શ્રી સીમંધર સ્વામી જીવંત તીર્થંકર ભગવાન છે, તેઓ મહાવિદેહ ક્ષેત્ર નામની જુદી દુનિયામાં અત્યારે હાજર છે. સીમંધર સ્વામી ભગવાનને ઓળખી, તેમની ભક્તિ કરવાથી, તેમનું શરણું પ્રાપ્ત કરવાથી કલ્યાણ થાય.
આપણા ભારત વર્ષની ઈશાન દિશામાં કરોડો કિલોમીટરના અંતરે જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રની શરૂઆત થાય છે. તેમાં ૩૨ વિજયો (ક્ષેત્રો) છે. આ વિજયોમાં આઠમી વિજય ‘પુષ્પકલાવતી’ છે. તેનું પાટનગર શ્રી પુંડરિકગિરી છે, જેમાં શ્રી સીમંધર સ્વામી વિચરી રહ્યા છે.
ચોવીસીના સત્તરમા તીર્થંકર શ્રી કુંથુનાથ ભગવાનનો શાસનકાળ તથા અઢારમા તીર્થંકર શ્રી અરનાથના જન્મ પૂર્વેના સમયમાં શ્રી સીમંધર સ્વામી ભગવાનનો જન્મ થયો હતો. તેમના પિતા શ્રી શ્રેયાંસ પુંડરિકગિરી નગરીના રાજા હતા. ભગવાનની માતાનું નામ સાત્યકી હતું.
યથાસમયે મહારાણી સાત્યકીએ ચૈત્ર વદી ૧૦ની મધ્યરાત્રિના અદ્વિતીય રૂપ-લાવણ્યવાળા, સર્વાંગ સુંદર, સુવર્ણ કાંતિવાળા તથા વૃષભના લાંછનવાળા પુત્રને જન્મ આપ્યો. બાળ જિનેશ્વર કે જે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન તથા અવધિજ્ઞાન સાથે જ જન્મ્યા હતા. તેમનું દેહમાન પાંચસો ધનુષ જેટલું છે. રાજકુમારી શ્રી રુક્મિણી પ્રભુના અર્ધાંગના બનવા માટે પરમ સૌભાગ્યશાળી બન્યાં હતાં.
ભરતક્ષેત્રમાં વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામી તથા એકવીસમા તીર્થંકર શ્રી નેમિનાથજીના પ્રાગટ્ય કાળની વચ્ચે, અયોધ્યામાં રાજા દશરથના શાસનકાળ દરમિયાન તથા રામચંદ્રજીના જન્મ પૂર્વે શ્રી સીમંધર સ્વામીએ મહાભિનિષ્ક્રમણના ઉદયયોગે ફાગણ સુદી ત્રીજના દિવસે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા અંગીકાર કરતાં જ તેમને ચોથું મનઃપર્યવ જ્ઞાન લાધ્યું. દોષકર્મોની નિર્જરા થતાં હજાર વર્ષના છદ્મસ્થકાળ પછી બાકીનાં ચાર ઘાતી કર્મોનો ક્ષય કરીને ચૈત્ર સુદી તેરસના દિવસે ભગવાન કેવળજ્ઞાની તથા કેવળદર્શની બન્યા.
શ્રી સીમંધર સ્વામી અત્યારે પોણા બે લાખ વર્ષની ઉંમરના છે અને હજુ સવા લાખ વર્ષ રહેવાના છે. સીમંધર સ્વામી તથા અન્ય ઓગણીસ વિહરમાન તીર્થંકર ભગવંતો શ્રાવણ સુદી ૩ના અલૌકિક દિવસે ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય પૂરું કરી નિર્વાણપદને પામશે.
શ્રી સીમંધર સ્વામી પ્રભુના કલ્યાણ યજ્ઞના નિમિત્તોમાં ચોર્યાસી ગણધરો, દસ લાખ કેવળજ્ઞાની મહારાજાઓ, સો કરોડ સાધુઓ, સો કરોડ સાધ્વીજીઓ, નવસો કરોડ શ્રાવકો ને નવસો કરોડ શ્રાવિકાઓ છે. તેઓશ્રીના શાસન રક્ષકોમાં યક્ષદેવ શ્રી ચાંદ્રાયણદેવ તથા યક્ષિણીદેવી શ્રી પાંચાંગુલિદેવી છે.
વીસ તીર્થંકરોમાં સીમંધર સ્વામીને ખાસ ભજવાનું એટલા માટે કે આપણા ભરતક્ષેત્રની નજીકમાં નજીક તેઓ છે અને ભરતક્ષેત્રની જોડે એમનું ઋણાનુબંધ છે.
પરમ પૂજ્ય દાદા ભગવાન હંમેશા કહેતા કે જે દિવસે ઘેર-ઘેર સીમંધર સ્વામી ભગવાનની આરાધના થશે, ઠેર ઠેર સીમંધર સ્વામીના મંદિરો બંધાશે ત્યારે હિન્દુસ્તાનનો નકશો કંઈ ઓર જ હશે!
ત્રણ પ્રકારના તીર્થંકરો હોય છે:
એમાં ભૂતકાળના તો થઈ ગયા. એમને સંભારવાથી આપણને પુણ્યફળ થાય.
