આપણે શ્રી પાર્શ્વનાથ પ્રભુના પૂર્વભવો વિશે આગળ વાંચ્યું. મેઘમાળીના ભયંકર ઉપસર્ગમાં ભગવાનની ઉઘાડી વીતરાગતા જોવા મળે છે. એમને પરમ ઉપકારી ધરણેન્દ્ર દેવ અને પદ્માવતી દેવી પ્રત્યે સહેજ પણ રાગ ન થયો કે ઉપસર્ગ કરનારા મેઘમાળી પ્રત્યે સહેજ પણ દ્વેષ ન થયો. ઉપસર્ગ સમયે પાર્શ્વનાથ ભગવાન તો પરમાનંદમાં જ હતા, બાહ્ય કોઈ પણ કષ્ટ કે ઉપસર્ગ એમને ક્યાં અડે! ચાલો, હવે તેમનું જન્મથી નિર્વાણ સુધીનું વૃત્તાંત વિગતવાર વાંચીએ.
ભરતક્ષેત્રમાં વારાણસી નગરીમાં અશ્વસેન રાજા અને વામાદેવી રાણી રાજ કરતાં હતાં. સુવર્ણબાહુ ચક્રવર્તીનો આત્મા દેવગતિમાંથી વામાદેવીના ગર્ભમાં અવતરવાનો હતો ત્યારે વામાદેવીને ચૌદ સપના આવ્યાં, જે સૂચવતાં હતાં કે તેઓ તીર્થંકર ભગવાનને જન્મ આપશે.
ભગવાન જ્યારે ગર્ભમાં હતા ત્યારે વામાદેવીને એક સર્પ દેખાયો હતો જેથી ભગવાનનું નામ પાર્શ્વ પડ્યું. પાર્શ્વકુમાર ધીમે ધીમે બાળપણમાંથી યુવાનીમાં પ્રવેશ્યા.
બીજી તરફ, રાજા પ્રસેનજિત કુશસ્થળ નગરમાં રાજ્ય ચલાવતા હતા. તેમને અત્યંત સુંદર અને બુધ્ધિચાતુર્ય ધરાવતી પ્રભાવતી નામની પુત્રી હતી. રાજા તેમની સુંદર પુત્રી માટે યોગ્ય વર કઈ રીતે મળશે તે માટે અત્યંત ચિંતિત હતા.
એક દિવસ, પ્રભાવતી તેની સખીઓ સાથે ઉદ્યાનમાં ક્રીડા કરી રહી હતી ત્યારે કેટલીક કિન્નરી ગાંધર્વી દેવીઓએ રાજકુંવર પાર્શ્વકુમારનું વર્ણન કર્યું કે તેઓ ખૂબ લાવણ્યમય, વૈરાગી અને તીર્થંકર બનનાર હતા અને તેઓ જ પ્રભાવતી માટે લાયક વર હતા. આ સાંભળીને પ્રભાવતીને પાર્શ્વકુમાર માટે ભાવ જાગ્યા અને તેણે પાર્શ્વકુમાર સાથે જ લગ્ન કરવાનું નક્કી કર્યું. સખીઓએ આ વાતની જાણ રાજા પ્રસેનજિતને કરી.
એ જ અરસામાં કલિંગના રાજા યવનરાજને પ્રભાવતીની સુંદરતા વિશે જાણ થઈ અને તેમણે પ્રભાવતીની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. રાજા યવનરાજે રાજા પ્રસેનજિતને પડકાર ફેંક્યો કે તે લડાઈ કરીને પ્રભાવતીનું હરણ કરશે. રાજા પ્રસેનજિતે પ્રભાવતીને બચાવવા રાજા અશ્વસેન પાસે મદદ માંગી. રાજા અશ્વસેને તેમનું રક્ષણ કરવાનું વચન આપીને યુધ્ધ માટેની તૈયારીઓ શરૂ કરાવી.
પાર્શ્વકુમારે પિતાને લડાઈ કરવા જવાની ના પાડીને પોતે યુદ્ધ લડવા માટે પરવાનગી માંગી. પાર્શ્વકુમારની મોટી સેના જોઈને રાજા યવનરાજ ખૂબ જ ચિંતિત થઈ ગયા. તેઓ પાર્શ્વકુમાર પાસે સમાધાન માટે ગયા. પાર્શ્વકુમારનો સૌમ્ય ચહેરો, પ્રેમમયી આંખો જોતાં જ યવનરાજના વેર, વિષય અને અહંકાર ઓગળી ગયા. તેઓ પાર્શ્વકુમારના પગમાં પડી ગયા અને તેમની માફી માંગી. પાર્શ્વકુમારની સહજ ક્ષમા પામીને યવનરાજ પાછા ફર્યા.
