Related Questions

કામ-કાજની જગ્યા પર આળસુ લોકોની સાથે કેવી રીતે વર્તવું?

પ્રશ્નકર્તા : મારો સ્વભાવ એવો છે કે ખોટી વસ્તુ સહન થતી નથી એટલે ગુસ્સો થયા કરે.

દાદાશ્રી :  ખોટું છે એવું ન્યાય કોણ કરે ?

પ્રશ્નકર્તા : આપણી બુદ્ધિ જેટલું કામ કરે, એ પ્રમાણે કરીએ.

દાદાશ્રી : હા, એટલો ન્યાય થાય.

પ્રશ્નકર્તા : પણ એવું છેને, કે એક માણસને આપણે પચ્ચીસ રૂપિયા રોજનો પગાર આપતા હોય અને એ માણસ પાંચ રૂપિયાનું પણ કામ ના કરતો હોય, તો આપણને એમ તો લાગે ને કે આ બરોબર નથી ?

દાદાશ્રી : પણ  શાથી એ કામ નહીં કરતો હોય ? કયા કારણથી એ કામ નહીં કરતો હોય ?

પ્રશ્નકર્તા : એનો પ્રમાદી સ્વભાવ એટલા માટે.

દાદાશ્રી :  એવા માણસ બધા લોકોને મળતા હશે ?

પ્રશ્નકર્તા : બધાને મળતા હોય એમ કેમ કહેવાય ?

દાદાશ્રી : તો  તમને જ એવો માણસ કેમ ભેગો થયો ? એનું કંઈ કારણ તો હશેને ?

પ્રશ્નકર્તા : આગળનાં મારાં કર્મો એવાં હોય એટલે મને ભેગો થયો.

દાદાશ્રી : તો પછી એનો શો દોષ ?  તો એની ઉપર ગુસ્સો કરવાનું કારણ જ ક્યાં રહ્યું ?  ગુસ્સો તો તમારી જાત ઉપર કરો કે, ''ભઈ, 'મેં' એવાં કેવાં કર્મ બાંધ્યાં કે આ મને આવો મળી આવ્યો?''  પોતાની નબળાઈ તો પોતાને જ નુકસાન કરે.  'ભોગવે એની ભૂલ.'  એ કામ ના કરે ને તમે ગુસ્સો કરો તો તમને દુઃખ થાય એટલે ભૂલ તમારી છે. એ તો એવો ને એવો જ રહેશે, કાલે પણ એવું જ કરશે અને ઉપરથી તમારા ચાળા પાડશે. તમે પાછા ફરો કે તમારી પાછળ મશ્કરીઓ કરશે, કહેશે કે, 'ચક્કર જ છે ને, જવા દોને એને !'

પ્રશ્નકર્તા : તો એને આપણી પાસે બેસાડીને, સમજાવીને કહેવું કે, 'તારાથી આટલું કામ કેમ નથી થઈ શકતું ? જ્યારે બીજા તો કેવું સરસ કામ કરે છે.' એને આવડતું ના હોય તો શીખવાડીએ, એવું કરવું ?

દાદાશ્રી : હા, એને સમજ પડે, એને લાગણી ઉત્પન્ન થાય, એ રીતે સમજાવવું જોઈએ. 

×
Share on