
શ્રી મહાવીર સ્વામીની અંતિમ દેશના બોંતેર કલાક સુધી અવિરત ચાલી હતી, જેમાં પ્રભુએ હસ્તિપાળ રાજાને આવેલા આઠ સ્વપ્નો તથા પાંચમા અને છઠ્ઠા આરાનું વર્ણન તથા અનાગત ચોવીસીનું વર્ણન કર્યું હતું. આગળ, મહાવીર સ્વામીના નિર્વાણ સમયે શું બન્યું અને પછી આગળ ભગવાનના પ્રથમ ગણધર પટ્ટશિષ્ય ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન કેવી રીતે થયું એ વિશે જાણીએ.
દેશનાના બોંતેર કલાક પૂરા થયા પછી કેવળજ્ઞાની પ્રભુ શ્રી મહાવીર સ્વામીએ પોતાના મોક્ષની તૈયારી કરી. મોક્ષે જતાં પહેલાં ભગવાને પોતાના બધા જ અંગ-ઉપાંગોમાંથી પોતાનો આત્મા ખેંચી લીધો. આ ક્રિયાને શૈલેષીકરણની ક્રિયા કહેવાય છે અને તે ચૌદમા ગુણસ્થાનકમાં થાય છે. ભગવાને મોક્ષનો રસ્તો પકડી લીધો અને પોતાના દેહમાંથી, વાણીમાંથી અને દેહના એકે એક પરમાણુમાંથી આત્મા સંકેલી લીધો. આત્મા સંકોચાયા પછી શૈલેષીકરણની ક્રિયામાં ભગવાને એક પલકારામાં બ્રહ્મરંધ્રમાંથી સીધા સિદ્ધક્ષેત્રમાં ગયા.
ભગવાને આટલી બધી કરુણા કરી પણ આપણે બધા પાંચમા આરાના હતભાગી જીવો કે આપણા માટે ભગવાન રહ્યા જ નહીં. ભગવાન છોડીને ચાલ્યા ગયા... આપણે ક્યાં સુધી આવા રહીશું? આપણને કોઈ પાળનારો, પોષનારો ને મોક્ષ લઈ જનારો હવે કોઈ ના રહ્યો. આપણે ફક્ત પચ્ચીસસો વર્ષ જ મોડા પડ્યા. જો આપણે થોડાક વહેલા હોત તો ભગવાનની દેશના સાંભળીને આપણે પણ મોક્ષે પહોંચી ગયા હોત. પાંચમા આરામાં કોઈ આપણા માટે છે નહીં. જ્ઞાનીઓ પણ પોતાનું કામ કરીને જતા રહે છે, પરંતુ બહુ ઓછાને ખબર પડે છે. એમના જતા રહ્યા પછી કંઈ વળે એવું નથી. હજી પણ પાંચમા આરામાં આપણા માટે કંઈક ધર્મનો આશરો છે. આપણે ધર્મના આશરાને પકડી લઈએ અને મોક્ષનો રસ્તો પકડી લઈએ.

ભગવાનના નિર્વાણ પછી લોકોને જબરજસ્ત વેદના થઈ હતી; બધાને ખૂબ શોક લાગ્યો હતો. બધા જ રડતા હતા; દેવો પણ આવીને ખૂબ રડતા હતા. પણ આયુષ્ય કર્મ આગળ કોઈનું કશું ચાલે એવું નથી. ભગવાને પોતે પણ ના પાડી કે અમારાથી એક પળ પણ અમારું આયુષ્ય વધારાશે નહીં કે ઘટાડાશે નહીં. દેવોએ પોતાની બધી ક્રિયાઓ કરી—પુષ્પવૃષ્ટિ કરી, ભગવાનના દેહને જળથી અમૃતધારા કરીને સ્નાન કરાવ્યું અને અંતિમસંસ્કાર માટે ચંદનના લાકડા લાવ્યા. ભગવાન માટે દેવોને તો શું ના હોય! મહાવીર સ્વામીના અંતિમસંસ્કાર પાવાપુરીમાં થયા. અંતિમસંસ્કાર બાદ અસ્થિ અને દાંત દેવો પોતાની પાસે લઈ ગયા. દેવોને એવું હતું કે ભગવાનના નિર્વાણ પછી એમના આટલા અવશેષ તો એમની પાસે રહેશે. બાકી ભગવાનની વાણી અને એમણે આપેલો મોક્ષનો સિદ્ધાંત, કે જે આપણને આજે જ્ઞાનીઓ થકી મળી રહ્યો છે, એના સિવાય તો આપણી પાસે બીજું કશું છે નહીં. આપણે એને જ પકડીને ચાલીએ અને આ વાતો સાંભળીને હૃદયના કિંવાડો ખોલીને મોક્ષનો રસ્તો પકડીએ.
