
શ્રી ભગવાન મહાવીરે ઇતિહાસમાં અજોડ એવો કડક અભિગ્રહ લીધો અને ભગવાનના અભિગ્રહ પ્રમાણે એમને વહોરાવવાનું નિમિત્ત ઉત્તમ ચારિત્રવાન ચંદનબાળા બન્યાં. ભગવાન મહાવીરના જીવનમાં ગોવાળે પ્રભુના કાનમાં બરુ ઠોકીને ભયંકર ઉપસર્ગ કર્યો એ વિશે વાંચીએ.
ભગવાન મહાવીર દીક્ષા લીધા બાદ પોતાના કર્મો ખપાવવા અને પોતાનું આત્મવીર્ય પ્રગટ કરવા માટે ગામેગામ વિહાર કરતા હતા. જ્યાં પણ એમને અનુકૂળ જગ્યા મળે ત્યાં એકાંતમાં જતા. ભગવાન એવી જગ્યા શોધતા કે જ્યાં કોઈને પણ એમનાથી જરા પણ ખલેલ ના પહોંચે; તેઓ સંકોચાઈને સંકોચાઈને રહેતા હતા.
એક વખત ભગવાન મહાવીર ગામની બહાર જંગલમાં કાયોત્સર્ગમાં ઊભા હતા. કાયોત્સર્ગ ભગવાન કાયમ કરતા હતા. કાયોત્સર્ગનો અર્થ શું? કાયોત્સર્ગ એટલે કે કાયાનો ઉત્સર્ગ કરવો. ધ્યાનમાં ઊભા રહેતા પહેલાં આંખો બંધ કરીને પોતાના મન-વચન-કાયાથી છૂટા પડતા જવું: મનથી જુદો છું, વાણીથી હું જુદો છું, કાયાથી હું જુદો છું. આ મન-વચન-કાયાથી જુદો એવો હું શુદ્ધાત્મા છું. કેવળજ્ઞાન સ્વરૂપ એવો હું આત્મા છું, એવા પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિર થઈ જાય એને કાયોત્સર્ગ કહ્યું છે.
પોતે આત્મામાં સ્થિર રહે અને પછી એમાં કરવાનું કશું ના હોય પણ ખાલી જોવાનું જ હોય. જોવું અને જાણવું, જ્ઞાતા-દ્રષ્ટા અને પરમાનંદી, એ આત્માનો સ્વભાવ છે. ભગવાન આંખો બંધ કરીને બહારનું કંઈ જ નહીં પણ પોતાના જ એક પુદ્ગલને જોતા હતા. આપણી અંદરની દુનિયા બહુ મોટી છે. બહાર સ્થૂળ દુનિયા છે જ્યારે અંદર સૂક્ષ્મ દુનિયા છે. એમાં પણ આપણી અંદર મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર, ક્રોધ-માન-માયા-લોભ, રાગ-દ્વેષ, મોહ-મત્સર, ઈર્ષ્યા-અદેખાઈ એવા ઘણાં બધા પુદ્ગલના દોષો ભરેલા છે. એ બધાને એક એક પરમાણુ પરમાણુ સુધી ખાલી કરવાના છે; એ જોવાથી જ જાય.
વિજ્ઞાન કેવું છે કે આ પુદ્ગલને, એકાકાર થઈ જવાથી, એ પરમાણુ આપણને વળગેલા છે પણ આપણે જુદા છીએ અને એને જુદા જોઈએ અને જાણીએ તો એ પરમાણુઓ ખરતાં જાય છે. આ સિદ્ધાંત પ્રમાણે જ ભગવાન મહાવીર પોતાના પુદ્ગલ પરમાણુઓ અને પુદ્ગલ વર્ગણાઓને જોતા હતા. મન, વચન અને કાયાની જે-જે વર્ગણાઓ છે, તેના બધા પર્યાયોને જોતા હતા. ભગવાને એક એક પરમાણુ સુધી જોઈ જોઈને બધાને ખેરવ્યા હતા. બધા જ પરમાણુઓ જ્યાં સુધી ખરી ના પડે ત્યાં સુધી કેવળજ્ઞાન ના થાય. એ પછી બહારનું જોવાનું રહેતું જ નથી. કેવળજ્ઞાન પ્રાપ્તિ માટેની ભગવાનની પ્રક્રિયા સાડા બાર વર્ષ સુધી સતત ચાલી હતી.
