
સંસાર અસાર જણાતાં અભયકુમારે દીક્ષા લીધી અને પૂર્વભવના વેરને કારણે શ્રેણિક રાજાનું એમનાં પુત્ર કુણિકના નિમિત્તે મૃત્યુ થયું. સમય જતાં ચક્રવર્તી થવાની લાલસા કુણિકના મૃત્યુનું નિમિત્ત બની અને પરિણામે એને નર્કગતિનો બંધ પડ્યો હતો. આગળ, આપણે પાવાપુરીમાં થયેલી અને બોંતેર કલાક સુધી અવિરત ચાલેલી શ્રી મહાવીર સ્વામીની અંતિમ દેશના વિશે જાણીશું.
શ્રી મહાવીર સ્વામીના અગિયાર ગણધરોમાંથી ગૌતમ સ્વામી અને સુધર્મા સ્વામી સિવાયના નવ ગણધરો ભગવાનની હાજરીમાં જ કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા હતા. ગૌતમ સ્વામીને હજી કેવળજ્ઞાન થયું નહોતું. મહાવીર સ્વામી વારંવાર એમને કહેતા, “સમયમ ગોયમ મા પમાયે.” અર્થાત્ - સમય વહી રહ્યો છે; ગૌતમ તું પ્રમાદ ના કર. ગૌતમ સ્વામીનો પ્રમાદ એકદમ સૂક્ષ્મતમ પ્રકારનો હતો. કારણ કે એમને માત્ર મહાવીર સ્વામી પર જબરજસ્ત પ્રશસ્ત રાગ હતો. માટે એમનું કેવળજ્ઞાન અટક્યું હતું. ભગવાન આ પ્રમાદ ના કર એમ કહેતા હતા.
મહાવીર સ્વામી વિહાર કરતા કરતા પાવાપુરીમાં પહોંચ્યા. ભગવાન માટે દેવોએ સુંદર સમવસરણ રચ્યું. પાવાપુરી અત્યારે બિહાર રાજ્યમાં, નાલંદા પાસે, રાજગૃહી નગરીથી થોડે દૂર આવેલું એક તીર્થક્ષેત્ર છે. તે ક્ષેત્રમાં મહાવીર સ્વામીએ બોંતેર કલાક સુધી અવિરત અંતિમ દેશના આપીને લોકો પર જબરજસ્ત કરુણા કરી હતી.
પાવાપુરીના હસ્તિપાળ રાજાએ સમવસરણમાં આવીને ભગવાનના દર્શન કર્યાં. મહાવીર સ્વામીએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પર દેશના આપી. ભગવાને અર્થ અને કામ એ પરમાર્થ માટે અનર્થરૂપ કહ્યા અને ધર્મ એ મોક્ષ પ્રાપ્તિનો મોટામાં મોટો હેતુ છે એમ કહ્યું. આ જીવનમાં ખરો પુરુષાર્થ મોક્ષ માટે કરવાનો છે; આપણને આ મનુષ્ય દેહ મોક્ષપ્રાપ્તિ માટે મળ્યો છે. બીજી કોઈ પણ ગતિથી મોક્ષનો હેતુ સરતો નથી. માત્ર મનુષ્ય ગતિમાં આવે ત્યારે જ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે એમ છે. બંધન પણ છે અને મુક્તિ પણ મનુષ્ય ગતિથી જ છે; જ્યાંથી મુક્તિ થાય ત્યાંથી જ બંધન થાય. માટે, આ મનુષ્ય ભવ ખૂબ જ કિંમતી છે. મનુષ્ય ગતિમાંથી તમામ બંધનોમાંથી છૂટવા માટે પૂરી રીતે પ્રગતિ થઈ શકે એમ છે.
પાવાપુરીના હસ્તિપાળ રાજા મહાવીર સ્વામીની છેલ્લી દેશનામાં આવીને બિરાજ્યા. હસ્તિપાળ રાજાને એમના સ્વપ્નમાં આઠ વસ્તુઓ દેખાઈ હતી. એમણે મહાવીર સ્વામીને પોતાના સ્વપ્નનું રહસ્ય પૂછ્યું. રાજાએ સ્વામીને કહ્યું, “મને સ્વપ્નમાં હાથી, વાંદરો, ક્ષીરવાળું વૃક્ષ, કાગડો, સિંહ, કમળ, બીજ અને કુંભ દેખાયા. આ રીતે આઠ વસ્તુઓ સ્વપ્નમાં દેખાઈ. તો આનું રહસ્ય શું?” મહાવીર સ્વામીએ હસ્તિપાળ રાજાના સ્વપ્નનું રહસ્ય ખુલ્લું કર્યું કે હવે પછીના કાળમાં શું બનવાનું છે એનું ભગવાને પોતાના કેવળજ્ઞાનમાં જોઈને જેમ છે તેમ વર્ણન કર્યું.
શ્રી ઋષભદેવ ભગવાનના વખતમાં લોકો જડ અને સરળ હતા અને મહાવીર ભગવાનના વખતમાં લોકો જડ અને વાંકા થશે. ભગવાન ઋષભદેવ અને ભગવાન મહાવીરના શિષ્યો વચ્ચે ભેદ એ હતો કે ભગવાન ઋષભદેવ ત્રીજા આરામાં થયા હોવાથી એમના બધા શિષ્યો જડ અને સરળ હતા. દાખલા તરીકે, જો ઋષભદેવ ભગવાન એમ કહે, “હું હમણાં બે કલાક કો’કને ઉપદેશ આપીને આવું છું. ત્યાં સુધી તમે અહીંયા મારા આસનને ઊભા થઈને ખમાસણું આપ્યા કરજો.” તો ભગવાનના બહાર ગયા પછી એમના શિષ્યો પ્રામાણિકતાથી સતત બે કલાક સુધી સારા ભાવથી લાંબા થઈને જ્યાં સુધી ભગવાન પાછા આવે ત્યાં સુધી ખમાસણા આપતા જ રહે.
