આપણે શ્રી શાંતિનાથ ભગવાનના પૂર્વભવો વિશે વાંચ્યું. એમાં મેઘરથ રાજા તરીકેના દસમા ભવમાં ભાવિ તીર્થંકરના બીજ જાણે જીવદયાના પ્રસંગથી જ રોપાવાની શરૂઆત થઈ ગઈ હતી. હવે, આગળ આપણે એમના જન્મથી નિર્વાણ સુધીના જીવનચરિત્રનો પરિચય મેળવીશું.
દેવગતિમાંથી ચ્યવીને શાંતિનાથ ભગવાનનો જન્મ ભરતક્ષેત્રની હસ્તિનાપુર નગરીમાં રાજા વિશ્વસેન અને રાણી અચિરા દેવીને ત્યાં થયો. રાજા વિશ્વસેન અને રાણી અચિરા દેવી સુંદર રીતે રાજપાઠ ચાલવતા હતાં; તેઓ ખૂબ જ સાત્વિક અને પ્રજાવત્સલ સ્વભાવના હતાં. રાણી અચિરા દેવીના ગર્ભમાં તીર્થંકર ભગવાનનું ચ્યવન થતાં જ દેવોમાં આનંદ-ઉલ્લાસ વ્યાપી ઊઠ્યો હતો. આખી પૃથ્વી પર આનંદનું વાતાવરણ વ્યાપી ગયું હતું.
શાંતિનાથ ભગવાનના જન્મ પહેલાં રાજા વિશ્વસેનના રાજ્યમાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો. તે રોગચાળા પર કોઈ રીતે નિયંત્રણ લાવી શકાય એમ નહોતું. જ્યારે તીર્થંકર ભગવાનનું ચ્યવન થાય ત્યારે સમગ્ર પૃથ્વી પર વાતાવરણ બદલાઈ જાય છે; ત્યારે ભયંકર રોગચાળા એની મેળે જ શાંત થઈ જાય છે.
શાંતિનાથ ભગવાનના જન્મ સમયે પણ આવું જ કંઈક બન્યું હતું. રાણી અચિરા દેવીના ગર્ભમાં શાંતિનાથ ભગવાનનું ચ્યવન થતાં જ એમના રાજ્યમાં ફેલાયેલો ભયંકર એવો રોગચાળો એકદમ શાંત થઈ ગયો. આ પરથી રાજા વિશ્વસેને ભગવાનનું નામ ‘શાંતિનાથ’ રાખ્યું.
શ્રી શાંતિનાથ ભગવાનનું બાળપણ ખૂબ જ લાડકોડમાં ઊછર્યું હતું અને તેઓ બધા જ પ્રકારની વિદ્યા અને સંસ્કારોથી નિપુણ હતા. યુવાવસ્થામાં આવતા જ માતા-પિતાની વિનંતીથી એમના લગ્ન થયા. રાજકુમાર શાંતિનાથના લગ્ન રાજકુમારી યશોમતી સાથે થયા હતા. તેમને પુત્ર થયો જેનું નામ ચક્રાયુધ રાખવામાં આવ્યું.
ચક્રાયુધ એ, એ જ જીવ હતો કે જે શાંતિનાથ ભગવાનના પ્રથમ ભવમાં રાજા શ્રીષેણની પત્ની અભિનંદિતાના રૂપે હતો. આ બંને જીવો છેલ્લા બાર ભવોથી સાથે ને સાથે જ હતા; અંતિમ ભવમાં એ જીવ ભગવાન શાંતિનાથના પુત્ર ચક્રાયુધ રૂપે જન્મ્યો હતો. આવી રીતે, આપણી આસપાસના સંબંધો પણ ઋણાનુબંધના હિસાબરૂપે જ આવેલા હોય છે.
અમુક કાળ વીત્યા બાદ રાજા વિશ્વસેને રાજકુમાર શાંતિનાથને રાજગાદી પર બેસાડ્યા. પછી રાજા શાંતિનાથે દુનિયાના એકેએક દેશોને જીતીને તેના પર વિજય મેળવ્યો. રાજા શાંતિનાથને ચૌદ રત્નોની પ્રાપ્તિ થઈ. ચક્રરત્નની પ્રાપ્તિથી આખી પૃથ્વી પર વિજય મેળવી રાજા શાંતિનાથ આ કાળના પાંચમા ચક્રવર્તી થયા.
