Related Questions

સંબંધોમાં ક્રોધ થવાનું કારણ શું છે?

પ્રશ્નકર્તા : માણસની અંદર ક્રોધ થવાનું સામાન્ય રીતે મુખ્ય કારણ શું હોઈ શકે ?

દાદાશ્રી : દેખાતું બંધ થઈ જાય એટલે ! માણસ ભીંતને ક્યારે અથડાય ? જ્યારે એને ભીંત દેખાતી ના હોય ત્યારે અથડાઈ પડે ને ? એવું મહીં દેખાતું બંધ થઈ જાય એટલે માણસથી ક્રોધ થઈ જાય. આગળનો રસ્તો જડે નહીં એટલે ક્રોધ થઈ જાય.

સૂઝ ના પડે ત્યારે ક્રોધ !

ક્રોધ ક્યારે આવે છે ? ત્યારે કહે, દર્શન અટકે છે એટલે જ્ઞાન અટકે છે, એટલે ક્રોધ ઉત્પન્ન થાય છે. માન પણ એવું છે. દર્શન અટકે છે, એટલે જ્ઞાન અટકે છે એટલે માન ઊભું થઈ જાય છે.

પ્રશ્નકર્તા : દાખલો આપીને સમજાવો તે વધારે સરળ થશે.

દાદાશ્રી : આપણા લોક નથી કહેતા કે કેમ બહુ ગુસ્સે થઈ ગયા ? ત્યારે કહે, 'કશું મને સૂઝ ના પડી એટલે ગુસ્સે થઈ ગયો.' હા, કંઈ સૂઝ ના પડે ત્યારે માણસ ગુસ્સે થઈ જાય. જેને સૂઝ પડી એ ગુસ્સે થાય ? ગુસ્સે થવું એટલે એ ગુસ્સો પહેલું ઈનામ કોને આપે ? જ્યાં સળગ્યું ત્યાં પહેલું પોતાને બાળે. પછી બીજાને બાળે.

×
Share on
Copy