ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી: પ્રિયદર્શના અને જમાલિ

શ્રી મહાવીર સ્વામીએ એમની દેશનામાં પાંચ મહાવ્રતોની અદ્ભુત સમજણ આપી અને આવનારા કાળને અનુરૂપ લોકોના હિત માટે પાંચમું મહાવ્રત બ્રહ્મચર્ય ઉમેર્યું. આપણે ભગવાન મહાવીરનાં પુત્રી પ્રિયદર્શના અને જમાઈ જમાલિનો પરિચય મેળવીએ.

એક વખત ભગવાન મહાવીર પોતાના વિહાર દરમ્યાન એમના જન્મસ્થળ ક્ષત્રિયકુંડ પધાર્યા. ત્યાં એમના મોટા ભાઈ નંદીવર્ધન રાજગાદી ચલાવતા હતા. ભગવાન મહાવીર પધાર્યા છે એ જાણીને તેઓ ખૂબ આનંદ અને ઉલ્લાસથી પોતાની પ્રજાને લઈને ભગવાનના દર્શન કરવા ગયા. સાથે સાથે ભગવાનની પુત્રી પ્રિયદર્શના અને જમાઈ જમાલિ પણ ભગવાનના દર્શન કરવા ગયાં. ભગવાનની દેશના સાંભળીને પ્રિયદર્શના અને જમાલિ બંનેના હૃદયમાં ખૂબ જ વૈરાગ અને મોક્ષની અભિલાષા જાગી અને એમણે દીક્ષા લીધી. જમાલિએ પોતાના પાંચસો સૈનિકો સાથે અને પ્રિયદર્શનાએ પોતાની હજાર સખીઓ અને દાસીઓ સાથે દીક્ષા લીધી. દીક્ષા લઈને બધાએ ભગવાન મહાવીર સાથે વિહાર કર્યો.

ભગવાન મહાવીર, એમની પુત્રી પ્રિયદર્શના અને જમાલિ હજારો સાધુ અને સાધ્વીઓ સાથે વિહાર કરતાં-કરતાં એક ગામથી બીજે ગામ ગયાં. ભગવાને જમાલિને આચાર્ય બનાવ્યા અને અગિયાર અંગોની બધી જ વિદ્યાઓ પણ એમને શીખવાડી. જમાલિ ભણીગણીને ખૂબ સામર્થ્યવાન થઈ ગયો હતો. જમાલિ પોતે પણ પોતાનો નાનકડો સંઘ લઈને વિહાર કરતો હતો અને ખૂબ તપ કરતો હતો. પછી જમાલિએ ભગવાન મહાવીરને પૂછ્યું, “હે પ્રભુ! હવે, હું મારા સાધુઓના વૃંદને અને પ્રિયદર્શના એમના સાધ્વીઓના વૃંદને લઈને અમારી રીતે જુદા વિહાર કરતાં થઈ જઈએ?” ભગવાન કેવળજ્ઞાની હતા એટલે એમને પોતાના જ્ઞાનચક્ષુમાં દેખાઈ ગયું હતું કે જમાલિથી ભયંકર અનર્થ થવાનો છે. એટલે ભગવાને જમાલિને કંઈ પણ જવાબ ન આપ્યો; તેઓ મૌન રહ્યા. કારણ કે અનર્થ થવાનો હતો જ—એ ભગવાનને એમનાં જ્ઞાનમાં દેખાઈ ગયું હતું. એટલે ભગવાન જો ‘ના’ કહે તો પણ એ બનવાનું જ હતું અને જો ‘હા’ કહે તો પછી એ કાર્યમાં અનુમોદના થાય. એટલે ભગવાને તો ‘હા’ પણ ન કહી અને ‘ના’ પણ ન કહી, તેઓ મૌન રહ્યા.

મહાવીર સ્વામીના મૌનનો અર્થ જમાલિએ જુદી રીતે લીધો. જમાલિએ સ્વામીના મૌનનો પોતાને ફાવતો અને સગવડિયો અર્થ કર્યો કે જેમાં ભગવાનનો નિષેધ ના હોય એ ‘હા’ કહેવાય. આમ કરીને તેણે પોતાના શિષ્યો અને પ્રિયદર્શના સાથે પોતાનો જુદો સંઘ ઊભો કર્યો. તે પોતાનું મોટું વૃંદ લઈને ગામેગામ ફરતો હતો.

એક વખત એવું થયું કે જમાલિને જબરજસ્ત પિત્તજ્વર એટલે કે મેલેરિયા થયો. પછી એણે પોતાના શિષ્યોને કહ્યું, “મારી માટે પથારી પાથરો.” એમના બધા શિષ્યો આમતેમ આંટા મારતા હતા. જમાલિએ ફરી આવીને કહ્યું, “મારી પથારી કરો.” તો શિષ્યોએ કહ્યું, “તમારી પથારી થઈ ગઈ છે.” પછી જમાલિએ ત્યાં જઈને જોયું તો હજુ એમના શિષ્યો પથારી કરતા જ હતા, પાથરવાનું હજુ શરૂ કર્યું હતું. એટલે જમાલિએ કહ્યું, “હજુ પથારી થઈ નથી તો પછી તમે કેમ, પથારી થઈ ગઈ છે, એમ કહો છો?” તો બધા સાધુઓએ કહ્યું, “ભગવાન મહાવીરે તો આવું જ આપણને શીખવાડ્યું છે ને કે જે કાર્ય થઈ રહ્યું હોય એ થઈ ગયા બરાબર જ ગણાય. એટલે એ કાર્ય પૂરું થઈ ગયું છે એમ જ ગણાય.” પણ આ વાત જમાલિના મગજમાં ના બેઠી. એને ભગવાનની આ વાતનો અંદર વિરોધ થયો કે થઈ રહી ક્રિયાને થઈ ગઈ છે એવું કેવી રીતે કહેવાય? ક્રિયા પૂરી થઈ ગઈ હોય તો જ એને થઈ ગઈ કહેવાય. ભગવાનની આ વાત પર જમાલિને શંકા જાગી. પછી એ ભગવાન પાસે ગયો અને ભગવાનને પ્રશ્નો પૂછ્યો, “થઈ રહેલી ક્રિયાને થઈ ગઈ છે એવું કેવી રીતે કહેવાય? આ કઈ રીતે સાચું ગણાય?” ત્યારે ભગવાને કહ્યું, “આ બધા સાધુઓ કહે છે એ સાચું છે. થઈ રહેલી ક્રિયાને, થઈ ગઈ છે એમ કહેવાય. કારણ-કાર્યનો આ સિદ્ધાંત છે; જે કાર્યનાં કારણો સેવાઈ રહ્યાં હોય એને કાર્યમાં થઈ ગયું છે, એવું કહેવાય. એટલે કારણના કાર્યમાં આરોપણ થાય.”

સેવાઈ ગયેલાં કારણોને કાર્યમાં રૂપાંતર થઈ ગયેલું કહેવામાં હરકત નથી, એવો સિદ્ધાંત ભગવાન મહાવીરનો છે. વિપરીત બુદ્ધિથી જોઈએ તો આ સિદ્ધાંત ખોટો લાગે પણ ભગવાન મહાવીરની દૃષ્ટિથી જોઈએ તો તદ્દન સાચો છે. ભગવાન મહાવીરે જમાલિને ફોડ પાડ્યો પણ જમાલિના સમજમાં આ વાત ન આવી. આ તાત્ત્વિક વાત એ સ્વીકારવા તૈયાર ન હતો. પછી જમાલિએ પોતાના સાધુવૃંદને કહ્યું, “ભગવાનની આ વાત ખોટી છે. તત્ત્વ જાણવું હોય તો જે કામ પૂરું થયેલું ના હોય તો એને થઈ ગયું એવું કહેવાય નહીં.” આ સિદ્ધાંત ઉપર જમાલિનો મત ભગવાન મહાવીરથી જુદો પડ્યો. ભગવાન મહાવીરથી છૂટા પડીને જમાલિએ પોતાનો જુદો સંઘ ઊભો કર્યો. ભગવાને આ વાતને ખોટી કહી એનું જમાલિને ખરાબ લાગ્યું. ભગવાન ખોટા છે અને લોકોને ખોટું શીખવાડે છે એવું એના મગજમાં થઈ ગયું હતું.