શાંતિનાથ ભગવાન એ જ ભવે ચક્રવર્તી થયા અને સાથે સાથે તીર્થંકર પણ થયા. ચક્રવર્તી રાજાઓના યુદ્ધ પણ જબરજસ્ત હોય છે. શાંતિનાથ ભગવાન પણ એ જ ભવે ચક્રવર્તી થઈને યુદ્ધ લડ્યા, દીક્ષા લીધી અને અંતે કેવળજ્ઞાન પામીને મોક્ષે પણ ગયા. એટલું જ નહીં પરંતુ તીર્થંકર થઈને કરોડો જીવોને પોતાની સાથે મોક્ષે લઈ ગયા.
ચક્રવર્તી તરીકે ઘણા વર્ષો સુધી રાજ્ય ચલાવ્યા બાદ દેવોની વિનંતીથી શાંતિનાથ ભગવાને દીક્ષા લીધી અને એક વર્ષ સુધી વર્ષીદાન કર્યું. દીક્ષા લીધાના એક વર્ષમાં જ શાંતિનાથ ભગવાનને કેવળજ્ઞાન થયું!
શ્રી શાંતિનાથ ભગવાનને કેવળજ્ઞાન થયા બાદ દેવોએ સમોવસરણની રચના કરી અને ભગવાને એમાં બિરાજીને લોકોને દેશના આપી. શાંતિનાથ ભગવાને દેશનામાં ઇન્દ્રિયો પર વિજય મેળવવાની વાત કરી. બધી ઇન્દ્રિયો પર વિજય મેળવીને જિતેન્દ્રિય જિન કઈ રીતે થવાય એ વિશે ભગવાને દેશનામાં સમજાવ્યું.
અજ્ઞાન દશામાં ઇન્દ્રિયો આપણને જીતી લે છે; એટલે આપણે બધા જિતેન્દ્રિય જિનને બદલે જિતેન્દ્રિય જીવ થઈ ગયા. જિનનો અર્થ થાય આત્મજ્ઞાની. ઇન્દ્રિયોને જીતવા માટે બધા બહુ પ્રયાસ કરે છે, પણ એને જીતવું એટલું સરળ નથી. આપણે મુખ્યત્વે પાંચ જ્ઞાનેન્દ્રિયોને જીતવાની હોય છે; કર્મેન્દ્રિયોને જીતવાની જરૂર નથી. પાંચ જ્ઞાનેન્દ્રિયો જીતાઈ એટલે એમાં બધું જ જીતાઈ ગયું.
જમતી વખતે આપણે થાળીમાં આવેલી દરેક વસ્તુના સ્વાદ પ્રત્યે જાગૃત રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. થાળીમાં રહેલ વસ્તુનું વિગતવાર વિશ્લેષણ કરવાથી સ્વાદેન્દ્રિયને જીતી શકાશે.
આપણે વર્તમાનમાં રહીને પ્રાપ્તને ભોગવવું જોઈએ; અપ્રાપ્તની ચિંતા શા માટે કરવી? અત્યારે મોટે ભાગે લોકો પ્રાપ્તને ભોગવી શકતા નથી અને અપ્રાપ્ત માટે ભયંકર ભોગવટો લઈને બેસે છે. જ્યારે આનાથી વિરુદ્ધ જ્ઞાનીઓ હંમેશા વર્તમાનમાં જ રહે છે. જમતી વખતે જમે; કામના સમયે કામ કરે.
નિયમ એવો છે કે આપણી થાળીમાં જે કંઈપણ આવે છે તે ખાનારના હિસાબે આવે છે; બનાવનારા તો ભાવથી અને પ્રેમથી જ બનાવતા હોય છે. આપણે સ્વાદેન્દ્રિયોમાં જ્યાં તન્મયાકાર થઈ જઈએ છીએ તે બાબતે આપણે જાગ્રત રહેવાની જરૂર છે.
સ્પર્શથી મનુષ્યને સુખ લાગે છે. ઠંડી-ગરમી આ બધું સ્પર્શેન્દ્રિયને લાગુ પડે છે. એમાં મનને કે સ્વાદને જરાય લાગતું-વળગતું નથી. ઠંડી કે ગરમી લાગવી એ માત્ર સ્પર્શથી માનસિક અસરોને ઉત્પન્ન કરનારું છે. ઇન્દ્રિયોનો સ્વભાવ એવો છે કે આપણે જેટલું વધુ એનું ધ્યાન રાખીશું, એટલી વધારે તે નિયંત્રણની બહાર જતી રહેશે.