જ્યારે ઋષભદેવ ભગવાન પછીના છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીરના શિષ્યો વાંકા અને જડ હતા. તેઓ ભગવાનના કહ્યા પ્રમાણે કરવા માંડે પણ પછી વાંકા થઈ જાય. જડતાને લીધે તેઓ ચોક્કસ ના હોય. જડ એટલે સમજ્યા વગર કર્યા કરે અને વાંકા એટલે ધારો કે ભગવાન મહાવીરે કહ્યું હોય, “હું બે કલાકમાં આવું છું. ત્યાં સુધી તમે અહીં મારા આસનને ખમાસણું દીધા કરજો.” તો ભગવાન જેવા બહાર નીકળે, હજી તો ભગવાનની પૂંઠ પણ દરવાજાની બહાર ના થઈ હોય, ત્યાં સુધી એમના શિષ્યો એકાદ-બે ખમાસણા દીધા ના દીધા અને ભગવાનના બહાર જતાં જ આઘાપાછા થઈ જાય અને ખમાસણા છોડી દે! આને ભગવાને જડ અને વાંકા કહ્યા.
વચ્ચેના બાવીસ તીર્થંકરોના બધા શિષ્યો વિચક્ષણ હતા, ક્ષણે-ક્ષણે જાગૃતિવાળા હતા. તેઓ જડ નહીં પણ પ્રામાણિક હતા. ક્ષણે ક્ષણે જાગૃતિ રાખીને ક્ષણે ક્ષણે થતા દોષોને જોઈને ભાવ પ્રતિક્રમણ કરીને દોષોને કાયમને માટે ઉડાડી દેવાના હોય. વચ્ચેના બાવીસ તીર્થંકરોના શિષ્યો આવા જાગૃત હતા.
ભગવાન મહાવીરની વાત સાંભળીને હસ્તિપાળ રાજાને અંદર એકદમ જ વૈરાગ આવ્યો અને બોધ પ્રગટ થયો, “ઓહો! આવા કાળમાં આપણે ફરી-ફરી જન્મ લેવો અને મૂર્ખની જેમ જીવવું એના કરતાં તો દીક્ષા લઈને મોક્ષનો માર્ગ પકડી લેવો જોઈએ અને પાંચમા આરાને અહીંયાથી જ ટાળી દેવો જોઈએ.”
જે હસ્તિપાળ રાજા માટે હતું, તે જ આપણા બધા માટે છે. આજે પણ આપણે પાંચમા આરામાં જ છીએ. ભગવાનની વાણી તો ખોટી ઠરે જ નહીં. આપણે પાંચમા આરામાં ફસાયા છીએ. સાચો ઉપદેશ આપણને મળવો મુશ્કેલ છે. ભગવાનનો સાચો માર્ગ શું છે એ કહેનારું પણ કોઈ નથી. ક્યારે કો’ક જ્ઞાની પુરુષ આવે ત્યારે આપણને આ રસ્તો બતાડે અને જો આપણા દિલમાં ચોંટે, તો આપણે એને પકડી લેવું જોઈએ. આપણે મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજમાન વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામીના દર્શન કરીને આ સંસારમાંથી છૂટી જવા જેવું છે!
મુનિઓ, શ્રાવકો અને ભક્તિ કરનારાઓ કહેતા હોય છે કે ભગવાન મહાવીર પછી બધા વાંકા અને જડ થઈ ગયા છે. જો પૂછવામાં આવે, “શું બધા જ?” તો કહે, “હા, બધા જ!” બધા વાત એવી કરતા હોય છે કે બધા વંકજડા થઈ ગયા હોય અને ફક્ત પોતે જ સાચા હોય. પરંતુ જો આપણે છૂટવું હોય તો આપણે ઠોકી-ઠોકીને બોલવું જોઈએ કે ભગવાને કહ્યું છે કે બધા વાંકા અને જડ થશે તો હું પહેલો વાંકો અને જડ, પછી બીજા બધા! આ તો પોતાને બાદ કરીને બીજાના માથે ઠોકી દેતા હોય. બધા પોતાને સારા લોકોની શ્રેણીમાં અપવાદમાં જ નાખી દેતા હોય છે. જો હું વાંકો એમ કરીને ચાલે તો એનો કોઈક દિવસ ઉકેલ આવશે, કોઈક દિવસ એ ચોખ્ખો થશે.
પાંચમા આરામાં તો આપણે બધા આવી જ ગયા છીએ. એમાં જે જાગે અને ભગવાનની વાતને હૃદયમાં ધરે અને સમજે કે હું વાંકો અને જડ છું, તો હવે મારે ભગવાને કહ્યું એમ વિચક્ષણ થવું જોઈએ; ક્ષણે ક્ષણે મારા દોષો જોઈને મારે મોક્ષે જવું જોઈએ. પ્રતિક્રમણ હૃદયથી કરવા જોઈએ. રાયશી-દેવશી કે સંવત્સરી પ્રતિક્રમણથી પતે એવું નથી; ક્ષણે ક્ષણે ભાવ પ્રતિક્રમણ કરવા જોઈએ.
પાવાપુરીમાં લાખો લોકો વચ્ચે ભગવાન મહાવીર સમવસરણમાં બિરાજીને સુંદર દેશના આપી રહ્યા હતા. ભગવાનની આ અંતિમ દેશના હતી જેમાં ગણધર ગૌતમ સ્વામીએ ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. એમાંના એક પ્રશ્નમાં ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું, “ભગવાન, ત્રીજા આરા અને ચોથા આરામાં જે જે બની ગયું એ તો આપણને બધાને ખબર છે. ત્રીજા આરાના અંતમાં ભગવાન ઋષભદેવ પ્રથમ તીર્થંકર થયા અને ચોથા આરામાં અંતિમ ચોવીસમા તીર્થંકર આપ છો. તો હવે પછીના પાંચમા આરામાં દુષમકાળ આવશે; એમાં શું થશે? એમાં ધર્માચાર્યો અને રાજાઓનું શું થશે એનું આપ અમને વર્ણન કરો જેથી બધાને ખબર પડે.”