આ કાળના જ્ઞાનીઓ, શ્રીમદ્ રાજચંદ્ર અને પરમ પૂજ્ય દાદા ભગવાન પણ આ જ કહેતા હતા કે હવે આ પાંચમા આરા પછી જ્યારે છઠ્ઠો આરો આવશે, એ આરામાં ધર્મ તો શું પણ કંઈ કરતા કંઈ જ નહી રહે. અત્યારે આપણને માનવદેહ મળ્યો છે, સંસ્કાર મળ્યા છે, તીર્થંકરો છે, મોક્ષ જેવી વસ્તુ છે એવું આપણને આ મનુષ્યભવમાં જાણવા મળ્યું છે, સમજવા મળ્યું છે. તો એને આપણે હૃદયમાં ઉતારીને આપણો ધ્યેય બનાવી દઈએ કે આ મનુષ્યભવ કેવળ આત્મા પ્રાપ્ત કરવા માટે છે, કર્મો ખપાવવા માટે છે, નહીં કે રાગ-દ્વેષ, મારા-તારી, સારું-ખોટું કે મોહ-કપટ, ઈર્ષ્યા-અદેખાઈ આ બધા કષાયોમાં જીવવા માટે. આપણે જે કર્મો લઈને આવ્યા છીએ એ પ્રમાણે આપણને મળ્યા જ કરવાનું છે. એમાં આપણી જાગૃતિ અને શક્તિ નાખવા જેવી નથી. આપણી શક્તિ તો આપણો આત્મા ઓળખીને બધા કર્મો ખપાવવા માટે જ વાપરવાની છે. ભગવાને પણ એ જ કહ્યું છે, “કાં તું આત્મા જાણ કાં તો તું કષાયરહિત થા. આ બે વસ્તુમાંથી એક પણ જો તને મળશે તો તારો મોક્ષ નિશ્ચિત છે, સમકિત તારી પાસે છે અને એ જ તને મોક્ષે લઈ જશે.”
મહાવીર સ્વામીની છેલ્લી દેશનામાં ગૌતમ સ્વામી સિવાયના તો બધા જ હાજર હતા પણ ગૌતમ સ્વામીને ભગવાન માટે પ્રશસ્ત રાગ હતો; ખૂબ મોહ હતો એમના દેહ ઉપર. એ કેટલા ભાગશાળી કે એમને ભગવાન ઉપર મોહ હતો; બાકી, નહીં તો બધાને કુટુંબ અને સંસારમાં જ મોહ હોય છે. પણ એમને આ છેલ્લો મોહ બહુ લાંબા સમય સુધી રહ્યો; બહુ જ ગાઢ હતો એટલે એમને કેવળજ્ઞાન અટક્યું હતું.
ભગવાન પર જેને મોહ હોય એમને મોક્ષે લઈ જવાની ભગવાનની જવાબદારી થાય છે. એટલે ભગવાને સરસ રસ્તો કર્યો. એમણે પોતાની દેશનામાંથી વચ્ચે ગૌતમ સ્વામીને કહ્યું, “તમે બાજુના ગામમાં દેવશર્મા નામના બ્રાહ્મણને પ્રતિબોધ કરવા જાઓ.” ગૌતમ સ્વામી તો જબરજસ્ત આજ્ઞા અનુસારી હતા. ભગવાન કહે એ એમના માટે બ્રહ્મવાક્ય હતું. ભગવાને દેશનામાંથી ઊઠીને જવાનું કહ્યું તો બીજો કંઈ પણ વિચાર કર્યા વગર સીધેસીધા ભગવાનની આજ્ઞા ઉલ્લાસથી પાળવા માટે ગયા.
ગૌતમ સ્વામી જ્યારે દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ આપીને પાછા ફરી રહ્યા હતા ત્યારે એમને દુંદુભિનો નાદ અને ભગવાનના નિર્વાણની આકાશવાણી સાંભળીને એમના હૃદય પર જબરજસ્ત વજ્રઘાત પડ્યો, “પ્રભુ ચાલ્યા ગયા! છેલ્લી ઘડીએ મને ત્યાં હાજર પણ ના રહેવા દીધો; મને એમની છેલ્લી ઘડીએ સેવાનો પણ લાભ ના મળ્યો. આખી જિંદગી હું એમના પડછાયાની જેમ રહ્યો અને છેલ્લી ક્ષણે મને દૂર કર્યો! ભગવાનને મારો આટલો પણ વિચાર ના આવ્યો! શું ભગવાન આટલા બધા કઠોર થઈ ગયા? મને એમના માટે આટલું બધું હતું અને એમણે મારું આટલું પણ ધ્યાનમાં ના રાખ્યું?” એમ કરીને એમને અંદર જબરજસ્ત ઘમસાણ મચ્યું અને એટલો બધો ભોગવટો આવ્યો કે વજ્રઘાત એના કરતાં પોચો હોય!