ભગવાન ક્યારેય પણ ખોટું કહે? જેને જબરજસ્ત કેવળજ્ઞાન વર્તે છે, આખા બ્રહ્માંડના મોટામાં મોટા પદને પામેલા છે,તીર્થંકર ભગવાન છે, એ શા માટે ખોટું બોલે? એમને તો અંદર વર્તતું હોય તે જ કહે. ભગવાન તો કેવળજ્ઞાનમાં જ હતા; જ્ઞાનની વાત એમણે કરી હતી. જ્યારે જમાલિએ અજ્ઞાનની વાત પકડી રાખી હતી. જ્ઞાન અને અજ્ઞાનનો ક્યારેય મેળ પડે નહીં, ક્યારેય એકસરખા લાગે નહીં; એકમેકના વિરોધમાં જ હોય. જમાલિ અજ્ઞાનના પક્ષમાં બેઠો એટલે એણે ભગવાનની આ વાત સ્વીકારી નહીં. જ્યારે ભગવાને જમાલિની વાત ખોટી કહી ત્યારે એનો અંદર જબરજસ્ત અહંકાર ઘવાયો.

આ રીતે, ભગવાનની વાતથી જમાલિ વિખૂટો પડ્યો. ભગવાનની એક જ વાત, એક જ શબ્દ એને ઊંધો પકડાયો. એક બાજુ ગોશાળાને પણ નિયતિવાદનું ઊંધું પકડાયું હતું અને જમાલિને થઈ રહેલી ક્રિયાને થઈ ગઈ છે કહેવાનું ખોટું છે, આ એક જ સિદ્ધાંત એણે ખોટો પકડ્યો. એમાં તો કેટલો બધો રસ્તો ફંટાઈ ગયો! એ ભગવાનના માર્ગમાંથી કેટલો ઊંધા માર્ગે ચડી ગયો, કેટલી જોખમદારી છે! એટલે તો કહે છે ને કે મોક્ષમાર્ગ એ તલવારની ધાર પર ચાલ્યા બરાબર છે. બીજું કશું તપ-ત્યાગ અને કષ્ટ થાય તો કરવું અને ના થાય તો નહીં પણ ભગવાનની વાતને ઊંધી ના સમજીએ તો પણ ઘણી પ્રાપ્તિ થઈ કહેવાય. આજે ગમે એટલું આપણે કર્યા કરીએ પણ ભગવાનની વાતને આપણે ઊંધી રીતે લઈએ, તો ગમે એટલી ક્રિયાઓ કરી હોય પણ એ કશી લેખે લાગે નહીં. ભગવાન કહે એ બ્રહ્મવાક્ય.

“આણાએ ધમ્મો આણાએ તવો” – અર્થાત્ આજ્ઞા એ ધર્મ, આજ્ઞા એ તપ. પછી ભગવાનને છોડીને પોતાની બુદ્ધિથી ગમે એટલા તપ કરીએ તો એ અજ્ઞાન તપમાં જાય છે. કોનાથી વાંકા થયા? કોનાથી ઊંધા રસ્તે ચાલ્યા? તીર્થંકર ભગવાનના! ભલે જમાલિ જમાઈ હોય પણ એણે ભગવાનની કહેલી વાત ઊંધી પકડી, ભગવાનને દોષિત જોયા એનું ભયંકર પરિણામ આવે.

પરમ પૂજ્ય દાદા ભગવાનનો પોતાનો બહુ ઊંચો સિદ્ધાંત હતો કે જે સીડીથી આપણે ઉપર ચડ્યા હોઈએ, એ સીડીનો આપણે ક્યારેય પણ દોષ ના જોવાય, એમની ભૂલ ક્યારેય પણ ના જોવાય! એક જ ભૂલ જોઈ હશે તો આખું અજ્ઞાન ફરી વળશે અને પછી ધીમે ધીમે આપણને એમનું બધું જ ઊંધું દેખાશે. ખરેખર જેને મોક્ષે જવું છે અને સંસારના કર્મોમાંથી છૂટવું છે, એમણે કોઈનો પણ કિંચિત્‌માત્ર દોષ ના જોવાય. ગમે એનો, સામાન્ય મનુષ્યનો દોષ પણ ના જોવાય. ગમે એટલો ગુનેગાર હોય તોય એને દોષિત ના જોવાય, તો આપણે જે સીડીથી ઉપર ચડ્યાં હોઈએ એ આપણા આરાધ્ય ગુરુ, ભગવાન કે તીર્થંકરનો દોષ કેવી રીતે જોવાય? જેમનાથી આપણે કંઈ પણ પામ્યા છીએ, એમના તો જરાય દોષ ના જોવાય. કારણ કે એનાથી બહુ વિરાધના થાય, બહુ દોષ લાગે છે. એટલે તમામ શાસ્ત્રો અને જ્ઞાનીઓ આપણને ચેતવે છે કે જેનાથી તમને કંઈક પ્રાપ્તિ થઈ હોય એનો ક્યારેય પણ દોષ જોશો નહીં. નાનામાં નાનું પણ કંઈ પણ નેગેટિવ તમારા મગજમાં પેસવા ના દેશો. કારણ કે આપણે જે સીડીથી ચડ્યા, એ સીડીને કાપી નાખ્યા જેવી વાત થાય છે.

જમાલિએ પોતાની રીતે માની લીધું એને સ્વચ્છંદે ચડ્યો કહેવાય. ભગવાને કહ્યાની વાતથી પોતે પોતાની સમજણથી, પોતાના મતથી ચાલે, તો એને સ્વચ્છંદ કહ્યો છે.

એટલે તો આ કાળના મહાન જ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે:

“રોકે જીવ સ્વચ્છંદ તો, પામે અવશ્ય મોક્ષ;
પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ.”

આનો અર્થ એમ થાય છે કે પોતે જો સ્વચ્છંદને રોકે તો ચોક્કસ એ મોક્ષને પામે. એવી ગેરંટીથી અને અધિકારથી શ્રીમદ્ રાજચંદ્રજીએ આ વાત કરી છે. પામ્યા એમ અનંત છે, એટલે કે બધા આવી રીતના જ પામ્યા છે. આ તીર્થંકર ભગવાનની સૈદ્ધાંતિક વાત છે.

સ્વચ્છંદની વ્યાખ્યા શું? પોતાની મતિએ, પોતાની સમજણે ચાલવું. જે આપણા જ્ઞાની, ગુરુ કે પ્રત્યક્ષમાં તીર્થંકર ભગવાન હોય, તેઓ આપણને જે સમજણ આપે, એમની સમજણને બાજુએ મૂકીને આપણે પોતાની સમજણથી કંઈક નવી રીતે જે ચાલીએ, એને સ્વચ્છંદ કહ્યું છે. સ્વચ્છંદની આપણને ખબર ના પડે. આપણને તો એવું જ લાગે કે હું ભગવાનની આજ્ઞા પ્રમાણે જ કરું છું પણ અંદર કંઈક દૃષ્ટિ જુદી થઈ ગઈ હોય. સ્વચ્છંદ એ બહુ ભયંકર રોગ છે. એટલે શ્રીમદ્ રાજચંદ્રજીએ અને પરમ પૂજ્ય દાદા ભગવાને પણ સ્વચ્છંદ પર ખૂબ ભાર મૂક્યો છે કે જો આજ્ઞામાં રહેશો તો સ્વચ્છંદ નામનો રોગ જશે અને આજ્ઞામાં નહીં રહો તો સ્વચ્છંદ ચડી બેસશે.

આગળ, શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે:

“પ્રત્યક્ષ સદગુરુ યોગથી, સ્વચ્છંદ તે રોકાય,
અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય.”