ભગવાન તો કેવળજ્ઞાની હતા. તેઓ તો કેવળજ્ઞાનમાં જોઈને પોતે જેમ છે તેમ વર્ણન કરતા હતા. ભગવાને કહ્યું કે પાંચમો આરો બહુ ભયંકર આવશે. લોકોને ભયંકર દુઃખ આવશે. એમાં દુઃખ જ હશે; સુખ તો જોવા નહીં મળે. પાંચમા આરામાં બધા શાસકો બહુ જ ક્રૂર અને ભયંકર લોભી થશે. તેઓ લોકોને જબરજસ્ત જુલમ કરશે. પોતાનું ઘર, પોતાનો ભંડાર, પોતાના સગા-વહાલા માટે જ એ લોકો જીવતા હશે, પ્રજા માટે નહીં. પ્રજાને ચૂસીને પોતાના ઘર ભરશે. કરવેરો ત્યાં સુધી નાખશે કે ભિખારીઓની ભિક્ષામાંથી છઠ્ઠો ભાગ લઈ લેશે, ત્યાં સુધીની ભયંકર ક્રૂરતા કરશે. આપણે આજકાલ જોઈ રહ્યાં છીએ કે દુનિયામાં ઠેરઠેર આ જ થઈ રહ્યું છે!
સ્ત્રીઓ પોતાનું શીલ, લજ્જા અને સંસ્કાર છોડી દેશે અને એમની રહેણીકરણી, ચાળા કુસંસ્કારી સ્ત્રીઓ જેવાં થઈ જશે. પુરુષો પણ હીનસત્ત્વી થઈ જશે; પોતાની સ્ત્રીમાં સંતોષી નહીં રહે અને પરસ્ત્રી સંબંધી ભયંકર દોષો કરશે. ભવિષ્યની પ્રજા વર્ણસંકર થશે. નીચા કુળમાં ઉત્તમ વ્યક્તિઓ જન્મ લેશે જ્યારે ઉચ્ચ કુળમાં કો’ક જ સારા વ્યક્તિઓ જન્મ લેશે. શાસકો અને પ્રજામાં પણ અંધાધૂંધી થઈ જશે. અત્યારે ઘઉં અને કાંકરા ભળેલા છે એવો કાળ આવશે; કુદરતનો એવો સપાટો આવશે કે ઘઉં અને કાંકરા છૂટા થઈ જશે.
ઘઉં અને કાંકરાની આ વ્યાખ્યા એ થાય છે કે જે પરાણે ભ્રષ્ટાચાર કરાવે છે એ કાંકરા છે અને જેની બિલકુલ ઈચ્છા નથી છતાં પણ આ કાળ એવો છે કે એને પરાણે ભ્રષ્ટાચાર કરવો પડે છે એ ઘઉં છે. કુદરત જ ઘઉં અને કાંકરાને છૂટા પાડશે. કાંકરા કાંકરામાં મળી જશે અને માટી માટીમાં મળી જશે. કુદરત બધા ભ્રષ્ટાચારીઓને વીણી વીણીને સાફ કરશે અને જે સારા હશે એ ટકી જશે. પાંચમા આરાના અંતર્ગત એક સુંદર કાળ આવશે જે આપણે ટૂંક સમયમાં જોઈશું. ત્યાં સુધીમાં અનાચાર, દુરાચાર, ભ્રષ્ટાચાર, વ્યભિચાર જબરજસ્ત ટોચ ઉપર જતા રહેશે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ જેવી કુદરતી આપત્તિઓ આવશે. દરિયા પચ્ચીસ-પચાસ ફૂટ જેટલા ઊંચે ઊછળશે અને બધા ગામોને પાણી-પાણી કરી નાખશે. પાણી હશે ત્યાં ધરતી થઈ જશે અને ધરતી હશે ત્યાં પાણી થઈ જશે. મોટી મહામારીઓ અને ભયંકર રોગચાળા ફાટશે જેની કોઈ દવા જ નહીં હોય. લોકોએ કદી જાણ્યા ન હોય, સાંભળ્યા ન હોય એવા ભયંકર દર્દો ઊભા થશે. આ બધું કુદરતી છે અને કોઈનું કશું ચાલશે નહીં. આપણે આ બધું થોડું-થોડું તો જોવા મંડ્યા છીએ.
ઘણા પૂછતા હોય છે કે આટલા બધા સંતો અને જ્ઞાનીઓ આ બધું અટકાવી ના શકે? તો ના, કુદરત આગળ કોઈનુંય ના ચાલે. જે થવાનું એ થઈને જ રહે. હા, એટલું ખરું કે તેઓ બધા માટે પ્રાર્થના કરી શકે કે બધાની બુદ્ધિ વિપરીત ના થાય; બધાને સહન કરવાની શક્તિ મળે. તેઓ બધાને અંદર શાંતિ રહે એવો રસ્તો બતાડી શકે પણ કુદરતમાં જે બનવાનું છે એમાં કોઈ ફેરફાર ના કરી શકે; પોતાની જાત માટે પણ ફેરફાર ના કરી શકે.
દાખલા તરીકે, મહાવીર સ્વામીનો અંતિમ કાળ નજીક આવ્યો ત્યારે દેવોએ એમને વિનંતી કરી, “પ્રભુ, તમારું આયુષ્ય જરાક આગળ કે પાછળ લો ને! કારણ કે અત્યારે તમારા નિર્વાણ કાળના સમયે ભસ્મક ગ્રહની બહુ ખરાબ અસર બેસે છે. આવું ક્યારેય નથી બન્યું માટે તમે આયુષ્યમાં કંઈક ફેરફાર કરો.” ત્યારે મહાવીર સ્વામીએ દેવોને કહ્યું, “આવું ક્યારેય શક્ય થયું નથી, થાય નહીં અને થશે પણ નહીં! રાઈ માત્ર વધઘટ નહીં, દીઠાં કેવળજ્ઞાન જો.” મહાવીર સ્વામીએ પોતાના કેવળજ્ઞાનમાં જોઈને કહ્યું, “આયુષ્ય બદલી ના શકાય. કોઈ તીર્થંકરે આવું કર્યું નથી, કરશે પણ નહીં અને હું પણ નહીં કરું.” કારણ કે જે બનવાનું છે, જે ખરાબ સમય આવવાનો છે, ભગવાનના જ અનુયાયીઓ, નેતાઓ દ્વારા ભગવાનનું શાસન લજવાવાનું છે એ કોઈ અટકાવી ના શકે. કારણ કે ભસ્મક ગ્રહ તો એક નિમિત્ત છે. બાકી કુદરતી જે બનવાનું છે; એ નિર્માણ થઈ ગયેલું છે; એમાં ફેરફાર નહીં થઈ શકે. ભગવાન જેવા ભગવાને પણ ચોખ્ખી ના પાડી છે તો લોકો ગ્રહો અને જ્યોતિષોને જોઈ જોઈને બધું ફેરફાર કરવા જાય છે પણ કોઈથી ફેરફાર ન થાય. ગ્રહો તો ફક્ત નિમિત્ત છે બતાડવા માટે કે આ એક નિમિત્ત આવું આવ્યું છે અને આ પરિણામ આવશે. પણ આ ફેરફાર કરવાથી કંઈ પરિણામ બદલાય નહીં.
