લગ્નજીવનમાં, વહેલા કે મોડા, એવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે જ્યારે ગુસ્સે થયેલી પત્નીને સંભાળવી પડે. પત્ની સાથે લાગણીભર્યા સંબંધોને કારણે આપણે એમને ખુશ રાખવાનો પ્રયત્ન કરતાં હોઈએ છીએ. છતાં પણ, પરિસ્થિતિ જ્યારે કાબૂની બહાર જતી રહે ત્યારે એ સંભાળવી અઘરી થઈ પડે છે.
સામાન્ય રીતે, પરિસ્થિતિ કાબૂની બહાર જતી રહે એની શરૂઆત નાના મતભેદો કે ગેરસમજણથી થતી હોય છે. થોડી ધીરજ ધરીને, ખુલ્લા મને વાતચીત કરીને અને એકબીજાનો વિનય સાચવવાથી આવી સમસ્યાઓને સહેલાઈથી ઉકેલી શકાય છે. અકળાયા વગર આવી પરિસ્થિતિનો સૂઝબૂઝથી ઉકેલ લાવવો એ સૌથી ઉત્તમ ઉપાય છે.

ધારો કે, આપણી પત્નીનો પાડોશી સાથે ઝઘડો થયો હોય અને એમને એટલો ગુસ્સો આવે કે આપણે ઘરે આવીએ ત્યારે એ આપણને પણ વઢવા લાગે ત્યારે શું કરવું? શું આપણે પણ સામે ગુસ્સો કરવો જોઈએ? જ્યારે આવું બને ત્યારે આપણે એડજસ્ટમેન્ટ લઈ લેવું. આપણને નથી ખબર કે તેઓ શા માટે ગુસ્સે છે. આપણે મતભેદ ના પડવા દેવો જોઈએ. જો તેઓ આપણી સાથે આર્ગ્યુમેન્ટ કરવા લાગે ત્યારે આપણે એમને શાંત પાડવા જોઈએ. મતભેદ એટલે અથડામણ.
તો ચાલો આપણે જોઈએ કે જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રી કેવી રીતે એમની પત્ની સાથે કઈ રીતે કુશળતાથી અથડામણ ટાળી હતી.
દાદાશ્રી: તે મારે એક ફેરો હીરાબા જોડે મતભેદ પડી ગયો. હું હઉ ફસામણમાં આવી ગયો. મારી વાઈફને હું હીરાબા કહું છું. અમે તો જ્ઞાની પુરુષ, અમારે તો બધાને ‘બા’ કહેવાય અને આ બીજી ‘છોડીઓ’ કહેવાય. એટલે વાત સાંભળવી હોય તો કહું, આ તો બહુ લાંબી વાત નથી, ટૂંકી વાત છે.
પ્રશ્નકર્તા: હા, એ વાત કહો ને!
દાદાશ્રી: એક દહાડો મતભેદ થઈ ગયો હતો. તે મારી જ ભૂલ થઈ ગઈ હતી, એમની ભૂલ નહોતી.
પ્રશ્નકર્તા: એ તો એમની થઈ ગઈ હશે પણ તમે કહો છો, મારી ભૂલ થઈ ગઈ હતી.
દાદાશ્રી: હા, પણ એમની ભૂલ થઈ નથી, મારી ભૂલ. મારે જ મતભેદ નથી પાડવો. એમને તો પડે તોય વાંધો નહીં ને ના પડે તોય વાંધો નથી. મારે નથી પાડવો એટલે મારી જ ભૂલ કહેવાય ને! આ આમ કર્યું તો ખુરશીને વાગ્યું કે મને?
પ્રશ્નકર્તા: તમને.
દાદાશ્રી: તે મારે સમજવું જોઈએ ને!