આનો અર્થ એમ થાય છે કે શ્રીમદ્જીએ સ્વચ્છંદ બમણો થાય એમ કહ્યું હતું. બીજા ઉપાયો કરવાથી સ્વચ્છંદ વધી જાય છે. એટલે પ્રત્યક્ષ સદ્‍ગુરુ યોગ અને ગુરુ પાસે પ્રત્યક્ષ રહીને આપણે સ્વચ્છંદને કાપી શકીએ છીએ. પ્રત્યક્ષના માર્ગદર્શન વિના જાતે સ્વચ્છંદ દૂર કરવા જતાં તે અનેકગણો થઈ જશે. મોક્ષ તો ક્યાં રહ્યો પણ અધોગતિમાં લઈ જશે. પ્રત્યક્ષ આગળ જ સ્વચ્છંદ જાય. બાકી તો પુસ્તક વાંચીને આપણે કોઈને ગણકારીએ નહીં. આપણે તો જે કરતા હોય તે જ કરીએ. રૂબરૂ હોય તો આપણે વાતે વાતે ટકોર કરે, દેખાડે કે એ આ ખોટું કરે છે. ચોપડા તો કોઈ કશું કાન પકડવા આવે નહીં; એ તો સામાન્ય ભાવે બધાના માટે જે સિદ્ધાંત હોય એ ચોપડામાં વર્ણન હોય. પ્રત્યક્ષનું આટલું બધું મહત્ત્વ છે. પ્રત્યક્ષને માથે રાખજો. માથે રાખશો તો જ આ સ્વચ્છંદ નામનો ભયંકર અવગુણ જશે. નહીં તો એ ચડી બેસશે.

જમાલિ પોતાના મતનું સ્થાપન કરીને તો સ્વચ્છંદે ચડ્યો હતો. તેણે ઘણા સાધુઓને પોતાની વાતને સાચી ઠરાવીને તે બધાને ભગવાનની વિરુદ્ધ વાત સમજાવવા લાગ્યો; કેટલાક સાધુઓએ જમાલિની વાત માની અને કેટલાકે ના માની. થોડા ઘણા જે જમાલિની વાત માનતા હતા તે સાધુઓ એના સંઘમાં ભેગા થયા અને જેમને જમાલિની વાત મગજમાં ના ઊતરી એ પછી ભગવાન મહાવીરની જ સાથે રહ્યા. ભગવાન મહાવીરની પુત્રી પ્રિયદર્શના પણ ભગવાનની વાતને સ્વીકારતી નહોતી અને તેણે પણ ભગવાનની સાથે છેડો ફાડી નાખ્યો અને જમાલિ જોડે પોતાનો સંઘ ઊભો કરી દીધો.

પ્રિયદર્શનાનો ક્યાંક પોતાના પતિ પ્રત્યેનો સૂક્ષ્મ મોહ રહ્યો હતો કે જે તીર્થંકર અને કેવળજ્ઞાની પરમાત્મા જેવા પોતાના પિતા હતા, તો પણ પિતાની વાતનો એને સ્વીકાર ના થયો. દીક્ષા લીધા પછી પણ પ્રિયદર્શનાને ક્યાંક પતિ પ્રત્યે મોહ બાકી રહ્યો હશે; જેના આધારે એમને જમાલિની વાત સાચી લાગી.

એક જ વખત જરાક મોહનું આવરણ આવ્યું તો પછી કેટલાય કાળ સુધી જાય નહીં. એના આધારે સ્ત્રી પર્યાય કેટલાય અવતારો સુધી મળ્યા જ કરે છે.

જેના પર આપણને રાગ હોય ત્યારે એ વ્યક્તિ ગમે એટલી ખરાબ હોય કે ગમે એટલું ઊંધું કરતી હોય તો પણ રાગના આવરણને લીધે એનું બધું સારું દેખાય. પછી જ્યારે એ આવરણ ખસે ત્યારે દોષ દેખાવાના ચાલુ થઈ જાય. આ રાગ અને દ્વેષથી પર થઈને જેમ છે તેમ યથાર્થ તત્ત્વ સ્વરૂપને જોવાનું છે.

આ રીતે, જમાલિ ભગવાન મહાવીરથી વિખૂટો પડ્યો અને પ્રિયદર્શના પણ મોહના લીધે પોતાના પતિની સાથે જતી રહી. બંને ભગવાનથી વિખૂટા પડ્યાં અને પોતપોતાની રીતે વિચરતાં ગયાં. જમાલિ એક વખત ભગવાન મહાવીર પાસે આવ્યો અને જબરજસ્ત અહંકારથી અને મદથી કહ્યું, “મને કેવળજ્ઞાન થઈ ગયું છે! મને કેવળદર્શન થઈ ગયું છે! હું સર્વજ્ઞ છું!” એટલે ગૌતમ સ્વામીને અંદર પ્રશ્ન થયો કે આ શું કહે છે! એમને જરાય ગમ્યું તો નહીં પણ છતાંય એમણે ભગવાન મહાવીરને પૂછ્યું, “આ શું વાત છે?” ત્યારે ભગવાને કહ્યું, “આ બરાબર નથી.”

ભગવાનની વાત સાંભળીને ગૌતમ સ્વામીએ જમાલિની પરીક્ષા લેવાનું નક્કી કર્યું કે જમાલિની પરીક્ષા લેવાથી ખબર પડશે કે ખરેખર જમાલિ પોતે કેવળજ્ઞાની અને સર્વજ્ઞ છે એમ કહે છે એ બધું સાચું છે કે નહીં! એટલે પછી ગૌતમ સ્વામીએ બધાની વચ્ચે જમાલિને પ્રશ્ન પૂછ્યો, “જો તું ખરેખર કેવળજ્ઞાન સંપન્ન હોય, તો તું મને મારા આ પ્રશ્નનો જવાબ આપ કે જીવ એ શાશ્વત છે કે અશાશ્વત છે? આ લોક શાશ્વત છે કે અશાશ્વત છે?” જમાલિને આના જવાબ જડ્યા નહીં એટલે મૌન થઈ ગયો. ભગવાન તો બધાં તત્ત્વોને જાણનારા હતા. એટલે ભગવાનની બહુ સરસ, ધીરગંભીર અને ભલભલાને સોંસરવી ઊતરીને એના જબરજસ્ત આવરણ ભેદીને ઠેઠ કેવળજ્ઞાન સુધી નિરાવરણ કરી નાખે એવી જબરજસ્ત વાણી નીકળી.

ભગવાન મહાવીરે કહ્યું, “આ એકાંતે લેવાની વાત નથી, આ સમજવાની વાત છે. લોક તત્ત્વથી શાશ્વત છે, દ્રવ્યથી શાશ્વત છે અને પર્યાયથી અશાશ્વત છે. અવસ્થાઓ વિનાશી છે અને મૂળ તત્ત્વ શાશ્વત છે. ઉદાહરણ તરીકે જેમ સૂર્ય પોતે શાશ્વત છે અને એના કિરણો બદલાયાં કરે છે, ઓછાં-વધતાં થાય છે, સીધા અને વક્રીભૂત થાય છે અને બંધ થઈ જાય છે, દિવસે દેખાય છે અને રાત્રે દેખાતા નથી, આ બધા સૂર્યના પર્યાયો છે. ચંદ્રના પણ પર્યાયો છે. મૂળ ચંદ્ર તો પૂર્ણ જ છે અને પર્યાયો બધા વિનાશી છે જે બદલાયા જ કરતા હોય છે, જ્યારે મૂળ તત્ત્વ શાશ્વત છે.”

ભગવાનની આવી સ્યાદ્‌વાદ વાણી ખૂબ જ ક્રિયાકારી અને કોઈ પણ રીતે પ્રમાણ દુભાય નહીં એવી હોય છે. ભગવાનની વાણી સાંભળીને બીજા બધાને ધન્ય ધન્ય થઈ ગયું પણ જમાલિનું મિથ્યાત્વ ગયું નહીં. કારણ કે જમાલિ જબરજસ્ત ભગવાનની વિરુદ્ધ પડેલો એટલે એને જબરજસ્ત આવરણ આવ્યું. ભગવાનની વિરાધનાનો એને ખૂબ દોષ લાગ્યો. તેણે ભગવાનની વાત માની જ નહીં અને ત્યાંથી ચાલ્યો ગયો. એનું મિથ્યાત્વ ગયું નહીં અને ઊલટું વધારે ગાઢ થતું ગયું કારણ કે એ ભગવાનને દોષરૂપે જોતો હતો. ત્યારબાદ, જમાલિ અને પ્રિયદર્શના પોતાના સંઘ સાથે ભગવાન મહાવીરથી છૂટા પડીને વિહાર કરતાં ગયાં.

