
શ્રી મહાવીર ભગવાનના શાસનમાં થયેલા મગધ દેશના શ્રેણિક રાજા અને એમના પુત્ર કુણિક વચ્ચે પૂર્વભવનું ભયંકર વેર હતું. શ્રેણિક રાજાને કુણિક વેરવી હોવાની બધી ખબર હતી, છતાં એમને કુણિક પ્રત્યે ખૂબ જ વહાલ હતું. આગળ, શ્રેણિક રાજાના અન્ય પુત્રો મેઘકુમાર અને નંદીષેણ કુમારનો પરિચય મેળવીએ.
મગધ દેશમાં રાજગૃહી નગરી એ શ્રેણિક મહારાજાની રાજધાની હતી. અત્યારે પણ જૈનોમાં રાજગૃહી તીર્થક્ષેત્ર બહુ પ્રખ્યાત છે. ત્યાં પાંચ પહાડો આવેલા છે અને કહેવાય છે કે ભગવાન મહાવીરે રાજગૃહી નગરીમાં સૌથી વધુ ચોમાસાં કર્યા હતા. એમનો બહુ લાંબો કાળ એ નગરીમાં પસાર થયો હતો. એ કાળમાં, રાજગૃહી નગરીમાં અવારનવાર આવીને ભગવાન મહાવીરે ત્યાંના લોકોને ખૂબ લાભ આપ્યો હતો.
એક વખત જ્યારે ભગવાન મહાવીર રાજગૃહી નગરીમાં આવ્યા ત્યારે શ્રેણિક રાજા અને ચેલણા રાણી એમના દર્શન કરવા ગયાં. શ્રેણિક રાજાએ ભગવાન મહાવીરને જે રીતે અત્યંત ભાવપૂર્વક વંદના કરી એનાથી એમને સમકિત પ્રાપ્ત થયું હતું. એ પછી જ્યારે પણ સમય મળતો ત્યારે શ્રેણિક રાજા ભગવાન મહાવીરના દર્શનનો અચૂક લાભ લેતા હતા.
એક વખત ચેલણા રાણી, પોતાના કુંવર અભયકુમાર, મેઘકુમાર અને આખા કુટુંબ સહિત ભગવાન મહાવીરને વાંદવા ગયાં. ત્યાં ભગવાન પાસે અભયકુમારે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો અને મેઘકુમારને ભગવાન પાસે દીક્ષા લેવાના ખૂબ જ ભાવ જાગ્યા. એમનો દીક્ષા માટેનો એકદમ જ ઉછાળો જોતાં શ્રેણિક રાજાએ એમને ના પાડી અને કહ્યું, “તું ઉતાવળ ના કર! આ ખાલી તારા ઉછાળા છે. તું આ દીક્ષાને નહીં પહોંચી વળે.” પણ એ સમયે મેઘકુમારને ખૂબ જ દૃઢ ભાવ જાગ્યો હોવાથી એમણે રાજાની વાતને નકારી કાઢી. આગળ જઈને ભગવાન મહાવીરે પણ મેઘકુમારને સમજાવ્યું કે, “હજુ તમારો દીક્ષા લેવાનો સમય પાક્યો નથી.” તો પણ મેઘકુમાર માન્યા નહીં. બધા દેવોએ પણ મેઘકુમારને વિનંતી કરી કે, “આપ હજુ આટલી ઉતાવળ ના કરશો; હજુ આપનું ભોગાવલી કર્મ બાકી છે. એ કર્મ પૂરું કર્યા વગર આપને છોડશે નહીં.” છતાં પણ મેઘકુમારને તો બહુ મક્કમ ભાવ જાગ્યા હતા. તેઓ કોઈ પણ રીતે માન્યા નહીં અને અંતે એમણે ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી.
