ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી: અનાર્યદેશમાં વિહાર

આપણે શ્રી મહાવીર સ્વામીના જીવનમાં ગોશાળાનો પ્રવેશ કઈ રીતે થયો અને ભગવાન ગોશાળાના કૃત્યો સામે કઈ રીતે સમતામાં રહ્યા એ વિશે વાંચ્યું. આગળ ભગવાન મહાવીરનું એમના છદ્મસ્થ કાળ દરમ્યાન પોતાના કર્મોની નિર્જરા કરવા અનાર્યદેશ તરફ ગમન અને ત્યાં ભગવાને સમતામાં રહીને મનુષ્યો અને દેવોના ઉપસર્ગોનો સામનો કઈ રીતે કર્યો એ અને મલ્લિનાથ ભગવાનની ભક્તિ ધરાવતા શ્રાવક-શ્રાવિકાનો ભગવાન મહાવીર સાથેનો સુંદર પ્રસંગ વાંચીશું.

ભગવાન મહાવીર જુદી જુદી જગ્યાએ વિહાર કરતા ગયા અને એમના ચોમાસાં થતા ગયા. ચાર વર્ષ પછી એક વખત એમનું ચોમાસું જે ગામમાં હતું ત્યાં તેઓ ગોશાળાની જોડે રહ્યા હતા. ત્યાં એ ગામના રાજાના ગુપ્તચરોએ એમને પકડ્યા અને કોઈ વિચિત્ર લોકો પેસ્યા છે એમ ચોર સમજીને મંત્રીને સોંપી દીધા. એ જ ગામના મંત્રી પહેલાં ભગવાનના પિતા સિદ્ધાર્થ રાજાને ત્યાં નોકરીમાં હતા. તેઓ ભગવાન મહાવીરને તરત જ ઓળખી ગયા અને ભગવાનના ચરણોમાં પડીને તરત જ માફી માંગીને એમને છોડી દીધા. ભગવાને જોયું કે એ જગ્યાએ એમને બધા માનભેર રાખતા હતા. થોડી તકલીફ આવતી હતી પણ ભગવાનને હજુ સંતોષ નહોતો થતો, “આ બધા કષ્ટોથી હજુ મારું કર્મ પૂરું થયું નથી. હજુ આ લોકો મને સારી રીતે જ રાખે છે અને ભિક્ષા ને બધું સરસ આપે છે. હજુ મારા કર્મો ખપાવવાના બાકી છે. આટલાથી પતે એવું નથી.” આર્યદેશમાં કર્મો પતે એવા ન હતા એટલે ભગવાન પોતાના વધારે કર્મો ખપાવવા અનાર્યદેશમાં ગયા.

હંમેશા નિયમ કેવો છે કે અનુકૂળ સંજોગો હોય ત્યારે આપણી પ્રકૃતિ વિકૃત થતી જાય અને આપણે શાતામાં પડ્યા રહીએ. આપણી અંદર જબરજસ્ત આવરણ આવી જાય. પ્રગતિ કરવા ના મળે અને પ્રતિકૂળતામાં આપણને ભગવાન વધારે યાદ આવે અને જાગૃતિ વધે. એટલે પોતાના બધા કર્મો ખપાવવા માટે ભગવાન મહાવીરે નક્કી કર્યું કે, “હવે મારે આ આર્યદેશ છોડીને અનાર્યદેશમાં જવું જોઈએ. તો જ મારા બધા પૂરેપૂરા કર્મો ખપશે; મારા બધા જ પરમાણુઓ ખાલી થશે.” ભગવાન પોતે અવધિજ્ઞાનથી પોતાના બધા કર્મોને જોઈ શકતા હતા. તેઓ માઈલોના માઈલો ચાલી ચાલીને કર્મો ખપાવવા અનાર્યદેશમાં ગયા. ત્યાં કર્મ ખપાવવા એમને કેટલાંય તપ આવ્યા. કારણ કે આર્યદેશમાં તો એમને બધા બહુ જ સરસ આહાર વહોરાવતા જ્યારે અનાર્યદેશમાં આ બધું કશું જ મળતું ન હતું.