એક વખત એવું બન્યું કે પ્રિયદર્શના પોતાની બધી સાધ્વીઓની સાથે મહાવીર ભગવાનના પરમ ભક્ત અને શ્રાવક એવા કુંભારની જગ્યાએ રાતવાસો કરવા રોકાયાં. ત્યારે અન્ય સાધુ અને સાધ્વીઓની જેમ કુંભારને પણ ખબર હતી કે કઈ રીતે જમાલિ અને પ્રિયદર્શના ભગવાન મહાવીરના સંઘથી વિખૂટા પડીને ઊંધા રસ્તે ચાલ્યાં હતાં. એટલે કુંભારે નક્કી કર્યું, “પ્રિયદર્શના ભગવાન મહાવીરનાં પુત્રી છે. આટલાં જબરજસ્ત ભાગ્યશાળી છે! એ કઈ રીતે અવળા માર્ગે જતાં રહે! એમને તો પાછાં વાળવાં જ જોઈએ.” એટલે કુંભારે પ્રિયદર્શનાને પાછી વાળવા માટેના સરસ ઉપાય શોધ્યો.

કુંભારનો મોટો નિભાડો હતો. એ નિભાડામાંથી કોલસો લઈને એણે પ્રિયદર્શનાની પાછળ ધીમે રહીને એના વસ્ત્ર ઉપર ફેંક્યો. એનાથી પ્રિયદર્શનાનું વસ્ત્ર બળવા માંડ્યું. એટલે એણે તરત બૂમાબૂમ કરી, “ઓહો! બળી રહ્યું છે. હું બળી ગઈ, બળી ગઈ. મને બચાવો, બચાવો!” એટલામાં કુંભાર અને બીજી બધી સાધ્વીઓએ આવીને પ્રિયદર્શનાને બચાવી લીધી. પણ કુંભારે તરત જ પ્રિયદર્શનાને ઉપદેશ આપ્યો, “તમે કયા આધારે બળી ગઈ કહો છો? તમે તો એ સિદ્ધાંતને માનો છો ને કે થઈ ગયા પછી જ બળીને રાખ થઈ જાઓ એ પછી જ તમારાથી બોલાય કે હું બળી ગઈ છું. અત્યારે તમે ક્યાં બળી ગયાં છો? થઈ રહેલી ક્રિયાને થઈ ગઈ છે, એવું કેવી રીતે કહેવાય? આ તો તમારો સિદ્ધાંત હતો ને? ભગવાનની વાત તમે કહ્યું એવી રીતે થઈ રહ્યું હોય એને જ ભગવાન થઈ ગયું એમ કહે છે.”

કુંભારની આ વાત સાંભળીને પ્રિયદર્શનાને અંદર એકદમ જ ઝબકારો થયો અને આવરણો ખસ્યાં. પોતાના ઉપર જ્યારે આવ્યું ત્યારે પ્રિયદર્શનાને અનુભવ થયો. બાકી શબ્દોથી ગમે એટલું બોલ બોલ કરીએ પણ જ્યાં સુધી આપણને અનુભવમાં ના આવે ત્યાં સુધી કોઈ પરિણામ ના આવે. દરેક વસ્તુનો અને દરેક શબ્દનો પોતાની અંદર અનુભવ કરવાનો છે; અનુભવ વગર તો બધું નકામું છે. શબ્દમાં રહેશે પણ અનુભવનું હશે તે પ્રેક્ટિકલમાં આવશે. શબ્દો તો ખાલી થિયરીમાં રહેશે.

આ પછી પ્રિયદર્શનાને ખૂબ પશ્ચાત્તાપ થયો કે, “અરેરે! હું મારા ભગવાનની વિરુદ્ધમાં પડી! હું કેવી નાલાયક કહેવાઉં. આત્મા માટે, મોક્ષ માટે મેં વર, રાજદરબાર બધું છોડ્યું છે. તો પછી શા માટે હું ભગવાનથી વિરુદ્ધ થઈ ગઈ? હજુ મારા મોહને મેં પકડી રાખ્યો છે. એક જમાલિની વાતને પકડીને હું ભગવાનની વિરુદ્ધ ગઈ.” જેવું આ બધું એની દૃષ્ટિમાં આવ્યું ત્યાં જ એના બધાં આવરણો તૂટ્યાં અને દોડતી દોડતી ભગવાન પાસે ગઈ અને એમના ચરણોમાં પડીને દિલથી પશ્ચાત્તાપ કર્યો. એમણે ભગવાન મહાવીર પાસે પોતાની ભૂલ કબૂલીને માફી માંગી અને કહ્યું કે મને ક્ષમા કરો. ભગવાન તો કરુણાના સાગર હતા. એમને તો ક્ષમા આપવાની ના હોય, સહજ ક્ષમા વર્તતી જ હોય.

પ્રિયદર્શનાની જેમ અન્ય સાધ્વીઓ પણ ભગવાનના સંઘમાં પાછાં ભળી ગયાં અને સાથે સાથે જમાલિના પણ ઘણા બધા સાધુઓ ભગવાનના ચરણે જતા રહ્યા. બધા સાધુ અને સાધ્વીઓ પ્રાયશ્ચિત્ત કરીને ચોખ્ખા થઈ ગયાં. ભગવાન મહાવીરની પાસે જબરજસ્ત પ્રાયશ્ચિત્ત કરવાનું ફળ એ આવ્યું કે પ્રિયદર્શનાનું આયુષ્યકર્મ પૂરું થયા બાદ તેઓ દેવગતિ પામ્યાં.

બીજી બાજુ જમાલિએ પણ ખૂબ તપશ્ચર્યા કરી પણ છેવટે તે એકલો જ રહ્યો હતો. એના સિવાયના બધા જ ભગવાનના શરણે જતા રહ્યા હતા. પછી જમાલિએ ઠેરઠેર ભટકીને ખૂબ તપ કર્યા. અંતે એનું આયુષ્ય પૂરું થતાં મૃત્યુ પામીને દેવલોકમાં ગયો. ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને વર્ણન કર્યું કે જમાલિ દેવલોકમાં જઈને પછી કેટલાય અવતારો ભટકી ભટકીને એક સમયે મોક્ષને પામશે.

રોહિણીયા ચોર

રાજગૃહી નજીક, લોહખુર નામનો ખૂબ જ ચાલાક અને ભયંકર ઘાતકી ચોર રહેતો હતો. તે અને તેની પત્નીને રોહિણીયા નામનો પુત્ર હતો. રોહિણીયા, તેના પિતાના પગલાને અનુસરીને, મોટો થઈને તેના પિતા કરતાં પણ વધુ હોશિયાર અને બુધ્ધિશાળી ચોર બન્યો. જેમ જેમ વર્ષો પસાર થતા ગયા, તેમ એક દિવસ વૃધ્ધ લોહખુર મરણ પથારી પર હતો. તેણે રોહિણીયાને બોલાવ્યો અને ક્યારેય પણ મહાવીરનો ઉપદેશ ન સાંભળવાની સલાહ આપી, કારણ કે તેમનો ઉપદેશ તેના વ્યવસાયને અનુરૂપ નથી હોતો. રોહિણીયાએ તેના પિતાને વચન આપ્યું કે તે તેમની સલાહનું હંમેશા અનુસરણ કરશે.

Rohineya-thief story

હવે, એક દિવસ, એવું બન્યું કે જ્યારે રોહિણીયા એક જગ્યાએથી પસાર થઈ રહ્યો હતો, ત્યાં જ તેણે ભગવાનનો અવાજ સાંભળ્યો. ભગવાન શ્રાવસ્તી લોકોને દેશના આપી રહ્યા હતા. રોહિણીયાએ તરત જ તેના હાથથી કાન બંધ કરી દીધા. પરંતુ એટલામાં જ, એક તીક્ષ્ણ કાંટો તેના પગમાં ખૂંચી ગયો અને તેને ખૂબ જ દર્દ થવા લાગ્યું. પરિસ્થિતિ એવી બની કે તેને ફરજિયાત પણે કાંટાને કાઢવા માટે એક હાથ કાન પરથી લેવો જ પડે. જેવું તેણે આવું કર્યું કે, તરત જ ભગવાન મહાવીરના આ શબ્દો તેના કાનમાં પડ્યા, “એવી વ્યક્તિ કે જેના પગ જમીનને ન અડતા હોય, જેની આંખ પલકતી ન હોય, જેના શરીરને પરસેવો ન વળતો હોય અને જેમના ગળામાં રહેલ હાર કદી મૂરઝાયેલ ન હોય તો, તે દેવલોકમાંથી આવેલ હોય છે. “ રોહિણીયાએ તરત જ કાંટો તેના પગમાંથી કાઢ્યો અને આગળ વધ્યો.

