ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી: પ્રસન્નચંદ્ર રાજર્ષિ

હાલિક ખેડૂતે ગૌતમ સ્વામી પાસેથી દીક્ષા લીધી, પણ એને સિંહ તથા નાગદેવના પૂર્વભવના વેરના હિસાબે શ્રી મહાવીર ભગવાનને જોતાં જ દ્વેષ થયો તથા વેર ભભૂકી ઊઠ્યું. હાલિક ખેડૂત દીક્ષા છોડીને ચાલ્યો ગયો. આગળ, પ્રસન્નચંદ્ર રાજર્ષિના ભાવોના પરિવર્તન વિશે જાણીએ.

પોતનપુરમાં પ્રસન્નચંદ્ર નામે એક ખૂબ મહાન રાજા હતા. તેમને ભગવાન મહાવીરની દેશના સાંભળીને ખૂબ જ આનંદ થયો અને વૈરાગ આવ્યો. એમના પુત્ર વયમાં નાના હતા અને તેઓ હજુ રાજ્ય સંભાળી શકે એટલા પરિપક્વ થયા ન હતા. છતાં, ભગવાન પાસે જ જવાની તીવ્ર ઈચ્છાના કારણે પ્રસન્નચંદ્ર રાજાએ પોતાની રાજગાદી રાજકુમારને સોંપી અને પછી દીક્ષા લીધી અને ખૂબ જબરજસ્ત તપ-આરાધના અને ભક્તિ કર્યાં.

એક વખત એવું થયું કે એક જંગલમાં પ્રસન્ન મુનિ, ભગવાને બતાવેલા આત્માના રાહ પર ચાલી રહ્યા હતા. તેઓ એક પગ પર ઊભા રહીને આત્મધ્યાનમાં લીન હતા. એ વખતે શ્રેણિક મહારાજા પોતાના સૈન્ય, લાવલશ્કર સાથે ભગવાન મહાવીરને વંદન કરવા આવ્યા. ત્યાં રસ્તામાં બે સેનાનીઓ અંદર-અંદર વાતો કરતા હતા અને એટલામાં એમણે ત્યાં પ્રસન્ન મુનિને જોયા. મુનિને જોતાં જ સૈનિકો તેમને ઓળખી ગયા અને બંને અંદર-અંદર વાતો કરવા લાગ્યા. એમની વાતો પ્રસન્ન મુનિએ સાંભળી.

સેનાનીઓ વાત કરતા હતા, “આ તો વૈરાગ લઈને નીકળી પડ્યા, પેલા નાનકડા રાજકુમારને ગાદી પર બેસાડી દીધા. પણ નાના છોકરાને શું રાજ્ય કરતા આવડે? એનામાં એટલી બધી કુશળતા ક્યાંથી હોય? એટલે રાજ્યના જે બે મુખ્યમંત્રીઓ હતા એમણે દુશ્મન રાજા જોડે કપટથી સુલેહ કરીને રાજકુમાર પર ચડાઈ કરી અને રાજકુમારને જેલમાં નાખી દીધો. હવે, આ બે મંત્રીઓ તો ખંડણી રાજા થઈને ત્યાં રાજ્ય ચલાવે છે. પેલા રાજકુમાર બિચારાને કેવી દશા થઈ છે!”

આ સાંભળીને પ્રસન્ન મુનિને અંદર જબરજસ્ત દ્વેષ થયો. પ્રસન્ન મુનિએ અંદર ચિત્તમાં બે મંત્રીઓને લાવીને એમની સાથે ખૂબ મોટું યુદ્ધ કર્યું. આમ તો પોતે ધ્યાનમાં હતા પણ બીજી બાજુ એમના ચિત્તમાં આવું ચાલતું હતું. પછી શ્રેણિક રાજાએ ભગવાન મહાવીર પાસે આવીને વંદન કર્યા અને પ્રસન્ન મુનિની વાત કરી, “મેં પ્રસન્ન મુનિને આટલી બધી જબરજસ્ત તપશ્ચર્યા કરતા જોયા. જો અત્યારે એમનો દેહ છૂટે, તો એમની ગતિ શું થાય?” ભગવાન મહાવીરે કહેલી આ બહુ સુંદર, સૈદ્ધાંતિક અને તાત્ત્વિક, સમજવા જેવી વાત છે. શ્રેણિક મહારાજાએ જ્યારે પ્રસન્ન મુનિ વિશે ભગવાનને પૂછ્યું ત્યારે ભગવાને કહ્યું, “અત્યારે જો એમનો દેહ છૂટે તો એ સાતમી નર્કે જાય.”