તે પછી એક દહાડો મતભેદ પડ્યો. હું ફસાયો. મને કહે છે, 'મારા ભાઈની ચાર છોડીઓ પૈણવાની છે, તેમાં આ પહેલી છોડી પૈણે છે તે આપણે લગ્નમાં શું આપીશું?' તે આવું ના પૂછે તો ચાલે. જે આપે તે હું 'ના' કહું નહીં. મને પૂછ્યું એટલે પછી મારી અક્કલ પ્રમાણે ચાલું. એમના જેવી મારામાં અક્કલ ક્યાંથી હોય? પૂછ્યું એટલે મેં શું કહ્યું? 'આ કબાટમાં મહીં ચાંદીનું પડ્યું છે ને તે આપજો ને, નવું બનાવ્યા કરતા! આ ચાંદીના વાસણ કબાટમાં પડી રહ્યા છે નાનાં નાનાં, તે આપજો ને એકાદ-બે!' એટલે એમણે મને શું કહ્યું જાણો છો? અમારા ઘરમાં ‘મારી-તારી’ શબ્દ ના નીકળે. ‘આપણું-આપણાં’ જ બોલાય. તે એ એવું બોલ્યા કે 'તમારા મામાની દીકરાની છોડીઓ પૈણે છે, ત્યાં તો આવડા આવડા ચાંદીના તાટ આપો છો ને!' હવે મારા ને તમારા બોલ્યાં તે દહાડે, કાયમ આપણું જ બોલે. મારા-તમારા ભેદ ના બોલે. પેલા બોલ્યાં. મેં કહ્યું, ‘આજ આપણે ફસાઈ ગયા!’ હું તરત સમજી ગયો. એટલે હું લાગ ખોળું આમાંથી નીકળવાનો, હવે શી રીતે આને સમું કરી લેવું! લોહી નીકળવા માંડ્યું એટલે પટ્ટી શી રીતે ચોડવી કે લોહી બંધ થઈ જાય!
એટલે મારી-તારી થઈ તે દહાડે! 'તમારા મામાના દીકરા' કહ્યું, આટલે સુધી આ દશા થઈ, મારી અણસમજણ આટલી ઊંધી! મેં કહ્યું, 'આ ઠોકર વાગવાની થઈ આજ તો!' એટલે હું તરત જ ફરી ગયો! ફરી જવાનો વાંધો નથી. મતભેદ પાડવો તેના કરતા ફરી જવું સારું. તરત જ ફરી ગયો આખોય. મેં કહ્યું, 'એવું નથી કહેવા માંગતો.' હું જૂઠું બોલ્યો, મેં કહ્યું, 'મારી વાત જુદી છે ને તમારી સમજણમાં જરા ફેર પડી ગયો. એવું હું નથી કહેતો!' ત્યારે કહે, 'તો શું કહો છો?' ત્યારે મેં કહ્યું, 'આ ચાંદીનું વાસણ નાનું આપજો અને બીજા રોકડા પાંચસો રૂપિયા આપજો. એ એમને કામ લાગશે.' 'તમે તો ભોળા છો. આટલું બધું અપાતું હશે?' એટલે હું સમજી ગયો આપણે જીત્યા! પછી મેં કહ્યું, 'તો તમારે જેટલા આપવા હોય એટલા આપજો. ચારેવ ભત્રીજી આપણી છોડીઓ છે!' એટલે ખુશ થઈ ગયા. 'દેવ જેવા છે' કહે છે!
જો પટ્ટી મારી દીધી ને! હું સમજું કે આપણે પાંચસો કહીએ તો આપે એવા માણસ નથી આ! એટલે આપણે એમને જ કબજો સોંપી દો ને! હું સ્વભાવ જાણું. હું પાંચસો આપું તો એ ત્રણસો આપી આવે. એટલે બોલો, મારે સત્તા સોંપવામાં વાંધો ખરો?
