જ્યારે લગ્ન થાય છે ત્યારે આદર્શ લગ્નજીવન વિશે તમારા મનમાં, “મારું લગ્નજીવન આવું હશે ને તેવું હશે”, એવી બધી કલ્પનાઓ થતી હોય છે પણ ધીમે-ધીમે તમારા આદર્શ લગ્નજીવનની એ એક કલ્પના માત્ર રહી જાય છે. આખરે, લગ્નજીવનમાં સમસ્યાઓ થવા પાછળ શું કારણો હોય છે?
પરમ પૂજ્ય દાદાશ્રીએ, લગ્નજીવનમાં થતી સમસ્યાઓની પાછળ અનેક કારણો બતાડ્યા છે. એમની સાથે થયેલા સત્સંગના અમુક અંશો અહીં જેમ છે એમ સામેલ કર્યા છે.
જે ભૂલ તમારા જીવનસાથી જાણતા હોય, તેને તમારે કાઢવાનો અર્થ શું છે? પતિઓને પત્નીઓની ભૂલ ખોળી કાઢીને એમને દબડાવવાની ટેવ છે. સામે પત્નીઓ પણ આવું જ કરે છે!
લોકો જાણીજોઈને આ ભૂલો કાઢે છે તેથી આ સંસાર વધારે બગડતો જાય છે. લોકોને લાગે કે ભૂલો બતાડવાથી વ્યક્તિ ફરીથી ભૂલ નહીં કરે, સુધરી જશે. પણ ભૂલો બતાડવાથી ઊલટું બગડે છે. પોતે પોતાની ભૂલ વિશે વિચારે ત્યારે આપણે ભૂલો બતાડી શકીએ.
તમારા પતિ કે પત્ની સાથે સામાસામી વાતચીત કરો, બીજાની સાથે ફ્રેન્ડશીપ રાખો છો તે રીતે તેમની સાથે પણ ફ્રેન્ડશીપ રાખો. આપણે ફ્રેન્ડની સાથે રોજ ક્લેશ નથી કરતા. કરીએ છીએ? એમની ભૂલ ડિરેક્ટ દેખાડીએ છીએ? ના! કારણ કે ફ્રેન્ડશીપ ટકાવવી છે. જ્યારે પોતાના પતિ કે પત્ની વિશે આપણે એવું નથી વિચારતા. એ ના જાણતા હોય તે જ ભૂલ દેખાડાય.
જે ભૂલો વિશે એમને જાણ નથી કે જે ભૂલો એ જાતે જોઈ શકતા નથી એવી ભૂલો તરફ જ એમનું ધ્યાન દોરવું. પોતાની જે ભૂલોની એમને પહેલાથી ખ્યાલ જ છે, એવી ભૂલો માટે તમે એમને ટોકશો તો એમનો અહંકાર દુભાશે. પછી તેઓ પણ તમારી ભૂલો કાઢવાની તક શોધશે.
જ્યારે આપણા જીવનમાં કંઈક ખોટું થાય છે ત્યારે આપણે હંમેશા બીજા પર આરોપ લગાવીએ છીએ અને લગ્નજીવનમાં પણ આવું જ થાય છે. આપણી મુશ્કેલીઓ માટે આપણે હંમેશા આપણા જીવનસાથીને જ ગુનેગાર ઠરાવીએ છીએ. પણ, જો આપણે આપણી ભૂલોને સ્વીકારીશું, તો આપણે સમસ્યાઓનું નિરાકરણ લાવી શકીશું અને લગ્નજીવનમાં સમસ્યાઓ ટાળી શકીશું. જો આપણે જ આપણી ભૂલોનો સ્વીકાર નહીં કરીએ તો સમસ્યાઓનું નિરાકરણ ક્યારેય નહીં આવે.
લોકો સંસારનું ચક્ર કહીને નબળાઈઓ ઢાંકવા જાય છે. ઢાંક્યાથી નબળાઈઓ ઊભી રહી છે. નબળાઈ શું કહે છે કે જ્યાં સુધી મને ઓળખશો નહીં, ત્યાં સુધી હું જવાની નથી.