આ સાંભળીને શ્રેણિક મહારાજાએ કહ્યું, “શું વાત કરો છો! પ્રસન્ન મુનિ તો ધ્યાનમાં છે.” ભગવાને કહ્યું , “બહારથી તેઓ ધ્યાનમાં છે પણ અત્યારે એમની અંદર ચિત્તમાં એમના બે મંત્રીઓ જોડે જબરજસ્ત યુદ્ધ ખેલાઈ રહ્યું છે. એ ભાવથી મંત્રીઓ સાથે યુદ્ધ કરે છે અને મંત્રીઓને મારી નાખે છે. એટલું બધું જબરજસ્ત યુદ્ધ પ્રસન્ન મુનિની અંદર ચાલે છે અને એમની અંદરની આખી પરિણતિ ભયંકર કષાયની થઈ ગઈ છે. હવે એ સમયે જો એમનો દેહ છૂટે તો એ સાતમી નર્કે જાય.”

પછી થોડીવાર બાદ ભગવાન મહાવીરને ફરી શ્રેણિક મહારાજાએ પૂછ્યું, “પ્રભુ, અત્યારે જો પ્રસન્ન મુનિનો દેહ છૂટે તો એ ક્યાં જાય?” તો મહાવીર ભગવાને કહ્યું, “દેવગતિમાં જાય.” આ સાંભળીને શ્રેણિક મહારાજાને એકદમ જ આશ્ચર્ય થયું, “આ કેવી રીતે? પહેલા તમે કહ્યું કે નર્કે જશે અને હજુ તો થોડી ક્ષણ પણ નથી થઈ અને અત્યારે આપ કહી રહ્યા છો કે તેઓ દેવગતિમાં જશે. આવું કેવી રીતે બની શકે?”

ત્યારે ભગવાને કહ્યું, “હા, અત્યારે એવું બન્યું છે કે અંદર યુદ્ધ કરતા કરતા પ્રસન્ન મુનિના બધા આયુધો ખૂટી ગયા છે, એમની પાસે કોઈ પણ શસ્ત્ર નથી. આ બધું મનમાં ને મનમાં ચાલે છે, વાસ્તવિકતામાં આવું કશું નથી. પ્રસન્ન મુનિ હતાશ થઈ ગયા અને એમને થયું, ‘લાવ, હું મારા મુગટથી મંત્રીઓને મારી નાખું.’ પ્રસન્ન મુનિને અંદર એટલી બધી અસર થઈ ગઈ કે પોતે મહારાજા છે, માથે મુગટ અને પોતાની પાસે બધા શસ્ત્રો છે. જેવા પોતે મુગટ કાઢવા માટે હાથ ઊંચો કરે છે ત્યાં તો એમના માથા પર મુગટ તો શું પણ વાળ પણ ન હતા!” તેઓ મુનિ હતા એટલે લોચ કરેલું માથું હતું. આથી પ્રસન્ન મુનિને અંદર તરત જ ચમકારો થયો, ‘અરર, હું ક્યાં ખોવાઈ ગયો? કઈ નર્કમાં હું પેસી ગયો! મેં તો દીક્ષા લીધી છે. મારે તો કોઈ શસ્ત્ર તો શું, કંઈ પણ ના ઉગામાય.’ અને પોતે પશ્ચાત્તાપ કરીને પાછા વળ્યા. અત્યારે એમની પરિણતિ જબરજસ્ત પશ્ચાત્તાપની છે એટલે જો આ વખતે એમનો દેહ છૂટે તો તેઓ દેવગતિમાં જાય.”

ભગવાન મહાવીરની વાત સાંભળી શ્રેણિક મહારાજાને ખરેખર આશ્ચર્ય થયું. થોડીવાર પછી શ્રેણિક મહારાજાએ પાછું પૂછ્યું, “ભગવાન, અત્યારે જો પ્રસન્ન મુનિનો દેહ છૂટે તો ક્યાં જાય?” ત્યારે ભગવાને કહ્યું, “મોક્ષે જાય.” અને ખરેખર એ જ ક્ષણે દુંદુભિ વાગી, દેવોએ વૃષ્ટિ કરી અને આકાશવાણી થઈ કે પ્રસન્ન મુનિ કેવળજ્ઞાન પામીને તરત મોક્ષે ચાલ્યા ગયા.