વાસ્તવમાં આપણે આત્માનું સુખ છોડીને પુદ્ગલ સુખમાં અટવાયા છીએ. આત્મસુખમાં રહેવાથી ઇન્દ્રિય સુખો એની મેળે ખરી પડે એવા છે.
અહંકારે કરીને ઇન્દ્રિયો પર નિયંત્રણ લાવી શકાય એમ નથી; કારણ કે જેવો અહંકાર ભગ્ન થશે એમ બધી ઇન્દ્રિયો આપણા પર પાછી હાવી થઈ જશે. પુદ્ગલ સુખ એ અનાત્મ વિભાગનું સુખ છે. પાંચ ઇન્દ્રિયોમાંથી કોઈ પણ ઇન્દ્રિયનું સુખ જો આપણે લેવા જઈશું, તો આજે નહીં તો કાલે આ પુદ્ગલ સુખનું રીપેમેન્ટ આપવું પડશે.
સૌથી વધુમાં વધુ જોખમી એવું વિષયસુખ સ્પર્શેન્દ્રિયને અડે છે; બાકી બીજી કોઈ ઇન્દ્રિયને વિષયસુખમાં રસ નથી. વિષય તો આંખોને જોવો ન ગમે, કાનને સાંભળવો ન ગમે, નાકને સૂંઘવો ગમે નહીં અને સ્વાદ તો એમાં છે જ નહીં. માત્ર એક સ્પર્શસુખને કારણે વિષયથી બહુ બધી હિંસા થાય છે.
નિયમ એવો છે કે જ્યાં સુધી પુદ્ગલમાં સુખ લાગશે ત્યાં સુધી આપણે આત્માના સુખ તરફ નહીં જઈ શકીએ. જેને ખરેખર આત્મસુખ પામવું હોય અથવા જે આત્મસુખ પામી ગયા હોય એને પુદ્ગલ સુખમાં રસ નથી હોતો. આ કાળમાં તો વિષયસુખને જ લોકોએ સર્વસ્વ માની લીધું છે. વિષયસુખ એ પણ ખોટી માન્યતાના આધારે છે; હકીકતમાં એમાં સુખ છે જ નહીં.
વિષયસુખથી સંસાર વધ્યા કરે છે. એક વાર વિષયમાં પડવાથી ક્રોધ-માન-માયા-લોભ બધા જ કષાયો ચડી બેસે છે. આત્મસુખ તરફ જવાની વૃત્તિઓ જ થતી નથી. જો આત્મસુખ ચાખવું હોય તો વિષયસુખમાંથી બહાર નીકળીને આત્મા તરફ આવવું પડે છે. જ્ઞાનીઓ નિરંતર આત્મસુખમાં જ હોય છે. પુદ્ગલ સુખ હોય કે ન હોય, જ્ઞાનીઓ તો એકધારા નિરંતર આત્મસુખમાં જ હોય છે. બહાર ભલે આકુળતા-વ્યાકુળતા હોય પણ જ્ઞાનીઓને અંદર કાયમ નિરાકુળતા હોય છે. જ્ઞાનીઓને આધિ-વ્યાધિ-ઉપાધિમાં પણ અંદર નિરંતર સમાધિ વર્તાતી હોય છે. આત્મસુખથી અંદર સમાધિ વર્તે છે.
જ્યારે આંખો કોઈ સુંદર વસ્તુને જુએ છે, ત્યારે તરત જ તે આકર્ષાય છે. આંખોથી જેટલો દુરુપયોગ કર્યો હોય તેટલો જ મહીં વિકાર ઉત્પન્ન થાય છે. સામી વ્યક્તિમાં આત્મા જોવાના બદલે આપણે એનું રૂપ, દેહ જોઈએ છીએ અને એનાથી વિકાર ઉત્પન્ન થાય છે.
નિયમ એવો છે કે જે ઇન્દ્રિયનો દુરુપયોગ કર્યો એ ઇન્દ્રિય તમને દગો દેશે. આગળ જતાં એ ઇન્દ્રિયની ખોડખાંપણ ઊભી થશે; એની બીમારી ઊભી થશે. ઉદાહરણ તરીકે, વધુ પડતું ટીવી જોવું, મોબાઈલ અથવા ઈન્ટરનેટથી વ્યક્તિની આંખોના ચશ્માના નંબર પણ વધી જાય છે; વધુમાં વધુ ઘડપણમાં આંખોમાં મોતિયા આવે છે. આ બધાની પાછળ આપણે પૂર્વે કરેલા પાપ કર્મનું ફળ છે.