જ્ઞાનીઓને, તીર્થંકરોને સામી વ્યક્તિ નિર્દોષ જ દેખાય. તેમણે ક્ષમા આપવાની ન હોય; તેમને સહજ ક્ષમા વર્ત્યા જ કરે.
પોતાની બિલકુલ ઈચ્છા ન હોવા છતાં, રાજા પ્રસેનજિતના અને પોતાના માતા-પિતાના ખૂબ જ આગ્રહને વશ થઈને, પાર્શ્વકુમારે પ્રભાવતી સાથે લગ્ન કર્યા. ત્યાર પછી રાજા અશ્વસેને પાર્શ્વકુમારને રાજ-કારભાર સોંપીને દીક્ષા લીધી.
એક વખત, પાર્શ્વકુમાર નગરનું અવલોકન કરવા નીકળ્યા હતા. ત્યાં તેમણે લોકોને ટોળેટોળાને હવનકુંડમાં પંચાગ્નિ હવન કરતા કમઠ નામના તાપસ મુનિ પાસે જતાં જોયા. આ તાપસ (કમઠનો આત્મા) એક બ્રાહ્મણને ત્યાં જન્મ્યો હતો; તેના જન્મતાની સાથે જ તેના માતા-પિતા ભાઈભાંડુ મરી ગયા હતા. તેણે સુખી-શ્રીમંત લોકોના સુખ અને વૈભવ જોઈને તે પામવા ઉગ્ર તપ આદર્યા હતા.
સાચું તપ એ અંતરતપ છે જે કષાયને કાપવાથી થાય છે. કોઈ અપમાન કરે, ગાળો આપે, ગમે તેવા ઉપસર્ગો-પરિષહો આવે તેમાં ક્રોધ-માન-માયા-લોભ ન થાય અને સામાને સંપૂર્ણ નિર્દોષ જોઈએ, ઉપકારી માનીએ, ત્યાં ખરું અંતરતપ થયું કહેવાય.
પાર્શ્વકુમારે જોયું કે તે તાપસ તદ્દન અજ્ઞાનતાથી કઠોર તપ કરી રહ્યો હતો. તેમણે તાપસને અજ્ઞાન તપ છોડવા અને તેમાં થઈ રહેલી ભયંકર હિંસા વિશે સમજાવ્યો પણ તાપસ માન્યો નહીં.
તીર્થંકરોને પૂર્વભવની સાધનાના પરિણામરૂપે જન્મથી જ શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન અને અવધિજ્ઞાન આ ત્રણ પ્રકારના જ્ઞાન હોય છે. પાર્શ્વકુમારે અવધિજ્ઞાનથી હવનકુંડમાં સળગતા લાકડાંમાં ફસાયેલા નાગ દંપતીને જોયું. બંને નાગને લાકડું સળગવાને લીધે ખૂબ જ ગૂંગળામણ થઈ રહી હતી. પાર્શ્વકુમારે સૈનિકો પાસે તે લાકડું ખૂબ જ યત્નાથી ખોલાવડાવ્યું. પાર્શ્વકુમારે તેમને પાણી પાઈને નવકાર મંત્રનું સ્મરણ કર્યું. આ પવિત્ર નવકાર મંત્ર સાંભળવો તે નાગ માટે ખૂબ જ ભાગ્યશાળી વાત હતી, અને તે પણ મૃત્યુ પહેલાંની કેટલીક ક્ષણોમાં, સ્વયં ભગવાન પાર્શ્વનાથના શ્રીમુખેથી!
આંખોથી પ્રભુના દર્શન કરતાં અને કાનથી પ્રભુના શ્રીમુખેથી નવકાર મંત્ર સાંભળતાં નાગ અને નાગણનો દેહ છૂટ્યો. મરતી વખતે ઉચ્ચ પરિણતી હોવાને લીધે બંનેને દેવગતિ પ્રાપ્ત થઈ. નાગ ધરણેન્દ્ર દેવ થયા અને નાગણ પદ્માવતી દેવી થયાં.