આ અંદરની પરિણતિનું કેવું સુંદર વિજ્ઞાન છે જેની સામાન્ય લોકોને ખબર નથી હોતી. લોકો તો બાહ્ય ક્રિયા જોઈને એની પરિણતિ એ જ હશે એવું માને છે. પણ ના, એવું નથી! બહારની ક્રિયા, જે સ્થૂળ ક્રિયા છે, પાંચ ઇન્દ્રિયોથી થતી ક્રિયા છે, તે બધી જ ઈફેક્ટ (પરિણામ) છે. અને કોઝ (કારણ), જે ચાર્જ થનારી વસ્તુ છે, એ અંદર છે, સૂક્ષ્મમાં છે, જે ભાવથી થાય છે. આ ભાવવિજ્ઞાન ખરેખર ભગવાને તો આપેલું અને જ્ઞાનીઓ પણ આજે આપે છે, પણ સામાન્ય જગતને આ ભાવવિજ્ઞાન પહોંચતું નથી ને એમને એની કશી જ ખબર હોતી નથી. બધાને બાહ્ય દૃષ્ટિથી જ દેખાય છે.

ધર્મમાં પણ ક્રિયાઓ શીખવાડવામાં આવે, પણ અંદર ભાવનું સેટિંગ તે વખતે કેવું હોવું જોઈએ એ સેટિંગ કરાવવાની તાકાત નથી હોતી. એટલે બધા બધું કરતા હોય છે છતાંય અંદર ચિંતા, ઉપાધિ, ક્લેશ, કષાયો, આ બધું જતું નથી. જ્ઞાનીઓ પાસે એવી ચાવી હોય છે કે જે અંદરનું સેટિંગ કરી આપે, આપણો ભાવ જ ન બગડે, બહાર ગમે એટલું ખરાબ હોય પણ અંદર જબરજસ્ત આત્મસ્વભાવમાં, સ્વભાવભાવમાં રહેવાય. તીર્થંકર ભગવાન તો કેવળજ્ઞાનમાં જ હોય. પ્રસન્ન મુનિ પણ સમકિતી તો હતા જ. એમના ભાવો બગડ્યા પણ એમને તરત પાછા આત્મસ્વભાવમાં આવી જતા વાર ના લાગી. તેઓ પશ્ચાત્તાપ કરીને શ્રેણી ચડ્યા અને કેવળજ્ઞાન પામ્યા.

ક્રિયાની પાછળ ભાવ એ જુદી વસ્તુ છે. પ્રસન્ન મુનિનો દાખલો જોઈએ તો બહારની ક્રિયામાં તેઓ ત્રણેય વખતે જબરજસ્ત ધ્યાનમાં જ હતા, એ જ આત્મધ્યાનની મુદ્રામાં જ હતા. એમને જોઈ બધાને એમ જ થાય કે તેઓ આત્મધ્યાનમાં લીન થઈને આખા જગતથી અલિપ્ત થયેલા છે. પણ ના, જેવી એમણે પેલા સેનાનીની વાત સાંભળી તેવી તરત જ એમની અંદર પરિણતિ બદલાઈને ભયંકર કષાયવાળી થઈ ગઈ અને સાતમી નર્કે જાય એવો અંદર ભાવ ઊભો થયો.

એવી જ રીતે આપણે પણ બધી ક્રિયાઓ કરતી વખતે જેમ કે, ભગવાનના દેરાસરમાં એમની સેવા-પૂજા કરતા હોઈએ અથવા તો સામાયિક કે પ્રતિક્રમણ કરતા હોઈએ, પણ તે વખતે આપણને અંદર કેવું રહે છે, ધ્યાન એનું કરતા હોઈએ પણ આપણી અંદર પરિણતિ કેવી હોય છે એના આધારે આપણું કર્મ ચાર્જ થાય છે. અંદરની પરિણતિ પર આધાર છે. આપણે માનીએ કે મેં બાહ્ય ક્રિયા કરી એટલે મને જબરજસ્ત પુણ્ય મળી ગયું. પણ ના, એવું નથી!