ભગવાન મહાવીર એક વખત ગામની બહાર જંગલમાં એક ઝાડ નીચે ધ્યાનમાં ઊભા હતા. ત્યાં આગળ એક ગોવાળિયો ભગવાનની પાસે પોતાની ગાયો મૂકીને ગયો અને ભગવાનને કહ્યું, “આ ગાયોને સંભાળજે. હું હમણાં થોડીવારમાં પાછો આવું છું.” ગોવાળિયો ગાયો સંભાળવાનું કહી ગયો પણ ભગવાન મહાવીર તો ધ્યાનમાં હતા એટલે એમને તો આ કશું જ અંદર પહોંચ્યું જ નહીં; તેઓ પોતાનામાં જ હતા. કોણ આવ્યું અને કોણ ગયું એમાં એમનું લક્ષ જ ન હતું.

ગોવાળિયો બે કલાકે પાછો ભગવાન પાસે આવ્યો. એણે જોયું તો એની એકેય ગાય મળી નહીં. એટલે એને બહુ ક્રોધ આવ્યો. એ ભગવાનને જેમતેમ અપશબ્દો બોલવા લાગ્યો, ”મેં કહ્યું હતું, તો મારું સાંભળ્યું નહી. તું સાંભળતો નથી.” પછી ગોવાળિયાએ ગુસ્સામાં ને ગુસ્સામાં વાંસના બરુ લઈને ભગવાનના બંને કાનમાં ખોસી દીધી. ભગવાનના બંને કાનમાંથી બરુ આરપાર ખોસાઈને ભેગા થઈ ગયા ત્યાં સુધી ગોવાળિયાએ ખોસી દીધા. બહાર કોઈને ખબર ના પડે એ રીતે ગોવાળિયાએ ભગવાનના કાનમાં બહારથી એ કાપી નાખ્યા એટલે અંદર શું છે કંઈ જ ખબર પડે નહીં. તોય ભગવાન પોતાના ધ્યાનમાંથી જરાય ચલાયમાન ન થયા.
ગોવાળિયાને ભગવાન મહાવીર સાથે પૂર્વભવનું વેર હતું; એના હિસાબે ગોવાળિયાથી આ કૃત્ય થયું. કોઈ પણ ક્રિયા થાય એની પાછળ ક્યાંક કારણ સેવેલાં હોય તો જ એ ક્રિયામાં આવે.
ભગવાનના સત્યાવીસ ભવમાંનો એક ભવ ત્રિપૃષ્ઠ વાસુદેવનો હતો. ત્રિપૃષ્ઠ વાસુદેવ સંગીતના બહુ શોખીન હતા. એમનો દરરોજનો એવો નિયમ હતો કે પોતે સૂતા પહેલાં એમના રાજ્યના ઊંચામાં ઊંચા સંગીતકારોનું મધુર સંગીત સાંભળતા. વાસુદેવે પોતાના અંતઃપુરના દ્વારપાળને કહી રાખેલું કે, “હું ઊંઘી જઉં એટલે આ સંગીતકારો પાસે વાજિંત્રો વગાડવાના બંધ કરાવી દેવાના.”
પણ એકવાર એવું થયું કે ત્રિપૃષ્ઠ વાસુદેવ તો સંગીત સાંભળતાં સૂઈ ગયા અને આ બાજુ સંગીતકારોએ બરાબર તાનમાં આવીને સંગીત વગાડવાનું ચાલુ જ રાખ્યું. અંતઃપુરનો દ્વારપાળ પણ સુમધુર સંગીત સાંભળવામાં એટલો બધો તલ્લીન થઈ ગયો કે એને ખ્યાલ ના રહ્યો કે વાસુદેવ સૂઈ ગયા અને સંગીત બંધ કરાવવાનું હતું.
