Related Questions

તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?

શું તમે તમારા બાળકના ગુસ્સાવાળા સ્વભાવથી થાકી ગયા છો. તો તમારા જિદ્દી, તુંડમિજાજી અથવા અસ્વસ્થ બાળક સાથે કઈ રીતે વર્તન કરવું, તે માટેના અનેક રસ્તાઓ છે. પહેલી વસ્તુ તો એ છે કે તમારે શાંત રહેવું જોઈએ, તમારે આવેશમાં આવવાનું નહીં. પરિસ્થિતિનો અભ્યાસ કરો કે, ‘સામાન્ય રીતે આવું ક્યારે બને છે? એવું ત્યારે બને છે કે જ્યારે તમારા બાળકને તમારી પાસેથી મહત્ત્વનો સમય મળતો નથી, અથવા જ્યારે તેને તેનું ભાવતું ખાવાનું મન થયું હોય! શું એવું હોય છે કે તેઓ ‘ના’ જવાબ સાંભળી શકતા નથી; અથવા તેમનું ધાર્યું કરવું હોય છે?’ આવી પરિસ્થિતિ માટે તમે જુદા જુદા રસ્તાઓ વિચારી શકો, જેમ કે, બાળક તેની પાછળ વાપરી શકે તે માટે દર અઠવાડિયે નાની રકમ અલગ રાખી દેવી અને તમારા પૈસામાંથી તે વસ્તુઓ ખરીદવી નહીં. એમાં મક્કમ રહો.

પરમ પૂજ્ય દાદાશ્રી પાસેથી આવી પરિસ્થિતિની કેવી રીતે સંભાળ રાખવી, તે જાણવા માટે આગળ વાંચો:

બાળકોની બધી જીદ પૂરી ન કરવી

પ્રશ્નકર્તા: બાબો જલદી થોડી થોડી વારે રીસાઈ જાય છે.

દાદાશ્રી: મોંઘા બહુ ને? મોંઘા બહુ એટલે પછી શું થાય? બેબી સસ્તી તે રીસાય નહીં બિચારી.

પ્રશ્નકર્તા: આ રીસાવાનું શાથી થતું હશે, દાદા?

દાદાશ્રી: આ પેલા ફરી બોલાવે એટલે. મારી પાસે રીસાય જોઈએ? કોઈ રીસાયેલું જ નહીં મારી જોડે. ફરી બોલાવું જ નહીં ને! ફરી બોલાવું નહીં. ખાય કે ના ખાય તોય ફરી બોલાવું નહીં. એ હું જાણું કે કુટેવ પડી જાય ઊલટી, વધારે કુટેવ પડી જાય. ના, ના, બાબા જમી લે, બાબા જમી લે. અરે, એની મેળે ભૂખ લાગશે એટલે બાબો જમશે. ક્યાં જવાનો છે? તમારે આવું ના કરવું પડે, એમ તો અમને તો બીજી કળાઓ આવડે. બહુ આડું થયું હોય, તો ભૂખ્યું થાય તોય ના ખાય. એટલે અમે પાછા એના આત્મા સાથે મહીં વિધિ મૂકીએ પછી. તમારે આવું ના કરવું. તમે તો જે કરો છો એ કરો. બાકી રીસાય નહીં મારી જોડે! ને રીસાઈને શું કાઢે?

જ્યારે સામી વ્યક્તિને જરૂરિયાત હોય છે ત્યારે તે રિસાઈ જાય છે

પ્રશ્નકર્તા: માટે શીખવાડોને દાદા એ કળા. કારણ કે, આ રીસાવાનું-મનાવાનું તો બધાને રોજનું હોય દાદા. તો આ ચાવી એકાદી આપી દો તો બધાને ઊકેલ આવી જાય ને?

દાદાશ્રી: એ તો આપણે બહુ ગરજાવ હોય ત્યારે એ રીસાય. એટલી બધી ગરજ શી વળી?

પ્રશ્નકર્તા: એટલે શું, ના સમજાયું, બહુ ગરજાવ હોય ત્યારે રીસાય? કોને ગરજ હોય?

દાદાશ્રી: સામાને ગરજ. આ રીસાનારો માણસ, સામાને એની ગરજ હોય ત્યારે રીસાય.

પ્રશ્નકર્તા: એટલે આપણે ગરજ જ નહીં દેખાડવાની.

દાદાશ્રી: ગરજ હોય જ નહીં. ગરજ શેની વળી તે? કર્મના ઉદયે જે બનવાનું હશે એ બનશે, એની ગરજ કેટલી રાખવાની? અને પાછા કર્મના ઉદય જ છે. ગરજ દેખાડવાથી હઠે ચઢે ઊલટું.