આપણે બાહ્ય ક્રિયામાં પાંચ લાખનું દાન કરીએ, મોટું જબરજસ્ત પુણ્ય કમાઈએ અને બધા વાહવાહ કરે, “ઓહોહો, ધન્ના શેઠે તો જબરજસ્ત દાન કર્યું, બહુ મોટું નામ કમાયું અને આવતા ભવ માટે બહુ મોટું પુણ્ય બાંધ્યું.” પણ ભાવવિજ્ઞાન પ્રમાણે તે વખતે ધન્ના શેઠની અંદર પરિણતિ શું હતી? જો ધન્ના શેઠની અંદર એવું હોય, “આ સંસ્થાના લોકોએ મારી પાસેથી દબાણ કરીને પૈસા લઈ ગયા અને એમાં જે સંસ્થાના ચેરમેન હતા એ અમારા વેવાઈ હતા. જો એ ન આવ્યા હોત તો હું પૈસોય ન આપત પણ એ આવ્યા એટલે એમના દબાણથી મારે આપવા પડ્યા.” શેઠે પાંચ લાખનું દાન તો બહાર સરસ કર્યું અને પુણ્ય કમાયા પણ કર્મના સિદ્ધાંતે એ કબૂલ ન કર્યું.

કર્મના સિદ્ધાંત પ્રમાણે, “શેઠનો અંદર શું ભાવ હતો તો કે પાંચ રૂપિયા પણ ન આપું, આ દબાણથી આપવા પડ્યા છે.” એટલે આવતા ભવ માટે એમણે પાપકર્મ બાંધ્યું કે પાંચ રૂપિયા પણ ના આપું. અને એવું જ એમને આવતા ભવે થશે. જો કોઈ ગરીબ માણસ પાસે પાંચ જ રૂપિયા હોય પણ એ સાચા દિલથી, ભાવથી આપે છે, અને કહે છે, “અત્યારે મારી પાસે પાંચ લાખ હોત તો પાંચે લાખ આપી દેત.”, એવા ભાવથી પૈસા આપે તો પાંચ રૂપિયા આપીને પણ એ પાંચ લાખનું પુણ્ય બાંધે છે. આવતા ભવે એ પાછા એટલા આપી શકશે.

દરેક ક્રિયાની પાછળ અંદર આપણો હેતુ, ભાવ શું છે, એ તપાસ કરતા રહેવાની જરૂર છે. એ તપાસ કરીએ તો આપણને જડે એવું છે કે આપણે શુભ ભાવમાં છીએ કે અશુભ ભાવમાં! અશુભ ભાવમાં હોઈશું તો પાપ બંધાશે અને શુભ ભાવમાં હોઈશું તો પુણ્ય બંધાશે. અને જો સ્વભાવભાવમાં, આત્મભાવમાં હોઈશું તો પુણ્ય પણ નથી બંધાતું કે પાપ પણ નથી બંધાતું, પણ કર્મમાંથી છૂટાય છે અને મોક્ષે જવાનો રસ્તો આગળ કપાય છે.

સ્વભાવભાવ એટલે આત્માનો સ્વભાવ, જોવું-જાણવું, જ્ઞાતા-દ્રષ્ટા અને પરમાનંદ! એમાં કોઈ ક્રિયા નથી. કેવળ જાણપણું જ છે. એ આપણા સ્વભાવમાં આવીએ તો આ બધાથી આપણે મુક્ત થઈએ છીએ. કર્મોથી મુક્ત થઈને મોક્ષનો સાચો રસ્તો જ આ છે. બહાર ગમે તે ક્રિયા હોય પણ અંદર ભાવને સાચવવા. ભાવ બગાડવા નહીં. ભાવ હંમેશા ચોખ્ખા રાખવા, શુદ્ધ રાખવા. ભાવ જ આપણને તારવાવાળા છે.

શ્રેણિક રાજા મહાવીરના ભક્ત હોવા છતાં તેમને નરકનો ગતિબંધ પડી ગયો હતો. તેને ટાળવા તેમણે કરેલા ઉપાયો અને ભગવાને વખાણેલી પુણિયા શ્રાવકની સામાયિક વિશે અહીં જાણીએ.

Related Topic

×
Share on