આપણા હિન્દુસ્તાનની પ્રજા આર્ય કહેવાય. હિન્દુસ્તાનની ઉત્તરમાં બધું આર્ય કહેવાય અને દક્ષિણમાં દ્રવિડ એટલે અનાર્ય. દક્ષિણ ભારતમાં દ્રવિડ એટલે અનાર્ય કહેવાય છે. એ કાળમાં આ પ્રકારે વિભાજન થયેલું હતું.

ભગવાન જ્યાં જતા ત્યાં એમને ખૂબ જ કષ્ટ અને ઉપસર્ગ મળતા હતા. કેટલીક જગ્યાએ સારું પણ મળતું હતું. ભગવાનને વહોરાવવામાં પણ અભક્ષ્ય એવો માંસનો આહાર અને વાસી ખોરાક આપતા. કેટલાક તો આહાર જ ન આપતા. ઘણી જગ્યાએ સાવ જ અજાણ્યા માણસ કોઈ ગામમાં પેઠા હોય અને દિગંબર અવસ્થામાં ભગવાનને જુએ તો બધાને એમ લાગતું કે આ કોઈ વિચિત્ર એવા પિશાચ છે કાં તો કોઈ ચોર છે એમ કરીને કોઈ એમની પાછળ કૂતરાં છોડતા; એમને ખૂબ મારતા.

mahavir-bhagwan-jungal-vihar

આ બધા તપ ભગવાન કરતા હતા. આપણે જે ઉપવાસ કરીએ એને તો બાહ્યતપ કહેવાય છે પણ ભગવાને તો જબરજસ્ત અંતરતપ કર્યું હતું. ત્યારે એમના બધા કર્મો ખપ્યા. બધા અંદરના પરમાણુઓ જે સંજ્વલન કષાયો હતા, જે કેવળજ્ઞાન પામવાને બાધક કરતા હતા, એ બધા આવી રીતે ભગવાન ખપાવતા હતા.

તપ બે પ્રકારના છે: એક બાહ્યતપ અને બીજું અભ્યંતર તપ. અભ્યંતર તપથી મોક્ષ છે. બાહ્યતપ તો પુણ્ય બાંધી આપશે. બધા ભૌતિક સુખો મળશે. ઘણા બધા એના શારીરિક લાભ છે. પણ મોક્ષ માટેનો લાભ તો અભ્યંતર તપ. ભગવાન એ તપમાં હતા.

ભગવાનને તો, રાજા રાખે કે કોઈ ગરીબ કુંભારની શાળામાં એ હોય, એમને તો બધા સરખા હોય. નથી એમને રાજાના આતિથ્યની પડેલી કે નથી કુંભારના તરછોડની પડેલી. જ્યાં એમના કર્મોના ઉદય હોય એ પોતાના જ્ઞાનથી જોઈને એ પ્રમાણે નિર્જરા કરવા જતા હતા. ભગવાન ઘણી જગ્યાએ વિહાર કરતા કરતા જતા હતા અને એમની સાથે ગોશાળો પણ વિહાર કરતો હતો. ગોશાળો એના અટકચાળાને લીધે લોકોનો માર ખાતો હતો. એ પોતાની રીતે ગમે ત્યાં ગમે તેમ આડુંઅવળું કરી આવતો હતો. આ ઉપસર્ગો ગોશાળાથી જરાય સહન થતા ન હતા. જ્યારે ભગવાન વીતરાગ રહીને બધા ઉપસર્ગો સહન કર્યા કરતા. બહુ જગ્યાએ ગોશાળાને એટલો બધો માર પડતો; તે ભગવાન વીતરાગ રહીને જોયા કરતા.