ઘરમાં મોટા ભાગની વઢવાડો અત્યારે શંકાથી ઊભી થઈ જાય છે. આ કેવું છે કે શંકાથી સ્પંદનો ઊડે ને એ સ્પંદનોના ભડકા જાગે અને જો નિઃશંક થાયને તો ભડકા એની મેળે શમી જાય. પતિ-પત્ની બેઉ શંકાવાળા થાય તો પછી ભડકા શી રીતે શમે? એકને નિઃશંક થયે જ છૂટકો. શંકા રાખનાર મોક્ષ ખોઈ બેસે છે. એટલે કોઈ પણ વસ્તુમાં શંકા પડે તે શંકાઓ નહીં રાખવી. આપણે જાગૃત રહેવું, પણ સામા ઉપર શંકાઓ નહીં રાખવી. શંકા આપણને મારી નાખે. એ શંકા તો માણસ મરી જાય ત્યાં સુધી એને છોડે નહીં.
જે ક્ષણથી આપણે પોતાની કે પોતાના જીવનસાથીની બીજા સાથે સરખામણી કરીએ છીએ એ જ ક્ષણથી દુ:ખ શરૂ થઈ જાય અને પરિણામે લગ્નજીવનમાં સમસ્યાઓ સર્જાય છે.
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “આ વગર વિચારે ઠોકમઠોક કર્યું છે કે આ દુઃખ છે, આ દુઃખ છે! એમ માનો ને, કે તમારે ત્યાં બહુ વખતના જૂના સોફાસેટ છે. હવે તમારા મિત્રને ઘેર સોફાસેટ હોય જ નહીં એટલે તે આજે એ નવી જાતના સોફાસેટ લાવ્યા. એ તમારા ‘વાઈફ’ જોઈ આવ્યાં. પછી ઘેર આવીને કહે કે, ‘તમારા ભાઈબંધને ઘેર કેવા સરસ સોફાસેટ છે! ને આપણે ત્યાં ખરાબ થઈ ગયા છે.’ તે આ દુઃખ આવ્યું!!! ઘરમાં દુઃખ નહોતું તે જોવા ગયા ત્યાંથી દુઃખ લઈને આવ્યા!
તમે બંગલો બાંધ્યો ના હોય ને તમારા ભાઈબંધે બંગલો બાંધ્યો ને તમારાં ‘વાઈફ’ ત્યાં જાય, જુએ ને કહે કે, ‘કેવો સરસ બંગલો તેમણે બાંધ્યો! અને આપણે તો બંગલા વગરનાં!’ એ દુઃખ આવ્યું!!! એટલે આ બધાં દુઃખો ઊભાં કરેલાં છે.“
આ ક્લેશ પતિ-પત્ની વચ્ચેના મતભેદથી ઉદ્ભવે છે. જે મનમાં ઊભા થાય છે જયારે પતિ-પત્ની એકબીજા સાથે એકમત નથી થતાં. જો બીજા દિવસે આ મતભેદનું નિરાકરણ ન આવે તો બંને વચ્ચે અંતર વધવા માંડે, જે ધીમે ધીમે એકબીજા પ્રત્યે અણગમામાં ફેરવાય છે. ત્યારબાદ બંને વચ્ચે વેર શરૂ થાય છે, જેના પરિણામે લગ્નજીવનમાં મુશ્કેલી વધી શકે છે.
પરમ પૂજ્ય દાદા ભગવાન મતભેદ વિશે અનેરી સમજણ આપે છે કે "વાસણ રોજ રોજ ખખડવાનું કેમનું ફાવે? આ તો સમજતો નથી તેથી ફાવે છે. જાગૃત હોય તેને તો એક મતભેદ પડ્યો તો આખી રાત ઊંઘ ના આવે! આ વાસણોને તો સ્પંદનો છે, તે રાત્રે સૂતાં સૂતાંય સ્પંદનો કર્યા કરે કે ‘આ તો આવાં છે, વાંકા છે, ઊંધા છે, નાલાયક છે, કાઢી મેલવા જેવા છે!’ અને પેલાં વાસણોને કંઈ સ્પંદન છે? આપણા લોક સમજ્યા વગર ટાપસી પૂરે કે બે વાસણો જોડે હોય તો ખખડે! મેરચક્કર, આપણે કંઈ વાસણ છીએ કે આપણને ખખડાટ હોય? આ ‘દાદા’ને કોઈએ એક દહાડો ખખડાટમાં જોયા ના હોય! સ્વપ્નુંય ના આવ્યું હોય એવું!! ખખડાટ શેનો? આ ખખડાટ તો આપણી પોતાની જોખમદારી ઉપર છે.”
