Related Questions

બાળકોમાં ‘ડીસિપ્લિન’ કેવી રીતે લાવી શકાય?

પ્રશ્નકર્તા : ઘણાને એવી બીલિફ હોય છે કે છોકરાંને મારીએ તો જ સીધાં થાય, નહીં તો બગડી જાય. આપણે મારીને ધાકમાં રાખવાં જ જોઈએ, તો જ છોકરાં પાંસરા ચાલે, એ શું બરોબર છે?

દાદાશ્રી : જ્યાં સુધી મારવા જેવી એની ઉંમર હોય ત્યાં સુધી મારવા જોઈએ અને ૩૦ વર્ષની ઉંમર થઇ ને મારવા જઈએ તો?

પ્રશ્નકર્તા : એ સામા આવે.

દાદાશ્રી : માટે અમે એમ કહીએ કે મારજો અને એમેય કહીએ કે ના મારજો. જ્યાં સુધી ખમી શકે એવો એનો અહંકાર જાગૃત થયો નથી, ત્યાં સુધી છેવટે મારીને પણ સીધા રાખવાં જોઈએ. નહીં તો અવળે રસ્તે જાય.

ખરી રીતે સીધા કરતાં લોકોને આવડતાં નથી. એવું જ્ઞાન નહીં હોવાથી એ આવડતું નથી. નહીં તો છોકરાંને સીધા કરવા માટે પ્રેમના જેવું તો ઔષધ જ નથી. પણ એવો પ્રેમ રહે નહીંને, માણસને ગુસ્સો જ આવેને! છતાં એ ગુસ્સો કરીને, મારીનેય એને અવળે રસ્તે ચાલ્યો જાય. કારણ કે એને જ્ઞાન જ નથી અને ૩૦ વર્ષની ઉંમરનાને આપણે મારીએ તો એ સામો થાય. તે જ્યાં સુધી આપણું ચાલે ત્યાં સુધી કરી લેવું. ના ચાલે તો પડતું મેલવું.

પ્રશ્નકર્તા : પણ કહ્યું માને નહીં, એટલે કોઈ વખત મારવા પડે બાળકોને!

દાદાશ્રી : ના માને, તે મારવાથી કઈ માની જાય છે? એ તો મનમાં રીસ રાખે મોટો થઈશ ત્યારે મારી મમ્મીને જોઈ લઇશ, કહેશે. મનમાં રીસ રાખે જ, દરેક જીવ રીસ રાખે જ ! પોતે હંમેશાં સમાધાનીપૂર્વક કાર્ય કરો, દરેક કાર્ય ! મારવું હોય તો કહેવું, 'ભઈ તું કહેતો હોય તો તને મારું, નહીં તો નહીં મારું.' એ કહે કે 'મને મારો' તો મારો, સમાધાનપૂર્વક મરાય. એવું કંઈ મરાતું હશે? નહીં તો એ વેર બાંધે! એને ના ગમતું હોય ને તમે મારો તો વેર બાંધે. નાનો હોય ત્યારે વેર ના બાંધે, પણ મનમાં નક્કી કરે કે આ હું મોટો થઈશ ને મમ્મીને મારીશ !

પ્રશ્નકર્તા : પણ દાદા, મારી બેબી એને તો આપણે વઢીએ તો કશું નહીં, સેકન્ડમાં બધું ભૂલી જાય.

દાદાશ્રી : એ ભૂલી જાય છે, તે કંઈ એટલી ચાલાકી ઓછી છે. ચંચળતા ઓછી છે જરા, એટલે ભૂલી જાય. પણ ચંચળ માણસો બહુ ઉગ્ર હોય. એટલે વઢવાનું શું કામ છે હવે? બાબાને વઢવું હોય તો કહેવું કે બોલ, તને હું વઢું? આવું કામ કર્યું ને ખરાબ કર્યું આ. હું તને વઢું? તો કહે. 'હા વઢો.' તો આપણે વઢવું. એ ખુશી થઈને વઢવાનું કહે તો આપણે વઢવું.

×
Share on
Copy