રોહિણીયાએ પહેલા ક્યારેય ન કરી હોય તેવી લૂંટ ચલાવી. જેના પરિણામે, શહેરના લોકોને ખૂબ હેરાનગતિ થવા લાગી. તેઓએ રાજા શ્રેણિકને વિનંતિ કરી કે રોહિણીયા સામે કોઇ પગલા લેવામાં આવે. રાજાએ તેમના અત્યંત બુધ્ધિશાળી અને વિશ્વાસુ મુખ્ય પ્રધાન, અભયકુમારને બોલાવ્યા અને રોહિણીયાની ધરપકડ કરવા માટેની કામગીરી સોંપી.

અભયકુમારે તેમના સૈનિકોને મહત્વના સ્થળોએ ગોઠવી દીધા અને રોહિણીયાને પકડવામાં સફળ રહ્યા. જો કે, ચોરે વેશપલટો કર્યો. તેથી, જ્યારે તેને લાવવામાં આવ્યો, ત્યારે તેણે પોતે બાજુના ગામનો ખેડૂત છે તેવો પરિચય આપ્યો. રાજાએ તે ગામમાંથી તેની ઓળખ ચકાસવા માટે બોલાવ્યા.. રોહિણીયા હંમેશા બે ડગલાં આગળ જ ચાલતોઅને માટે, તેણે પહેલેથી જ આ બાબતની ગોઠવણી કરી લીધી હતી. પરિણામે, સૈનિકો એવી ખાતરી સાથે પાછા આવ્યા કે આ ઓળખ સાચી છે. અભયકુમાર સારી રીતે જાણતા હતા કે આ વ્યક્તિ રોહિણીયા જ છે, પરંતુ ઓળખના પુરાવા વિના તે કશું કરી શક્યા નહિ. તેથી તેમણે યુક્તિપૂર્વકની યોજના ઘડી.

તેણે ચોરને એટલું બધું મદ્યપાન કરવા માટે મજબૂર કરી દીધો કે તે બેભાન થઇ ગયો. જ્યારે તે ભાનમાં આવ્યો, ત્યારે તેણે જોયું કે તેની આસપાસ દેવલોક જેવું વાતાવરણ રચાયેલું હતું. તે ક્યાં હતો તેની તેને ખબર પડી શકી નહિ. તેથી, તેણે એક અપ્સરાને આના વિશે પૂછ્યું. અપ્સરાએ જવાબ આપ્યો કે તે દેવલોકમાં છે અને તે આ બધા સુખોને ભોગવી શકે છે; પરંતુ તે પહેલા તેણે પોતાના ગતભવના કર્મોનું વર્ણન કરવું પડશે. રોહિણીયા શંકાશીલ હતો. ત્યારે બરાબર, તેને દેવલોક વિશેનો મહાવીરનો ઉપદેશ યાદ આવ્યો. તે આસપાસ જોવા લાગ્યો અને જોયું કે દરેક લોકોના પગ જમીનને સ્પર્શતા હતા, તેઓની આંખો મનુષ્યની જેમ પલકતી હતી, તેઓના શરીરને પરસેવો વળતો હતો અને હારમાંના કેટલાક ફૂલો કરમાયેલા પણ હતા. આ બધી બાબતોની મદદથી તેણે તારણ કાઢ્યું કે, તે ખરેખર દેવલોકમાં નથી. તેને ફસામણરૂપી યોજનાનો ખ્યાલ આવી ગયો અને ત્યાંથી નાસી છુટ્યો.

હવે તે મુક્ત હતો, તો પણ તેને ભગવાનના વચનો જ સતત યાદ આવતા હતા. તેણે વિચાર્યું, “ભગવાનના શબ્દો કેટલા બધા શક્તિશાળી અને અદ્ભૂત હતા!!! મેં ફક્ત એક જ વાક્ય સાંભળ્યું અને કોઇ જાતની ઇચ્છા વિના, તો પણ એ વાક્ય સાંભળવાથી મારો જીવ બચી ગયો. જો હું તેઓને વારંવાર સાંભળું તો, તો મને તેમની પાસેથી ઘણું પ્રાપ્ત થશે. કોણ જાણે, તે મને કદાચ આ જન્મ-મરણના દુષ્ચક્રમાંથી પણ મુક્ત કરી નાખે?!” ઘણા બધા વર્ષો સુધી આવી દૈવીવાણી સાંભળવાની તક ગુમાવી દીધી આ વાતથી તેનું હૃદય પશ્ચાતાપથી દ્રવિત થઇ ગયું. તે મહાવીર સ્વામી પાસે દોડ્યો અને અત્યંત નમ્રતાથી તેઓને પૂછ્યું, “હે ભગવાન, શું હું તમારા શરણોમાં આવવાની પાત્રતા ધરાવું છું? શું તમે મને તમારા શિષ્ય તરીકે સ્વીકાર કરશો?”ભગવાને તેને આ બાબતે સંમતિ આપી.

તે તરત જ રાજા શ્રેણિકની સભામાં ગયો, અને દરેકની હાજરીમાં, તેના ગુનાઓની કબૂલાત કરી. તેણે અભયકુમારને એવા બધા સ્થળો દર્શાવી દીધા જ્યાં તેણે ચોરેલી સંપત્તિ છૂપાવીને રાખી હતી અને એવું જાહેર કર્યું કે તે હવે દીક્ષા લેશે અને ભગવાનના ચરણોમાં બાકીનું જીવન વ્યતીત કરશે. તે ભગવાન પાસે આવ્યો અને તેઓની પાસે હ્રદયપૂર્વક તેણે કરેલા તમામ દુષ્કર્મોની કબૂલાત કરી. તેણે તેના ગુનાઓ બદલ પસ્તાવો કર્યો, અત્યંત કઠિન તપશ્ચર્યા કરી અને પોતાની જાતને તેણે બાંધેલા તમામ ખરાબ કર્મોમાંથી મુક્ત કરી. અંતે, તેણે દીક્ષા લીધી અને તેનું જીવન ભગવાનની ભક્તિમાં અને સેવામાં પસાર થયું. મૃત્યુ પછી, તે દેવગતિમાં ગયો અને દેવ બન્યો. આ કથા આધ્યાત્મિક શક્તિની મહત્વત્તા દર્શાવે છે કે તીર્થંકરની દૈવી વાણીમાં કેટલી બધી શક્તિ હોય છે. જે કુદરતી રીતે જ લોકોના કલ્યાણ કાજે વહેતી હોય અને સાથોસાથ દરેકને માટે અવશ્યપણે લાભદાયી પણ નીવડે છે.

તેજોલેશ્યા

એક દિવસ, ભગવાન મહાવીર શ્રાવસ્તીનગરીમાં પહોંચ્યા. તેમના શિષ્ય, આનંદ મુનિ, ભગવાનને મળવા જવાના રસ્તામાં, હલાહલ નામના કુંભારની દુકાન નજીકથી પસાર થયા, જ્યાં ગોશાળો (જેનો ઉલ્લેખ અગાઉ પણ આવ્યો હતો) રહેતો હતો. અહંકારી ગોશાળાએ અત્યારે પણ પોતાની જાતને ૨૪મા તીર્થંકર તરીકે ઘોષિત કરવાનું શરૂ કરી દીધું. આનંદ મુનિ સામે તેણે એવી બડાઇ મારવાનું શરૂ કરી દીધુ કે, તેની પાસે એવી મહાન શક્તિ છે કે જેના દ્વારા ક્ષણમાં જ કોઇને પણ ભસ્મીભૂત કરી શકે છે.