દીક્ષા લીધા પછી મેઘકુમાર પોતાના ગુરુ અને સહાધ્યાયીઓ સાથે રહેવાનું શરૂ કર્યું. મેઘકુમારે છેલ્લે દીક્ષા લીધી હોવાના કારણે એ એમના સહાધ્યાયીઓથી સૌથી નાના હતા. એટલે બારણા પાસેની સૌથી છેલ્લી પથારી એમને મળી હતી. દીક્ષા લીધા પછી પદની વરિષ્ઠતા પ્રમાણે એટલે કે, જેમ જેમ વરિષ્ઠ થાય એમ એમ, વ્યક્તિને ઊંચું સ્થાન અને સગવડો મળતી અને જેમણે એકદમ નવી જ દીક્ષા લીધી હોય એમને સગવડ મળતાં વાર લાગે એવું હતું. દીક્ષા લીધા પછી રાજકુમાર હોય કે સાવ ગરીબનો પુત્ર હોય, કોઈ પણ નાત-જાત, મોટો-નાનો, ગરીબ-શ્રીમંત એવું કશું જ જોવામાં આવતું નથી. બધા વરિષ્ઠતા પ્રમાણે ગણાય છે. સૌથી નાના હોવાથી મેઘકુમારને હરોળમાં સૂવાનું આવતાં આખી રાત એમને પગે વરિષ્ઠ એવા સાધુજનોની આવજાથી વાગતું રહેતું હતું. રાજમહેલના વૈભવી સુખો ત્યજીને દીક્ષા લીધા બાદ તેઓ સાદડી જેવા સંથારામાં સૂતા હતા. પરંતુ એમને આવું ફાવ્યું નહીં અને છેવટે આ બધાથી કંટાળીને પોતાના રાજમહેલના સુખો યાદ આવ્યા. એમણે નક્કી કર્યું કે, “કાલે તો હું ભગવાન પાસે જઈને માફી માંગીશ. એમની આજ્ઞા લઈશ કે મને પાછા મહેલમાં જવાની આજ્ઞા આપો અને હું દીક્ષા છોડી દઈશ.”
ખૂબ વિચારીને સમજણથી વૈરાગ આવે તો કામનું. બાકી બહારની ચમકદમક જોઈને ઉછાળા આવે એનો કશો અર્થ નથી. મેઘકુમારને થયું, “જે વ્યક્તિ શ્રીમંત, સત્તાધારી અને વૈભવશાળી હોય એ જ પૂજાય; બાકી બીજા કોઈનું તો સ્થાન જ નથી. હું વૈભવ વગરનો થઈ ગયો; બધું છોડીને આવ્યો એટલે જ મને લાતો ખાવાની આવી. હું તો પાછો જતો રહું છું અને પાછા મારા રાજમહેલમાં જઈને પાછો વૈભવશાળી થઉં છું.” મેઘકુમારને અંદર વૈરાગ ઊતરી ગયો અને તેમણે જેમતેમ કરીને રાત પસાર કરી. સવારે ઊઠીને સૌથી પહેલાં તેઓ ભગવાન પાસે ગયા અને ભગવાનને કહ્યું, “દીક્ષા મારાથી પાળી શકાય એમ નથી. મારે તો રાજમહેલમાં પાછું જવું છે.” ભગવાને કેવળજ્ઞાનમાં જોઈને મેઘકુમારના પૂર્વભવની વાત કરી.
પૂર્વભવમાં મેઘકુમાર એક જંગલના જબરજસ્ત શક્તિશાળી હાથી હતા. એ જંગલમાં એક દિવસ જબરજસ્ત દાવાનળ ફાટી નીકળ્યો. આખું જંગલ બળી ગયું હતું. જ્વાળા ધીરે ધીરે મોટી થતી હતી અને બધા પ્રાણીઓએ બચવા માટે દોડાદોડ કરતા હતા. આ હાથી પણ પોતે દોડી દોડીને તળાવ પાસે ગયો. બે દિવસથી સતત દોડવાથી હાથી એકદમ ભૂખ્યો-તરસ્યો અને હેરાન થઈ ગયો હતો. પછી અગ્નિથી બચવા હાથીએ એક સુરક્ષિત જગ્યા જોઈ અને ત્યાં આવીને ઊભો રહ્યો. ત્યાં નાનાં-મોટાં પ્રાણીઓ અને પક્ષીઓ પણ પોતાનો જીવ બચાવવા હાથી પાસે દોડતાં આવ્યાં. એટલામાં જે સુરક્ષિત જગ્યા પર એ હાથી ઊભો હતો ત્યાં એના પગમાં ખંજવાળ આવતાં એણે પોતાનો એક પગ ઊંચો કરીને બીજા પગે ખંજવાળવા ગયો. એટલામાં એક નાનકડું સસલું હતું એ ભય પામીને દાવાનળથી બચવા ગભરાઈને હાથીની પાસે આવ્યું અને હાથીએ જે પગ ઊંચો કર્યો હતો એની નીચે ઊભા રહીને એણે આશ્રય લીધો. બહુ ખીચોખીચ અને નાનકડી જગ્યામાં બધા પ્રાણીઓ ભરાયેલા હતા. જેવો હાથી પોતાનો પગ ખંજવાળીને નીચે મૂકવા ગયો ત્યારે એને ખ્યાલ આવ્યો કે એના પગ નીચે તો સસલું હતું. પછી એને દયા આવી કે જો સસલા પર પગ પડશે તો સસલું મરી જશે. એટલે જીવદયા અને અહિંસા એના હૃદયમાં હોવાથી એણે પોતાનો પગ નીચે મૂક્યો જ નહીં અને પોતે અઢી દિવસ સુધી ત્રણ પગ ઉપર ઊભો રહ્યો અને ચોથો પગ અધ્ધર રાખ્યો.
