Related Questions

ક્રોધિત પત્ની સાથે કેવી રીતે વ્યવહાર કરવો

લગ્નજીવનમાં, વહેલા કે મોડે, એવી પરીસ્થિતિ ઉભી થઈ શકે કે, જયારે તમને તમારી પત્નીના ક્રોધનો સામનો કરવો પડે. ભાવનાત્મકરૂપે તેમની સાથે નજીકથી જોડાયેલ હોવાથી, તમે એમને ખુશ કરવાનો પ્રયત્ન કરશો જ. તેમ છતાં, પરિસ્થિત જયારે કાબૂની બહાર જાય છે ત્યારે એને નિયંત્રિત કરવું બહુ મુશ્કેલ થઈ જાય છે.

સામાન્ય રીતે મતભેદની શરૂઆત નાની-નાની થતી અણસમજણો અને પોતાના અભિપ્રાયોને કારણે હોય છે અને ત્યારે પરિસ્થિતિ હાથમાંથી જતી રહી એવો ભાસ થાય છે. થોડું ધૈર્ય રાખી, ખુલ્લા મનથી વાર્તાલાપ દ્વારા અને એકબીજા પ્રત્યેની થોડી વિનમ્રતા કેળવીને સમસ્યાને ઉકેલી શકાય એમ છે. આમાં હતાશ થયા વગર તણાવભરી પરિસ્થિતિનો વ્યવસ્થિત રીતે ઉકેલ લાવવો એ સૌથી મહત્વની બાબત  છે.

ધારો કે તમારા પત્નીએ પડોશી સાથે ઝગડો કર્યો અને એમને એટલી હદે ક્રોધ આવ્યો છે અને તમે જયારે ઘરે આવો ત્યારે તમારા ઉપર ક્રોધ કરી વધુ ચીકણું કરે છે. તમે શું કરશો? શું તમે પણ ક્રોધિત થશો? જયારે આવા પ્રસંગો બને ત્યારે તમારે એડજસ્ટમેન્ટ લીધા કરવાનું. તમને નથી ખબર કે કોના લીધે અને ક્યાં કારણથી તેઓ આટલા ગુસ્સામાં છે. તમે પુરુષ છો એટલે તમારે વિવાદ ન થવા દેવો જોઈએ. જો એ તમારી સાથે દલીલ કરવા લાગે, તમારે એમને શાંત કરવું. કલેશ એટલે જ અભિપ્રાયોનો મતભેદ.

તો ચાલો, આપણે જોઈએ કે આત્મજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રી કેવી રીતે તેમની પત્ની સાથે થતા કલેશને કુશળતાથી ઉકેલ લાવતા હતા.

દાદાશ્રી: તે મારે એક ફેરો હીરાબા જોડે મતભેદ પડી ગયો. હું હઉ ફસામણમાં આવી ગયો. મારી વાઈફને હું 'હીરાબા' કહું છું. અમે તો જ્ઞાની પુરુષ, અમારે તો બધાને બા કહેવાય અને આ બીજી છોડીઓ કહેવાય. એટલે વાત સાંભળવી હોય તો કહું, આ તો બહુ લાંબી વાત નથી, ટૂંકી વાત છે.

પ્રશ્નકર્તા: હા, એ વાત કહો ને!

દાદાશ્રી: એક દહાડો મતભેદ થઈ ગયો હતો. તે મારી જ ભૂલ થઈ ગઈ હતી, એમની ભૂલ નહોતી.

પ્રશ્નકર્તા: એ તો એમની થઈ ગઈ હશે પણ તમે કહો છો, મારી ભૂલ થઈ ગઈ હતી.

દાદાશ્રી: હા, પણ એમની ભૂલ થઈ નથી, મારી ભૂલ. મારે જ મતભેદ નથી પાડવો. એમને તો પડે તો ય વાંધો નહીં ને ના પડે તોય વાંધો નથી. મારે નથી પાડવો એટલે મારી જ ભૂલ કહેવાય ને! આ આમ કર્યું તો ખુરશીને વાગ્યું કે મને ?

