! ને  તમને એ ટૈડકાવે ત્યારે તમે ભીંત જેવા થઇ જાઓ, તો તમારી મહીં બેઠેલા ભગવાન તમને 'હેલ્પ' કરે.  

×
Share on