ઘરમાં વાઈફ જોડે મતભેદ થાય તો તેનું સમાધાન કરતાં આવડે નહીં, છોકરાં જોડે મતભેદ ઊભો થાય તો તેનું સમાધાન કરતાં ના આવડે અને ગૂંચાયા કરે.
પ્રશ્નકર્તા: ધણી તો એમ જ કહેને, કે ‘વાઈફ’ સમાધાન કરે, હું નહીં કરું!
દાદાશ્રી: હંઅ, એટલે ‘લિમિટ’ પૂરી થઈ ગઈ. ‘વાઈફ’ સમાધાન કરે ને આપણે ના કરીએ તો આપણી ‘લિમિટ’ થઈ ગઈ પૂરી. પુરુષ હોયને તે તો આવું બોલે કે ‘વાઈફ’ રાજી થઈ જાય અને એમ કરીને ગાડી આગળ ચાલુ કરી દે અને તમે તો પંદર-પંદર દહાડા, મહિના-મહિના સુધી ગાડી બેસાડી રાખો, તે ના ચાલે. જ્યાં સુધી સામાના મનનું સમાધાન નહીં થાય ત્યાં સુધી તમારે મુશ્કેલી છે માટે સમાધાન કરવું.
પતિ-પત્ની વચ્ચે મતભેદ પડવાના કારણો વિશે પરમ પૂજ્ય દાદાશ્રી નીચે મુજબ ફોડ પાડે છે.
પ્રશ્નકર્તા: મતભેદ કેમ પડે છે, એનું કારણ શું?
દાદાશ્રી: મતભેદ પડે એટલે પેલો જાણે કે હું અક્કલવાળો અને પેલી જાણે હું અક્કલવાળી. અક્કલના કોથળા આવ્યા! વેચવા જઈએ તો ચાર આના આવે નહીં, અક્કલના બારદાન કહેવાય છે એને. એના કરતાં આપણે ડાહ્યા થઈ જઈએ, એની અક્કલને આપણે જોયા કરીએ કે ઓહોહો... કેવી અક્કલવાળી છે! તો એય ટાઢી પડી જાય પછી. પણ આપણેય અક્કલવાળા અને એય અક્કલવાળી, અક્કલ જ જ્યાં લડવા માંડી ત્યાં શું થાય તે?!
તમારે મતભેદ વધારે પડે કે એમને વધારે પડે છે ?
પ્રશ્નકર્તા: એમને વધારે પડે છે.
દાદાશ્રી: ઓહોહો! મતભેદ એટલે શું? મતભેદનો અર્થ તમને સમજાવું. આ દોર ખેંચવાની રમત હોય છેને, તે જોયેલી તમે?
પ્રશ્નકર્તા: હા.
દાદાશ્રી: બે-ચાર જણ આ બાજુ ખેંચે, બે-ચાર જણ પેલી બાજુ ખેંચે. મતભેદ એટલે દોર ખેંચવો. એટલે આપણે જોઈ લેવું કે આ ઘેર બેન ખૂબ જોરથી ખેંચે છે અને આપણે જોરથી ખેંચીશું, બેઉ જણ ખેંચીએ તો પછી શું જાય?
પ્રશ્નકર્તા:તૂટી જાય.
દાદાશ્રી: અને તૂટી જાય તો ગાંઠ વાળવી પડે. તો ગાંઠ વાળીને પછી ચલાવવું, એનાં કરતાં આખી રાખીએ એ શું ખોટું? એટલે બહુ ખેંચેને, એટલે આપણે મૂકી દેવું.
પ્રશ્નકર્તા:પણ બેમાંથી મૂકે કોણ?