એક જગ્યાએ લોકોએ ચોર સમજીને બહુ માર્યો. એ ગોશાળાથી સહન ના થયું. ક્રોધમાં આવીને એણે ભગવાનને કહ્યું, “તમે કેમ મારું ધ્યાન રાખતા નથી? મારું રક્ષણ કરતા નથી? હું તમારી પાછળ છું. તમને આટલો ચાહું છું, તમારી આટલી સેવા કરું છું અને તમે મારી મુશ્કેલીમાં જરાય મદદ કરતા નથી!” ભગવાને કંઈ જવાબ આપ્યો નહીં. ભગવાન તો વીતરાગ હતા પણ એમની મહીં રહેલા સિદ્ધાર્થ વ્યંતર દેવે જવાબ આપ્યો, “હું તો વીતરાગ છું; તારે તારી રીતે જે કરવું હોય તે કર.” પછી ગોશાળાએ ભગવાનને કહ્યું, “હવે, હું તમને છોડીને ચાલ્યો જઉં છું. હું એકલો જ રહીશ. તમારી સાથે વિહાર નહીં કરું.” વ્યંતર દેવે કહ્યું, “તને જેમ ઠીક લાગે એમ કર.” ભગવાને તો નથી ગોશાળાને શિષ્ય માન્યો કે નથી એમને ગોશાળાના જતા રહેવાનું દુઃખ. એને શિષ્ય માને તો એ જાય તો દુઃખ અને આવે તો ખુશી થાયને! ભગવાન વીતરાગ હતા; એમને કોઈની પ્રત્યે મમતા ન હતી. ગોશાળાને ભગવાન માટે મમતા હતી. ભગવાન મહાવીરથી અકળાઈને ગોશાળો જુદો થઈ ગયો; ભગવાન પછી એકલા વિચરવા માંડ્યા.

ભગવાન મહાવીરથી જુદા થયા બાદ ગોશાળાને એટલા બધા અનુભવો થયા, પછી એને થયું, “હું ભગવાનને કેમ છોડી દઉં છું? આ ભગવાનને છોડ્યા એટલે મને આટલા બધા કષ્ટો પડે છે!” ક્યાંક ભગવાનને જોઈને લોકો પાછા પડી જતા અને ગોશાળાને છોડી દેતા. કેટલીકવાર તો ઇન્દ્ર રાજા ભગવાનના દર્શન કરવા આવ્યા હોય અને ગોશાળાનું તોફાન ચાલતું હોય તો એ જોઈને ભગવાન એને બચાવતા. આવું ઘણું બધું રક્ષણ ગોશાળાને મળતું હતું. જ્યારથી એ એકલો પડ્યો ત્યારથી એને રક્ષણ મળતું બંધ થઈ ગયું. કોઈ એને બચાવનારું હતું નહીં. એટલે એને થયું કે ગમે તેમ પણ ભગવાનની રિદ્ધિસિદ્ધિ બહુ છે. જ્યાં જાય ત્યાં દેવો આવીને એમને મદદ કરતા અને એમના નિમિત્તે ગોશાળો પણ બચી જતો હતો. માટે ફરી પાછા એણે ભગવાન પાસે જવાનું નક્કી કર્યું અને ભગવાનની શોધમાં પડ્યો. અંતે તેણે ભગવાનને શોધી કાઢ્યા.