મળસ્કે ત્રિપૃષ્ઠ વાસુદેવ એકદમ સંગીતનો અવાજ સાંભળીને ઊંઘમાંથી જાગી ગયા. ઊંઘમાં ખલેલ પડવાથી વાસુદેવ અત્યંત ચિડાઈ ગયા. એમણે તરત જ પોતાના સૈનિકોને પાસે ગરમ-ગરમ સીસું મંગાવ્યું અને પેલા દ્વારપાળના બંને કાનમાં એ ગરમ સીસું રેડાવ્યું. આનાથી પેલા દ્વારપાળે જબરદસ્ત ચીસ પાડી અને ત્યાં ને ત્યાં જ એ મૃત્યુ પામ્યો. ત્રિપૃષ્ઠ રાજાએ પોતાની ઊંઘમાં જરાક ખલેલ થવાથી દ્વારપાળને અહંકારથી મૃત્યુનો દંડ આપ્યો એના પરિણામે જે વેર બંધાયું, તે વેરની વસૂલાત તેણે ભગવાન મહાવીરના ભવમાં ગોવાળિયા થઈને એમને કાનમાં બરુ નાખીને પૂરી કરી.
ઊંઘ એટલે આત્માને કોથળામાં પૂરી દીધા જેવું છે અને એ આત્મા પરનું મોટું આવરણ છે; એમાં જાગૃતિ ખલાસ થઈ જાય છે. જ્ઞાનીઓ હંમેશા પોતાની ઊંઘને સૌથી પહેલા વેરવી ગણે છે. તેઓ દુનિયામાં કોઈને વેરવી ના માને પણ પોતાની ઊંઘને માને. સ્થૂળમાં ઊંઘ અને સૂક્ષ્મમાં કષાયો આપણા મોટામાં મોટા શત્રુઓ છે. વેદાંતમાં પણ કષાયોને ષડ્રિપુ કહ્યા છે; એ ષડ્રિપુ એટલે મત્સર, ક્રોધ, માન, કામ, મોહ અને માયા. ઊંઘ એ શત્રુ છે એવી ખબર કો’કને જ પડે પણ જ્ઞાનીઓને પોતાની જ્ઞાનની જાગૃતિથી ઊંઘ એક મોટી શત્રુ જેવી લાગે. ઊંઘ જેમ ઓછી થાય એમ વધારે સારું; એટલો વખત આપણે આત્મધ્યાનમાં વધારે રહી શકીએ.
ભગવાન મહાવીરને બહુ મોટો હિસાબ આવીને ઊભો રહ્યો હતો. ભગવાનના કાનમાં બરુ ઠોકાયા પછી છ મહિના સુધી એમના કાનમાં બરુ રહ્યા હતા. એની જબરજસ્ત વેદનામાં ને વેદનામાં બધે વિહાર કરતા હતા. પછી એક વખત ભગવાન એક ગામમાં વણિકને ત્યાં વહોરાવવા માટે ગયા. એ ગામમાં ખરક નામનો વૈદ્ય હતો જે જબરજસ્ત હોશિયાર હતો. વૈદ્યને ભગવાનનું મુખ જોઈને તરત જ નિદાન થઈ ગયું કે, “ભગવાનની અંદર ક્યાંક શલ્ય છે. આમ બહારથી બધું ભગવાનનું સુંદર લાગે છે પણ એમના મોઢા ઉપર ક્યાંક દર્દની વેદના છે. ભગવાન બહારથી બરાબર લાગે છે પણ અંદર એમને ક્યાંક પીડા હોવી જોઈએ. તેઓ કોઈક શલ્યની પીડા ભોગવી રહ્યા છે.” વણિક શેઠે વૈદ્યને કહ્યું કે, “આપ જલ્દી ભગવાનની તપાસ કરો અને એમને આ વેદનામાંથી મુક્ત કરો. ત્રણ લોકના નાથ છે! એમને વેદના કેમ હોવી જોઈએ? આપણે શું કામના? આપણે ભગવાન માટે બધું કરી છૂટીએ.” પછી વૈદ્યે તપાસ કરી તો જણાયું કે ભગવાનના કાનમાં બરુ ખોસાયેલા હતા ને જબરજસ્ત પાકી ગયા હતા.

