સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાન: પૂર્વભવો

તીર્થંકર થતાં પૂર્વે શ્રી શાંતિનાથ ભગવાનના છેલ્લા અગિયાર ભવો વિશે આપણે વાંચીશું. એમાં મેઘરથ રાજા તરીકેના એમના દસમા ભવમાં બનેલો જીવદયાનો પ્રસંગ આધ્યાત્મિક જગતમાં એક ઐતિહાસિક સ્થાન ધરાવે છે. તો ચાલો વાંચીએ કર્મની પ્રત્યેક કસોટી પાર કરીને છેક તીર્થંકરનું નિયાણું બાંધ્યા સુધીની શાંતિનાથ ભગવાનની મોક્ષયાત્રાનો પરિચય અગિયાર ભવભ્રમણ દ્વારા.

પ્રથમ ભવ - રાજા શ્રીષેણ, બીજો ભવ - યુગલિક અને ત્રીજો ભવ - દેવગતિ

શ્રી શાંતિનાથ ભગવાનનો પ્રથમ ભવ રાજા શ્રીષેણ તરીકેનો હતો. એમને બે રાણીઓ હતી, અભિનંદિતા અને શિખિનંદિતા. એમને બે પુત્રો પણ હતા; તેઓ ખૂબ જ પ્રતાપી હતા.

જ્યારે બે પુત્રો યુવાન થયા ત્યારે રાજા શ્રીષેણે બંને પુત્રોના લગ્ન રાજકુમારીઓ સાથે ગોઠવ્યા. જ્યારે રાજકુમારીઓ લગ્ન માટે તેમના રાજ્યમાં આવી, ત્યારે તેમની સાથે એક નર્તકી પણ આવી હતી, જે અત્યંત સ્વરૂપવાન હતી. બંને રાજકુમારો નર્તકીને જોઈ તેના પર મોહી પડ્યા. છેવટે રાજકુમારી સાથે પરણવાનું તો બાજુ પર રહ્યું, પણ બન્ને ભાઈઓ તે નર્તકી પર મોહી પડીને એકબીજા સાથે લડવા લાગ્યા અને તેમની વચ્ચે યુદ્ધ પણ થયું.

રાજા શ્રીષેણ દ્વારા પણ ખૂબ જ સમજાવ્યા બાદ પણ મોહાંધ અને વિષયાંધ થયેલા એમના બે પુત્રો સમજ્યા નહીં. આ બધું જોઈને રાજા શ્રીષેણ બહુ જ દુઃખી થયા. છેવટે બીજો કોઈ રસ્તો ન દેખાતા રાજા શ્રીષેણે આપઘાત કર્યો. આ જોઈને તેમની રાણીઓ અભિનંદિતા અને શિખિનંદિતાએ પણ વિષ ગ્રહણ કરીને આત્મહત્યા કરી લીધી. બીજી તરફ રાજા શ્રીષેણની માનેલી બહેન સત્યભામાએ પણ આત્મહત્યા કરી લીધી.

જો આત્મહત્યા કરવામાં આવે તો પછીના ભવમાં વ્યક્તિનો સારો જન્મ થાય તેવું ભાગ્યે જ બનતું હોય છે. પણ રાજા શ્રીષેણ તો શાંતિનાથ ભગવાનનો પૂર્વભવ હતો અને તેમની પત્નીઓ તથા બહેન સત્યભામાએ પણ ભક્તિ અને ધર્મપરાયણ સહિત જીવન વ્યતીત કર્યું હતું; તેના પરિણામસ્વરૂપ આત્મહત્યા કરવા છતાં તેમનો આવતો ભવ બગડ્યો નહીં.

રાજા શ્રીષેણ અને રાણી અભિનંદિતાનો બીજો ભવ યુગલિક તરીકે થયો. આયુષ્ય પૂરું થયા બાદ એમનો ત્રીજો ભવ દેવગતિમાં થયો અને ત્યાં લાંબા કાળ સુધી એમણે દેવગતિના સુખો ભોગવ્યાં.