કટપૂતના વ્યંતરી દેવીનો શીત ઉપસર્ગ

ભગવાન મહાવીર વિહાર કરતા કરતા એક બગીચામાં આવ્યા ત્યાં કટપૂતના નામની એક વ્યંતરી દેવી રહેતી હતી. એ દેવીને ભગવાનને જોતાં જ જબરજસ્ત દ્વેષ ઊભો થયો. આનું કારણ એ હતું કે જ્યારે ભગવાન મહાવીર પૂર્વે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં હતા ત્યારે એમને ૩૨,૦૦૦ રાણીઓ હતી. આ વ્યંતરી દેવી એમાંની એક રાણી હતી; એનું નામ વિજયવતી હતું. ચક્રવર્તી અને વાસુદેવ રાજાઓને પટરાણીઓ મુખ્ય હોય જ્યારે બાકી બીજી બધી રાણીઓ તો દાસીઓ જેવી જ હોય. રાજાઓ મુખ્ય પટરાણીઓને સાચવે. જે પ્રથમ પટરાણી હોય એનો કુંવર રાજગાદી પર આવે. વિજયવતી રાણી ઉપેક્ષિત થયેલી હોવાથી એને અંદર બહુ દ્વેષ થયેલો હતો અને ત્રિપૃષ્ઠ વાસુદેવ પ્રત્યે એણે જબરજસ્ત વેર બાંધેલું હતું.

mahavira-katputna-devi

ત્યારનું બાંધેલું વેર, ભગવાન મહાવીરના ભવે, વ્યંતરી દેવી થઈને વસૂલ કર્યું. ત્રિપૃષ્ઠ વાસુદેવના વખતની રાણી, મહાવીર ભગવાનને બગીચામાં વ્યંતરી દેવી તરીકે ભેગી થઈ. ભગવાનને જોતાં જ એને ભગવાન માટે જે દ્વેષ થયો; એણે ભગવાનને જબરજસ્ત હેરાન કર્યા. એણે ભગવાન પર ખૂબ શીત ઉપસર્ગો કર્યા. શીત ઉપસર્ગ એટલે એકદમ હિમથી પણ ઠંડું પાણી ભગવાન પર નાખ્યું. બીજો કોઈ માણસ હોય તો ત્યાં ને ત્યાં જ થીજી જાય, એનું લોહી ચાલતું બંધ થઈ જાય અને ત્યાં ને ત્યાં જ મરી જાય. એટલો ભયંકર શીત ઉપસર્ગ હતો. ભગવાન તો ગમે તેવા ઉપસર્ગમાં ધ્યાનમાં જ હતા; તેઓ ધર્મધ્યાનથી પણ ઊંચા શુક્લધ્યાનમાં જ હતા. ભગવાન આ ધ્યાનમાં રહેતા રહેતા ક્ષપકશ્રેણીઓ ચડતા ગયા અને એમને લોકાવધિજ્ઞાન પ્રગટ થયું.

અવધિજ્ઞાન અને લોકાવધિજ્ઞાનમાં અંતર છે. અવધિજ્ઞાન એટલે અમુક સીમા સુધીનું અને લોકાવધિજ્ઞાન એટલે આખા લોકનું જ્ઞાન - દેવગતિ સહિત એમને બધું જ દેખાય. ભગવાનને તો પોતાને ફાયદો જ થયો. પછી વ્યંતરી દેવી એકદમ ઢીલી થઈ ગઈ કે, “અરે! આમને કશી જ અસર નથી થતી.” દેવીએ પછી ભગવાનને પગે લાગી માંફી માંગી અને એમની પૂજા કરીને ચાલી ગઈ.

