Related Questions

શું પતિ-પત્નીના સંબંધમાં એકબીજાની ભૂલો જોવી યોગ્ય છે?

એવું કેટલી વાર બન્યું હશે કે તમે પાર્ટનરને એમની ભૂલો બતાડવાનું મન થયું હોય અથવા તમારી સાથે એવું થયું હોય? એ વખતે કેવું લાગે છે? જ્યારે આપણને પોતાના પાર્ટનરની કે બીજા કોઈની ભૂલો બતાડવાનું મન થાય ત્યારે યાદ રાખવું કે આવું આપણી સાથે થાય તો કેવું લાગે. આપણને કોઈ આપણી ભૂલ બતાડે એ ગમતું નથી. જ્યારે કોઈ આપણી ભૂલ કાઢે ત્યારે આપણને દુ:ખ થાય છે અને અમુક હદે એ વ્યક્તિ માટે દ્વેષ પણ થઈ જાય છે. દુઃખદ વાત એ છે કે આ બધાંથી ઘણીવાર વેરભાવ અને ક્લેશ પરિણમે છે અને એના કારણે ઘરમાં દુઃખનું વાતાવરણ સર્જાય છે.

સામાને ભૂલો બતાડવી નહીં

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, "જીવન બધું બગડી ગયું છે, આવું જીવન ના હોવું જોઈએ. જીવન તો પ્રેમમય હોવું જોઈએ. જ્યાં પ્રેમ હોય ત્યાં ભૂલો જ ના કઢાય. ભૂલ કાઢવી હોય તો સમજ બરાબર પાડવી. એને આપણે કહીએ, 'આમ કરવા જેવું છે.' તો એ પેલી કહેશે, 'સારું થયું મને કહ્યું.' ઉપકાર માને. 'ચામાં ખાંડ નથી', કહેશે. અલ્યા, પી જા ને છાનોમાનો. વખતે એને ખબર પડશે ને? એ આપણને કહે ઊલટી, કે તમે ખાંડ માંગી નહીં?! ત્યારે કહીએ, તમને ખબર પડે ત્યારે મોકલજો. જીવન જીવતાં નથી આવડતું. ઘરમાં ભૂલ કઢાય નહીં. કાઢે કે ના કાઢે આપણા લોકો?"

પાર્ટનરની ભૂલોની અવગણના કરવી

બીજાની ભૂલો સહન કરી લેવાથી શું થાય તેની પર પ્રકાશ પાડતા પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે,'વાઈફ'ની કેટલીક ભૂલો આપણે સહન કરીએ તો તેના પર પ્રભાવ પડે. આ તો વગર ભૂલે ભૂલ કાઢીએ તો શું થાય? કેટલાક પુરુષો સ્ત્રીના સંબંધમાં બૂમાબૂમ કરે છે, તે બધી ખોટી બૂમો હોય છે.

પોતાની જાતને સુધારવી

આપણે બીજાની ભૂલો કાઢવાથી દૂર રહેવું જોઈએ, કારણ કે ભૂલ કાઢવાની ઈચ્છા અહંકારમાંથી જન્મે છે અને એટલે જ અંતે તેમને દુઃખ થયા વગર નહીં રહે. તેઓ પોતાની ભૂલો વિશે પહેલેથી જ જાણતા હોય છે. માટે આપણે મન-વચન-કાયાથી કોઈ પણ જીવને દુ:ખ નથી આપવું એવો ભાવ રાખવો જોઈએ! બીજાના દોષ જોવાને બદલે પોતાની જાતને સુધારવા પર અને પોતાની ભૂલોમાંથી કઈ રીતે બહાર નીકળી શકાય એની તરફ ધ્યાન આપવું જોઈએ. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે,“સુધારવા માટે પોતે જ સુધરવાની જરૂર છે. કોઈને સુધારી શકાતો જ નથી. જે સુધારવાના પ્રયત્નવાળા છે તે બધા અહંકારી છે. પોતે સુધર્યો એટલે સામો સુધરી જ જાય.”

બીજાની ભૂલ કાઢવાના પરિણામો 

જો બીજા ભૂલ કરે અને આપણે તેમની ભૂલ બતાડીએ, એમાં આપણને શું મળશે? બીજાની ભૂલો ન કાઢવા વિશે પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “આ રેલવેલાઈન ચાલે છે. તેમાં કેટલી બધી કામગીરીઓ હોય છે! કેટલી જગ્યાએથી નોંધ આવે, ખબરો આવે, તે એનું 'ડિપાર્ટમેન્ટ' જ આખું જુદું. હવે તેમાંય ખામી તો આવે જ ને? તેમ 'વાઈફ'ના ડિપાર્ટમેન્ટમાં કો'ક ફેરો ખામી પણ આવે. હવે આપણે જો એમની ખામી કાઢવા જઈએ તો પછી એ આપણી ખામી કાઢશે. 'તમે આમ નથી કરતા, તેમ નથી કરતા. આમ કાગળ આવ્યો ને તેમ કર્યું તમે.' એટલે એ વેર વાળે. હું તમારી ખોડ કાઢું તો તમે પણ મારી ખોડ કાઢવા તલપી રહ્યા હોય! એટલો ખરો માણસ તો ઘરના બાબતમાં હાથ જ ના ઘાલે.

સ્ત્રી પુરુષે એકમેકને હેલ્પ કરવી જોઈએ. ધણીને ચિંતા-વરીઝ રહેતી હોય તે તેને કેમ કરીને ના થાય એવું સ્ત્રી બોલતી હોય. તેમ ધણી પણ બૈરી મુશ્કેલીમાં ના મૂકાય એવું જોતો હોય. ધણીએ પણ સમજવું જોઈએ કે સ્ત્રીને છોકરાં ઘેર કેટલાં હેરાન કરતાં હશે!”

×
Share on