આગળ, પાંચમા આરા વિશે સમજાવતા ભગવાને કહ્યું, પાંચમા આરામાં ધર્મ ધીમે-ધીમે ઓછો થતો જશે. સદાચારીઓને બદલે દુરાચારીઓ વધારે ધર્મિષ્ઠ દેખાવા માંડશે. લોકો ધર્મમાંથી ચ્યુત વધારે થશે; વ્રતભંગ કરનારા વધારે પાકશે. છતાં પાંચમા આરાના અંત સુધી થોડી-થોડી ધર્મની પ્રવૃત્તિઓ રહેશે, મંદિરો દેરાસરો ક્યાંક ક્યાંક દેખાશે. છેલ્લે જ્યારે પાંચમો આરો પૂરો થવાનો હશે ત્યારે લોકો સંપૂર્ણ રીતે ધર્મથી વિમુખ થઈ ગયાં હશે. લોકો મૂર્છિત અને મોહિત થશે; તેમની પર હિંસા ચડી બેઠી હશે. વધારે પ્રમાણમાં માંસાહારી લોકો પાકતા જશે. ત્યારે મહાસંવર્તક નામનો ભયંકર વાયરો વાશે. એનાથી રોગચાળો ફેલાશે અને લોકો ગાંડા જેવા થઈ જશે. પૃથ્વીમાંથી રસકસ ઘટીને અનાજ-પાણી બધું જ ધીમે-ધીમે ઘટતું જશે. મનુષ્યનું આયુષ્ય, દેહપ્રમાણ બધું ઘટતું જશે. પહાડો નાના થતા જશે અને નદીઓ સુકાતી જશે. પાંચમા આરાના અંતમાં આ બધું થશે.
રાજાઓ કરથી, અધિકારીઓ લાંચથી, ચોરો ચોરી કરશે, ભેળસેળ કરશે. ધોળે દિવસે ખૂન-મરકી, વ્યભિચાર, દુરાચાર, અપહરણ થશે. માત્સ્ય ન્યાય પ્રવર્તશે. માત્સ્ય ન્યાય એટલે મોટી માછલી નાની માછલીને ખાય અને નાની માછલી એનાથી નાની માછલીને ખાય. બધે એવો વ્યવહાર થઈ જશે. બળિયાના બે ભાગ થઈ જશે. શિષ્યો ગુરુની આરાધના નહીં કરે; બધા પૂર્વવિરાધક જીવો હશે. શિષ્યો વાતે-વાતે ગુરુના દોષ જોઈ નાખશે. ધર્મમાં મંદબુદ્ધિ થશે અને આળસ-પ્રમાદ થશે અને લોકો ગુરુની આજ્ઞામાં નહીં રહે. વિનયધર્મ ક્યાંય નેવે મૂકાઈ જશે.
વિનય ધર્મ વિના મોક્ષ નથી. વિનય ધર્મથી શરૂઆત છે અને પરમ વિનયથી મોક્ષ છે. આપણા હિન્દુસ્તાનમાં હાથ જોડવાથી વિનય ધર્મની શરૂઆત થાય છે. ગુરુ સાથે બહુ વિવેક વિનયથી બોલવું, ઊઠવું, બેસવું, મર્યાદામાં રહેવું, ખપ પૂરતું જ બોલવું, પૂછે એટલો જ જવાબ આપવો, વિનય સાથે ગુરુ પાસે કાયમ રહેવું–એ બધું જતું રહેશે અને ગુરુઓ પણ લોભી, લાલચુ અને પાખંડી થશે. સાસુ-વહુને સાપ અને નોળિયા જેવું વેર થશે.
લોકો સ્વાર્થી થશે, સત્ય અને શરમ વિહોણા થશે; ગમે તેટલા ગુનાઓ કર્યા છતાં સમાજમાં નિર્લજ્જ થઈને ફરશે. જેલમાં જઈને આવ્યા પછી પણ લોકોના નેતા થઈને ફરશે—એટલી બધી અંધાધૂંધી થઈ જશે. ધર્મમાં પણ ચતુર્વિધ સંઘનો ક્ષય થશે. સત્પુરુષો દુઃખી થશે અને દુર્જનો સુખી થશે. આયુષ્ય, ધન, ફળફૂલ, ઊંચાઈ, દવા-દારૂ–સારી વસ્તુઓ લુપ્ત થતી જશે અને બધું ખરાબ થશે.
મનુષ્યનું આયુષ્ય ઘટતું જશે અને કદ બે હાથ જેટલું થઈ જશે. જેમ અત્યારે, મનુષ્યનું સરેરાશ દેહપ્રમાણ સાડા પાંચ ફૂટ જેટલું છે, તે ઘટીને દોઢ-બે ફૂટ જેટલી રહી જશે. છઠ એ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ ગણાશે. છેલ્લા આચાર્ય દુઃપ્રસહસૂરિ થશે. તેઓ અઠમ તપ કરીને દેવગતિમાં જશે. જે દિવસે એમનું મૃત્યુ થશે, એ દિવસે જ સવારે ચારિત્ર, બપોરે રાજધર્મ અને સાંજે અગ્નિ, આ ત્રણ વસ્તુઓનો ઉચ્છેદ થઈ જશે. આ રીતે એકવીસ હજાર વર્ષનો દુષમકાળ થશે. મહાવીર સ્વામીએ દુષમકાળનું જે વર્ણન કર્યું છે એ આપણે બધા અત્યારે જોઈ રહ્યાં છીએ; આપણને એ અનુભવમાં આવી રહ્યું છે. ભગવાન કેવળજ્ઞાનમાં જોઈને બોલતા હોય એટલે એમણે કરેલું વર્ણન તો ક્યારેય મિથ્યા થાય નહીં એ ચોક્કસ જ હોય. આપણે જોઈ રહ્યાં છીએ કે આજે જ્યાં જોઈએ ત્યાં કેટલો ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે.
