Related Questions

તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?

તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો અથવા કચકચ કઈ રીતે બંધ કરશો?

દિવસના અંતે તમે થાક અનુભવશો કારણ કે ગમે તેટલી કચકચ કરવાથી કે ચીડાવાથી કશું સુધરવાનું નથી. તેથી, તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?

Parent Child

થોડું વિચારો:

  • એવો તમારો અભિપ્રાય છે કે તમારું બાળક કોઇ ચોક્ક્સ વસ્તુ જ કરશે અને તમારુ અનુસરણ કરશે. તમારા આ અભિપ્રાયના કારણે જ તમને બોજ લાગે છે અને તમારા બાળકને નહિ!
  • શું કચકચ કરવાથી હજુ સુધી કંઇ સુધારો થયો છે? ના, નથી થયો ખરૂ ને?
  • શું કચકચ તમને મદદરૂપ થઈ છે? ના, નથી થઈ ખરૂ ને?

તેથી કચકચ એ સાચી વસ્તુ નથી.

માતા પિતા સાવ ક્ષુલ્લક બાબતોમાં એટલી બધી કચકચ કરતા હોય છે કે જેથી બાળક તેઓની મહત્વની વસ્તુઓ સાંભળતા જ નથી. તમારે સતત એવો જ ભાવ રાખવો જોઇએ કે તમે તમારા બાળકની સમજણ સુધારવા ઇચ્છો છો. એવું કરવાથી, તમને થોડા સમય પછી ફેરફાર ધ્યાનમાં આવશે. તમારું બાળક ધીમે ધીમે સમજવા લાગશે. તમારે તેના માટે ફક્ત પ્રાર્થના સતત શરૂ રાખવાની, કારણ કે પ્રાર્થના તમને જરૂરી ધીરજ રાખવામાં મદદરૂપ થશે. તમારે વસ્તુઓ જેવી છે તેવી જ સ્વીકારતા અને તેની સાથે સમાધાન લાવવાનું શીખવું પડશે. જ્યારે ફરી વખત ટોકવાની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે, તમારા બાળકની અંદર બેઠેલા ભગવાન પાસે પ્રાર્થના કરો. આંતરિક સ્પંદનો અથવા હ્રદયના ભાવોની ખૂબ કિંમત હોય છે અને તે બાળકના આત્મા સુધી પહોંચે છે.

તમારા દ્વારા ઉછેરવામાં આવતા ગુલાબના છોડની જેમ જ તમારા બાળકો જાતે જ મોટા થઈ જશે. તમારે માત્ર તેઓને સાચી કેળવણી જ આપવાની જરૂર છે.

તમે વિચારો છો કે ગુલાબ તમારા છે, પરંતુ ગુલાબને પોતાનું અલગ અસ્તિત્વ છે. તે કોઇની માલિકીના નથી.

તમારી ગેરહાજરીમાં પણ બધું સરળતાથી જ ચાલે છે. ટોક ટોક કરતી માતાએ સમજી જવું જોઇએ કે બધી કચકચનું મૂળ કારણ ખોટી માન્યતા અહંકાર જ છે.

વિગતવાર સમજવા માટે તેના પર વાંચો:

કઈ રીતે બોલવું?

તે આપણી સમજણનો જ અભાવ છે જે આપણને દુ:ખી કરે છે. જો આપણા શબ્દો સાચા હશે, પરંતુ સામી વ્યક્તિ તે સ્વીકારવા જ તૈયાર નહિ હોય, તો પછી તે શબ્દોનું કશું મૂલ્ય નથી. એ જાણવું જરૂરી છે કે સત્ય કઈ રીતે રજૂ કરવું. માત્ર જ્યારે વાણી સામાના હિત માટે હોય અને ટુંકમાં અને મધુર હોય, તો જ તે સત્ય કહેવાય છે અને તે બધા દ્વારા સ્વીકાર્ય છે. બાળકો ઉપરની બૂમાબૂમ બંધ કરવા માટેની આ એક મહત્વની ચાવી છે. પરંતુ જો સામી વ્યક્તિને તે કચકચ અથવા બૂમાબૂમ લાગતુ હોય, તો તેનાથી વાત બગડી જાય છે. તો પછી આપણે એક પણ શબ્દ કઈ રીતે બોલી શકીએ?

