Related Questions

મોક્ષમાર્ગનાં બાધક કારણો કયા કયા છે?

મોક્ષમાર્ગમાં બે વસ્તુ ના હોય. સ્ત્રીના વિચારો અને લક્ષ્મીના વિચારો ! જ્યાં સ્ત્રીનો વિચાર પણ હોય ત્યાં ધર્મ હોય નહીં, લક્ષ્મીનો વિચાર પણ હોય ત્યાં ધર્મ હોય નહીં. એ બે માયા થકી તો આ જગત ઊભું રહ્યું છે. હા, માટે ત્યાં ધર્મ ખોળવો એ ભૂલ છે. ત્યારે અત્યારે લક્ષ્મી વગર કેટલાં કેન્દ્ર ચાલે છે ?

પ્રશ્નકર્તા : એકેય નહીં.

દાદાશ્રી : એ માયા છૂટતી નથી ને ! ગુરુનેય માયા પેસી ગયેલી હોય. કળિયુગ છે ને ! એટલે પેસી જાય ને, થોડીઘણી ? એટલે જ્યાં આગળ સ્ત્રી સંબંધી વિચાર છે, જ્યાં પૈસા સંબંધી લેવડદેવડ છે, ત્યાં સાચો ધર્મ થઈ શકે નહીં. સંસારીઓ માટે નહીં, પણ જે ઉપદેશકો હોય છે ને, જેમના ઉપદેશના આધારે ચાલીએ, ત્યાં આ ના હોવું જોઈએ. નહીં તો આ સંસારીઓને ત્યાંય એ જ છે અને તમારે ત્યાંય એ જ ? એવું ના હોવું જોઈએ. અને ત્રીજું કયું ? સમ્યક્દ્રષ્ટિ હોવી જોઈએ.

એટલે લક્ષ્મી ને સ્ત્રી સંબંધ હોય ત્યાં આગળ ઊભું ના રહેવું. ગુરુ જોઈને કરવા. લિકેજવાળો હોય તો કરવો નહીં. બિલકુલેય લિકેજ ના જોઈએ. ગાડીમાં ફરતા હોય તોય વાંધો નથી, પણ ચારિત્રનો ફેઈલ હોય તો વાંધો છે. બાકી આ અહંકાર હોય તેનો વાંધો નથી, કે 'બાપજી, બાપજી' કરીએ તો ખુશ થાય તેનો વાંધો નથી. ચારિત્રનો ફેઈલ ના હોય તો લેટ ગો કરવા જોઈએ. મુખ્યમાં મુખ્ય વસ્તુ ચારિત્ર !

પ્રશ્નકર્તા : લક્ષ્મી અને સ્ત્રી એ સાચી ધાર્મિકતાની વિરુદ્ધમાં છે. પણ સ્ત્રીઓ તો વધારે ધાર્મિક હોય છે, એવું કહેવાય છે.

દાદાશ્રી : સ્ત્રીમાં ધાર્મિકતા હોય તેનો સવાલ નથી, ધર્મમાં સ્ત્રીઓ નો વાંધો નથી, પણ કુદ્રષ્ટિ માટે વાંધો છે, કુવિચાર માટે વાંધો છે. સ્ત્રીને ભોગનું સ્થાન માનો છો એ વાંધો છે. એ આત્મા છે, એ ભોગનું સ્થાન નથી.

બાકી, જ્યાં લક્ષ્મી લેવામાં આવે છે, ફી તરીકે લક્ષ્મી લેવામાં આવે છે, વેરા તરીકે લેવામાં આવે છે, ભેટ તરીકે લેવામાં આવે છે ત્યાં ધર્મ ના હોય. પૈસા હોય ત્યાં ધર્મ ના હોય ને ધર્મ હોય ત્યાં પૈસો ના હોય. એટલે સમજાય એવી વાત છે ને ? જ્યાં વિષય ને પૈસા હોય ત્યાં એ ગુરુ પણ નથી. ગુરુ યે હવે સારા પાકશે. હવે બધું જ બદલાવાનું. સારા એટલે ચોખ્ખા. હા, ગુરુને પૈસાની અડચણ હોય તો આપણે પૂછવું કે આપને પોતાને નિભાવણી માટે શું જરૂર છે ? બાકી, બીજું કંઈ એમને ના હોવું જોઈએ અગર તો 'મોટાં થવું છે, ફલાણા થવું છે' એવું ના હોવું જોઈએ. 

×
Share on