ચોથો ભવ - વિદ્યાધર અમિતતેજ અને પાંચમો ભવ - દેવગતિ

દેવગતિમાં લાંબો કાળ વીતાવ્યા બાદ, શાંતિનાથ ભગવાનનો ચોથો ભવ વિદ્યાધર અમિતતેજ તરીકે થયો. તેમની બહેનનું નામ સુતારા (પૂર્વભવે સત્યભામા) હતું. સુતારાના લગ્ન શ્રીવિજય (પૂર્વભવે રાણી અભિનંદિતા) નામના રાજકુંવર સાથે થયા હતા. શ્રીવિજય એ ત્રિપૃષ્ઠ વાસુદેવના (મહાવીર સ્વામીનો એક પૂર્વભવ) પુત્ર હતા. આ રીતે વર્તમાન કાળચક્રના બે તીર્થંકરો પૂર્વભવમાં એકબીજા સાથે ભેગા થઈ ગયા હતા.

રાજકુંવર શ્રીવિજયની બહેન, જ્યોતિપ્રભા (પૂર્વભવે રાણી શિખિનંદિતા), રાજા અમિતતેજના પત્ની હતી. વિદ્યાધર અશનિઘોષે (પૂર્વભવે સત્યભામાનો પતિ) વિદ્યાધર અમિતતેજની બહેન સુતારાનું અપહરણ કર્યું. સુતારાના અપહરણ બાદ અશનિઘોષ અને શ્રીવિજય વચ્ચે મોટું યુદ્ધ થયું. યુદ્ધમાં અશનિઘોષ વિદ્યાધર હોવાને કારણે અનેક વિદ્યા અને માયાથી છળ-કપટ કરીને યુદ્ધ કરતો હતો. એવામાં જ વિદ્યાધર અમિતતેજ ત્યાં આવ્યા અને એમણે પણ કુશળ વિદ્યાના બળથી વિદ્યાધર અશનિઘોષને મરણતુલ્ય કરી દીધા અને વિજયી થયા. યુદ્ધમાંથી ભાગીને વિદ્યાધર અશનિઘોષ એક મુનિ મહારાજના શરણે ગયા અને દીક્ષા ગ્રહણ કરી. બીજી બાજુ વિદ્યાધર અમિતતેજે પણ મુનિ મહારાજ પાસે આવીને શ્રાવક ધર્મ અંગીકાર કર્યો; પોતે કરેલા પાપોનું હૃદયપૂર્વક પ્રાયશ્ચિત્ત અને પ્રતિક્રમણ કર્યું અને પોતાનું રાજ્ય શાંતિપૂર્ણ રીતે ચલાવવા લાગ્યા.

પછી, એક દિવસ રાજા અમિતતેજ મુનિ મહારાજ પાસે ગયા અને પૂછ્યું, ”હવે, મારું કેટલા વર્ષનું આયુષ્ય બાકી રહ્યું છે?” ત્યારે મુનિ મહારાજે કહ્યું, ”હવે તમારા આયુષ્યના માત્ર ૨૬ દિવસ જ બાકી રહ્યા છે.” આ સાંભળીને રાજા અમિતતેજને જબરજસ્ત વૈરાગ્ય આવ્યો અને એમનો બધો મોહ ખરી પડ્યો. મૃત્યુ હવે નજીક છે એમ જાણ થતાં જ રાજા અમિતતેજે મુનિ પાસે દીક્ષા લીધી અને ખૂબ ભક્તિ-આરાધનામાં સમય વિતાવ્યો.

diksha

આ જોઈને શ્રીવિજયને પણ દીક્ષા લઈને ભક્તિ-આરાધના કરવાના ભાવો થયા. રાજા શ્રીવિજયે પોતાના પિતા ત્રિપૃષ્ઠ વાસુદેવ જેવી જબરજસ્ત શક્તિ, વૈભવ અને બળવાનપણું પ્રાપ્ત થાય એવું નિયાણું બાંધીને જબરજસ્ત તપ કર્યું. નિયાણા મુજબ આવતા ભવે શ્રીવિજયને વાસુદેવ પદ પ્રાપ્ત થયું.

અંતે, શ્રીવિજય અને અમિતતેજનું મૃત્યુ થતાં એમનો પાંચમો ભવ દેવગતિમાં થયો.