ધ્યાન આપવા જેવી બાબતો

જો આપણે આપણા રોજિંદા જીવનમાં કેટલાક સિધ્ધાંતોને વણી લઈશું, તો કોઇની સાથે કશી સમસ્યા રહેશે નહિ. આ બધામાં સૌથી મહત્વની બાબત છે કે, ‘ઘરમાં કે બહાર, ક્યાંય પણ કોઇને નાની નાની બાબતો માટે કશું કહેવું નહિ.’ મહત્વની આવશ્યક ચોક્કસ બાબતોમાં જ તમારે રસ લેવો અને બોલવું જોઇએ; અને તે પણ વારંવાર કહ્યા કરવું ન જોઇએ. તમારા બાળકોને ટોકવાનું બંધ કરવા માટેની આ એક બીજી મહત્વની ચાવી છે.

મહત્વની બાબતો નીચે દર્શાવ્યા મુજબ છે

  • જ્યારે બાળક નશાકારક દ્રવ્યોનું સેવન કરતું હોય અથવા માંસાહાર કરતું હોય
  • જ્યારે તે બોયફ્રેન્‍ડ અથવા ગર્લફ્રેન્‍ડ જેવા લફરામાં ફસાયેલ હોય
  • જ્યારે તે ભણતરમાં કશું ધ્યાન જ ન આપતું હોય

આ બાબતો જ મહત્વની છે અને તેમાં માતા પિતાએ ધ્યાન આપવું જોઇએ. બાકીની સમસ્યાઓ તો સામાન્ય છે.

સામાન્ય બાબતો નીચે દર્શાવ્યા મુજબ છે

  • તે ગાડી ભટકાડી દે
  • કિંમતી વસ્તુ ખોઇ બેસે
  • નુકસાન થાય
  • કશું ભૂલી જાય
  • કોઇ ભૂલ કરે બેસે

ઉપરોક્ત બધી સામાન્ય બાબતો છે. માતા પિતાએ આવી પરિસ્થિતિમાં શાંત અને મૌન રહેવું જોઇએ.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “ જો માતા પિતા નાની બાબતોમાં સમતા અને પ્રેમ રાખી શકે, તો બાળકો મોટી બાબતોમાં તમારી આજ્ઞાનું પાલન કરશે. પરંતુ માતા પિતા દરેક નાની બાબતમાં કચકચ કર્યા કરે છે અને પોતાની બધી શક્તિ અને અસર ગુમાવી બેસે છે. એક પણ શબ્દ બોલ્યા વિના તમારો તાપ અનુભવાય તો કામ થાય. મા બાપને બાળકોને કહેવાનો અધિકાર છે, પરંતુ ત્યારે જ જ્યારે બાળકોને એવું અનુભવાય કે માતા પિતા જે કહે છે તે સત્ય છે અને સ્વીકાર્ય છે. નહિ તો, તમે તમારા બાળકોને બગાડી રહ્યા છો. જ્યારે કશું પણ બે કે ત્રણ વખતથી વધુ વખત કહેવામાં આવે છે, તો તે કચકચ બની જાય છે અને સ્વીકારાતુ નથી. બાળકોને માત્ર પ્રેમથી જ વશ કરી શકાય છે, કચકચ કરવાથી અને મારવાથી તો તેઓ સામે થશે.”

વઢવાના પરિણામો (ઊંચા અવાજે ઠપકો)

કર્મનો સિધ્ધાંત એવું કહે છે કે જો તમે તમારા નોકરને, તમારા બાળકને કે તમારી પત્નીને એક કલાક માટે પણ વઢો છો, તો પછીના ભવમાં તે તમારા ધણી થઈને કે સાસુ થઈને બદલો વાળે છે. આપણે ન્યાય નથી ખોળતા હોતા? કુદરત ન્યાય આપે છે. જેવું આપણે અન્યને આપીએ છીએ તેવું જ ભોગવવું પડે છે. જો તમે કોઇને માત્ર એક કલાક જ વઢશો તો પણ તમને જીવનભરની પીડાનો અનુભવ થશે. બાળકો ઉપરની ટક ટક બંધ કરવા માટે આ સિધ્ધાંત જાણી લેવો જરૂરી છે.