આનંદ મુનિએ આ વાત ભગવાનને કહી અને ગોશાળો જે કહી રહ્યો હતો તે સાચું છે કે કેમ તેની પૂછપરછ કરી. ભગવાને એવું કહ્યું કે તેની પાસે તેજોલેશ્યાનું જ્ઞાન છે જેના દ્વારા તે કોઇને પણ ભસ્મ કરી શકે છે. જો કે, તે તીર્થંકરને નષ્ટ ન કરી શકે, એટલે કે; ભગવાન મહાવીરને! ભગવાને આનંદ મુનિ અને તેમના અન્ય શિષ્યોને ચેતવ્યા કે ગોશાળાથી દૂર રહેવું કારણ કે તે તેની શક્તિનો દુરૂપયોગ ગમે તે સમયે કરી શકે છે. તેમણે તેઓને સલાહ આપી કે તેની સાથે કોઇ પણ પ્રકારની દલીલોમાં પડવું નહિ.

બીજી તરફ, શ્રાવસ્તી નગરીમાં, બે વ્યક્તિ પોતાની જાતને તીર્થંકર ઘોષિત કરી રહ્યા છે તે ચર્ચાનો વિષય બની ગયો. આ બન્નેમાંથી જે લોકો જે ગુરૂને સ્વીકારતા હોય તે લોકો સામાન્યપણે જ પોતપોતાના ગુરૂની પક્ષમાં જ હોય. તેથી, જે લોકો મહાવીર ભગવાનને માનતા હતા તેમને ખાતરી હતી કે, તેઓ જ સાચા તીર્થંકર છે. જો કે, ઘણા જિજ્ઞાસુ લોકો ગોશાળા દ્વારા દર્શાવાતા ચમત્કારિક શક્તિ પ્રયોગોથી પ્રભાવિત થઈ ગયા અને તેને તીર્થંકર તરીકે માની બેઠા.

એક દિવસ, ગોશાળો આવ્યો અને ભગવાનને બધી જ રીતે અપશબ્દો બોલી હેરાન કરવાનું શરૂ કરી દીધું! ભગવાન સ્થિર જ રહ્યા અને ગોશાળો જે કંઇ કહી રહ્યો હતો તેને ધીરજપૂર્વક સાંભળવા લાગ્યા. જો કે, તેમના શિષ્યો, જે લોકો ભગવાન તરફ પૂજ્યભાવ ધરાવતા હતા અને હ્રદયપૂર્વક ભગવાનની ભજતા હતા, તેઓ ભગવાન માટેના આ ખરાબ શબ્દો સહન કરી શક્યા નહિ. તેઓ વળતો પ્રહાર કરતા હતા જેના કારણે ગોશાળો ખૂબ જ ક્રોધિત થયો. તેણે તરત જ તેલોલેશ્યાનો પ્રયોગ કર્યો અને બે શિષ્યોને બાળી નાખ્યા. તે બન્ને ભગવાન મહાવીરના ચરણ કમળમાં સમર્પિત થયા અને મૃત્યુ પછી, દેવલોક પામ્યા.

આ દ્રશ્યના સાક્ષી બનેલા અન્ય શિષ્યો, ગોશાળાની ક્રૂરતા જોઇને આઘાત પામ્યા, ભગવાનને તે બે શિષ્યોનો જીવ પાછો આવી જાય તે માટે વિનંતિ કરવા લાગ્યા. ભગવાને તેમને સમજાવ્યું કે આ શક્ય નથી, કારણ કે તેઓ મોક્ષદાતા છે, જીવનદાતા નથી.

જન્મ અને મૃત્યુ એ આપણા કર્મોનું જ પરિણામ છે. ભગવાન ક્યારેય આમાં વચ્ચે પડતા નથી. વધુમાં, આપણે દરેક અસંખ્ય જન્મો અન મૃત્યુમાંથી પસાર થયા છીએ. મોક્ષનમાર્ગે પ્રગતિ કરવા માટે આની શી કિંમત છે? બે શિષ્યો જેને આપણે મૃત્યુ પામેલા કહીએ છીએ તે હકીકતમાં તો ભગવાનનું શરણ પામ્યા છે અને મોક્ષ પંથેપામ્યા છે. તે જ ખરેખર મહત્વનું છે!

tejoleshya

ગોશાળો, જો કે, આટલું બનવા છતાં પણ જરા પણ સંતુષ્ટ થયો ન હતો. તેણે તેજોલેશ્યા ભગવાન ઉપર પણ ફેંકી. પરંતુ આ વખતે, તેજોલેશ્યા ભગવાનની ત્રણ પ્રદક્ષિણા કરીને પાછી ગોશાળાને જ વાગી, કારણ કે વર્ધમાન મહાવીર તીર્થંકર અને ચરમ શરીરી હતા. તીર્થંકર ભગવાનનું કોઈ દિવસ અકાળે મરણ થાય નહિ. ગોશાળાનું આખું શરીર સળગવા લાગ્યું. ભગવાને તેને કહ્યું, “સાવચેત રહેજે, સાતમા દિવસે, તારું મ્રુત્યુ થશે.” આ સાંભળીને, ગોશાળાને તેના ખોટા કર્મોનો ખ્યાલ આવ્યો અને તેના પર તે નિષ્ઠાપૂર્વક પસ્તાવો કરવા લાગ્યો. તે પીડામાં રડવા લાગ્યો, “આ ભયંકર પીડા એ મારા પાપ કર્મનું જ ફળ છે.” તેણે તેના બધા શિષ્યોને એકઠા કર્યા અને સ્વીકાર્યું કે: “હું ખોટો હતો અને ભગવાન મહાવીર સાચા હતા. તમે બધા તેમની પાસે જાઓ. તેઓને ભગવાન તરીકે સ્વીકારો! હું મોટો પાપી છું. મહેરબાની કરીને મને માફ કરો.” તેણે અત્યંત પસ્તાવો કર્યો. તેનું શું પરિણામ આવ્યું? તેના મૃત્યુ પછી, ભગવાને જાહેર કર્યું કે, “ગોશાળો, તેના પ્રતિક્રમણને કારણે, દેવગતિને પામ્યો છે. છેલ્લા દિવસે, તેણે ખૂબ જ પસ્તાવો કર્યો જેના કારણે તેણે તેની જાતને પાપોથી મુક્ત કરી દીધી. તેથી, તે ચોક્કસપણે મોક્ષ પ્રાપ્ત કરશે. “તેથી, તમે જુઓ, સાચી આલોચના અને પશ્ચાતાપમાં અત્યંત શક્તિ રહેલી છે. જો હ્રદયપૂર્વક કરવામાં આવે, તો ખરાબમાં ખરાબ પાપો પણ બળી શકે છે!

તેજોલેશ્યા મહાવીરને તાકીને ફેંકવામાં આવી હોવા છતાં પણ ભગવાનને મારી શકી નહિ, પરંતુ તેનાથી ભગવાનને ખરાબ અસરો જરૂરથી થઈ. તેનાથી ભગવાનને મરડો થઈ ગયો, જેના કારણે, ભગવાનનું ઘણું બધું વજન ઘટી ગયું. જો કે, ભગવાનને અંદર શાંતિ જ હતી. તેમના શિષ્યો ખૂબ જ ચિંતિત થઇ ગયા; ખાસ કરીને, સિંહ નામનો એક શિષ્ય ભગવાનની પીડા જોઇને ખૂબ રડવા લાગ્યો. ભગવાને તેને શાંત કર્યો અને કહ્યું, “ચિંતા ન કર. મને કશું થવાનું નથી. હું હજુ બીજા ચૌદ વર્ષ જીવવાનો છું.” સિંહે આગ્રહ કર્યો કે ભગવાને કેટલીક દવા લેવી જોઇએ, જેમાં ભગવાન સંમત થયા. ભગવાને તેને રેવતી પાસે જવા માટે સૂચન કર્યું, જે ભગવાન માટે અત્યંત ભક્તિથી, ભગવાન માટે કેટલીક વાનગીઓ બનાવી રહી હતી. ભગવાન મહાવીરે સ્પષ્ટપણે એવી સુચના આપી કે તે અમુક વાનગી ન લઈ આવે, પરંતુ તેના બદલે તે બીજી વાનગી બીજોરાની કે જે રેવતીએ ઘેર બનાવી હોય તે લઈ આવે.

