Related Questions

શ્રાદ્ધ ની સાચી સમજણ.

પ્રશ્નકર્તા : આ શ્રાદ્ધમાં તો પિતૃઓને જે આહ્વાન થાય છે, તે બરોબર છે ? તે વખતે શ્રાદ્ધપક્ષમાં પિતૃઓ આવે છે ? અને વાસ નાખે છે તે શું છે ?

દાદાશ્રી : એવું છેને, કે છોકરા જોડે જો સંબંધ હોય તો આવે. આખો સંબંધ પૂરો થાય ત્યારે પછી તો દેહ છૂટો પડે. કોઈ જાતનો ઘરવાળા જોડે સંબંધ ના રહ્યો, એટલે આ દેહ છૂટો પડી જાય. પછી કોઈ ભેગા થાય નહીં. પછી નવો સંબંધ બંધાયેલો હોય તો ફરી જન્મ થાય ત્યાં આગળ. બાકી કોઈ આવે-કરે નહીં. પિતૃ કોને કહેવાય ? છોકરાને કહેવો કે બાપને કહેવો ? છોકરો પિતૃ થવાનો ને બાપેય પિતૃ થવાનો ને દાદોય પિતૃ થવાનો. કોને કહેવા પિતૃ ?

પ્રશ્નકર્તા : યાદ કરવા માટે જ આ ક્રિયાઓ રાખેલી એમ ને ?

દાદાશ્રી : ના. યાદ કરવા માટેય નહીં. આ તો આપણા લોકો પાછળ ધર્માદાના ચાર આનાય ખર્ચે એવા ન હતા. એટલે પછી એને સમજણ પાડી કે ભઈ, તમારા પિતાશ્રી મરી ગયા છે તો કંઈ ખર્ચો કરો, કંઈક આમ કરો, તેમ કરો. એટલે તમારા પિતાશ્રીને પહોંચશે. ત્યારે લોકોય પછી એને વઢી વઢીને કહે, કંઈક બાપ હારુ કરને ! શ્રાદ્ધ કરને ! કંઈ સારું કરને ! તે એમ કરીને બસો-ચારસો જે ખર્ચ કરાવડાવે ધર્માદા પાછળ, એટલું એને ફળ મળે. બાપના નામે કરે ને પછી ફળ મળે. જો બાપનું નામ ના કહ્યું હોય તો આ લોકો ચાર આના ખર્ચે જ નહીં. એટલે અંધશ્રદ્ધા પર આ વાત ચાલી રહી છે. તમને સમજ પડીને ? ના સમજાયું ?

આ ટાણાં-બાણાં કરે છે તે બધુંય આયુર્વેદિકના માટે છે, આયુર્વેદને માટે. આ બધાં ટાણાં-બાણાં લીધાં છે અને આયુર્વેદમાં કેમ ફાયદો થાય, એટલા માટે ગોઠવણી કરેલી છે આ. આગળના લોકોએ ગોઠવણી સારી કરેલી છે. આ મૂર્ખ માણસોને પણ ફાયદો થશે એટલે આઠમો, અગિયારશો, પાંચમો એવું બધું કર્યું છે અને આ શ્રાદ્ધ કરે છે ને ! એટલે શ્રાદ્ધો એ તો બહુ સારા માટે કામ કર્યું છે.

પ્રશ્નકર્તા : દાદા, એ વાસ મૂકે એનું શું તાત્પર્ય ? અજ્ઞાનતા કહેવાય એ ?