કંઇ પણ કહેવામાં કશો ફાયદો નથી

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “વાણી ઉપર અંકુશ રાખવો સારો છે. કોઇને કશું પણ કહેવામાં કશો ફાયદો નથી. ઉલ્ટાનું, જ્યારે તમે કંઇ કહો છો તેનાથી તો વાત બગડી જાય છે. જો તમે તમારા પુત્રને કહો, ‘’ગાડી માટે સમયસર પહોંચી જા.’ તો તે મોડો જશે અને જો તમે તેને કશું નહિ કહો, તો તે સમયસર જશે. તમે કશું પણ નહિ કરો તો પણ વસ્તુઓ બનવાની જ છે. તમે કારણ વગર અહંકાર કરો છો. જે દિવસથી તમે ટોકવાનું બંધ કરી દેશો ત્યારથી તમારા બાળકમાં સુધારા શરૂ થશે. તેને તમારા શબ્દોની કિંમત નથી. તેવું એટલા માટે કે તમારા શબ્દો સારા હોતા નથી જેથી તે ઉશ્કેરાય છે; તમારા પોતાના શબ્દો જ તમને પાછા આવે છે કારણ કે તમારા બાળકો દ્વારા આ શબ્દો સ્વીકાર્ય થતા નથી. તમારે તેઓ પ્રત્યેની ખોરાકની અને કપડાની જવાબદારીઓની સંભાળ જ લેવાની છે. કશું કહેવામાં કંઇ ફાયદો જ નથી. શું તમને સમજાયું કે કંઇ પણ કહેવામાં કશો ફાયદો જ નથી?”

શું બાળકો તેઓની જવાબદારી સમજે છે?

પ્રશ્નકર્તા: બાળકો તેઓની પોતાની જવાબદારી સમજતા જ નથી.

દાદાશ્રી : જવાબદારી તો વ્યવસ્થિતના હાથમાં છે. બાળકો તેઓની જવાબદારી સમજે જ છે. તમને ખબર નથી પડતી કે તેઓ સાથે કઈ રીતે વાતો કરવી માટે તમારી વાણીને કારણે જ ક્લેશ ઊભા થાય છે. તમે જે કહો છો તે તમારા બાળકો સ્વીકારે તો જ તમારી વાણી અસરકારક ગણાય. જો માતા પિતા બેદરકારીથી શબ્દો બોલશે તો બાળકો પણ બેદરકારભર્યું જ વર્તન કરશે.

બાળકો ઉપરના બૂમ બરાડા બંધ કરવા માટેની સરળ ચાવી એ છે કે, જેણે પોતાની જાતને સુધારી છે તે જ બીજાને પણ સુધારી શકે છે

પ્રશ્નકર્તા: બાળકો સામા થાય છે અને અમારી સાથે ઉધ્ધતાઇથી બોલે છે.

દાદાશ્રી : હા, પણ તમે તેઓને કઈ રીતે અટકાવશો? વસ્તુઓ ત્યારે જ સુધરશે જ્યારે તમે બીજાને વાણીથી ઘા મારવાના બંધ કરશો. જ્યારે મનમાં વિખવાદ શરૂ થાય છે, ત્યારે તેની લિંક શરૂ જ રહે છે અને તમે તે વ્યક્તિ વિશે અભિપ્રાય બાંધી દો છો. એ સમયે તમારે મૌન રહેવું અને સામી વ્યક્તિનો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરવો. તમારી સતત પકડથી કોઇ પણ વ્યક્તિ સુધરવાની નથી. માત્ર જ્ઞાનીની વાણી જ વાતને સુધારી શકે છે. જ્યાં બાળકો સંબંધી વાતો હોય ત્યાં માતા પિતાએ અત્યંત સાવચેત રહેવું જોઇએ. કંઇ પણ કહેવું એ માતા પિતા માટે ખરેખર જરૂરી છે ખરૂં? ના, જરાય નહિ. એટલા માટે જ ભગવાને કહ્યું છે કે જીવતા મરેલાની જેમ રહો. વસ્તુઓ જે બગડી ગઈ છે તે સુધારી શકાય છે, પરંતુ તે જ્ઞાની પુરૂષ જ કરી શકે. તમે પોતાની જાતે જ વસ્તુઓ સુધારી શકો નહિ. તમારે માત્ર મારી આજ્ઞાનું જ પાલન કરવાનું છે. જેણે પોતાની જાતને સુધારી છે તે જ બીજાને સુધારી શકે છે.