ગૌતમ સ્વામીએ મહાવીર સ્વામીને પૂછ્યું, “હવે પછીનો છઠ્ઠો આરો કેવો હશે?” ત્યારે ભગવાને કહ્યું કે છઠ્ઠો આરો પણ એકવીસ હજાર વર્ષનો હશે અને એ તો દુષમા-દુષમ હશે. દુઃખ ગુણ્યા દુઃખ એવો કાળ આવશે. પાંચમા આરાના અંતમાં ધર્મનો, મંદિરોનો અંત આવશે. કોઈ પણ સંપ્રદાયમાં ક્યાંય પણ કોઈ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા કશું જ જોવા નહીં મળે. અને છઠ્ઠા આરામાં તો કોઈ પણ જગ્યાએ ભગવાનનું કે ધર્મનું નામોનિશાન નહીં રહે. લોકોને ખાવા-પીવાના જ સાંસા થઈ જશે. મનુષ્ય પશુઓની જેમ જીવશે. મા-બાપની અને બાળકોની કોઈ વ્યવસ્થા નહીં રહે; જાનવરની જેમ જ રહેશે કારણ કે મા-બાપ પાસે બાળકોને ખવડાવવા-પીવડાવવા માટે કશું નહીં હોય. એટલે જાનવરની જેમ છ મહિનામાં બાળકો મા-બાપથી છૂટા થઈ જશે.
આખો દિવસ ખૂબ ધૂળથી ભરેલો પવન ફૂંકાતો રહેશે. વૈશ્વિક તાપમાન ખૂબ ઊંચું થશે. આપણે દરરોજ સમાચારમાં વાંચીએ જ છીએ કે આપણા વૈજ્ઞાનિકોએ નિરીક્ષણ કર્યું છે કે ગ્લોબલ ટેમ્પરેચર દર વર્ષે વધતું ને વધતું જ જાય છે. અને પરિણામે, હિમ ઓગળીને દરિયા છલકાશે, ખૂબ અતિવૃષ્ટિ થશે. સૂર્ય પ્રચંડ ગરમી આપશે અને ચંદ્ર અત્યંત ઠંડી આપશે. લોકોને બંનેમાં જબરજસ્ત સહન કરવાનું થશે; ખૂબ રોગચાળા થશે. જાનવરો પણ ખૂબ દુઃખી દુઃખી થઈ જશે. ઘાસ, ખાવાપીવાનું, ફળફૂલ, ઝાડ બધું જ ખલાસ થઈ જશે. આપણા હિન્દુસ્તાનની બે મોટામાં મોટી નદીઓ ગંગા અને સિંધુ સાવ સૂકાઈ જશે અને એક કૂદકો મારીને ઓળંગી શકાય એટલી નાનકડી રહેશે; બાકીની બીજી બધી નદીઓ સૂકાઈ જશે. હિમાલય અને એક-બે પર્વતો નાના થઈ જશે અને એ સિવાયના બધા પર્વતો સપાટ થઈ જશે.
માણસની ઉંચાઈ જ દોઢ ફૂટની થઈ જશે અને આયુષ્ય વીસ વર્ષનું થઈ જશે. લોકો ચાર વર્ષની ઉંમરે પરણશે અને નાની ઉંમરમાં જ સંતાનપ્રાપ્તિ કરશે. સ્ત્રીઓ સોળ વર્ષ જેટલું જીવશે અને પુરુષો વીસ વર્ષ જેટલું. છ વર્ષે માતા-પિતા થશે અને સોળ વર્ષે દાદા-દાદી થઈને મરી જશે.
વસ્તી ગંગા અને સિંધુ નદીની કોતરોમાં જ રહેશે કારણ કે થોડુંઘણું પાણી ત્યાંથી જ મળશે. ત્યારે કૂવા ને બધું સૂકાઈ ગયું હશે. અત્યારે ઘણી બધી જગ્યાએ વરસાદ નથી એટલે આપણે અનાવૃષ્ટિનો અનુભવ કરી જ રહ્યાં છીએ કે કૂવા-ડેમ વગેરે બધું સૂકાઈ ગયું છે. અહીં તો વરસાદ પડશે એટલે ભરાશે પણ છઠ્ઠા આરામાં તો વરસાદ જ નહીં પડે.
તિર્યંચો તો બીજસ્વરૂપે જ રહેશે; બાકી જોવા નહીં મળે. ગંગા અને જમુનાનો પ્રવાહ તો ખાલી બે રથના પૈડાં વચ્ચેનું અંતર હોય એટલો જ; કૂદકો મારીને જવાય એટલો થઈ જશે. એમાં જે કંઈ માછલાં હશે તે લોકો કાઢી-કાઢીને રેતીમાં સૂકવશે. કારણ કે પાંચમા આરાના અંતમાં અગ્નિનો તો લોપ થઈ ગયો હશે, એટલે આવી રીતે તાપમાં શેકીને ખાશે. લોકો રાત્રે ખાશે; દિવસે તો કોઈ બહાર પણ નહીં નીકળી શકે એટલી બધી ગરમી હશે અને દૂધ, દહીં, ફળફૂલ કંઈ નહીં મળે. બધું જ લુપ્ત થઈ જશે. જાનવરો પણ દેખાવા નહીં મળે.
પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં દુષ્મા દુષમનો અને દુષમનો કાળ સરખો જ રહેશે. એકવીસ હજાર વર્ષનો છઠ્ઠો આરો પૂરો થયા બાદ ઉત્સર્પિણી કાળ આવશે. ઉત્સર્પિણી કાળનો છઠ્ઠો અને પાંચમો આરો આબેહૂબ અવસર્પિણી કાળના છઠ્ઠા અને પાંચમા કાળ જેવો સરખો જ થશે પણ ઉત્સર્પિણી કાળમાં આરાનો ક્રમ ઊંધેથી શરૂ થશે. એટલે કે અવસર્પિણીમાં આરાનો ક્રમ ૧-૨-૩-૪-૫-૬ હોય અને ઉત્સર્પિણીમાં આરાનો ક્રમ ૬-૫-૪-૩-૨-૧.