છ મહિના સુધી ભગવાનના કાનમાં બરુ હોવાથી એમના કાન પાકી ગયા હતા. ભગવાનની એ વેદના કેવી હશે! કારણ કે એમને લોહી અને પરુ જામી ગયાં હોવાથી એમના માથામાં, કાનમાં અને આખા શરીરમાં બધે વેદનાની અસર થઈ હતી. પછી વૈદ્યે બધો ઉપચાર કર્યો અને સાણસા લઈને ભગવાનના કાનમાંથી બે બરુ ખેંચી કાઢ્યા. તે ઘડીએ બરુ ખેંચતી વખતે ભગવાનને જે વેદના થઈ એમાં ભગવાને જબરજસ્ત મોટી ચીસ પાડી. એટલી મોટી રાડ હતી કે ધરતી ફાટી જાય!
લોકો એમ સમજે છે કે ભગવાન કેમ રાડ પાડે. આત્મામાં રહે એણે તો દર્દ થાય જ નહીં ને! વિજ્ઞાન એવું છે કે દેહ દેહનું કામ કરે અને આત્મા આત્માનું કામ કરે. દેહ પોતાની ઈફેક્ટ બધી જ બતાવે. પણ ભગવાન પોતે અંદર તન્મયાકાર ન હોય, ભોગવટામાં ન હોય; પોતે આત્મા તરીકે જુદા જ રહે. શરીર તો એનો ભાગ ભજવે જ ને. ભગવાન તો સહજ અવસ્થામાં હોય. જેવું શરીરને થાય તેવું એ પોતે રિએક્ટ થાય. એમનું શરીર પણ સહજ હોય, અહંકારે કરીને ના કરે. ભગવાનમાં અહંકાર સહેજ પણ ના હોય.
આ બધા ઉપસર્ગો ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થતા પહેલાંના છે. કેવળજ્ઞાન થયા પછી ભગવાન પર આવા ઉપસર્ગ થયા ન હતા. ભગવાનને દીક્ષા લીધા પછી એમના સાડા બાર વર્ષના વિહાર કાળમાં જબરજસ્ત મોટામાં મોટા ત્રણ ઉપસર્ગો આવ્યા હતા. ઇતિહાસમાં આટલા ઉપસર્ગો કોઈને આવ્યા ન હતા.
૧) કટપૂતના રાક્ષસીએ ભગવાન મહાવીર પર કરેલી હિમવર્ષા.
૨) સંગમદેવે ભગવાન મહાવીર પર છ મહિના સુધી કરેલા ભયંકર ઉપસર્ગો.
૩) ગોવાળિયાએ ભગવાન મહાવીરના કાનમાં બરુ ખોસી દીધા, જેની ભગવાનને છ મહિના વેદના થઈ.
વૈદ્યે સાણસા લઈને ભગવાનના કાનમાંથી બે બરુ ખેંચી કાઢ્યા બાદ એમના કાનમાં અન્ય દવાઓ નાખીને બધા ઘા રૂઝવી નાખ્યા. ભગવાનનો કાન ફરી પહેલાં જેવો યથાયોગ્ય કરી આપ્યો. પછી વૈદ્ય અને વણિક શેઠ ભગવાન મહાવીરને પગે લાગીને ખૂબ વંદના કરીને પાછા ગયા. ભગવાનને વેદનામાંથી મુક્ત કરવા બદલ એ બંને જણાને દેવગતિ મળી અને ગોવાળ સાતમી નર્કે ગયો.
ભગવાન મહાવીરના જીવનમાં દીક્ષાથી લઈને કેવળજ્ઞાન થતાં પહેલાંનાં સાડા બાર વર્ષના વિહાર કાળ દરમ્યાન એમના ઉપસર્ગોની શરૂઆત પણ ગોવાળિયાથી થઈ અને ઉપસર્ગોનો અંત પણ ગોવાળિયાથી થયો.
ભગવાન મહાવીર પોતાના કર્મો ખપાવવા આગળ વિહાર કરતા ગયા અને ત્યાં ઋજુવાલિકા નદીકિનારે એક શાલના વૃક્ષ નીચે પોતાના ચાર ઘાતી કર્મોનો ક્ષય થતાં કેવળજ્ઞાન પામ્યા. ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થયા પછીનું દિવ્ય વાતાવરણ કેવું હતું એ વિશે અહીં વાંચીએ.
subscribe your email for our latest news and events