પરમ પૂજ્ય દાદાશ્રીએ આપેલા ઉદાહરણો પરથી ક્રોધિત પત્ની સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ અને એમને કેવી રીતે ખુશ રાખવા એ શીખીએ:
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે,“વાઈફે પતિને મીઠાઈ લાવવા કહ્યું હોય હવે એનો પગાર ઓછો મળતો હોય, તે બિચારો મીઠાઈ શી રીતે લાવે? પેલી મહિનાથી કહે કહે કરતી હોય કે આ છોકરાંઓને બધાને બિચારાને સાંભળ સાંભળ કરે છે, હવે તો મીઠાઈ લઈ આવો. પછી એક દહાડો પેલી મનમાં બહુ અકળાય ત્યારે પેલો કહે, આજ તો લઈને આવીશ. ભાઈ પાસે જવાબ રોકડો એ જાણે કે જવાબ ઉધાર દઈશ તો ગાળાગાળી દેશે. તે પછી કહી દે કે આજ લાઉંગા. એમ કહીને છટકીને આવે. જો જવાબ આપે નહીં તો જતી વખતે પેલી કચકચ કરે. એટલે તરત પોઝિટિવ જવાબ આપી દે કે આજ લે આઉંગા. કિધર સે ભી લે આઉંગા. એટલે પેલી જાણે કે આજે તો લઈને આવશે, પણ પેલો આવે ને ખાલી હાથે દેખે એટલે એ બૂમાબૂમ કરવા માંડે, પેલો આમ તો બહુ પાકો હોય એટલે વાઈફને સમજાવી દે કે, ‘યાર મેરી હાલત મૈં જાનતા હું, તુમ ક્યા સમજે.’ એવા એક-બે વાક્ય બોલે પછી વાઈફ કહેશે, ‘સારું, ફરી લાવજો.’ પણ દશ-પંદર દહાડે ફરી પેલી બૂમો પાડે તો પાછો ‘મેરી હાલત મૈં જાનતા હું.’ એવું બોલે ને તો પેલી ખુશ થઈ જાય. એ કોઈ દહાડો ઝઘડો ના કરે.”
વર્ષ ૧૯૪૩-૪૪માં પરમ પૂજ્ય દાદા ભગવાનને ગવર્મેન્ટનો કન્સ્ટ્રકશનનો કોન્ટ્રેક્ટ લીધેલો. એક સાંજે તેઓ કડિયાકામ કરનારા લેબર્સના જે ઉપરી કોન્ટ્રેક્ટર એમણે દાદાશ્રીને પોતાના ઘરે પધારવા આમંત્રણ આપ્યું અને પછી દાદાશ્રી એમના ઘરે ગયા. એ સાંજનો પરમ પૂજ્ય દાદાશ્રીનો વૃત્તાંત આ મુજબ છે.
મેં કહું, ‘અલ્યા, આ... એક જ રૂમ મોટી છે અને આ બીજી તો આ સંડાસ જેટલી જ નાની છે.' ત્યારે કહે, 'સાહેબ ક્યા કરે! હમારે ગરીબ કે લીયે ઈતના બહોત હૈ.' મેં કહ્યું, 'તારા વાઈફ ક્યાં સૂઈ જાય છે?' ત્યારે કહે, 'યે હી જ રૂમ મેં. યે બેડરૂમ કહો, યે ડાઈનિંગ રૂમ કહો, યે સબ યે હી.' મેં કહ્યું, 'ઓરત કે સાથ કુછ ઝઘડા-બઘડા હોતા નહીં હૈ કે?' 'યે ક્યા બોલા?' મેં કહ્યું, 'શું?' ત્યારે એ કહે, 'કભી નહીં હોતા હૈ. ઐસા મૂર્ખ આદમી નહીં હમ.' 'અલ્યા, મતભેદ?!' ત્યારે કહે, 'નહીં, મતભેદ ઓરત કે સાથ નહીં.' શું કહે છે, ‘વાઈફ જોડે મારે વઢવાડ ના હોય. મેં કહ્યું, 'કોઈ દહાડો વાઈફ ગુસ્સે થઈ જાય ત્યારે?' તો કહે, 'પ્યારી, આ બહાર પેલો સાહેબ હેરાન કરે છે ને તું પાછું હેરાન કરીશને તો મારું શું થશે?' એટલે ચૂપ થઈ જાય!”