અવસર્પિણી કાળના છઠ્ઠા આરા પછી એના જેવો જ ઉત્સર્પિણી કાળનો છઠ્ઠો આરો શરૂ થશે. છઠ્ઠા આરાના અંતમાં સાત દિવસ સુધી સતત બહુ સુંદર જુદા જુદા વરસાદ વરસશે. સૂકેલી ધરતી તૃપ્ત થશે. પછી ફળફૂલ, ઝાડપાન બધું થવા માંડશે. લોકોને પણ ઠંડકનો અનુભવ થશે એટલે તેઓ કોતરોમાંથી બહાર આવીને નવેસરથી જીવન જીવવાનું શરૂ કરશે. પછી ૩૫ દિવસ સુધી સળંગ વરસાદ વરસ્યા જ કરશે. એમાંથી ઔષધિઓ, અનાજ, ફળફૂલ ખાણીપીણીનું બધું જ આવશે. કલ્પવૃક્ષ આવશે. એટલે કે ખરાબ કાળ પૂરો થતો જશે અને તીર્થંકરો થશે. ત્રીજો આરો અડધો પસાર થયા પછી સાત યુગલિક કુલકરો થશે. શ્રેણિક રાજા, કે જેઓ શ્રી મહાવીર સ્વામીના પરમ ભક્ત હતા અને જેમને નર્કનો બંધ પડ્યો હતો, તેઓ સાતમા કુલકરને ત્યાં પહેલા તીર્થંકર શ્રી પદ્મનાભ પ્રભુ થશે અને બધાને મોક્ષે લઈ જશે. આ રીતે, સારા કાળની ફરીથી શરૂઆત થઈ જશે.
અત્યારે તો આપણા માટે ભયંકર ખરાબ કાળ છે અને હજી પણ એ ખરાબ ને ખરાબ જ થતો જશે; સારા કાળની આશા નથી. અત્યારે થોડા વર્ષો કંઈક પણ સારા છે અને એટલા બધા સારા છે કે આપણે ખરેખર ભક્તિ કરીને આ ભવમાં પોતાના કર્મો ખપાવીને અંદરથી ચોથા આરા જેવા થઈ જઈએ. ચોથા આરાના લક્ષણો કેવા હોય? તો જ્યાં મન-વચન-કાયાની એકતા હોય એ. અને પાંચમા આરાનું લક્ષણ શું કે જ્યાં મન-વચન-કાયાની એકતા જ ના હોય. એટલે કે, મનમાં કંઈક હોય, બોલે કંઈક અને કરે તીસરું જ! એમાંથી બહાર નીકળીને એકતાવાળા થઈ જઈએ, સમકિતી થઈ જઈએ તો આ બધામાંથી નીકળી જવાય છે. બહાર ભલે પાંચમો આરો રહ્યો પણ અંદર આપણો ચોથો આરો થઈ જાય, તો નિયમ એવો છે કે આપણો દેહ છૂટ્યા પછી જે આરો જ્યાં ચાલતો હોય ત્યાં આપણે ખેંચાઈ જઈએ.
મહાવિદેહ ક્ષેત્રમાં અત્યારે ચોથો આરો ચાલી જ રહ્યો છે. શ્રી સીમંધર સ્વામી ભગવાનની ભક્તિ કરીએ તો ત્યાં જ એમની પાસે જવાય અને એમના ચરણ-શરણમાં થઈને મહાવિદેહ ક્ષેત્ર મારફતે મોક્ષે જવાય. આ ભયંકર પાંચમા આરા પછી છઠ્ઠા આરાના ભયંકર દુઃખોમાંથી છૂટવા માટે, આત્મા જગાડી લઈએ; આત્માનું જ્ઞાન મેળવી લઈએ. જ્ઞાનીઓ એની માટે જ ઝઝૂમતા હોય છે. આપણે માત્ર તૈયારી કરવાની છે અને આ વાત સમજવાની છે, નક્કી કરવાનું છે કે મારે હવે આમાંથી છૂટવું છે. જે કંઈ ભૂલો થઈ ગઈ તેને અત્યારે બાજુએ મૂકી દઈએ. આપણે કાકરામાંથી ઘઉં થઈ જવાનું છે. આપણે જો એ ના થઈએ, તો ભયંકર ખોટ ખાઈ જઈશું. ફરી ફરી આવો મોકો નથી આવવાનો. જેમ આગળ જઈશું તેમ તો ધર્મ પણ નહીં મળે.
પરમ પૂજ્ય દાદા ભગવાને તો કહ્યું હતું કે આ કાળમાં જે વસ્તી છે, એમાંથી પંચ્યાશી ટકા જાનવરમાં જવાના છે; પંદર ટકા જ મનુષ્યમાં પાછા આવશે. આ પાંચમા આરામાં જાનવર થઈએ તો ખાવાનુંય નહીં મળે. આ ભરતક્ષેત્રમાં ફરી મનુષ્ય થવા જેવું નથી તો પછી બીજી જાનવરની તો ક્યાં વાત જ કરવી! માટે ચેતીએ અને કંઈક એવું સાધન કરી લઈએ—જ્ઞાનીઓની દૃષ્ટિ મેળવી લઈએ કે અહીંયાથી છૂટીએ અને મોક્ષના રસ્તે આગળ વધીએ, મહાવિદેહ ક્ષેત્રમાં જઈએ અને છૂટી જઈએ. વાંચકોને આટલી જ વિનંતી છે કે તમામ જ્ઞાનીઓ પાસેથી, તીર્થંકરો પાસેથી આ જ શીખવા જેવું છે.