દાદાશ્રી: સમજણવાળો, જેને અક્કલ વધારે હોય તે મૂકે અને ઓછી અક્કલવાળો ખેંચ્યા વગર રહે જ નહીં! એટલે આપણે અક્કલવાળાએ મૂકી દેવું. મૂકી દેવું તે પાછું એકદમ નહીં છોડી દેવું.એકદમ છોડી દેને તો પડી જાય પેલું. એટલે ધીમે ધીમે ધીમે ધીમે મૂકવાનું. એટલે મારી જોડે કોઈ ખેંચ કરેને તો ધીમે ધીમે છોડી દઉં, નહીં તો પડી જાય બિચારો. હવે તમે આ છોડી દેશો આવું? હવે છોડી દેતાં આવડશે? છોડી દેશોને? છોડી દો, નહીં તો પછી ગાંઠ વાળીને ચલાવવું પડે દોરડું. રોજ રોજ ગાંઠો વાળવી એ સારું દેખાય? પાછું ગાંઠ તો વાળવી જ પડેને! દોરડું તો પાછું ચલાવવું જ પડે ને! તમને કેમ લાગે છે?
ઘરમાં મતભેદ થતો હશે? એક અંશેય ના થવો જોઈએ!! ઘરમાં જો મતભેદ થાય તો યુ આર અનફીટ ફોર, જો હસબન્ડ આવું કરે એ અનફીટ ફોર હસબન્ડ અને વાઈફ આવું કરે તો અનફીટ ફોર વાઈફ.
ક્લેશ થવાનું મૂળ કારણ અને લગ્નજીવન નિષ્ફળ થવાનું એક કારણ ભયંકર અજ્ઞાનતા છે. સ્ત્રીઓ અને પુરુષોને સંસારમાં જીવતાં નથી આવડતું. પુરુષને દીકરાનો બાપ થતાં નથી આવડતું, વહુનો ધણી થતાં નથી આવડતું. તે જ રીતે, સ્ત્રીને પત્ની થતાં નથી આવડતું. જીવન જીવવાની કળા જ આવડતી નથી! આ તો છતે સુખે સુખ ભોગવી શકતાં નથી.
દાદાશ્રી: કોઈ દહાડો ઘરમાં ક્લેશ થાય છે? તમને કેમ લાગે છે, ઘરમાં ક્લેશ થાય તે ગમે?
પ્રશ્નકર્તા: કકળાટ વગર તો ચાલે નહીં દુનિયા.
દાદાશ્રી: તો પછી ભગવાન તો રહે જ નહીં ત્યાં આગળ. જ્યાં ક્લેશ છે ત્યાં ભગવાન ના રહે.
પ્રશ્નકર્તા: એ તો પણ કોઈ કોઈવાર તો થવું જોઈએ ને એવું, કકળાટ.
દાદાશ્રી: ના, એ કકળાટ હોવો જ ના જોઈએ. કકળાટ કેમ હોય માણસને ત્યાં! કકળાટ શેને માટે હોય? અને ક્લેશ હોય તો ફાવે? તમને કેટલા મહિના ફાવે, ક્લેશ હોય તો?
પ્રશ્નકર્તા: બિલકુલ નહીં.
દાદાશ્રી: મહિનોય ના ફાવે, નહીં?
ખાવાનું સારું સારું, સોનાની જણસો પહેરવાની અને પાછો કકળાટ કરવાનો. એટલે જીવન જીવતા આવડતું નથી, તેનો આ કકળાટ છે. જીવન જીવવાની કળા જાણતા નથી, એનો આ કકળાટ છે. આપણે તો કળા શેમાં જાણીએ છીએ કે શી રીતે ડૉલર મળે! એમાં જ વિચાર વિચાર કરીએ, પણ જીવન જીવવામાં વિચાર નથી કર્યો. ના વિચારવું જોઈએ
૧) આમ ઘરમાં મતભેદ પડે તે કેમ ચાલે ? બઈ કહે કે 'હું તમારી છું' ને ધણી કહે કે 'હું તારો છું', પછી મતભેદ કેમ?
૧) સ્ત્રીને દુઃખ આપીને કોઈ સુખી નહીં થયેલો. અને જે સ્ત્રીએ પતિને કંઈ પણ દુઃખ આપ્યું હશે, તે સ્ત્રીઓય સુખી નહીં થયેલી!
