Related Questions

પતિ-પત્નીનાં સંબંધોમાં ક્રોધની સામે કેવીરીતે વર્તવું?

પ્રશ્નકર્તા: ઘરમાં કે બહાર ફ્રેન્ડસમાં બધે દરેકના મત જુદા જુદા હોય અને એમાં આપણા ધાર્યા પ્રમાણે ના થાય, તો પછી આપણને ક્રોધ કેમ આવે ? ત્યારે શું કરવું ?

દાદાશ્રી: બધા માણસ પોતાના ધાર્યા પ્રમાણે કરવા જાય, તો શું થાય ? આવો વિચાર જ કેમ આવે તે ? તરત જ વિચાર આવવો જોઈએ કે બધાય જો એના ધાર્યા પ્રમાણે કરવા જશે તો અહીં આગળ વાસણો તોડી નાખશે સામસામી અને ખાવાનું નહીં રહે. માટે ધાર્યા પ્રમાણે કોઈ દા'ડો કરવું નહીં. ધારવું જ નહીં, એટલે ખોટું પડે જ નહીં. જેને ગરજ હોય તે ધારશે, એવું રાખવું.

પ્રશ્નકર્તા : આપણે ગમે એટલા શાંત રહીએ પણ પુરુષો ક્રોધ કરે તો આપણે શું કરવું ?

દાદાશ્રી : એ ક્રોધ કરે ને વઢંવઢા કરવી હોય તો આપણે ય ક્રોધ કરવો, નહીં તો બંધ કરવું. ફિલ્મ બંધ કરવી હોય તો ઠંડું પડી જવું. ફિલ્મ બંધ ના કરવી હોય તો આખી રાત ચાલવા દેવી, કોણ ના પાડે છે ? ગમે છે ખરી, ફિલ્મ ?

પ્રશ્નકર્તા : ના, ફિલ્મ નથી ગમતી.

દાદાશ્રી : ક્રોધ કરીને શું કરવાનું ? એ માણસ પોતે ક્રોધ કરતો નથી, આ તો મિકેનિકલ એડજસ્ટમેન્ટ ક્રોધ કરે છે. તેથી પોતાને પછી મનમાં પસ્તાવો થાય કે આ ક્રોધ ના કર્યો હોત તો સારો.

પ્રશ્નકર્તા : એને ઠંડા પાડવાનો ઉપાય શું ?

દાદાશ્રી : એ વળી મશીન ગરમ થયું હોય, એને ઠંડું પાડવું હોય તો એની મેળે થોડી વાર રહેવા દે, એટલે મશીન ટાઢું પડી જાય અને હાથ અડાડીએ અને ગોદા મારીએ તો દઝાઈ મરીએ આપણે.

પ્રશ્નકર્તા : મને ને મારા હસબંડને, ક્રોધ ને ચડસાચડસી થઈ જાય છે, જીભાજોડી ને એ બધું. તો શું કરવું મારે ?

દાદાશ્રી : તે ક્રોધ તું કરે છે કે એ ? ક્રોધ કોણ કરે છે ?

પ્રશ્નકર્તા : એ પછી મારાથી પણ થઈ જાય છે.

દાદાશ્રી : તો આપણે મહીં જ પોતાને ઠપકો આપવાનો, 'કેમ તું આવું કરે છે ? કરેલાં તે ભોગવવાં જ પડે ને !' પણ પ્રતિક્રમણ કરે તો બધા દોષ ખલાસ થાય. નહીં તો આપણા જ ગોદા મારેલા, તે આપણે પાછા ભોગવવા પડે. પણ પ્રતિક્રમણ કરવાથી જરા ટાઢું પડી જાય.

×
Share on
Copy