છઠ્ઠો ભવ - અપરાજિત બળદેવ અને સાતમો ભવ - દેવગતિ

છઠ્ઠા ભવે રાજા શ્રીષેણના જીવે અપરાજિત બળદેવ તરીકે જન્મ લીધો અને રાણી અભિનંદિતાના જીવે અનંતવીર્ય નામે વાસુદેવ તરીકે જન્મ લીધો. બાર ભવો સુધી રાજા શ્રીષેણ અને રાણી અભિનંદિતાના જીવે અલગ-અલગ સંબંધોના રૂપમાં એકસાથે જ જન્મ લીધા હતા. બળદેવ અપરાજિત અને વાસુદેવ અનંતવીર્યને એકબીજા પ્રત્યે અત્યંત સ્નેહ હતો.

જ્યારે બળદેવ અપરાજિત અને વાસુદેવ અનંતવીર્ય બંને યુવાવસ્થામાં આવ્યા, ત્યારે એક દિવસ બન્યું એવું કે તેઓ એક નર્તકીનું નાચગાન જોવામાં ખૂબ જ મશગુલ થઈ ગયા. એટલામાં નારદમુનિ એમના દરબારમાં આવ્યા પરંતુ બંને ભાઈઓ નૃત્ય જોવામાં એકાકાર હોવાને કારણે નારદજીને કોઈએ સરખો આવકાર ન આપ્યો અને એમને અપમાન લાગ્યું. નારદજીને બંને ભાઈઓ પ્રત્યે જબરજસ્ત વેર ઊભું થયું; અપમાનનો બદલો લેવા નારદજીએ પ્રતિવાસુદેવ દમિતારીને ઉશ્કેર્યા. અંતે, વાસુદેવ અનંતવીર્ય અને પ્રતિવાસુદેવ દમિતારી વચ્ચે મોટું યુદ્ધ થયું. નિયમ મુજબ પ્રતિવાસુદેવનું મૃત્યુ વાસુદેવના હાથે જ થાય. પ્રતિવાસુદેવ દમિતારીને હરાવીને વાસુદેવ અનંતવીર્યને અર્ધચક્રવર્તીનું પદ પ્રાપ્ત થયું.

બળદેવ અપરાજિત ખૂબ જ ભક્તિ-આરાધના કરીને સાતમા ભવે દેવગતિમાં જન્મ્યા.

આઠમો ભવ - વજ્રાયુધ ચક્રવર્તી અને નવમો ભવ - દેવગતિમાં

આઠમા ભવે શાંતિનાથ ભગવાનનો જીવ દેવગતિમાંથી ચ્યવીને વજ્રાયુધ ચક્રવર્તી તરીકે થયો. તેઓ ચક્રવર્તી એટલે આખી પૃથ્વીના અધિપતિ થયા. શ્રીષેણ રાજાની પ્રથમ ભવની પત્ની રાણી અભિનંદિતાનો જીવ આ ભવમાં વજ્રાયુધ ચક્રવર્તીના પુત્ર સહસ્ત્રાયુધ તરીકે આવ્યો.

વજ્રાયુધ ચક્રવર્તી તરીકેનું આયુષ્ય પૂરું થયા બાદ શાંતિનાથ ભગવાનનો નવમો ભવ દેવગતિમાં થયો.

દસમો ઐતિહાસિક ભવ - મેઘરથ રાજા અને અગિયારમો ભવ - દેવગતિ

દેવગતિનું લાંબુ આયુષ્ય પૂરું થયા બાદ, શાંતિનાથ ભગવાનનો દસમો ભવ મેઘરથ રાજા તરીકે થયો. મેઘરથ રાજાના જીવનમાં એક ખૂબ જ સુંદર કરુણામય એવો પ્રસંગ બન્યો. એમની કરુણા આખા જગતને આફરીન કરી નાખે એવી હતી.

shantinath bhagwan

એક વખત મેઘરથ રાજા પોતાના મહેલમાં બેઠા હતા, ત્યારે અચાનક એક કબૂતર દૂરથી એકદમ ઊડતું-ફફડતું આવ્યું કારણ કે પાછળ બાજ પક્ષી એનો પીછો કરી રહ્યું હતું. એવામાં એકાએક એ કબૂતર મેઘરથ રાજાના ખોળામાં પડ્યું; તે તરત જ, જાણે મનુષ્યની ભાષામાં બોલતું હોય એમ ભયભીત અવાજે, વિનંતી કરી, ”મને તમે રક્ષણ આપો; આ બાજ પક્ષી મને મારી નાખવા માંગે છે.” ત્યારે મેઘરથ રાજા તો વીતરાગ ધર્મ પાળતા હોવાને કારણે એમની પાસે કરુણાનો ગુણ હતો પણ સાથે ક્ષત્રિય ગુણો પણ હતા. ક્ષત્રિયનો એ ગુણ બહુ જ ઊંચો હોય છે કે જો કોઈ એમના શરણમાં આવે તો એની માટે પોતાનું માથું પણ કાપી દે અને એને રક્ષણ આપે.

