Related Questions

બાળકો સાથે કેવી રીતે વર્તવું?

પ્રશ્નકર્તા : છોકરાં જોડે છોકરાં થઈ જવું અને એ રીતે વર્તવું, તો એ કઈ રીતે !

દાદાશ્રી : છોકરા તરીકે અત્યારે છોકરા જોડે વર્તન રાખો છો ? આપણે મોટાં હોય તો એનો ભય લાગ્યા કરે. એ ભય ના લાગે એવી રીતે વર્તવું જોઈએ આપણે. એ સમજણ પાડીને એનો દોષ કાઢવો જોઈએ, બીવડાવીને ના કાઢવો જોઈએ. નહીં તો બીવડાવીને કામ લાગે નહીં. તમે મોટી ઉંમરના, એ નાની ઉંમરના, ભડકી જાય બિચારા ! પણ તેથી કંઈ દોષ જાય નહીં, દોષ તો વધ્યા કરે અંદર. પણ જો સમજાવીને કાઢો તો જાય, નહીં તો જાય નહીં.

પ્રશ્નકર્તા : એવું થાય છે, આ તો મારો પોતાનો અનુભવ છે એ જ કહું છું, મારો જે પ્રશ્ન છે એ જ વાત છે. આ મારો પોતાનો જ પ્રશ્ન છે અને વારે ઘડીએ મારે આવું બની જ જતું હોય છે.

દાદાશ્રી : હા, એટલે હું આ દાખલો આપું છું કે બાબો તમારો હોય તો એ બાર વર્ષનો હોય, હવે એને તમે બધી વાત કરો. તો બધી વાતમાં કેટલીક વાત એ સમજી શકે અને કેટલીક વાત ના સમજી શકે ? તમે શું કહેવા માગો છો તે એની સમજમાં આવતું નથી. તમારો વ્યુ પોઈન્ટ શું છે એની સમજમાં નથી આવતું એટલે તમારે ધીમે રહીને કહેવું કે મારો હેતુ આવો છે. મારો વ્યુ પોઈન્ટ આવો છે. હું આવું કહેવા માગું છું. તને સમજાય કે ના સમજાય, મને કહેજે. અને તારી વાત મને નહીં સમજમાં આવે તો હું સમજવા પ્રયત્ન કરીશ, કહીએ.

તેથી આપણે લોકોએ કહ્યુંને કે ભઈ, સોળ વર્ષ પછી, અમુક વર્ષ પછી ફ્રેંડ તરીકે સ્વીકારજો એમ કહ્યું, નથી કહ્યું ? ફ્રેંડલી ટોનમાં હોય તો આપણો ટોન સારો નીકળે. નહીં તો રોજ બાપ થવા જઈએ ને, તો ભલીવાર આવે નહીં. ચાલીસ વર્ષનો થઈ ગયો હોય અને આપણે બાપ થવા ફરીએ, તો શું થાય ?!

×
Share on