જ્યારે દાવાનળ શમ્યો ત્યારે બધા પ્રાણીઓ ધીમે ધીમે વિખેરાઈ ગયાં અને હાથી તરસ્યો હોવાથી પોતાનો પગ નીચે મૂકીને પાણી પીવા તળાવના કિનારે જવા ગયો. પણ અઢી દિવસ સુધી ત્રણ પગ પર ઊભા રહીને એ અતિશય અશકત થઈ ગયો હતો. એનાથી વધુ ચલાતું નહોતું. ચાલતાં ચાલતાં એ રસ્તામાં પડી ગયો. ભૂખ અને તરસમાં એના પ્રાણ નીકળી ગયા. પણ અંદર જીવ બચાવવાની ભાવના હતી એ ભાવનાના આધારે એનો આવતો ભવ શ્રેણિક મહારાજાના પુત્ર મેઘકુમાર તરીકે થયો.
આવી રીતે ભગવાને મેઘકુમારને એમના પાછલા ભવ વિશે કહીને બહુ સમજાવ્યું કે, “તું કેટલું તપ કરીને આવ્યો છું. હવે આ મનુષ્યભવ મળ્યો છે મોક્ષે જવા માટે. મોક્ષે જવા માટેની તારી લિંક શરૂ થાય છે. એમાં તું શું કામ પાછો પડે છે? તેં સસલાને બચાવવા માટે આટલું બધું તપ કર્યું છે, તો એની સામે આ બધા મુનિઓના પગ તને અડે એનો શું હિસાબ?” મેઘકુમારને પછી હિંમત આવી અને થયું, “મહાપરાણે હું હાથીમાંથી મનુષ્ય થયો છું અને મોક્ષે જવા માટે લાયક થયો છું. તો હવે, હું શા માટે આ ગુમાવું?” મેઘકુમારે મુનિનું ચારિત્ર જાળવી રાખ્યું અને બધા કષ્ટો સહન કરીને ખૂબ દૃઢ મનોબળવાળા થયા અને વિહાર કરતા ગયા. ભગવાનની દેશના સાંભળીને મેઘકુમારમાં જબરજસ્ત સંયમ ધારણ થયો. મેઘકુમારે જબરજસ્ત સંયમ પાળ્યો અને પોતાનું આયુષ્યકર્મ પૂરું કરીને દેવગતિમાં ગયા. દેવગતિમાંથી એમનો પછીનો ભવ મહાવિદેહ ક્ષેત્રે થશે અને પછી તેઓ મોક્ષ પામશે.
શ્રેણિક રાજાના અન્ય એક રાજકુંવરનું નામ નંદીષેણ હતું. એમને પણ દીક્ષા લેવાની ખૂબ ઈચ્છા હતી. બધા દેવતાઓએ અને ભગવાન મહાવીરે પણ એમને વાર્યા અને કહ્યું, “ના, તારે ભોગાવલી કર્મ બાકી છે; તું અત્યારે ઉતાવળ ના કરીશ. તું કોઈ રીતે આ દીક્ષા પાળી શકવાનો જ નથી.” પણ નંદીષેણ કુમારને દીક્ષા લેવા માટેનો એકદમ ઉછાળો આવતાં એમણે દીક્ષા લઈ જ લીધી. તપ કરતાં કરતાં તેઓ દેહદમન કરીને અને વિષયોને ગૂંગળાવીને સંયમમાર્ગમાં આગળ વધ્યા.