જોનારાએ કમઠના તપનો ખૂબ જ તિરસ્કાર કર્યો. કમઠનું પાર્શ્વકુમાર પ્રત્યે વેર ભભૂકી ઊઠ્યું અને તે અત્યંત ક્રોધિત થઈને ચાલ્યો ગયો. પરંતુ રાજકુંવર માટે તેને અત્યંત ઘૃણા ઉત્પન્ન થઈ. તેણે આકરી તપશ્ચર્યા કરીને દેવગતિ પામવા તપ કર્યા. અજ્ઞાન તપ કરવાથી કમઠને નીચી દેવગતિ પ્રાપ્ત થઈ; તે મેઘમાળી દેવ થયો.
પાર્શ્વનાથ પ્રભુના ભોગાવલી કર્મો પૂરા થતાં દેવોએ તેમને લોકોનો ઉદ્ધાર કરવા દીક્ષા લેવા વિનંતી કરી. પાર્શ્વનાથ પ્રભુ મોક્ષ પ્રાપ્ત કરવા અને લોકોને મોક્ષ પમાડવા માટે તમામ સુખ, વૈભવ, રાજપાઠ, પરિવાર છોડીને દીક્ષા લઈને જંગલમાં નીકળી પડ્યા. દીક્ષા લેતાં જ પાર્શ્વનાથ ભગવાનને મનઃપર્યવજ્ઞાન પ્રગટ થયું.
દીક્ષા લેતાં જ દરેક તીર્થંકર ભગવાનને મનઃપર્યવજ્ઞાન આપોઆપ પ્રગટ થઈ જાય. મનઃપર્યવજ્ઞાન એટલે સામાના મનના પર્યાયો જેમ છે તેમ પોતે જાણી શકે. જ્યારે પોતાના મનના પર્યાયને જેમ છે તેમ જોઈ શકે, પોતે અંતર્મુખ હોય તો જ તે બીજાના મનના પર્યાય જોઈ શકે. જ્યારે પોતાના મનના પર્યાય જુએ છે, ત્યારે તે મનથી મુક્ત થતો જાય છે અને મન કાચ જેવું ચોખ્ખું થઈ જાય છે.
એક દિવસ, પાર્શ્વનાથ પ્રભુ જંગલમાં કાઉસગ્ગ મુદ્રામાં ઊભા હતા અને આત્માના ઊંડા ધ્યાનમાં મગ્ન હતા. એ વખતે, મેઘમાળી દેવે (કમઠનો આત્મા) ત્યાંથી પસાર થતી વખતે પ્રભુને જોયા અને અવધિજ્ઞાનથી તેમને પોતાના વેરી જાણ્યા. મેઘમાળીનું વેર ભભૂકી ઊઠ્યું અને વેર વસૂલવા તેણે પ્રભુ પર જાતજાતના ઉપસર્ગો નાખ્યા.
પહેલાં તો ભગવાનને બિવડાવે એવા મોટા હાથી, વરુ, વાઘના ઉપસર્ગો કર્યા. પરંતુ પ્રભુ આત્મધ્યાનમાં જ સંપૂર્ણ સ્થિર હતા; એમને કોઈ વસ્તુ સ્પર્શ જ નહોતી થતી. પછી મેઘમાળીએ પ્રભુ પર મોટા પથ્થરો ફેંક્યા અને તેમના ઉપર ધોધ જેવો વરસાદ વરસાવ્યો. એટલો બધો વરસાદ વરસાવ્યો કે પાણી પાર્શ્વમુનિની પાનીએ, ઘૂંટણે અને થોડી જ ક્ષણોમાં તો ભગવાનના મુખ સુધી પહોંચી ગયું! જો કે, પાર્શ્વમુનિને જરા પણ અસર થતી નહોતી. ભગવાન તેમના આત્મધ્યાનમાં જ લીન હતા.