મેં કહ્યું, “મતભેદ પડતો નથી, એટલે ભાંજગડ નહીં ને?' ત્યારે કહે, 'ના, મતભેદ પડે તો, એ ક્યાં સૂઈ જાય અને હું ક્યાં સૂઈ જાઉં? અહીં બે-ત્રણ માળ હોય, તો હું જાણું કે ત્રીજે માળ જતો રહું! પણ આ તો એની એ જ રૂમમાં સૂઈ જવાનું. એ આમની ફરીને સૂઈ જાય ને હું આમનો ફરીને સૂઈ જાઉં પછી શું મજા આવે? આખી રાત ઊંઘ ના આવે, પણ અત્યારે તો શેઠ હું ક્યાં જાઉં? એટલે આ વાઈફને તો કોઈ દહાડો હું દુઃખ આપું નહીં. એ મને મારે તોય દુઃખ ન આપું’, કહે છે. ‘એટલે હું બહાર બધાની જોડે વઢી આવું, પણ ઘરવાળી જોડે 'ક્લિયર' રાખવાનું! વાઈફને કશું ના કરાય.' ચળ આવતી હોય તો બહાર વઢીને આવે પણ અહીં ઘરમાં નહીં.”
જો આપણે પણ ઉપર દર્શાવ્યા પ્રમાણેની વિચારધારાને કળાપૂર્વક આપણા જીવનમાં અપનાવીને લગ્નજીવનમાં કોઈ ક્લેશ ના થવા દઈએ તો સુખી લગ્નજીવન જીવી શકીએ છે.
શાંતિમય અને સુખી લગ્નજીવન માટે આપણે પોતાના પતિ કે પત્નીને જેમ છે એમ સ્વીકારી લઈને એમની સાથે એડજસ્ટ થઈ જવું જોઈએ. આ અંગે પરમ પૂજ્ય દાદા ભગવાન શું કહે છે એ જોઈએ.
“બૈરી ચિડાય ને કહે, 'હું તમારી થાળી લઈને નથી આવવાની, તમે જાતે આવો. હવે તમારી તબિયત સારી થઈ છે ને હેંડતા થયા છો. આમ લોકો જોડે વાતો કરો છો, હરોફરો છો, બીડીઓ પીવો છો અને ઉપરથી ટાઈમ થાય ત્યારે થાળી માગો છો. હું નથી આપવાની! ત્યારે આપણે ધીમે રહીને કહીએ, 'તમે નીચે થાળીમાં કાઢો, હું આવું છું.' એ કહે, 'નથી આવવાની.' તે પહેલા જ આપણે કહીએ કે 'હું આવું છું, મારી ભૂલ થઈ ગઈ, લો.' આવું કરીએ તો કંઈ રાત સારી જાય, નહીં તો રાત બગડે. પેલા ડચકારા મારતા તહીં સૂઈ ગયા હોય ને આ બઈ અહીં ડચકારા મારતા હોય. બેઉને ઊંઘ આવે નહીં. સવારે પાછાં ચા-પાણી થાય તે ચાનો પ્યાલો ખખડાવીને મૂકી ડચકારો મારે કે ના મારે? તે આ ભઈએય તરત સમજી જાય કે ડચકારો માર્યો. આ કકળાટનું જીવન છે.”
પરમ પૂજ્ય દાદાશ્રી આનું તારણ આપતાં કહે છે કે,
“વાઈફે જમવાનું બનાવ્યું હોય તેમાં ભૂલ કાઢવી એ બ્લન્ડર્સ, ના કઢાય એવું. જાણે પોતે ભૂલ ના કરતો હોય એવી વાત કરે છે. હાઉ ટુ એડજસ્ટ? એડજસ્ટમેન્ટ લેવું જોઈએ. જેની સાથે રહેવાનું કાયમ એની સાથે એડજસ્ટમેન્ટ ના લેવું જોઈએ? આપણા થકી કોઈને દુઃખ થાય એ ભગવાન મહાવીરનો ધર્મ કહેવાય તે? અને ઘરના માણસને તો અવશ્ય દુઃખ ના થવું જોઈએ.”
૧) ‘મિનિટે' ય ભાંજગડ ના પડે, એનું નામ ધણી. મિત્ર જોડે જેમ બગડવા નથી દેતા તેમ સાચવવું. મિત્ર જોડે ના સાચવે તો મિત્રતા તૂટી જાય.
૨) બાઈનો ધણી થતાં આવડ્યું ક્યારે કહેવાય? કે બાઈ નિરંતર પૂજ્યતા અનુભવતી હોય!