પ્રશ્નકર્તા: તમને.

દાદાશ્રી: તે મારે સમજવું જોઈએ ને!

તે પછી એક દહાડો મતભેદ પડ્યો. હું ફસાયો. મને કહે છે, 'મારા ભાઈની ચાર છોડીઓ પૈણવાની છે, તેમાં આ પહેલી છોડી પૈણે છે તે આપણે લગ્નમાં શું આપીશું ?' તો આવું ના પૂછે તો ચાલે. જે આપે તે હું 'ના' કહું નહીં. મને પૂછયું એટલે પછી મારી અક્કલ પ્રમાણે ચાલું. એમના જેવી મારામાં અક્કલ ક્યાંથી હોય? પૂછયું એટલે મેં શું કહ્યું ? 'આ કબાટમાં મહીં ચાંદીનું પડ્યું છેને તે આપજોને, નવું બનાવ્યા કરતાં! આ ચાંદીના વાસણ કબાટમાં પડી રહ્યાં છે નાના નાના, તે આપજોને એકાદ-બે!' એટલે એમણે મને શું કહ્યું જાણો છો ? અમારા ઘરમાં મારી-તારી શબ્દ ના નીકળે. આપણું-આપણાં જ બોલાય. તે એ એવું બોલ્યાં કે 'તમારા મામાની દીકરાની છોડીઓ પૈણે છે, ત્યાં તો આવડા આવડા ચાંદીના તાટ આપો છો ને!' હવે મારા ને તમારા બોલ્યા તે દહાડે, કાયમ આપણું જ બોલે. મારા-તમારા ભેદ ના બોલે. પેલા બોલ્યા. મેં કહ્યું, આજે આપણે ફસાઈ ગયા! હું તરત સમજી ગયો. એટલે હું લાગ ખોળું આમાંથી નીકળવાનો, હવે શી રીતે આને સમું કરી લેવું! લોહી નીકળવા માંડ્યું એટલે પટ્ટી શી રીતે ચોડવી કે લોહી બંધ થઈ જાય, એ અમને આવડે!

એટલે મારી-તારી થઈ તે દહાડે! 'તમારા મામાના દીકરા' કહ્યું, આટલે સુધી આ દશા થઈ, મારી અણસમજણ આટલી ઊંધી! મેં કહ્યું, 'આ ઠોકર વાગવાની થઈ આજ તો!' એટલે હું તરત જ ફરી ગયો! ફરી જવાનો વાંધો નથી. મતભેદ પાડવો તેનાં કરતાં ફરી જવું સારું. તરત જ ફરી ગયો આખો ય. મેં કહ્યું, 'એવું નથી કહેવા માંગતો.' હું જૂઠું બોલ્યો, મેં કહ્યું, 'મારી વાત જુદી છે ને તમારી સમજણમાં જરા ફેર પડી ગયો. એવું હું નથી કહેતો!' ત્યારે કહે, 'તો શું કહો છો?' ત્યારે મેં કહ્યું, 'આ ચાંદીનું વાસણ નાનું આપજો અને બીજા રોકડા પાંચસો રૂપિયા આપજો. એ એમને કામ લાગશે.' 'તમે તો ભોળા છો. આટલું બધું અપાતું હશે?' એટલે હું સમજી ગયો આપણે જીત્યા! પછી મેં કહ્યું, 'તો તમારે જેટલા આપવા હોય એટલા આપજો. ચારેવ ભત્રીજી આપણી છોડીઓ છે!' એટલે ખુશ થઈ ગયા. 'દેવ જેવા છે' કહે છે!

જો પટ્ટી મારી દીધીને! હું સમજું કે આપણે પાંચસો કહીએ તો આપે એવા માણસ નથી આ! એટલે આપણે એમને જ કબજો સોંપી દો ને! હું સ્વભાવ જાણું. હું પાંચસો આપું તો એ ત્રણસો આપી આવે. એટલે બોલો, મારે સત્તા સોંપવામાં વાંધો ખરો ?