રાત-દિવસ ભગવાન મહાવીરના પરમ વિનયમાં રહેનારા, જેમને ભગવાન પ્રત્યે નિરંતર પ્રશસ્ત રાગ હતો, એમના જેવો કોઈ ભગવાનનો પટ્ટશિષ્ય નહોતો. કોઈને આટલી બધી સમજણ નહોતી; આટલું બધું જ્ઞાન નહોતું. કેવળજ્ઞાન સિવાયનું બધું જ જ્ઞાન એમની પાસે હતું. એમનાથી કેટલાય પ્રતિબોધ પામીને કેવળજ્ઞાન પામતા હતા. ભગવાન મહાવીર કરતાં પણ એમના શિષ્યો વિશેષ હતા. છતાં પણ, ગૌતમ સ્વામીને શંકા ઊભી થઈ કે ભગવાને મારું આટલું પણ ના રાખ્યું. આટલો જ દોષ દેખાઈ ગયો કે મને છેલ્લે જોડે કેમ ના રાખ્યો. ભગવાનની પ્રત્યેક ક્રિયા સામાના કલ્યાણ અર્થે જ હોય છે, એ એમના ધ્યાનમાં ના રહ્યું અને ભગવાન માટે એમને આટલી જ શંકા ગઈ કે મને જોડે ના રાખ્યો. આ દોષ જોયો કે ભગવાન પ્રત્યેનો એમનો વિનય તૂટ્યો. જે ક્યારેય ભગવાનનો દોષ નહોતા જોતા એમણે પ્રથમવાર આ દોષ જોયો અને એમને અંદર જબરજસ્ત ભોગવટો આવ્યો. ભગવાનનો દોષ જોયો તો કેટલો બધો ભોગવટો આવ્યો અને અંદર ઘમસાણ મચ્યું. જોકે એ ઘમસાણ એમને ખૂબ જ ઉપયોગી થઈ પડ્યું. એમને અંદર જબરજસ્ત વિચારધારા ચાલી કે મને આટલો બધો રાગ અને ભગવાનને મારા માટે કંઈ જ નહીં! કંઈ જ નહીં! કંઈ જ નહીં! એમ કરતાં કરતાં ઓચિંતો જ એમને આવરણનો પડદો ખસી ગયો. એમને દેખાયું, ”અરેરે ગૌતમ! તું ભગવાનનો દોષ જુએ છે! તને ભગવાન પર રાગ છે પણ ભગવાન તો સંપૂર્ણ વીતરાગ છે. ભગવાનને તારા માટે કેવી રીતે રાગ હોઈ શકે? તું કઈ રીતે ભગવાન પાસે અપેક્ષા રાખે છે? જો તારે કેવળજ્ઞાન પામવું હોય તો આટલી અપેક્ષા પણ તને બાધક કરનારી છે. તારો ભગવાન પરનો રાગ એ સંસારી રાગ થયો. તેં આટલી સમજવામાં ભૂલ કરી માટે તને આ ભોગવવાનું આવે છે.”
ગૌતમ સ્વામીને જ્યારે પોતાનો દોષ દેખાયો અને ભગવાનની વીતરાગતા એમની દૃષ્ટિમાં આવી ત્યાં જ એમનું આવરણ તૂટ્યું અને પોતે પણ સંપૂર્ણ વીતરાગ થઈ ગયા. ત્યાં જ એમનો ભગવાનના દેહ પ્રત્યેનો રાગ તૂટયો અને સમજાયું, “જે દેહ પર મને રાગ છે એ પોતે તો વીતરાગ હતા અને મારી બધી જ અપેક્ષાઓ ખોટી હતી.” એ વીતરાગતાના દર્શન થતાં જ પોતાને વીતરાગતા પ્રગટ થઈ; કેવળજ્ઞાન પ્રગટ થયું. દિવાળીના દિવસે એટલે કે આસો વદ અમાસની રાત્રિએ ભગવાન મહાવીરનું નિર્વાણ અને ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન પ્રગટ થયું હતું, માટે એ દિવસ પવિત્ર ગણાય છે. બધા જ દેવોએ આંખોમાં આંસુ સાથે, ભગવાનના વિરહની વેદના સાથે ખૂબ જ આનંદ-ઉલ્લાસમાં આવીને ભગવાનનો નિર્વાણ મહોત્સવ કર્યો. ભાવદીપકનો ઉચ્છેદ થયો, માટે બધા રાજાઓએ દ્રવ્યદીપક કર્યા. ઠેર ઠેર બધે દીવાઓ થયા એને લીધે આપણે દિવાળી આજે પણ અઢી હજાર વર્ષ પછી આપણે દિવાળીના દિવસે ભગવાન મહાવીરના નિર્વાણને યાદ કરીને, ગૌતમ સ્વામીના કેવળજ્ઞાનના દિવસને યાદ કરીને દીવાઓ પ્રગટાવીએ છીએ.