એક વખત એવું બન્યું કે નંદીષેણ મુનિ એક ગામમાં વેશ્યાને ત્યાં ભિક્ષા માટે ગયા. નંદીષેણ મુનિ પોતે એક રાજકુંવર હોવાથી અત્યંત રૂપવાન હતા. એમને જોઈને વેશ્યા મોહિત થઈ ગઈ. વેશ્યાએ નંદીષેણ મુનિને ભિક્ષા આપતાં પહેલાં ટોણો માર્યો. જેવું નંદીષેણ મુનિએ કહ્યું “ધર્મલાભ” ત્યારે સામે વેશ્યાએ કહ્યું, “મારે ધર્મલાભ નહીં, મારે તો ધનલાભ જોઈએ છે. મને ધન આપો. ધર્મલાભનું મારે શું કામ?”
એક રાજાના કુંવર હોવાથી આવું સાંભળીને જ નંદીષેણ મુનિનો અહંકાર છંછેડાઈ ગયો. રાજા એટલે ક્ષત્રિય; તેઓ ભારે અહંકાર લઈને આવ્યા હોય. નંદીષેણ મુનિએ પોતાની શક્તિ પ્રદર્શિત કરી. એમણે એક તણખલું લીધું અને તોડી નાખ્યું. જેવું એમને તણખલું તોડ્યું એવું એમાંથી રત્નો અને હીરાનો ઢગલો થઈ ગયો. નંદીષેણ મુનિએ તપ કરીને જે સિદ્ધિઓ મેળવી હતી તે આમ તણખલાની જેમ તોડીને વાપરી કાઢી. પછી ક્રોધમાં ને ક્રોધમાં તેઓ પાછા વળીને જતા રહ્યા. નંદીષેણ મુનિનો વૈભવ અને એમના દ્વારા આવેલા રત્નો જોઈ પેલી વેશ્યા એમની પાછળ પાછળ ગઈ. વેશ્યા નંદીષેણ મુનિને રીઝવવા એમના પગમાં પડી અને રડવાના પણ ખૂબ નાટક કર્યા. એમના સાથે વિવાહની માંગણી કરી અને કહ્યું, “તમારા વગર હું નહીં રહી શકું. જો આપ મને મૂકીને જતા રહેશો તો હું આપઘાત કરીને મરી જઈશ.” ભોળા એવા નંદીષેણ મુનિ વેશ્યાની આપઘાતની વાત સાંભળતાં જ ગભરાઈ ગયા. એમને થયું કે વેશ્યાને કેમનું દુઃખ અપાય. આવી રીતે નંદીષેણ મુનિ એક વેશ્યા પાછળ ફસાયા. અંતે તો તેઓ વેશ્યા સાથે રહેવા તૈયાર થઈ ગયા અને પોતાનું ભોગાવલી કર્મ પૂરું કર્યું. આ રીતે ભગવાને અને દેવોએ એમને જોઈ જેવું કહ્યું હતું એવું જ થઈને ઊભું રહ્યું.
વેશ્યા સાથેના સંબંધથી નંદીષેણ મુનિનું વ્રતભંગ થયું. વ્રતભંગનો બહુ ભયંકર દોષ લાગે છે. જો આપણે વ્રત લઈએ તો પછી એને પૂરેપૂરું પાળવું અને જો ના પળાય એવું હોય તો ના લેવું. જો વ્રતભંગ થઈ જાય તો બહુ મોટું પ્રાયશ્ચિત્ત, પ્રતિક્રમણ અને પશ્ચાત્તાપ કરીને એણે ધોવું પડે છે. તો એમાંથી કંઈક કર્મ હળવું થાય; નહીં તો બહુ ભયંકર દોષ બંધાય છે અને અધોગતિમાં જવું પડે છે. વ્રત માટે બહુ જાગૃત રહેવું પડે.
નંદીષેણ મુનિ ભોગ-વિલાસમાં વેશ્યા સાથે પરણ્યા પણ એમણે પોતે એક નિયમ નક્કી કર્યો કે, “ભલે મેં વ્રતભંગ કર્યો પણ હું અભિગ્રહ લઉં છું કે દરરોજ દસ જણને બોધ આપીને ભગવાન મહાવીર પાસે દીક્ષા લેવા મોકલીશ. જે દિવસે દસ નહીં થાય તો તે દિવસે હું જાતે દીક્ષા લઈ લઈશ.” તેઓ દરરોજ દસ જણને સમજાવીને, તૈયાર કરીને ભગવાન મહાવીર પાસે દીક્ષા લેવા મોકલતા. આવો નિયમ એમનો ઘણા વખત સુધી ચાલ્યો. દસ જણને પ્રતિબોધ આપીને આત્મધર્મ તરફ, મોક્ષમાર્ગ તરફ વાળવા એ બહુ જબરજસ્ત કાર્ય કહેવાય. શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ એમના વચનામૃતમાં સરસ કહ્યું છે, “વાણી દ્વારા સંસાર તરફ જે ભટકતો જીવ છે એને સમજાવીને મોક્ષ તરફ વાળે એ તીર્થંકર ગોત્ર બાંધે છે.”