નિયમ એવો છે કે જેની જોડે આપણી દૃષ્ટિ બગડી હોય તેની જોડે એક ભવ હિસાબ કાઢવો પડે છે; એ વ્યક્તિ છોડશે નહીં આપણને. માટે જ્યાં જ્યાં આવી દૃષ્ટિ બગડી હોય તો એક કલાક બેસીને નાનપણથી અત્યાર સુધી જેની સાથે દૃષ્ટિ બગડી હોય એવી એક-એક વ્યક્તિને યાદ કરીને એના પશ્ચાત્તાપ-પ્રતિક્રમણ કરવું પડે છે. આમ કરવાથી એ વ્યક્તિઓ સાથેનો આવતા ભવ માટેનો આપણો હિસાબ બંધાતો નથી.
માટે કહ્યું છે, “દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખોનો ક્ષય થાય.” માટે દૃષ્ટિ પડતાંની સાથે જ આપણે ચેતી જઈએ તો એ દોષ થાય જ નહીં અને જો દૃષ્ટિ ચોંટી ગઈ તો એ આપણને છોડશે નહીં. પ્રતિકમણ કરવાથી દૃષ્ટિ નિર્મળ થશે.
નાકની ઇન્દ્રિય જેને ઘ્રાણેન્દ્રિય કહેવામાં આવે છે તેને સુગંધ દ્વારા અનુભવી શકાય છે. આપણને હંમેશા સુગંધ ગમતી હોય છે, દુર્ગંધ નહીં. જો આપણે સુગંધમાં વીતરાગ રહી શકીએ તો દુર્ગંધમાં પણ વીતરાગ રહી શકાય એવું છે.
આજકાલ લોકો સુગંધી અત્તર અને બીજા સૌંદર્યના સાધનોના ઉપાયો કરે છે. આ બધું બાહ્ય દેહ માટે જ કરીએ છીએ. વાસ્તવમાં તો સુગંધ અંદરની હોવી જોઈએ. ખરા શ્રેષ્ઠીની સુગંધ તો ૨૫-૨૫ માઈલો સુધી આવે છે. જ્યારે આપણને સુગંધ કે દુર્ગંધના પરિણામો જ ઊભા ન થાય ત્યારે ઘ્રાણેન્દ્રિય પર આપણને નિયંત્રણ આવ્યું એમ કહેવાય છે.
શ્રવણેન્દ્રિયનો ઉપયોગ બહુ બધી રીતે થતો હોય છે. ખરેખર તો આપણે સાંસારિક વ્યવહારો માટે મદદરૂપ થતું હોય તેટલું અને સત્ શાસ્ત્રોનું જ્યાં પઠન થતું હોય એ આપણે સાંભળીએ; જ્ઞાનીઓ, તીર્થંકરો અને મહાન પુરુષોના ચરિત્રો જ્યાં ગવાતા હોય તે સાંભળવા માટે આ કાનનો ઉપયોગ કરવા જેવો છે. આપણે જો શ્રવણેન્દ્રિયનો સારી રીતે ઉપયોગ કરીએ તો શુભ કર્મ એટલે કે પુણ્ય બંધાય છે અને જો આપણે આ ઇન્દ્રિયનો દુરુપયોગ કરીએ તો કાને બહેરાશ આવી જાય છે.
જ્યારે કોઈની સાચી વાત આપણે સાંભળીએ નહીં, એને નકારી દઈએ તો એ કર્મના ફળરૂપે બહેરાશ આવે છે. જે જે ઇન્દ્રિયનો દુરુપયોગ કરીએ એ ઇન્દ્રિયનું, કર્મનું ફળ આવ્યા વગર રહે નહીં. બીજી પ્રકારે દુરુપયોગ એ રીતે થતો હોય છે કે જ્યારે કોઈ આપણા વિશે વાતો કરે અથવા જ્યારે કોઈ સારું બોલે તો આપણે ખુશ થઈએ અને જો કોઈ વાંકું બોલે તો અપમાન લાગે. ક્યારેક આપણે માથાકૂટ કરીને બીજાની વાતો સંભાળવાનો પ્રયત્ન કરીએ, પછી ભલે આપણને ન સંભળાતું હોય તો પણ અંદર કુતૂહલવૃત્તિ રહે કે મારા વિશે આ લોકો શું બોલતા હશે! આવા પ્રકારે શંકા કરવાથી ભયંકર કર્મબંધન થાય છે.