દાદાશ્રી : ના, અજ્ઞાનતા નહીં. આ એક જાતનું લોકોએ શીખવાડેલું કે આ હિસાબે સરાદ(શ્રાદ્ધ) સરાવે. તે આપણે ત્યાં શ્રાદ્ધ સરાવાનો તો મોટો ઇતિહાસ છે. સરાવવાનું શું કારણ હતું ? શ્રાદ્ધ ક્યારથી ગણાય કે ભાદરવા સુદ પૂનમથી માંડીને ભાદરવા વદ અમાસ સુધી શ્રાદ્ધ કહેવાય. સોળ દિવસનાં સરાદ ! હવે આ શ્રાદ્ધનું શા માટે આ લોકોએ ઘાલ્યું ! બહુ બુદ્ધિશાળી પ્રજા ! એટલે શ્રાદ્ધ જે ઘાલેલાંને, એ તો બધી વૈજ્ઞાનિક ઢબ, તે આપણા ઈન્ડિયામાં આજથી અમુક વર્ષ ઉપર ગામડામાં દરેક ઘેર એક તો ખાટલો પડેલો હોય, મેલેરિયાથી એક-બે માણસો ખાટલે હોય જ. કયા મહિનામાં ? ત્યારે કહે, ભાદરવા મહિનામાં. એટલે આપણે ગામમાં જઈએ તો દરેક ઘરની બહાર એકુકો ખાટલો પડ્યો હોય ને તેની મહીં સૂઈ રહ્યો હોય, પેલો ઓઢીને. તાવ હોય, મેલેરિયસ તાવ ને બધી અસરો હોય. એ ભાદરવા મહિનામાં મચ્છરાં બહુ થાય એટલે આટલો બધો મેલેરિયા ફેલાતો, તે મેલેરિયસ એટલે પિત્તનો તાવ કહેવાય. એ વાયુનો કે કફનો તાવ નહીં. પિત્તનો તાવ, તે એટલું બધું પિત્ત વધી જાય. ચોમાસાનો દિવસ અને પિત્તનો તાવ અને પાછાં પેલાં મચ્છરાં કૈડે. જેને પિત્ત વધારે હોય તેને કૈડે. એટલે માણસોએ તે આ શોધખોળવાળાએ શોધખોળ કરેલી કે આ હિન્દુસ્તાનમાં કંઈ રસ્તો કાઢો. નહીં તો આ લોકોની વસ્તી અડધી ઓછી થઈ જશે. અત્યારે તો આ મચ્છરાં ઓછાં થઈ ગયા છે, નહીં તો માણસ જીવતો ન હોય. એટલે આ પિત્તના તાવને શમાવવા માટે એવી શમનક્રિયા કરવા માટે શોધખોળ કરેલી કે આ લોકોને દૂધપાક અગર ખીર, દૂધ અને ખાંડ એવું ખાય તો પિત્ત શમે ને મેલેરિયાનું રાગે પડે. હવે આ લોકો ઘરનું દૂધ હોય તો ખીર-બીર બનાવે નહીં, દૂધપાક ખાય નહીં એવા આ લોક ! બહુ નોર્મલને (!) એટલે શું થાય, તે તમે જાણો છો ? હવે આ દૂધપાક રોજ ખાય શી રીતે ?

હવે બાપને અક્ષરેય પહોંચતો નથી. પણ આ લોકોએ શોધખોળ કરેલી કે આ હિન્દુસ્તાનના લોકો ચાર આનાય ધર્મ કરે એવા નથી. એવા લોભિયા છે કે બે આનાય ધર્મ ના કરે, તો આમ ને આમ કાનપટ્ટી પકડાવેલી કે 'તારા બાપનું સરાદ તો સરાય ?' એવું બધાં કહેવા આવેને ! એટલે સરાદનું નામ આ રીતે ઘાલી દીધેલું. એટલે લોકોએ પછી શરૂ કરેલું કે બાપનું સરાદ તો સરાવવું પડેને ! અને મારા જેવો અડિયલ હોય, તે ના સરાવતા હોય ત્યારે શું કહે ? 'બાપનું સરાધેય સરાવવા લાગતો નથી.' એટલે આજુબાજુ બધાં કચકચ કરે એટલે પછી સરાવી નાખે. તે પછી જમાડી દે.

તે પૂનમને દહાડેથી દૂધપાક જમવાનો મળે, તે પંદરેય દહાડા દૂધપાક જમવાનો મળે. કારણ કે આજે મારે ત્યાં, કાલે તમારે ત્યાં અને લોકને માફક આવી ગયું કે, 'હશે, ત્યારે, વારાફરતી ખાવાનું છેને ! છેતરાવાનું નહીં અને પછી વાસ નાખવાની કાગડાને.' તે આ શોધખોળ કરેલી. તેનાથી પિત્ત બધું શમાઈ જાય. તે એટલા માટે આ લોકોએ આ વ્યવસ્થા કાઢેલી. એટલે આપણા લોક તે ઘડીએ શું કહેતા હતા કે સોળ સરાદ પછી જો જીવતો રહ્યો, જીવ્યો તો નવરાત્રિમાં આવ્યો ! 

×
Share on
Copy