ગૌતમ સ્વામીએ કેવળજ્ઞાન પામીને પોતાના મોક્ષનો, સિદ્ધક્ષેત્રનો રસ્તો પૂરો કર્યો. કેવળજ્ઞાન થયા બાદ ગૌતમ સ્વામીએ લોકોને કેવળજ્ઞાન પમાડવાનું પોતાનું કાર્ય જબરજસ્ત રીતે આગળ વધાર્યું. તેમણે લોકોને ભગવાનની સુંદર વાત પમાડી. જ્યાં રાગ છે ત્યાં અપેક્ષા હોય જ અને પછી અપેક્ષા પૂરી થાય કે ના થાય એનું રિએક્શન દ્વેષમાં આવે. સંસારી રાગમાં વ્યક્તિ ફક્ત પોતાને ધ્યાનમાં રાખે છે, પોતાને મહત્ત્વ આપે અને માનની અપેક્ષા રાખે છે, પણ જ્યાં આ બધી અપેક્ષા પૂરી ના થાય તો તરત જ એના દોષ દેખાવા લાગે છે. જ્યાં આપણે મોક્ષે જવાનું છે, જેમના નિમિત્તે આપણે આગળ વધવાનું છે, ત્યાં અપેક્ષા કઈ રીતે રખાય? અપેક્ષા રાખીએ તો આપણે આપણો સંસારભાવ ઊભો કરીએ છીએ, મોક્ષમાર્ગ ચૂકી જઈએ છીએ. માટે પરમ વિનયથી મોક્ષ. પરમ વિનયનો અર્થ જ એ છે કે જેમની પ્રત્યે આપણને પ્રશસ્ત રાગ હોય, જેમની પાસેથી આપણે મોક્ષમાર્ગ પામતા હોઈએ એવા જ્ઞાની, સત્પુરુષ, સદ્ગુરુ કે તીર્થંકર ભગવાનનો આપણને એક પણ દોષ ના દેખાય. કેમ આમ કરે છે એવો એક પણ વિચાર ના આવે. જે કરે છે તે મારા જ કલ્યાણ માટે છે એવો ભાવ થાય ત્યારે ખરેખર આપણે મોક્ષે પહોંચી જઈ શકીએ છીએ. જ્યાં કોઈના દોષ નથી જોવાના, ત્યાં આપણા પરમ નિમિત્તના, પરમ ઉપકારીના દોષ કેવી રીતે જોવાય? એક પણ દોષ જોવાશે તો જ્ઞાન ખસી જશે; ખાલી બુદ્ધિ રહેશે. બુદ્ધિથી જ્ઞાન બધું હાજર રહેશે પણ એ અંદર ક્રિયાકારી નહીં થાય. એક દોષ જોવાનું આટલું બધું ખરાબ પરિણામ આવે છે. એટલે આપણે ચેતવાનું છે. જેને આપણે આપણા આરાધ્ય ગુરુ માનીએ એમને એકવાર માનતા પહેલાં બધી રીતે ચકાસી જોવા અને એકવાર ઝૂકાવ્યું એટલે ઝૂકાવ્યું, પછી ક્ષત્રિયની વાટ; બીજું કશું જ જોવાનું ના હોય. ત્યાં બુદ્ધિ વચ્ચે લાવવાની પણ ના હોય.