૨) અમારું જ છે આ. તેનું ‘હું ને તું’ થયા! હવે હું અને તું થયાં એટલે હુંસાતુસી થાય.
Q. લગ્નજીવનને સુખી કેવી રીતે બનાવવું?
A. પરમ પૂજ્ય દાદાશ્રી અને હીરાબાનું લગ્નજીવન એકદમ શાંતિપૂર્ણ, પરસ્પર આદર અને વિનયવાળું હતું. એમના... Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા કેવી રીતે ઉકેલવી ?
A. આજના યુગમાં લોકો પાસે પોતાના પતિ/પત્ની સાથે મતભેદ થાય તો તેનું સમાધાન લાવવાની ક્ષમતા ઘટી ગઈ છે. અને... Read More
Q. તમારા જીવનસાથી સાથેનો વ્યવહાર ઉકેલવાની કળા માટેના સુત્રો
A. ઘણીવાર આપણા દૈનિક જીવનમાં, આપણે વ્યવસાયિક ક્ષેત્રમાં લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી અને આપણી... Read More
Q. ક્રોધિત પત્ની સાથે કેવી રીતે વ્યવહાર કરવો
A. લગ્નજીવનમાં, વહેલા કે મોડે, એવી પરીસ્થિતિ ઉભી થઈ શકે કે, જયારે તમને તમારી પત્નીના ક્રોધનો સામનો... Read More
Q. પત્ની કચકચ કરે ત્યારે કેવી રીતે વર્તવું ?
A. લગ્નજીવનમાં પતિ/પત્નીની એકબીજા સાથે થતી કચકચની ફરિયાદ ખુબ સામાન્ય છે. ખાસ કરીને, પતિની એવી ફરિયાદ... Read More
Q. લગ્નજીવનમાં નાણાંકીય પ્રશ્નો કેમ ટાળવા?
A. તમે પોતે કે તમારા પતિ/પત્ની ને નાણાંકીય મુશ્કેલીમાં ના મૂકી દો એ બાબત વિષે તમારે જાગૃત રહેવું જોઈએ.... Read More
Q. લગ્નવિચ્છેદ (છુટાછેડા) થવાના કારણો શું છે?
A. આપણા રોજિંદા જીવનમાં મતભેદો થતા હોય છે. કઈ વ્યક્તિના કેવા સંજોગો છે તેના આધારે મૂળ અભિપ્રાયરૂપી... Read More
Q. શું મારે છુટાછેડા (ડિવોર્સ) લેવા જોઈએ?
A. આજના કાળમાં છુટાછેડાનું ચલણ પ્રચલિત થઈ રહ્યું છે અને આના સંદર્ભમાં તમને પણ એક વાર એવો વિચાર આવતો... Read More
Q. શું લગ્નજીવનમાં પતિ/પત્નીના દોષ જોવા યોગ્ય છે?
A. તમને તમારા પતિ/પત્ની ની ભૂલો દર્શાવવાની ઈચ્છા કેટલી વાર થઈ હશે ? અથવા તો તમારી સાથે પણ સામા પક્ષ... Read More
Q. સંબંધિક સમસ્યાઓને ભૂંસવાનું રબ્બર
A. આપણે ઘણી વખત આપણા પતિ/પત્ની સાથેના વર્તનમાં તેમને જાણ્યે-અજાણ્યે દુઃખ આપી દેતા હોઈએ છીએ. આપણી ઈચ્છા... Read More
Q. શું મારે પરણી જવું કે ડેટ પર જવું?
A. જેવી લગ્નની ઉંમર થાય છે કે, લોકોને મનમાં ઘણાં બધા પ્રશ્નો અને મૂંઝવણો ઉભી થાય કે પરણી જવું સારું કે... Read More
Q. જીવનસાથીની પસંદગી કેવી રીતે કરવી?
A. “જીવનસાથીની પસંદગી” એ બાબત ખરેખર ઘણાના જીવનમાં અઘરો પ્રશ્ન બની જાય છે. જેવા આપણે મોટા થઈએ છીએ કે... Read More
subscribe your email for our latest news and events