તમે કઇ રીતે કહી શકો કે સામી વ્યક્તિમાં સુધારો આવ્યો છે?

દાદાશ્રી: જે વ્યક્તિને તમે વઢો છો તે વ્યક્તિને તમારા ઠપકામાં પણ પ્રેમનો અનુભવ થાય ત્યારે જ તમે કહી શકો કે તમારામાં સુધારો આવ્યો છે. તમારા બાળકને પિતા ઉપર ઊંડે ઊંડે પ્રેમ હશે ભલેને તેને વઢવામાં આવ્યું હોય. તેથી વઢો, પરંતુ પ્રેમપૂર્વક, તેનાથી જ તેઓમાં સુધારો આવશે. અહીં હાલમાં તો, માસ્તર તેના વિધ્યાર્થીઓને ઠપકો આપે, તો વિધ્યાર્થી તેનો બદલો વાળવાની ગાંઠ વાળી લે છે. તમારે સામી વ્યક્તિને સુધારવા માટેના પ્રયત્નો હંમેશા કરવા જ જોઇએ, પરંતુ જેનાથી નકારાત્મક પરિણામો આવવાના છે તેને ટાળો. જો તેઓને તમે જે કહો છો તેનાથી દુ:ખ થતું હોય, તો પછી તમારે તમારી તરફથી કશા પ્રયત્નો ન કરવા જોઇએ. સુધારવા માટેના તમારા પ્રયત્નો આંતરિક અને નક્કર હોવા જોઇએ. જો તમને બહાર શું પ્રયત્નો કરવા તે ખબર નથી તો આંતરિક પ્રયત્નો કરવા જોઇએ. જો તમે તેને ખૂબ વઢવાનું ઇચ્છતા નથી તો તેને ટૂંકમાં માત્ર એટૅલું જ કહો, ‘ આવું વર્તન આપણા પરિવારને શોભે નહિ.’ માત્ર આટલું જ કહેવાનું. તમારે થોડું કહેવાનું, પણ કઈ રીતે કહેવું જોઇએ તે જાણવું જરૂરી છે. તમારા બાળકો ઉપરની કચકચ બંધ કરવા માટેની આ મહત્વની ચાવી છે.

જ્યારે તમારામાં સુધારો નહિ હોય અને તમે બીજાને સુધારવાના પ્રયાસો કરશો તો તેનાથી તેઓ વધુ બગડશે. બીજાને સુધારવા કરતા પોતાની જાતને સુધારવી સહેલી છે. જ્યારે તમે પોતે જ સુધર્યા ન હોય ત્યારે બીજાને સુધારવા એ અર્થહીન છે. વઢવાથી વ્યક્તિ કપટ કરે છે અને સાચુ કહેવાનું ટાળે છે. જગતમાં કપટ એટૅલા માટે જ થાય છે કારણ કે ઠપકાનો ભય રહેલો હોય છે.

Related Questions
  1. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
  2. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
  3. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
  4. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
  5. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
  6. ઊંચા સ્વરે બોલ્યા વિના બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું? બાળકને સારી ટેવો વાળું અને શિસ્તબધ્ધ રીતે કઇ રીતે ઉછેરવું?
  7. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  8. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  9. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
  10. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
  11. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
  12. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
  13. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
  14. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
  15. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
  16. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
×
Share on