મેઘરથ રાજાએ કબૂતરને અભયદાન આપ્યું અને સાથે ખાતરી આપી, “હવે, કોઈ પણ સંજોગોમાં હું તને બચાવીશ.” બીજી બાજુ બાજ પક્ષી આવ્યું અને તેણે રાજાને કહ્યું, ”તમે મારું ભક્ષ્ય કેમ લઈ લીધું? હું તો ભૂખથી ટળવળું છું!” રાજાએ બાજ પક્ષીને ભક્ષ્ય તરીકે બીજો આહાર લેવાનું જણાવ્યું અને કહ્યું કે કોઈ જીવને મારવાથી નર્કગતિ સુધીનું પાપ બંધાય છે. સાથે રાજાએ એ પણ કહ્યું, “આ કબૂતર તારાથી ખૂબ જ ભયભીત છે. હું તને જે ખાવું હોય એ આપું, પરંતુ કોઈ જીવ ન ખાઈશ. એ મારે આશ્રિત આવેલું છે.”

મોટામાં મોટી અહિંસા એમાં છે કે કોઈ પણ જીવને ખવાય નહીં. એકેન્દ્રિય એકલાની જ છૂટ છે; એ સિવાય બે ઇન્દ્રિયથી ઉપર કોઈ પણ જીવને ન ખવાય. કારણ કે બે ઇન્દ્રિયથી ઉપરના બધા જીવો ત્રસ જીવો ગણાય છે. ત્રસ જીવો એટલે કે જે આપણને જોઈને ત્રાસ પામે અને નાસી જાય. મેઘરથ રાજાએ બાજ પક્ષીને સમજાવવાના અથાગ પ્રયત્નો કર્યા બાદ પણ તે માન્યો નહીં અને કહ્યું, ”હું તો માંસાહારનો જ ભોગી છું.” અંતે, મેઘરથ રાજાએ પ્રસ્તાવ મૂક્યો, “તને જો માંસ જ ખાવું હોય તો બદલામાં હું તને મારું માંસ આપું છું, પણ તું કબૂતરને ના મારીશ.” બાજ પક્ષીએ રાજાની આ વાત કબૂલ કરી.

મેઘરથ રાજાએ ત્રાજવું લીધું. એક તરફ તેમણે કબૂતરને મૂક્યું, અને બીજી તરફ તેઓ એટલા જ વજનનું માંસ પોતાના શરીરમાંથી કાપી કાપીને મૂકવા લાગ્યા. એક બાજુ રાજા માંસ મૂકતા ગયા, પણ પેલું કબૂતરવાળું ત્રાજવું ઊંચું ને ઊંચું જ રહ્યું; તે સમતોલ આવ્યું જ નહીં. અંતે, મેઘરથ રાજા પોતે જ ત્રાજવામાં બેસી ગયા.

shantinath bhagwan

આ જોઈ તેમના બધા પરિવારજનો અને મંત્રીઓમાં હાહાકાર મચી ગયો અને બધાને લાગ્યું કે બાજ એ નક્કી કોઈ માયાવી જીવ હતો. તેમણે રાજાને કહ્યું, “આ તમે શું કરો છો? આ એક માયાવી માટે તમે અમને બધાને દુઃખી કરો છો? તમારો ધર્મ રાજ્યનું રક્ષણ કરવાનો છે. એક કબૂતર માટે તમે મરવા બેઠા તો રાજ્યનું શું થશે?” પરંતુ રાજા પોતાના નિશ્ચયથી જરા પણ ચલિત થયા નહીં. અંતે, રાજા તો ત્રાજવા પર બેસીને પોતાનો જીવ અર્પણ કરવા તૈયાર થયા.