આપણને પોતાના પર આત્મવિશ્વાસ હોવો જોઈએ, ”લોકોને જે કહેવું હોય તે કહે, મને ખબર છે કે હું પ્યૉર છું.” ઘણીવાર આપણને શંકા રહેતી હોય છે કે એ લોકો આપણી વાત કરે છે પણ આમ કરવાથી આપણે મોક્ષમાર્ગથી દૂર થઈ જઈએ છીએ.
ઘણાં મહાન પુરુષોના પણ વિરોધીઓ હતા જેમ કે ભગવાન મહાવીર સામે ગોશાળો અને કૃષ્ણ ભગવાન સામે શિશુપાલ વિરોધી થયેલા હતા. પરંતુ તેઓ આત્મસ્વરૂપે જ રહ્યા હતા; એમને કંઈ અડતું જ ન હતું. પ્યૉર વ્યક્તિને ભોગવટો ન હોય.
સામો જો આપણા વિશે નેગેટિવ બોલે તો સમજવું કે એ દેહને કહે છે; મન-વચન-કાયા તો મારું સાચું સ્વરૂપ જ નથી. “મારે તો કેવળ એક મોક્ષે જ જવું છે.” - ફક્ત આ જ એક કામના આપણને હોવી જોઈએ.
ઇન્દ્રિયોને નિયંત્રણ કરવાથી તે વશ થાય એમ નથી; એ સમજણથી જ્ઞાનપૂર્વક ખરી પડવી જોઈએ. પાંચ ઇન્દ્રિયોનો સ્વભાવ એવો છે કે જો આપણે એક પણ ઇન્દ્રિયને નિયંત્રણમાં લાવીશું, તો બીજી ઇન્દ્રિય આપણા પર હાવી થઈ જશે. ઉદાહરણ તરીકે, જો વિષયને જીત્યા તો માન હાવી થશે; લોભ જીત્યા તો સ્વાદેન્દ્રિય હાવી થશે.
આ બધામાંથી મુક્ત થવા માટે જ્ઞાનીની જરૂર છે. આત્મજ્ઞાન પ્રાપ્ત થવાથી ઇન્દ્રિયોથી પર થવાય એમ છે. જેમ જેમ દેહથી જુદા રહેવાશે, તેમ તેમ એની મેળે ઇન્દ્રિયો વશ થઈ જશે.
જ્યારે આત્મજ્ઞાન થાય છે, ત્યારે પોતે જિતેન્દ્રિય જિન થાય છે. આત્મજ્ઞાન થયા પછી જેમ જેમ મોહ ખરતો જાય, એના બધા કર્મોમાંથી છૂટતો જાય ત્યારે એની પ્રગતિ થતી જાય તેમ તેમ જીતમોહ જિનનું પદ એને મળે છે. અને જ્યારે સંપૂર્ણ મોહ ખરી પડે છે ને કેવળ આત્મસ્વરૂપ થાય છે, એને ક્ષીણમોહ જિન કહેવાય છે; ત્યાં કેવળજ્ઞાન આવીને ઊભું રહે છે.
અજ્ઞાન દશામાં ઇન્દ્રિયો આપણા પર હાવી થાય છે અને આત્મજ્ઞાન થયા પછી આ બધી જ ઇન્દ્રિયો પર આપણે વિજય મેળવીએ છીએ. જ્યાં સુધી આપણે કર્તાપદમાં છીએ, ત્યાં સુધી બધી ઇન્દ્રિયો આપણા પર સવાર છે; વાસ્તવમાં કર્તા કોણ છે અને સંજોગો કોણ ચાલવે છે, એ જાણવાથી ઇન્દ્રિયો વશ થાય એમ છે.
શ્રી શાંતિનાથ ભગવાનના પુત્ર ચક્રાયુધ એમના પ્રથમ ગણધર હતા. ભગવાનને કુલ ૩૬ ગણધરો હતા. હજારો સાધુ-સાધ્વીઓ સાથે શાંતિનાથ ભગવાન સમેત શિખરજી પર્વત પરથી મોક્ષે પધાર્યા.
subscribe your email for our latest news and events