પ્રત્યક્ષ ભગવાનનું મહત્ત્વ

ભગવાન એક પછી એક પૂર્વે જે કર્મો બાંધેલા હતા તે છોડતા ગયા અને આગળ વિહાર કરતા ગયા. એક નાના ગામના પાદરે મલ્લિનાથ ભગવાનનું સુંદર મંદિર હતું. ત્યાં આગળ એક વણિક શ્રાવક અને શ્રાવિકા બંને દરરોજ ભગવાનની સેવા-પૂજા અને આરતી કરવા આવતા હતા. એમને એટલી બધી ભક્તિ હતી કે કોઈ દિવસ તેઓ મંદિર જવાનું ચૂકતા ન હતા. એ જ અરસામાં ભગવાન મહાવીર એ ગામ તરફ પધાર્યા. એ મંદિર આગળ પોતાનો પડાવ નાખીને ભગવાન પોતાના ધ્યાનમાં સ્થિર થઈને કાઉસગ્ગ કરતા ઊભા હતા. બીજી બાજુ વાગુર શેઠ પોતાના નિયમ પ્રમાણે સવારની પૂજા કરવા મંદિરમાં ગયા. ભગવાન મહાવીર ત્યાં ઊભા હતા પણ તેમણે ભગવાનને ટાળીને મલ્લિનાથ ભગવાનની પ્રતિમાજીની સેવાપૂજા કરી. એટલામાં એક ઇન્દ્રદેવ ત્યાં ભગવાનને વાંદવા આવ્યા. એમણે જોયું, “અરે! અત્યારે પ્રત્યક્ષ તીર્થંકર ઊભા છે; એમને મૂકીને આ પરોક્ષ બિંબની ક્યાં પૂજા કરવા જાય છે?” એમને સહન ન થયું અને તેમણે આવીને શેઠને કહ્યું, “આ તું શું કરી રહ્યો છે? તું આ પરોક્ષ પ્રતિમાને ભજી રહ્યો છે અને આ પ્રત્યક્ષ તીર્થંકર, જે હાજર છે, એમને તો તું ઓળખતો નથી. એમને તો તું ટાળીને જતો રહ્યો. કેટલો મોટો અંતરાય પાડે છે? આ પ્રત્યક્ષનું મહત્ત્વ સમજ! પ્રત્યક્ષની પૂજા કર.” આ સાંભળીને શેઠ એકદમ આનંદિત થઈ ગયા અને ભગવાનની ખૂબ માફી માંગતા માંગતા ભક્તિભાવથી બંને શેઠ-શેઠાણીએ ભગવાનની પૂજા કરી, ખૂબ ભક્તિ કરી. ભગવાન તો વીતરાગ હતા એમને આમાં કશી લેવાદેવા ન હતી. ભગવાન તો પોતાનું કામ કરીને વિહાર કરી ગયા.

પણ ખરી મૂળ વાત સમજવાની છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ આ બંને વચ્ચે કેટલો બધો તફાવત છે! પરોક્ષ એટલે જે આપણા આ બ્રહ્માંડથી પર થઈ ગયા છે. આપણી દૃષ્ટિથી પણ પર છે. તેઓ મોક્ષે ગયા એટલે આપણા માટે સંપૂર્ણ પરોક્ષ થઈ ગયા અને પ્રત્યક્ષ જે હાજર છે એ પ્રત્યક્ષ તીર્થંકર કહેવાય. જે વીસ વિહરમાન તીર્થંકરો પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં અત્યારે વિચરી રહ્યા છે એ અત્યારે હાજર છે, વિહરમાન છે. એ અત્યારે આપણા માટે આ કાળના તીર્થંકર હાજર કહેવાય, પ્રત્યક્ષ કહેવાય અને બીજું એથી આગળનું કોઈ પ્રત્યક્ષ જ્ઞાની મળે, સત્‌પુરુષ મળે તો એ આપણને મોક્ષના માર્ગે ચડાવી આપે. પ્રત્યક્ષ તીર્થંકર તો આપણને મોક્ષ જ પમાડી દે; એમાં રૂબરૂ તીર્થંકર મળે તો દૃષ્ટિથી જ આપણને કેવળજ્ઞાન થઈ જાય એવું છે.

શ્રી મહાવીર ભગવાનને ગોશાળાનો ભેટો થયા બાદ, ગોશાળાએ કેવી રીતે એકાંતે નિયતિવાદને ગ્રહણ કર્યો અને એની સામે સાચી સમજણના સ્વરૂપે ભગવાન મહાવીરે જગત સમક્ષ ખુલ્લા કરેલા પાંચ સમવાય કારણો વિશે આગળ વાંચીએ.

×
Share on