ચાલો, દાદાશ્રીએ આપેલા ઉદાહરણો દ્વારા આપણે ક્રોધિત પત્ની સાથે કેવી રીતે વ્યવહાર કરવો અને આપણી પત્નીને ખુશ કેવી રીતે રાખવા એ કળા શીખીએ:

મીઠા શબ્દોનો પ્રયોગ કરો

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “જયારે બીબીએ સલિયાને ગોસ લાવવા કહ્યું હોય, હવે સલિયાને પગાર ઓછો મળતો હોય, તે બિચારો ગોસ શી રીતે લાવે ? સલિયાને બીબી મહિનાથી કહે કહે કરતી હોય કે આ છોકરાંઓને બધાને બિચારાને સાંભળ સાંભળ કરે છે, હવે ગોસ તો લઈ આવો. પછી એક દહાડો બીબી મનમાં બહુ અકળાય ત્યારે પેલો કહે, આજ તો લઈને આવીશ. મિયાંભાઈ પાસે જવાબ રોકડો એ જાણે કે જવાબ ઉધાર દઈશ તો ગાળાગાળી દેશે. તે પછી કહી દે કે, આજ લાઉંગા. એમ કહીને છટકીને આવે. જો જવાબ આપે નહીં તો જતી વખતે બીબી કચ કચ કરે. એટલે તરત પોઝિટિવ જવાબ આપી દે કે, આજ લે આઉંગા. કિધર સે ભી લે આઉંગા. એટલે બીબી જાણે કે આજે તો લઈને આવે એટલે પછી રાંધીએ. પણ પેલો આવે ને ખાલી હાથે દેખે એટલે બીબી બૂમાબૂમ કરવા માંડે. સલિયો આમ તો બહુ પાકો હોય એટલે બીબીને સમજાવી દે કે, 'યાર મેરી હાલત મૈં જાનતા હું, તુમ ક્યા સમજે!' એવા એક-બે વાક્ય બોલે પછી બીબી કહેશે, 'સારું, ફરી લાવજો.' પણ દશ-પંદર દહાડે ફરી બીબી બૂમો પાડે તો પાછો 'મેરી હાલત મૈં જાનતા હું' એવું બોલે ને તો બીબી ખુશ થઈ જાય. એ કોઈ દહાડો ઝઘડો ના કરે.”

ઉભા થતા કલેશને ટાળી, તમારા ક્રોધિત પત્નીને ખુશી આપો

એવું બનેલું કે ૧૯૪૩-૪૪માં પરમ પૂજ્ય દાદા ભગવાને ગવર્મેન્ટનો કોન્ટ્રેક્ટ લીધેલો. એક દિવસ સાંજે તેઓ અહમદમિયાંના ઘરે ગયા કે જે લેબર કોન્ટ્રેક્ટવાળો કડિયા કામનો ઉપરી હતો. તે સાંજે પરમ પૂજ્ય દાદાશ્રીના નિવેદન નીચે મુજબ છે. 

મેં કહ્યું, 'અલ્યા, આ ... એક જ રૂમ મોટી છે અને આ બીજી તો આ સંડાસ જેટલી જ નાની છે.' ત્યારે કહે, 'સાહેબ ક્યા કરે ! હમારે ગરીબ કે લીયે ઇતના બહોત હૈ.' મેં કહ્યું, 'તારા વાઈફ ક્યાં સૂઈ જાય છે ?' ત્યારે કહે, 'યે હી જ રૂમમેં. યે બેડરૂમ કહો, યે ડાઈનિંગ રૂમ કહો, યે સબ યે હી.' મેં કહ્યું, 'અહમદમિયાં, ઓરત કે સાથ કુછ ઝઘડા-બઘડા હોતા નહીં હૈ કે ?' 'યે ક્યા બોલા ?' મેં કહ્યું, 'શું ?' ત્યારે એ કહે, 'કભી નહીં હોતા હૈ. ઐસા મૂર્ખ આદમી નહીં હમ.' 'અલ્યા, મતભેદ ?!' ત્યારે કહે, 'નહીં, મતભેદ ઓરત કે સાથ નહીં.' શું કહે છે, બીબી જોડે મારે વઢવાડ ના હોય. મેં કહ્યું, 'કોઈ દહાડો બીબી ગુસ્સે થઈ જાય ત્યારે ?' તો કહે, 'પ્યારી, આ બહાર પેલો સાહેબ હેરાન કરે છે ને તું પાછું હેરાન કરીશને તો મારું શું થશે ?' એટલે ચૂપ થઈ જાય !