Parent Child

જ્યારે બાળક ક્રોધાવેશમાં આવી જાય છે

પ્રશ્નકર્તા: નાના બાળકોને ગુસ્સો દૂર કરવા ટૂંકાણમાં કેવી રીતે કહેવું?

દાદાશ્રી: એમનો ગુસ્સો દૂર કરીને શું ફાયદો?

પ્રશ્નકર્તા: ઝઘડે નહીં આપણી જોડે.

દાદાશ્રી: એના માટે તો દવા બીજી કરવા કરતા એના મા-બાપે ગુસ્સાનો દેખાવ ન દેખે એવી રીતે રહેવું જોઈએ. એ દેખીને થાય છે કે મારા ફાધર કરે છે, હું એના કરતા સવાયો ગુસ્સો કરું ત્યારે ખરો. એ તો તમારે બંધ કરી દો, તો એની મેળે બંધ થઈ જશે. આ મેં બંધ કર્યો છે, મારો બંધ થઈ ગયો છે, તો કોઈ મારી જોડે કરતું જ નથી. હું કહું કે ગુસ્સે થાવ તો પણ નહીં થતા. છોકરાંઓય નહીં થતા, હું મારીશ તોય નહીં થાય ગુસ્સે.

શું બાળકને કાબૂમાં લેવા માટે માતા-પિતાએ ગુસ્સો કરવો જોઈએ?

પ્રશ્નકર્તા: છોકરાને સારા માર્ગે વાળવા મા-બાપની ફરજ તો પૂરી પાડવી જોઈએ ને, એટલે ગુસ્સો તો કરવો પડે ને?

દાદાશ્રી: ગુસ્સો શું કરવાં કરવો પડે? એમ ને એમ સમજાવીને કહેવામાં શું વાંધો છે? ગુસ્સો તમે કરતા નથી. ગુસ્સો થઈ જાય છે તમને. કરેલો ગુસ્સો એ ગુસ્સો ગણાતો નથી. આપણે જાતે કરીએ ગુસ્સો, એ તો આપણે દબડાવીએ એ નહીં, એ ગુસ્સો ન કહેવાય. એટલે ગુસ્સો કરજો. પણ ગુસ્સે થઈ જાવ છો તમે. ગુસ્સો કરતા હોઈએ તો વાંધો નહીં.

પ્રશ્નકર્તા: ગુસ્સે થઈ જવાનું કારણ શું?

દાદાશ્રી: વિકનેસ. એ વિકનેસ છે! એટલે એ પોતે ગુસ્સે થતો નથી. એ ગુસ્સે થઈ ગયા પછી પોતાને ખબર પડે છે, આ સાલું ખોટું થઈ ગયું, આવું ના થવું જોઈએ. એટલે એના હાથમાં કાબૂ નથી. આ મશીન ગરમ થઈ ગયું છે, રેઈઝ થઈ ગયું છે. એટલે આપણે તે ઘડીએ જરા ઠંડું રહેવું. એની મેળે ટાઢું થાય એટલે હાથ ઘાલવો.

છોકરાઓ જોડે તમે ચિડાઓ તો એની નવી લોન લીધી કહેવાય. કારણ કે ચિડાવાનો વાંધો નથી, પણ તમે પોતે ચિઢાઓ છો તે વાંધો છે.

પ્રશ્નકર્તા: છોકરાઓ છે તે વઢીએ નહીં ત્યાં સુધી શાંત જ ના થાયને, એટલે વઢવું પડેને ?

દાદાશ્રી: ના, વઢવાને માટે વાંધો નથી. પણ જાતે વઢો છો એટલે તમારું મોઢું બગડી જાય છે, એટલે જવાબદારી છે. તમારું મોઢું બગડે નહીં ને વઢોને, મોઢું સારું રાખીને વઢો, ખૂબ વઢો ! તમારું મોઢું બગડે છે એટલે તમે જે વઢવાનું છે તે તમે અહંકાર કરીને વઢો છો !

Related Questions
  1. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
  2. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
  3. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
  4. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
  5. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
  6. ઊંચા સ્વરે બોલ્યા વિના બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું? બાળકને સારી ટેવો વાળું અને શિસ્તબધ્ધ રીતે કઇ રીતે ઉછેરવું?
  7. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  8. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  9. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
  10. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
  11. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
  12. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
  13. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
  14. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
  15. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
  16. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
  17. સિંગલ પેરેન્ટ તરીકે ટીનએજર સાથે કેવી રીતે વર્તવું?
  18. બાળકો માટે થતી પ્રાર્થનાની શક્તિ કેવી હોય? હું બાળકો માટે કેવી રીતે પ્રાર્થના કરું?
×
Share on