આજે પણ પાવાપુરી તીર્થક્ષેત્રમાં ભગવાનના નિર્વાણનું બહુ સુંદર પવિત્ર સ્થાન છે. કહેવાય છે કે ભગવાનના અંતિમ સંસ્કાર બાદ બધા રડતા હતા અને માટી ખોદીને લઈ ગયા હતા. જમીનની માટી લઈ ગયા ત્યાં ખાડો થઈ ગયો અને ત્યાં આંસુઓથી પાણીનો સંગ્રહ થઈને તળાવ થઈ ગયું. ખરેખર, ભગવાન મહાવીરનું નિર્વાણ સ્થળ - પાવાપુરી એ એક અદ્ભૂત રમણીય સ્થળ છે.
મહાવીર સ્વામી ત્રીસ વર્ષ ગૃહસ્થવસ્થામાં રહ્યા હતા. એમના લગ્ન થયા હતા અને એમને એક પુત્રી પણ હતી. પ્રભુનો દીક્ષા પર્યાય સાડા બાર વર્ષ સુધી રહ્યો હતો અને કેવળજ્ઞાન થયું હતું. કેવળજ્ઞાન થયા પછી ત્રીસ વર્ષ સુધી મહાવીર સ્વામી લોકોને દેશના આપતા હતા અને બોધ પમાડતા હતા. એમનું બોંતેરમા વર્ષે નિર્વાણ થયું હતું.
ભગવાનનાં ચતુર્વિધ સંઘમાં હજારો સાધુઓ, ૩૬,૦૦૦ સાધ્વીઓ, ૭૦૦ કેવળજ્ઞાનીઓ, ૧,૫૯,૦૦૦ શ્રાવકો, ૩,૧૮,૦૦૦ શ્રાવિકાઓ અને ૧૧ ગણધરો હતાં. ગણધરોમાં ગૌતમ સ્વામી મુખ્ય હતા. ભગવાન મહાવીરના નિર્વાણ બાદ બાર વર્ષ સુધી ગૌતમ સ્વામીએ બધાને ઉપદેશ આપ્યો અને ત્યારબાદ આયુષ્ય પૂરું થતાં તેઓ નિર્વાણ પામ્યા. ગૌતમ સ્વામીના નિર્વાણ પછી પાંચમા ગણધર સુધર્મા સ્વામી, કે જેઓ કેવળજ્ઞાની હતા, એમણે આગળનું સંભાળ્યું અને તેઓ પણ લોકોને બોધ આપી પોતાનું આયુષ્ય પૂરું થતાં નિર્વાણ પામ્યા.
સુધર્મા સ્વામી બાદ, અંતિમ કેવળી જંબુસ્વામીએ આગળનું સંભાળ્યું અને એમણે પણ ઘણા વર્ષો સુધી લોકોને ઉપદેશ આપ્યો. અંતે પોતાનું આયુષ્ય પૂરું કરીને મોક્ષે ગયા. જંબુસ્વામી અંતિમ કેવળી હતા અને એમના મોક્ષગમન પછી મોક્ષના દ્વાર બંધ થઈ ગયા.
અત્યારે ભગવાન આપણી સમક્ષ નથી પણ ભગવાને બોધેલું તત્ત્વજ્ઞાન, મોક્ષ પામવાના બધા જ રસ્તા આપણી પાસે છે. એટલું જ નહી પણ ભગવાનનું જ્ઞાન જેમ છે તેમ જેના હૃદયમાં ખુલ્લું થયું છે એવા જ્ઞાનીઓ પણ થતા આવ્યા છે. એવા જ્ઞાનીઓ ભૂતકાળમાં થઈ ગયા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં થશે. શ્રીમદ્ રાજચંદ્ર અને પરમ પૂજ્ય દાદા ભગવાન આ વર્તમાન કાળના જબરજસ્ત જ્ઞાનીઓ હતા. એમની પાસેથી આપણને તીર્થંકર ભગવંતોનું યથાર્થ તત્ત્વદર્શન પ્રાપ્ત થયું છે.
ખરેખર, હવે સુંદર કાળ આવી જ રહ્યો છે. થોડોક કાળ આપણા માટે કંઈક સારો છે કે જ્યાં આપણે કંઈક સુખ જોઈશું; ક્યાંક ભગવાનની વાતો આપણા હૃદયમાં આવશે. એ હૃદયમાં ધરીને આપણે નિશ્ચય કરીએ, ”મોક્ષ સિવાય બીજું કંઈ જ જોઈતું નથી; આ જગતની કોઈ વિનાશી ચીજ મને ખપતી નથી.” હૃદયમાં આવો ધ્યેય રાખીએ તો ખરેખર જ્ઞાની ઘરે આવીને આપણને મોક્ષ પમાડશે અને તમામ કર્મોથી છુટકારો થશે.
subscribe your email for our latest news and events