Revati-mahasati

સિંહ રેવતી પાસે ગયો. તેણી ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ઊઠી અને વધુમાં તેણીએ સાંભળ્યું કે ભગવાને તેને ખાસ કરીને અમુક વાનગી બનાવવાનું કહ્યું છે તો તેણી ખૂબ જ રોમાંચિત અને આનંદિત થઇ ઊઠી. તેણે ખૂબ જ આનંદ સાથે બીજોરાની વાનગી સિંહને આપી, જે પ્રમાણે ભગવાને સૂચના આપી હતી! મહાવીર સ્વામીએ તે ખાધી અને તેમનો ઇલાજ થઇ ગયો. આમ, રેવતી તીર્થંકર તરીકેનું ગોત્ર બાંધે છે. આવતી ચોવીસીમાં રેવતી ૧૭મા તીર્થંકર તરીકે થશે.

ગૌતમ સ્વામીનો પરમ વિનય

ભગવાન મહાવીરના શરણમાં આવીને, ગૌતમ સ્વામીનું મિથ્યા અભિમાન નષ્ટ થઈ ગયું. તેઓ ભગવાનના અતિનમ્ર શિષ્ય બની ગયા. જેમ જેમ દિવસો પસાર થતા ગયા, તેમને ભગવાન તરફ અત્યંત પ્રશસ્ત રાગ ઉત્પન્ન થયો. ગૌતમ સ્વામીનો તેમના પ્રત્યેનો પ્રેમ અપાર હતો. આ જ કારણ હતું કે તેઓ શા માટે કેવળજ્ઞાન પ્રાપ્ત ન કરી શક્યા અને બીજી તરફ હજારો લોકો માત્ર એક વખત ભગવાનના શબ્દો સાંભળીને જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકતા હતા.

gautam-swami

ગૌતમ સ્વામી અસાધારણ બુધ્ધિમતા ધરાવતા હતા. તેથી, તેઓ કોઇને પણ ધર્મનો ઉપદેશ આપે, તેમના ઉપદેશ થકી કોઈપણ વ્યક્તિને કેવળજ્ઞાન થઇ જાય, એવી ક્ષમતા તેઓ ધરાવતા હતા.

એક વખત મહાવીર ભગવાને એમની દેશનામાં કહ્યું કે, “જે અષ્ટાપદ પર્વત પર ચોવીસ તીર્થંકરોના જીનાયલો છે, તેના દર્શન કરે અને એક રાત્રી ત્યાં વાસ કરે, તે જરૂર એ જ ભવમાં મોક્ષ પદને પામશે.” આ સાંભળીને ગૌતમસ્વામી અષ્ટાપદ જવાનો નિશ્ચય કરે છે અને તે માટેની બધી જ તૈયારીઓ કરે છે. અષ્ટાપદ પર ચડવું કઠીન હતું પરંતુ આખરે ગૌતમસ્વામી તો પ્રથમ ગણધર હતા અને એમનું નિશ્ચય બળ જબરદસ્ત હતું. અષ્ટાપદ પર્વત પર ચઢતી વખતે ત્રણ પડાવ આવે છે. પ્રથમ પડાવ પાસે ૫૦૦ તાપસોને ગૌતમ સ્વામીએ બોધ આપ્યો અને તેઓ બધા મહાવીર ભગવાનને સમર્પણ થઈ ગયા. બીજા પડાવ પાસે અન્ય ૫૦૦ તાપસો તપ કરી રહ્યા હતા અને તેમને પણ ગૌતમ સ્વામીએ સુંદર બોધ આપ્યો અને તેઓ બધા પણ મહાવીર ભગવાનને સમર્પણ થઈ ગયા. ત્રીજા પડાવ પાસે પણ ૫૦૦ તાપસોને બોધ પમાડી તેઓ ભગવાનને સમર્પિત થયા.આ રીતે ૧૫૦૦ તાપસો ગૌતમ સ્વામીના શિષ્યો થઈ ગયા. ત્યારબાદ ગૌતમ સ્વામી અષ્ટાપદ પર્વતના શિખરે પહોંચ્યા અને ત્યાં અત્યંત ભક્તિપૂર્વ ચોવીસ તીર્થંકરોને વંદના કરી. ત્યાં ગૌતમ સ્વામી એક રાત્રી વાસ કરીને બીજા દિવસે પર્વત પરથી ઉતરે છે અને ૧૫૦૦ તાપસો મહાવીર ભગવાનનું શરણું સ્વીકારીને ગૌતમ સ્વામી પાસે દીક્ષા અંગીકાર કરે છે. ત્યારબાદ બધા ખુબ જ આનંદિત થઈને ગૌતમ સ્વામી સાથે વિહાર કરે છે. ગૌતમ સ્વામી ૧૫૦૦ તાપસોમાં કોઈ ને છઠ તો કોઈને અઠ્ઠમના પારણા કરાવે છે. ત્યારબાદ ગૌતમ સ્વામી સહિત ૧૫૦૦ તાપસો ભગવાનના સમવોસરણમાં જવા માટે વિહાર કરે છે. ત્યારે, જેઓએ અઠ્ઠમના પારણા કર્યા હોય છે એવા ૫૦૦ તાપસોને ભગવાનના સમવોસરણને દૂરથી જ જોઇને અને તેના દર્શન કરીને, બધાને ત્યાં જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. બીજા ૫૦૦ તાપસો જેઓએ છઠના પારણા કર્યા હોય છે તેમને સમવોસરણને નજીકથી જોતા જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને બાકી રહેલા ૫૦૦ શિષ્યોને ભગવાનના મુખારવિંદને જોતા જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ ૧૫૦૦ તાપસો ભગવાનને વંદન કરી કેવળીઓની પર્શદામાં બેસે છે ત્યારે ગૌતમ સ્વામી એમને રોકે છે કારણ કે, તેઓ એ વાતથી અજાણ હતા કે, ૧૫૦૦ તાપસોએ કેવળજ્ઞાન થયું છે. એ જ સમયે, મહાવીર ભગવાને ગૌતમ સ્વામીને કહ્યું કે, “હે ગૌતમ, આ ૧૫૦૦ કેવળીઓની અશાતના થઈ રહી છે તમારાથી, તેઓને કેવળજ્ઞાન થયું છે”. આ સાંભળીને ગૌતમ સ્વામીએ હૃદયપૂર્વક પશ્ચાતાપ કરીને બધાની માફી માંગી. આવા પ્રકારનો તેમનો અસાધારણ પરમ વિનય હતો! સાથોસાથ તેમનો પ્રેમ અને પરમ વિનય ભગવાન પ્રત્યે એટલો જ દ્રઢ હતો!!!

હાથ જોડીને આપણા વડીલોને નમવું એ વિનય દર્શાવે છે. ભગવાનના ચરણોમાં નમવું એ વધારે વિનય દર્શાવે છે. પરમ વિનય એટલે ગુરૂ અથવા જ્ઞાની જેની પાસેથી આપણને સાચું જ્ઞાન મળ્યું હોય, તેમની સાથે અભેદતા અને ક્યારેય પણ તેમના માટે એક પણ નેગેટીવ વિચાર ન આવવો જોઈએ. આપણો ઉધ્ધાર તેમના થકી જ થવાનો છે. પરમ વિનય એટલે સામી વ્યક્તિ માટે એકતા જ હોય અને ક્યારે પણ જુદાઈ ન લાગે. આપણા શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “વિનય એ ધર્મનું મૂળ છે”.વીતરાગ માર્ગમાં વિનયનું ખુબ મહત્વ છે. શરૂઆત વિનયથી અને અંત પણ પરમ વિનયથી જ થાય છે.

