Related Questions

સંબંધોની સમસ્યાઓમાં ક્રોધ સામે કેવીરીતે વર્તવું?

ક્રોધ પોતે જ અહંકાર છે. હવે એ તપાસવું જોઈએ, તપાસણી કરવાની કે કઈ રીતે એ અહંકાર છે. એ તપાસણી કરીએ ત્યારે પકડાય કે ક્રોધ એ અહંકાર છે. આ ક્રોધ કેમ ઉત્પન્ન થયો ? ત્યારે કહે કે, 'આ બહેને કપ-રકાબી ફોડી નાખ્યાં એટલે ક્રોધ ઉત્પન્ન થયો.' હવે કપ-રકાબી તોડી નાખ્યાં, તેમાં આપણને શું વાંધો ? ત્યારે કહે કે, 'આપણે ઘેર ખોટ આવી.' અને ખોટ આવી એટલે એને ઠપકો આપવાનો પાછો ? પણ અહંકાર કરવો, ઠપકો આપવો, આ બધું ઝીણવટથી જો વિચારવામાં આવે તો વિચાર કરવાથી એ બધો અહંકાર ધોવાઈ જાય એવો છે. હવે આ કપ ભાંગી ગયો તે નિવાર્ય છે કે અનિવાર્ય છે ? અનિવાર્ય સંજોગ હોય છે કે નથી હોતા ? નોકરને શેઠ ઠપકો આપે કે, 'અલ્યા, કપ-રકાબી કેમ ફોડી નાખ્યા ? તારા હાથ ભાંગલા હતા ? ને તારું આમ હતું ને તેમ હતું.' જો અનિવાર્ય હોય તો એને ઠપકો અપાય ? જમાઈના હાથે કપ-રકાબી ફૂટી ગયાં હોય તો ત્યાં કશું બોલતા નથી ! કારણ કે એ સુપિરિયર આવ્યો, ત્યાં ચૂપ ! અને ઇન્ફિરિયર આવ્યો ત્યાં છટ્ છટ્ કરે !!! આ બધા ઇગોઈઝમ છે. આ સુપિરિયર આગળ બધા ચૂપ થઈ નથી જતા ? આ દાદાના હાથે કશું ફૂટી ગયું હોય તો કોઈના મનમાં કશું આવે જ નહીં અને પેલા નોકરના હાથે ફૂટી જાય તો ? 

આ જગતે ન્યાય જ કોઈ દહાડો ય જોયો નથી. અણસમજણને લઈને આ બધું છે. બુદ્ધિની જો સમજણ હોય ને, તો ય બહુ થઈ ગયું ! બુદ્ધિ જો વિકાસ પામેલી હોય, સમજણવાળી કરેલી હોય તો કોઈ કશું ઝઘડો થાય એવું જ નથી. હવે ઝઘડો કરવાથી કંઈ કપ-રકાબી આખા થઈ જાય છે ? ખાલી સંતોષ લે એટલું જ ને ? ને ઊલટો કકળાટ થાય એ પાછો જુદો, મનમાં ક્લેશ થઈ જાય તે જુદો. એટલે આ વેપારમાં તો એક તો પ્યાલા ગયા તે ખોટ, બીજું આ ક્લેશ થાય તે ખોટ ને ત્રીજું નોકર જોડે વેર બંધાયું તે ખોટ !!! નોકર વેર બાંધે કે 'હું ગરીબ', તેથી આ મને અત્યારે આવું કહે છે ને ? પણ એ વેર કંઈ છોડે નહીં અને ભગવાને ય કહ્યું છે કે વેર કોઈની જોડે બાંધશો નહીં. વખતે પ્રેમ બંધાય તો બાંધજો, પણ વેર બાંધશો નહીં. કારણ કે પ્રેમ બંધાશે તો તે પ્રેમ એની મેળે જ વેરને ખોદી નાખશે. પ્રેમ તો વેરની કબર ખોદી નાંખે એવો છે. વેરથી તો વેર વધ્યા જ કરે, એવું નિરંતર વધ્યા જ કરે. વેરને લઈને તો આ રઝળપાટ છે બધી ! આ મનુષ્યો શેનાં રઝળે છે ? શું તીર્થંકરો ભેગા નથી થયા ? ત્યારે કહે, 'તીર્થંકરો તો ભેગા થયા, તેમનું સાંભળ્યું - કર્યું, દેશના ય સાંભળી; પણ કશું વળ્યું નહીં.' 

શેની શેની અડચણો આવે છે, ક્યાં ક્યાં વાંધા આવે છે, તે વાંધા ભાંગી નાખીએ. વાંધા પડે છે, એ ટૂંકી દ્રષ્ટિ છે. તો 'જ્ઞાની પુરુષ' લોંગ સાઇટ આપી દે, એ લોંગ સાઇટના આધારે બધું 'જેમ છે તેમ' દેખાય !

×
Share on
Copy