ક્રોધમાંથી કેવી રીતે મુક્ત થઈ શકાય, એ અંગે સાચી સમજણ આપતું “ક્રોધ” પુસ્તક ડાઉનલોડ કરીને અવશ્ય સમાધાન મેળવો.
Q. લગ્નજીવનને સુખી કેવી રીતે બનાવવું?
A. પરમ પૂજ્ય દાદાશ્રી અને હીરાબાનું લગ્નજીવન એકદમ શાંતિપૂર્ણ, પરસ્પર આદર અને વિનયવાળું હતું. એમના... Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા થવા પાછળ શું કારણ છે ?
A. જ્યારે તમારા લગ્ન થાય છે ત્યારે આદર્શ લગ્નજીવન વિશે તમારા મનમાં, “મારું લગ્નજીવન આવું હશે ને... Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા કેવી રીતે ઉકેલવી?
A. લોકોને ઘરમાં પોતાના પાર્ટનર સાથે મતભેદ થાય ત્યારે સમાધાન કરતા આવડે નહીં અને ગૂંચાયા કરે. એના... Read More
Q. જીવનસાથી સાથેનો વ્યવહાર ઉકેલવાની ટીપ્સ
A. વ્યવસાયિક ક્ષેત્રમાં લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી તેમજ આપણી વ્યવહાર કળાનો કેવી રીતે વિકાસ કરવો એ... Read More
Q. પત્ની કચકચ કરે ત્યારે કેવી રીતે વર્તવું ?
A. લગ્નજીવનમાં પતિ/પત્નીની એકબીજા સાથે થતી કચકચની ફરિયાદ એ ખૂબ જ સામાન્ય છે. ખાસ કરીને, પતિની એવી... Read More
Q. લગ્નજીવનમાં નાણાંકીય પ્રશ્નો કેમ ટાળવા?
A. તમે પોતાની જાતને કે તમારા જીવનસાથીને નાણાંકીય મુશ્કેલીમાં ના મૂકી દો, એ બાબત વિશે તમારે ખાસ જાગૃત... Read More
Q. લગ્નવિચ્છેદ (છૂટાછેડા) થવાના કારણો શું છે?
A. આપણા રોજિંદા જીવનમાં મતભેદો થતા હોય છે. કઈ વ્યક્તિના કેવા સંજોગો છે, તેના આધારે મૂળ અભિપ્રાયરૂપી... Read More
Q. શું મારે છૂટાછેડા (ડિવોર્સ) લેવા જોઈએ?
A. આજના કાળમાં છૂટાછેડાનું ચલણ પ્રચલિત થઈ રહ્યું છે અને આના સંદર્ભમાં તમને પણ એકવાર એવો વિચાર આવતો હશે... Read More
Q. શું લગ્નજીવનમાં પતિ/પત્નીના દોષ જોવા યોગ્ય છે?
A. તમને તમારા જીવનસાથીની ભૂલો દર્શાવવાની ઈચ્છા કેટલી વાર થઈ હશે? અથવા તો તમારી સાથે પણ સામા પક્ષ તરફથી... Read More
Q. સંબંધિક સમસ્યાઓને ભૂંસવાનું રબર
A. આપણે ઘણી વખત આપણા જીવનસાથી સાથે થતા વર્તનમાં તેમને જાણ્યે-અજાણ્યે દુઃખ આપી દેતા હોઈએ છીએ. આપણી... Read More
Q. શું મારે પરણી જવું કે ડેટ પર જવું?
A. જેવી લગ્નની ઉંમર થાય કે લોકોને મનમાં ઘણા બધા પ્રશ્નો અને મૂંઝવણો ઊભી થાય છે કે, પરણી જવું સારું કે... Read More
Q. જીવનસાથીની પસંદગી કેવી રીતે કરવી?
A. “જીવનસાથીની પસંદગી” એ બાબત ખરેખર ઘણાના જીવનમાં અઘરો પ્રશ્ન બની જાય છે. જેવી લગ્ન કરવાની ઉંમર થાય છે... Read More
subscribe your email for our latest news and events