મેં કહ્યું, 'મતભેદ પડતો નથી, એટલે ભાંજગડ નહીંને ?' ત્યારે કહે, 'ના, મતભેદ પડે તો, એ ક્યાં સૂઈ જાય અને હું ક્યાં સૂઈ જાઉં ? અહીં બે-ત્રણ માળ હોય તો હું જાણું કે ત્રીજે માળ જતો રહું ! પણ આ તો એની એ જ રૂમમાં સૂઈ જવાનું. એ આમની ફરીને સૂઈ જાય ને હું આમનો ફરીને સૂઈ જાઉં પછી શું મજા આવે ? આખી રાત ઊંઘ ના આવે. પણ અત્યારે તો શેઠ હું ક્યાં જાઉં ?! એટલે આ બીબીને તો કોઈ દહાડો હું દુઃખ આપું નહીં. બીબી મને મારે તો ય દુઃખ ન આપું. એટલે હું બહાર બધાંની જોડે વઢી આવું, પણ બીબી જોડે 'ક્લિયર' રાખવાનું ! વાઈફને કશું ના કરાય.' ચળ આવતી હોય તો બહાર વઢીને આવે પણ અહીં ઘરમાં નહીં.

આપણે અહમદમિયાંની વિચારધારાને અનુરૂપ આપણા જીવનમાં અમલ શરુ કરીએ તો લગ્નજીવનમાં કલેશ જ ન થાય એવી સ્થિતિ પણ આવી શકે અને સાથે સાથે એમની પત્ની સાથે કલેશ ટાળવાની રીત વાપરીને આપણી પત્ની સાથેના કલેશ ટાળીએ, તો આપણે પણ સુખી લગ્નજીવન જીવી શકીએ.

સ્વીકારો અને એડજસ્ટ થાવ

બૈરી ચિઢાય ને કહે, 'હું તમારી થાળી લઇને નથી આવવાની, તમે જાતે આવો. હવે તમારી તબિયત સારી થઇ છે ને હેંડતા થયા છો. આમ લોકો જોડે વાતો કરો છો, હરોફરો છો, બીડીઓ પીવો છો અને ઉપરથી ટાઇમ થાય ત્યારે થાળી માગો છો. હું નથી આવવાની! ત્યારે આપણે ધીમે રહીને કહીએ, 'તમે નીચે થાળીમાં કાઢો, હું આવું છું.' એ કહે, 'નથી આવવાની.' તે પહેલાં જ આપણે કહીએ કે, હું આવું છું, મારી ભૂલ થઇ ગઇ લો. આવું કરીએ તો કંઇ રાત સારી જાય, નહીં તો રાત બગડે. પેલા ડચકારા મારતા તહીં સૂઇ ગયા હોય ને આ બઇ અહીં ડચકારા મારતાં હોય. બેઉને ઊંઘ આવે નહીં. સવારે પાછાં ચાપાણી થાય તે ચાનો પ્યાલો ખખડાવીને મૂકી ડચકારો મારે કે ના મારે ? તે આ બઇએ ય તરત સમજી જાય કે ડચકારો માર્યો. આવું કકળાટભર્યું જીવન છે. આખા વર્લ્ડમાં આ હિન્દુઓ ગાળે છે જીવન ક્લેશમાં.

×
Share on