ગૌતમ સ્વામીએ મહાવીર સ્વામીને પૂછ્યું, “ઉત્સર્પિણીના છઠ્ઠા, પાંચમા, ચોથા અને ત્રીજા આરામાં કેવું થશે?” મહાવીર સ્વામીએ બહુ સરસ જવાબ આપ્યો કે હવે આવનારા ઉત્સર્પિણી કાળમાં એટલે કે ચોથા આરાના અંતમાં પહેલા તીર્થંકર શ્રેણિક મહારાજા થશે. જેવી રીતે આ કાળમાં ચોથા આરાના અંતમાં મહાવીર સ્વામી અંતિમ તીર્થંકર થયા, એવી જ રીતે ઉત્સર્પિણી કાળમાં પહેલા તીર્થંકર પદ્મનાભ સ્વામી થશે. જેમ ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની જેમ ઉત્સર્પિણી કાળમાં બીજા ક્રમના તીર્થંકર ભગવાનનું થશે. અવસર્પિણીના એકથી ચોવીસ તીર્થંકર જેવું જ ઉત્સર્પિણીના તીર્થંકરોનું થશે, પણ ઊંધા ક્રમમાં. ઉત્સર્પિણીના પ્રથમ તીર્થંકર શ્રેણિક રાજા થવાના છે. એમનું નામ પદ્મનાભ હશે. એમનું આયુષ્ય, શરીર, ગણધરો, પાંચે પાંચ કલ્યાણકો, એમનો પરિવાર, ચતુર્વિધ સંઘ બધું ભગવાન મહાવીરનું હતું એવું જ આબેહૂબ થવાનું છે. ને બાકીના બધાના તીર્થંકરોનું પણ એવું જ થવાનું છે. મહાવીર સ્વામીએ ચોવીસે તીર્થંકરોના નામ આપ્યાં છે તથા કોનો જીવ ક્યાં થઈને કેવી રીતે આવશે એ બધું વર્ણન મહાવીર સ્વામીએ કરેલું છે. જેથી કરીને કોઈને ગેરસમજ ના થાય. ગોશાળાની જેમ કોઈ કહે કે હું પણ તીર્થંકર છું, તો કોઈ ગેરમાર્ગે ના દોરવાય એ માટે ભગવાને નામ અને આગળ-પાછળના ભવોની માહિતી સાથેની વાત કરી છે.
અનાગત (આવતી) ચોવીસીના તીર્થંકર ભગવાનના નામ નીચે મુજબ છે:
૧) શ્રેણિક મહારાજાનો જીવ નર્કગતિનું આયુષ્ય પૂરું કરીને આવતી ચોવીસીના ચોથા આરાના અંતિમ કાળમાં પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભ સ્વામી થશે.
૨) સુપાર્શ્વનો જીવ શ્રી સુરદેવ સ્વામી નામના બીજા તીર્થંકર થશે.
૩) શ્રી સુપાર્શ્વનાથ નામના ત્રીજા તીર્થંકર થશે
૪) શ્રી સ્વયંપ્રભ નામના ચોથા તીર્થંકર થશે.
૫) શ્રી સર્વાનુભૂતિ નામના પાંચમા તીર્થંકર થશે.
૬) શ્રી દેવશ્રુત નામના છઠ્ઠા તીર્થંકર થશે.
૭) શ્રી ઉદય નામના સાતમા તીર્થંકર થશે.
૮) શ્રી પેઢાળનાથ નામના આઠમા તીર્થંકર થશે.
૯) શ્રી પોટિલ નામના નવમા તીર્થંકર થશે.
૧૦) શ્રી શતકીર્તિ નામના દસમા તીર્થંકર તરીકે થશે.
૧૧) શ્રી સુવ્રતનાથ નામના અગિયારમા તીર્થંકર તરીકે થશે.
૧૨) વાસુદેવ શ્રીકૃષ્ણ ભગવાનનો જીવ આવતી ચોવીસીમા શ્રી અમમ નામના બારમા તીર્થંકર તરીકે થશે.
૧૩) શ્રી અકષાયનાથ નામના તેરમા તીર્થંકર થશે.
૧૪) શ્રી નિષ્પુલા નામના ચૌદમા તીર્થંકર તરીકે થશે.
૧૫) શ્રી નિર્મમ નામના પંદરમા તીર્થંકર થશે.
૧૬) શ્રી ચિત્રગુપ્ત નામના સોળમા તીર્થંકર થશે.
૧૭) શ્રી સમાધિનાથ નામના સત્તરમા તીર્થંકર તરીકે થશે.
૧૮) શ્રી સંવરનાથ નામના અઢારમા તીર્થંકર થશે.
૧૯) દ્વૈપાયનનો જીવ શ્રી યશોધરા નામના ઓગણીસમા તીર્થંકર તરીકે થશે.
૨૦) કર્ણનો જીવ શ્રી વિજય નામના વીસમા તીર્થંકર તરીકે થશે.
૨૧) નારદનો જીવ શ્રી મલ્લનાથ નામના એકવીસમા તીર્થંકર તરીકે થશે.
૨૨) અંબડ શ્રાવકનો જીવ શ્રી દેવ નામના બાવીસમા તીર્થંકર તરીકે થશે.
૨૩) બારમા ચક્રવર્તી બ્રહ્મદત્ત શ્રી અનંતવીર્ય નામના ત્રેવીસમા તીર્થંકર તરીકે થશે.
૨૪) સ્વાતિનો જીવ શ્રી ભદ્રકૃત નામના ચોવીસમા તીર્થંકર તરીકે થશે.
મહાવીર સ્વામીએ ચોવીસ તીર્થંકરો, બાર ચક્રવર્તી, નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ અને નવ બળદેવ એમ ત્રેસઠ શલાકા પુરુષોના નામનું વર્ણન કર્યું હતું જે આપની પાસે શાસ્ત્રોમાં બધે જ છે. એના આધારે આપણે ભરતક્ષેત્રમાં આવતી ચોવીસીમાં મોક્ષ પામી શકીએ એમ છીએ પણ આપણે એટલી બધી રાહ જોવા જેવી નથી; એટલું લાંબુ કરવા જેવું નથી. અહીંથી સીધા મહાવિદેહ ક્ષેત્રમાં થઈને મોક્ષે જઈ શકાય એવો શોર્ટકટ લેવા જેવો છે. કારણ કે અત્યારે ભયંકર દુષમકાળ ચાલી રહ્યો છે અને હજી આગળ દુષમા-દુષમકાળ આવશે. પછી ફરી ઉત્સર્પિણી કાળનો દુષમા-દુષમ અને દુષમકાળ આવશે. માટે, સુષમ કાળ આવતાં સુધી આપણો જીવ ક્યાંનો ક્યાં અટવાઈ જશે! માટે એટલી રાહ જોઈને પ્રમાદ કરવા જેવો નથી. અત્યારે, આ જ ભવમાં સમકિત પ્રાપ્ત કરીને મોક્ષનો સિક્કો મેળવી લેવા જેવો છે.