સુલસા શ્રાવિકા

તીર્થંકર મહાવીર કે રાજગૃહી નગરીતરફ વિહાર કરી રહ્યા હોય છે ત્યારે તેમને એક અંબડ નામનો શ્રાવક મળે છે. ભગવાન તે શ્રાવક દ્વારા તેમના ખાસ આશીર્વાદ સુલસા શ્રાવિકા માટે મોકલે છે. શ્રાવક વીતરાગ ભગવાન તરફથી આવેલા આ શબ્દો જોઇને આશ્ચર્યચકિત થઇ ઊઠ્યો. તે વિચારવા લાગ્યો કે ભગવાને આવું શા માટે કર્યું હશે? તેથી, તેણે સુલસાની ભગવાન પ્રત્યે ભક્તિની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. અંબડ શ્રાવક પાસે કેટલીક એવી શક્તિઓ હતી જેના દ્વારા તે બનાવટી સમોવસરણ રચી શકે. પછી, તેણે શહેરમાં એવી અફવા ફેલાવી કે મહાવીર સ્વામી આવે છે ત્યાં તો બધા સ્થાનિક લોકો સમોસરણ તરફ દોટ મૂકે છે.

જો કે, સુલસા તેના ઘરમાંથી બહાર આવી નહિ. અંબડે તેમને પૂછ્યું, “શું તમે ભગવાનના દર્શન માટે જશો નહિ?”તેમણે સ્પષ્ટતા કરી કે, “જો ખરેખરમાં ભગવાન મહાવીર આવ્યા હોય, તો મને તરત જ સ્પંદનો અનુભવ થાત. મારૂ સમગ્ર શરીર આનંદથી થનગની ઉઠયું હોય. જો કે, જો આવી લાગણીઓ મારી અંદર આવી નથી રહી, તો તે દર્શાવે છે કે આ સમોવસરણ બનાવટી છે, અને વાસ્તવિક નથી. “ શ્રાવકને ખ્યાલ આવ્યો કે તેમની ભક્તિની નિષ્ઠા ઉપર શંકા કરવામાં પોતે ખોટો હતો. સુલસાએ આ જન્મમાં તીર્થંકર ગોત્ર બાંધ્યું અને તેના પરિણામે, આવતી ૨૪મી તેઓ તીર્થંકર બનશે.

Sulsa Shravika

જીવતા તીર્થંકર

એક દિવસ, વર્ધમાન મહાવીર મલ્લિનાથ ભગવાનના દેરાસર પાસેના ઉદ્યાનમાં ધ્યાનસ્થ મુદ્રામાં બિરાજમાન હતા. એક યુગલ તેમના દરરોજના નિત્યક્રમ મુજબ મંદિરમાં પૂજા કરવા માટે આવે છે. બન્ને ભગવાન પાસેથી પસાર થાય છે અને ભગવાન મલ્લિનાથની પૂજા કરવા મંદિરમાં પ્રવેશે છે. આ જોઇને, ઇન્‍દ્રદેવ તે યુગલ સમક્ષ પ્રગટ થાય છે અને તેઓને જણાવે છે કે તેમણે બગીચામાં ધ્યાનમાં રહેલા જેમને જોયા તે ભગવાન મહાવીર, વર્તમાન હાજર તીર્થંકર છે. ઇન્‍દ્રદેવે તેઓને જીવતા તીર્થંકરની પૂજાનું મહત્વ અને તેમના થકી કઇ રીતે મોક્ષ થઇ શકે તે સમજાવ્યું.

simandhar-swami

એ જ રીતે, આપણા માટે, મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજમાન એવા ૨૦ તીર્થંકરો વર્તમાને હાજર છે; શ્રી સીમંધર સ્વામી આપણી પૃથ્વીથી સૌથી નજીક છે. તેથી, આપણે હ્રદયપૂર્વક ભગવાન સીમંધર સ્વામીની આરાધના કરવી જોઇએ. તેઓ જ એકમાત્ર આપણા સહુના કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્તિના ઉત્તમ નિમિત્ત છે. અત્યારે, મહાવીર પછી, આપણી પૃથ્વી ઉપર કોઇ તીર્થંકર નથી. મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજેલ સીમંધર સ્વામી પાસે પહોંચવા માટે, આપણને તેમના પ્રતિનિધિ કે, જે જીવતા જ્ઞાની છે તેમની જરૂર પડશે, જ્ઞાની પુરૂષ જેમનો આત્મા જાગૃત હોય અને જે બીજાના આત્માને પણ જાગૃત કરી શકે અને આપણે આવતા ભવમાં સીમંધર સ્વામી પાસે જઈ શકીએ એવા તૈયાર કરી આપવાની ક્ષમતા ધરાવતા હોય છે.

મહાવીર નિર્વાણ

મહાવીર સ્વામી, વિહાર વખતે, રાજગીરી નજીક પાવાપુરી (બિહાર) પહોંચ્યા. તેમની અંતિમ દેશના ૭૨ કલાક અવિરત ચાલી! આ કાળચક્રના લોકો માટે મુક્તિ પામવાની આ છેલ્લી તક હતી. તેથી, ઘણા રાજાઓએ દીક્ષા લીધી અને અસંખ્ય લોકોએ શ્રાવક અને શ્રાવિકા ધર્મ અંગિકાર કર્યો. આ જ સમયમાં, ભગવાને ગૌતમ સ્વામીને પડોશના શહેરમાં જવાનું અને બ્રાહ્મણને સાક્ષાત્કાર કરાવી દેવાનું કામ સોંપ્યું.

અંતે, ભગવાને શૈલેષીકરણ ક્રિયા કરી અને ૭૨ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધો. ભગવાનનું નિર્વાણ થયું અને સિધ્ધક્ષેત્રમાં ગયા! દેવ ભગવંતો અંતિમ ક્રિયાઓ કરવા આવ્યા અને ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણકની ઉજવણી કરી.

nirvan

આ સમાચાર સાંભળીને, આખા વિશ્વમાં અંધકાર છવાઇ ગયો. માટે, લોકોએ તેમના ભગવાનની ઝાંખી મેળવવા માટે દીવાઓ પ્રગટાવ્યા! આ ક્રિયા આજે પણ આ યુગના છેલ્લા તીર્થંકરની – મહાવીર સ્વામી, આપણા તારણહાર, જેમના શાસનમાં આપણો જન્મ થયો તેમની યાદમાં કરવામાં આવે છે. આપણે આ પ્રસંગને ‘દિવાળી’ તરીકે ઉજવીએ છીએ!

પાછા ફરતી વખતે, ગૌતમ સ્વામીએ જાણ્યું કે તેમના વ્હાલા ભગવાનને નિર્વાણ પ્રાપ્ત થયું છે. ગૌતમ સ્વામી, જેમને ભગવાન પ્રત્યે અત્યંત રાગ હતો, તેઓ આ સમાચાર સાંભળીને ચોંકી ગયા. તેઓ આ વાત માની શકતા જ ન હતા. તેઓ એ સમજવામાં નિષ્ફળ ગયા કે, “આવું બનવાનું હશે તેની ભગવાનને ક્યારે ખબર પડી હશે, શા માટે તેઓએ મને દૂર મોકલી દીધો?” તેમને ભારે આઘાત લાગ્યો. જો કે, તે જ વખતે, તેઓને ભાન થયું અને તેમના રાગનું બંધન અને મૂર્ખતા તૂટી ગઇ અને તેઓને પણ, કેવળજ્ઞાન થઈ ગયું! તેમણે ભગવાન દ્વારા અપાયેલ જગત કલ્યાણનું કામ બીજા ૧૨ વર્ષ શરૂ જ રાખ્યું અને અંતે મોક્ષે ગયા.

gautam-swami

આજના સમયમાં, મહાવીર સ્વામીની જીવન કથા આપણા બધા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે! આ કથાઆપણને તેમના જેવા, અહિંસક અને બધા બંધનોમાંથી સંપૂર્ણપણે મુક્ત થવાનો ધ્યેય નક્કી કરવા માટે પ્રેરણા આપે છે. તેમની કથાનું વર્ણન કરવા માટેનો મુખ્ય ઉદ્દેશ એ જ છે. આ કુદરતી નિયમ છે : જે ગુણોની આપણે ભજના કરીએ તે આપણામાં પણ ખીલી ઊઠે છે. મહાપુરૂષોની કથા વાંચવા પાછળનો હેતુ જ આ છે. ભગવાન મહાવીરની કથા એ તીર્થંકરની કથા છે, જે આ વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે!

Related Topic

×
Share on