ઘણો સમય વીતતાં, એક દિવસ એવું બન્યું કે નંદીષેણ મુનિએ નવ વ્યક્તિઓને તૈયાર કર્યા પણ દસમી વ્યક્તિ, જે એક સોની હતો, તે ઘણું સમજાવ્યા છતાં માનતો નહોતો. બીજી બાજુ વેશ્યા રસોઈ કરીને વારંવાર નંદીષેણ મુનિને જમવા માટે બોલાવતી હતી. પરંતુ જ્યાં સુધી દસમી વ્યક્તિ તૈયાર ન થાય ત્યાં સુધી નંદીષેણ મુનિને પોતાના અભિગ્રહ પ્રમાણે જમી શકાય એમ નહોતું. પછી વેશ્યાએ ફરી બીજી વાર રસોઈ કરી, તો પણ કંઈ વળ્યું નહીં. અંતે વેશ્યાએ જાતે આવીને કહ્યું, “તમે ચાલો! રસોઈ ઠરી ગઈ છે. મેં ફરી વાર બનાવી!” ત્યારે સામે નંદીષેણ મુનિએ કહ્યું, “તો શું કરું? મારો તો નિયમ જ છે કે દસ વ્યક્તિ ના થાય ત્યાં સુધી મારાથી જમાય નહીં.” વેશ્યાએ કહ્યું, “તમે બેસી જાઓ દસમા વ્યક્તિ તરીકે.” આ સાંભળી નંદીષેણ મુનિને ખરેખર વૈરાગ આવ્યો અને ભગવાન મહાવીર પાસે ગયા. દસમા વ્યક્તિ તરીકે એમણે મોટું પ્રાયશ્ચિત કરીને ફરી દીક્ષા ગ્રહણ કરી. ભગવાન પાસે ખૂબ આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કર્યાં. સામે ભગવાન તો કરુણાના સાગર હતા. જ્ઞાનીઓને અને તીર્થંકરોને તો ક્ષમા આપવાની જ ન હોય એમને સહજ ક્ષમા વર્તાતી હોય. ભગવાને જોયું કે નંદીષેણ મુનિનું ભોગાવલી કર્મ હતું એ એમણે પૂરું કર્યું. એમાં ક્યાં એમનો દોષ હતો!
ભગવાન તો સંપૂર્ણ રીતે શુદ્ધ થયા હોવાથી એમને આરપાર આખું જગત જ નિર્દોષ દેખાય. કારણ કે એમની પાસે આ દૃષ્ટિ હોય છે, પહેલાં તેઓ પોતે નિર્દોષ થાય છે અને આખા જગતને નિર્દોષ જોવાની દૃષ્ટિ કેળવે છે. જગતમાં કોઈ દોષિત છે જ નહીં, આ મોટામાં મોટો સિદ્ધાંત છે! આપણને આપણામાં જ રહેલા દોષોને કારણે સામો દોષિત લાગે છે. છેલ્લામાં છેલ્લી દૃષ્ટિ આખા જગતને નિર્દોષ જોવાની છે. બધાને આત્મસ્વરૂપે જોઈએ તો આખું જગત નિર્દોષ જ છે. આખું જગત નિર્દોષ દેખાય, કોઈ દોષિત ના દેખાય એ છેલ્લામાં છેલ્લી જાગૃતિ છે. અને ત્યારે પોતે પણ સંપૂર્ણ નિર્દોષ થયા હોય, સંપૂર્ણ ચોખ્ખા, શુદ્ધ, પ્યોર થયા હોય; નહીં તો આ દોષ જોવાની દૃષ્ટિ જાય એવી નથી. ક્યારેય કોઈનો દોષ ના દેખાય એવી દશા આવે ત્યારે આપણે ભગવાન મહાવીર જેવા થઈ શકીએ.
નંદીષેણ મુનિ ખૂબ તપ કરીને, ભગવાન મહાવીરની નિશ્રામાં રહીને છેવટે દેવગતિ પામ્યા. આગળ, શ્રેણિક રાજા અને દુર્ગંધા રાણીનો વૃત્તાંત વાંચીએ.
subscribe your email for our latest news and events