ભગવાન મહાવીર પાસેથી એમના નવ શ્રાવકોએ તીર્થંકર ગોત્ર બાંધ્યું છે. ભગવાન મહાવીર પાસેથી જ્ઞાન પામ્યા, એમાંથી ઘણા બધા મોક્ષે જવાના છે.
ભગવાનની અંતિમ દેશના જબરજસ્ત હતી. એમની દેશના સાંભળતા જ બધાંના હૃદય ખૂબ દ્રવી ગયાં. ભગવાન મહાવીરે અવિરત કરુણા કરીને લોકોને બહુ જ બોધ આપ્યો. છેલ્લે છેલ્લે પણ લોકોના હૃદયના કિંવાડ ખુલી જાય અને કંઈક આ સમકિત તરફ વળી જાય એટલા માટે ભગવાન દિલ ખોલીને જે કોઈ પણ ના કરી શકે એવું રાત-દિવસ બોંતેર કલાક સુધી અવિરત દેશના આપ્યા જ કરી. એ દેશનાનું કેવું જબરજસ્ત પરિણામ હશે કે દેશના સાંભળીને કેટલાય રાજાઓએ દીક્ષા લઈ લીધી; કેટલા બધા ત્યારે ને ત્યારે પ્રભુના શ્રાવક-શ્રાવિકા થઈ ગયા. લોકોને તો કંઈ ખબર નહોતી કે આ ભગવાનની છેલ્લી દેશના હતી. ફક્ત દેવોને અને કેવળીઓને જ ખબર હતી. બાકી તો કોઈને ખબર ના પડે અને એ વાત કોઈ કરે પણ નહીં. લોકો પામે એમ કરીને ભગવાને કરુણાનો ધોધ વરસાદ વરસાવ્યો; બોંતેર કલાક સુધી નિરંતર દેશના આપી.
મહાવીર સ્વામી, વિહાર વખતે, રાજગીરી નજીક પાવાપુરી (બિહાર) પહોંચ્યા. તેમની અંતિમ દેશના ૭૨ કલાક અવિરત ચાલી! આ કાળચક્રના લોકો માટે મુક્તિ પામવાની આ છેલ્લી તક હતી. તેથી, ઘણા રાજાઓએ દીક્ષા લીધી અને અસંખ્ય લોકોએ શ્રાવક અને શ્રાવિકા ધર્મ અંગિકાર કર્યો. આ જ સમયમાં, ભગવાને ગૌતમ સ્વામીને પડોશના શહેરમાં જવાનું અને બ્રાહ્મણને સાક્ષાત્કાર કરાવી દેવાનું કામ સોંપ્યું.
અંતે, ભગવાને શૈલેષીકરણ ક્રિયા કરી અને ૭૨ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધો. ભગવાનનું નિર્વાણ થયું અને સિધ્ધક્ષેત્રમાં ગયા! દેવ ભગવંતો અંતિમ ક્રિયાઓ કરવા આવ્યા અને ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણકની ઉજવણી કરી.

આ સમાચાર સાંભળીને, આખા વિશ્વમાં અંધકાર છવાઇ ગયો. માટે, લોકોએ તેમના ભગવાનની ઝાંખી મેળવવા માટે દીવાઓ પ્રગટાવ્યા! આ ક્રિયા આજે પણ આ યુગના છેલ્લા તીર્થંકરની – મહાવીર સ્વામી, આપણા તારણહાર, જેમના શાસનમાં આપણો જન્મ થયો તેમની યાદમાં કરવામાં આવે છે. આપણે આ પ્રસંગને ‘દિવાળી’ તરીકે ઉજવીએ છીએ!
પાછા ફરતી વખતે, ગૌતમ સ્વામીએ જાણ્યું કે તેમના વ્હાલા ભગવાનને નિર્વાણ પ્રાપ્ત થયું છે. ગૌતમ સ્વામી, જેમને ભગવાન પ્રત્યે અત્યંત રાગ હતો, તેઓ આ સમાચાર સાંભળીને ચોંકી ગયા. તેઓ આ વાત માની શકતા જ ન હતા. તેઓ એ સમજવામાં નિષ્ફળ ગયા કે, “આવું બનવાનું હશે તેની ભગવાનને ક્યારે ખબર પડી હશે, શા માટે તેઓએ મને દૂર મોકલી દીધો?” તેમને ભારે આઘાત લાગ્યો. જો કે, તે જ વખતે, તેઓને ભાન થયું અને તેમના રાગનું બંધન અને મૂર્ખતા તૂટી ગઇ અને તેઓને પણ, કેવળજ્ઞાન થઈ ગયું! તેમણે ભગવાન દ્વારા અપાયેલ જગત કલ્યાણનું કામ બીજા ૧૨ વર્ષ શરૂ જ રાખ્યું અને અંતે મોક્ષે ગયા.

આજના સમયમાં, મહાવીર સ્વામીની જીવન કથા આપણા બધા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે! આ કથાઆપણને તેમના જેવા, અહિંસક અને બધા બંધનોમાંથી સંપૂર્ણપણે મુક્ત થવાનો ધ્યેય નક્કી કરવા માટે પ્રેરણા આપે છે. તેમની કથાનું વર્ણન કરવા માટેનો મુખ્ય ઉદ્દેશ એ જ છે. આ કુદરતી નિયમ છે : જે ગુણોની આપણે ભજના કરીએ તે આપણામાં પણ ખીલી ઊઠે છે. મહાપુરૂષોની કથા વાંચવા પાછળનો હેતુ જ આ છે. ભગવાન મહાવીરની કથા એ તીર્થંકરની કથા છે, જે આ વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે!
subscribe your email for our latest news and events