એ જ અરસામાં, ધર્ણેન્દ્ર દેવ અને પદ્માવતી દેવી કે જેમને પૂર્વભવમાં રાજકુંવર પાર્શ્વકુમારે કમઠના પંચાગ્નિ હવનના બળતા લાકડામાંથી બચાવી લીધા હતા, તેમને પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે ખૂબ પ્રેમ અને લાગણી હોવાથી તેમણે અવધિજ્ઞાન દ્વારા જાણ્યું કે પ્રભુ પર ઉપસર્ગો થઈ રહ્યા હતા. ધર્ણેન્દ્ર દેવ અને પદ્માવતી દેવી પ્રકાશવેગે પ્રભુ પાસે પહોંચી ગયા. પદ્માવતી દેવીએ નીચેથી કમળ થઈને પ્રભુને અધ્ધર ઊંચકી લીધા અને ધર્ણેન્દ્ર દેવે પ્રભુના મસ્તક ઉપર સાત ફણાઓ કરીને પ્રભુને છત્રની જેમ રક્ષણ આપ્યું. પ્રભુને ઉપર અને નીચે બંને રીતે રક્ષણ મળ્યું જેથી કમઠના ઉપસર્ગોની અસર પ્રભુને ન થઈ.
ધર્ણેન્દ્ર દેવે મેઘમાળીને પ્રેમ અને કરુણાથી ખખડાવીને બોધ આપ્યો કે “તું કેટલો બધો પાપી છે! ભગવાન પાર્શ્વનાથ જે ચૌદલોકના નાથ છે, જેમના દર્શનમાત્રથી કેવળજ્ઞાન પામીને મોક્ષે જઈ શકાય છે, અનંત અવતારના જન્મ-મરણમાંથી છૂટી શકાય એમ છે, એવા પ્રભુની સાથે તું નવ ભવથી સાથે હોવા છતાંય તું ભગવાનની કરુણા સમજી ન શક્યો! પ્રભુને જ્યારે જ્યારે તેં મારી નાખ્યા, ત્યારે પ્રભુએ ક્યારેય તારા માટે ભાવ નથી બગાડ્યો. પહેલા ભવથી તું જો કે તેં ક્યાં ક્યાં ભૂલો કરી છે. તું હતભાગી છે કે ભગવાનની સાથે રહીને વેરથી તું કેટલીય વાર નરકે જઈ આવ્યો તો પણ તને જરાય ઉપદેશ ન મળ્યો અને તું પાછો ન વળ્યો. હવે તું ચેત; નહીં તો, તારો કોઈ રીતે બચાવ થઈ શકે એમ નથી.”
આ કારુણ્ય ભરેલા શબ્દો મેઘમાળીના હ્રદયને સ્પર્શી ગયા અને તેનું હૃદય પશ્ચાત્તાપથી ભરાઈ ગયું. તે ચોધાર આંસુઓ સાથે પાર્શ્વનાથ ભગવાનના ચરણોમાં પડ્યો અને ક્રોધ, બદલાની ભાવના અને તેના બધા ખરાબ કર્મોમાંથી છૂટી જવા માટે આશીર્વાદ માંગ્યા. મેઘમાળીએ ખૂબ માફી માંગીને પ્રભુનું શરણું માંગ્યું.
જ્યારે ધર્ણેન્દ્ર દેવ અને પદ્માવતી દેવી પ્રભુને રક્ષણ આપ્યું અને બીજી બાજુ મેઘમાળીએ ભયંકર ઉપસર્ગો કર્યા, છતાં પ્રભુને મેઘમાળી પ્રત્યે કિંચિત્માત્ર દ્વેષ કે અભાવ ન થયો અને ધર્ણેન્દ્ર દેવ અને પદ્માવતી દેવી પ્રત્યે કિંચિત્માત્ર રાગ કે ગમો ન થયો. પ્રભુ એ સમયે રાગ-દ્વેષથી સંપૂર્ણ મુક્ત હતા અને એ વખતે એમની પૂર્ણ વીતરાગ દશા ઉઘાડી જોવા મળી.
પાર્શ્વનાથ ભગવાન ૩૦ વર્ષ ગૃહસ્થાશ્રમમાં રહ્યા. દીક્ષાના ૮૪ દિવસ પછી તેમને કેવળજ્ઞાન પ્રગટ થયું. કેવળજ્ઞાન બાદ, તેમણે ૭૦ વર્ષ સુધી હજારો લોકોને દેશના આપી અને તેઓમાં મોક્ષની ભાવના જગાવી. હજારો લોકો તેમની પાસેથી બોધ પામ્યા. કેટલાકે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો, કેટલાકે શ્રાવિકા ધર્મ અંગીકાર કર્યો, કેટલાંય સાધુ થયા, સાધ્વી થયા, કેવળજ્ઞાનીઓ થયા અને એ જ ભવે મોક્ષે ગયા. પાર્શ્વનાથ ભગવાન નિર્વાણ પામ્યા.
subscribe your email for our latest news and events