ત્યારે પક્ષીમાંથી દેવ બહાર આવ્યા અને તેમણે મેઘરથ રાજાને નમીને વંદન કર્યા. તે દેવે મેઘરથ રાજા પ્રત્યે ખૂબ જ અહોભાવ વ્યકત કર્યો. તેમણે મેઘરથ રાજાને નમસ્કાર કરીને કહ્યું, ”મને ક્ષમા કરો; મેં ભૂલ કરી છે. હું તો દેવ છું. જ્યારે આ બાજ પક્ષી તો પૂર્વભવના વેરથી કબૂતરને મારવા જતું હતું ત્યારે મેં માયાવી રૂપ ધારણ કરીને બંનેમાં પ્રવેશ કર્યો અને તમારી પાસે આવ્યો. જ્યારે દેવગતિમાં તમારી કરુણા અને જીવદયા માટે પ્રશંસા થતી હતી ત્યારે મને તમારી પ્રત્યે ઈર્ષ્યા થઈ. દેવો કહેતા હતા કે તમારા જેવી જીવદયા આ પૃથ્વી પર કોઈની નથી. ત્યારે મેં તમારી પરીક્ષા કરવાનું નક્કી કર્યું. જેથી હું અહીં આવ્યો અને મારા લીધે તમે દુઃખી થયા. તમે મારી પરીક્ષામાંથી ઉત્કૃષ્ટ રીતે પાર થયા છો.” ત્યારબાદ, બંને પક્ષીઓ ઊડીને જતાં રહ્યાં અને દેવે પણ મેઘરથ રાજાને વિનંતી કરી અને માફી માંગીને પ્રસ્થાન કર્યું. આપણા શાસ્ત્રમાં મેઘરથ રાજાની જીવદયાનું જબરજસ્ત ઉદાહરણ છે.

જીવદયાનું  મહત્ત્વ

તીર્થંકરો, જ્ઞાનીઓ અને આચાર્યોએ જીવદયાને ખૂબ જ મહત્ત્વ આપ્યું છે. કોઈ પણ જીવને આપણા નિમિત્તે દુઃખ તો ન જ થવું જોઈએ અને હિંસા પણ ન થવી જોઈએ. દુઃખ એટલે સૂક્ષ્મ અને સ્થૂળ હિંસા પણ ન થવી જોઈએ. જેને મોક્ષે જવું હોય એનાથી આખા જગતમાં કોઈ પણ જીવને કિંચિત્‌માત્ર પણ દુઃખ ન થાય, ત્યારે એ મોક્ષને લાયક થયો કહેવાય અને મોક્ષ માટે એની પાત્રતા એનામાં આવી ગઈ કહેવાય.

પરમ પૂજ્ય દાદા ભગવાન પણ પોતાનાથી કોઈ પણ જીવને કિંચિત્‌માત્ર પણ દુઃખ ન થાય એવું જીવન જીવી ગયા. તેઓશ્રી શીખવાડતા હતા કે આપણે દરરોજ સવારે સાચા દિલથી આપણા અંદરવાળા પરમાત્માને હૃદયથી પ્રાર્થના કરવી અને બોલવું, ”પ્રાપ્ત મન-વચન-કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત્‌માત્ર પણ દુ:ખ ન હો, ન હો, ન હો.” આવું દિવસમાં દરરોજ પાંચ વખત સાચા દિલથી બોલવું જોઈએ. તેમ છતાં આપણાથી કોઈને દુઃખ થઈ જાય તો એના હૃદયપૂર્વક પશ્ચાત્તાપ-પ્રતિક્રમણ કરીને દોષમાંથી છૂટી શકાય એમ છે. આમ કરવાથી આવતા ભવ માટે કર્મો બંધાતા નથી. માનવતા કોને કહેવાય કે કોઈ મને મારી નાખે તો મને કેવું થાય, તો એવું હું પણ કોઈને મારી નાખીશ તો એને કેવું થશે એવો અનુભવ થવો.

અંતે, મેઘરથ રાજાએ દીક્ષા લઈને ખૂબ જ તપ કરીને તીર્થંકર નામગોત્ર બાંધ્યું. ઉચ્ચકોટિની જીવદયાને કારણે એમનો અગિયારમો ભવ દેવગતિમાં થયો. દેવગતિમાંથી ચ્યવીને શાંતિનાથ ભગવાનના જન્મ, દીક્ષા અને નિર્વાણ સુધીનું ઉત્કૃષ્ટ જીવનચરિત્ર વાંચીએ.

×
Share on