પણ જો કદી વર્તમાન તીર્થંકરને સંભારીએ તો એની વાત જ જુદી! જેનું શાસન હોય ને, તેમની આજ્ઞામાં રહીએ તો ધર્મ ઉત્પન્ન થાય. એ મોક્ષ ભણી લઈ જનારું બને.
ચોવીસ તીર્થંકરનેય આપણે નમસ્કાર કરીએ છીએ ને! બાકી ચોવીસ તીર્થંકરોને સંયતિ પુરુષો શું કહેતા હતા? ભૂત તીર્થંકરો કહેતા હતા. ભૂતકાળમાં થઈ ગયેલા તે પણ વર્તમાન તીર્થંકરોને ખોળી કાઢો. ભૂત તીર્થંકરોને ભજવાથી આપણી સાંસારિક પ્રગતિ થાય. મોક્ષફળ તો આજે જે હાજર છે તે આપે.
સીમંધર સ્વામી વર્તમાન તીર્થંકર છે અને વર્તમાન તીર્થંકરનો બહુ લાભ થાય. વર્તમાન તીર્થંકરના પરમાણુ ફરતા હોય. મુક્તિ અભિલાષીઓ માટે પ્રત્યક્ષ-પ્રગટ તીર્થંકરની ઓળખાણ થવી, તેમના પ્રત્યે અનન્ય ભક્તિ ઉદ્ભવવી, તેમનું નિરંતરનું અનુસંધાન કરી લેવું અને તેમનું શરણું પ્રાપ્ત કરી તેમનાં પ્રત્યક્ષ દર્શનથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લેવું એ જ એકમાત્ર અંતિમ ઉપાય છે.
મહાવિદેહ ક્ષેત્ર આપણા આ ક્ષેત્રથી બિલકુલ જુદું છે. એ ઈશાન દિશામાં છે. બધાં ક્ષેત્રો જુદાં જુદાં છે. ત્યાં આમ સદેહે જઈ શકાય એવું નથી.
મહાવિદેહ ક્ષેત્રમાં કાયમને માટે તીર્થંકરો જન્મ્યા જ કરે છે અને આપણા ક્ષેત્રમાં અમુક ટાઈમે જ તીર્થંકરો જન્મે, પછી ના રહે. આપણે અહીં અમુક ટાઈમે તીર્થંકર નાય હોય. પણ અત્યારે આ સીમંધર સ્વામી મહાવિદેહ ક્ષેત્રમાં છે, એ આપણા માટે છે. એ હજુ ઘણા કાળ સુધી રહેવાના છે.
મહાવિદેહ ક્ષેત્રની વિશેષતા એ છે કે ત્યાં કાયમ ચોથો આરો ચાલે છે. ત્યાં કાયમ તીર્થંકર ભગવાનની હાજરી હોય છે તેમ જ મન-વચન-કાયાની એકતા હોય છે. તેથી તે ક્ષેત્રથી મોક્ષનો માર્ગ કાયમ ચાલુ જ રહે છે. જ્યારે અહીં ભરતક્ષેત્રમાં અત્યારે પાંચમો આરો ચાલે છે. મન-વચન-કાયાની એકતા નથી, તેથી આ ક્ષેત્રથી હાલમાં મોક્ષમાર્ગ ખુલ્લો નથી પણ વાયા મહાવિદેહ ક્ષેત્ર જરૂરથી જઈ શકાય છે.
શ્રી સીમંધર સ્વામી એ ભગવાન છે. ત્યાં લોકો એમના દર્શન કરે અને એ વીતરાગ ભાવે વાણી બોલે. એમની વાણી દેશનારૂપે હોય, સંપૂર્ણ અહંકારરહિત, માલિકી વગરની વાણી, વીતરાગ ભાવે બોલાયા કરે અને સહુ પોતાની ભાષામાં સમજી જાય.
એમને કશું કરવાનું જ ના હોય ને! પોતાના ઉદયકર્મ જે કરાવડાવે એવું કર્યા કરે. પોતાની જાતનો અહંકાર ખલાસ થઈ ગયો હોય ને આખો દહાડો જ્ઞાનમાં જ રહે. એમને અનુયાયીઓ બહુ હોય.
મહાવિદેહ ક્ષેત્રમાં પણ માણસો છે. તેઓ આપણા જેવા જ છે, દેહધારી જ છે. ત્યાં મનુષ્યોની બધી લાગણીઓ આપણા જેવી જ છે. ત્યાં આયુષ્ય બહુ લાંબુ હોય. બાકી આપણા જેવા માણસો છે, આપણા જેવા વ્યવહાર છે. પણ તે આપણા અહીં ચોથા આરામાં જેવો વ્યવહાર હતો એવો છે. આ પાંચમા આરાના લોકો હવે તો આવું ગજવાં કાપતાં શીખ્યા ને અંદર-અંદર સગાંવહાલાંમાંય ઊંધું બોલતા શીખ્યા. એવો ત્યાં વ્યવહાર નથી.
એય કર્મભૂમિ છે, ત્યાંય ‘હું કરું છું’ એવું ભાન હોય. અહંકાર-ક્રોધ-માન-માયા-લોભ ખરાં. ત્યાં આગળ અત્યારે તીર્થંકર હોય. ચોથા આરામાં તીર્થંકર હોય. બાકી, બીજું બધું આપણા જેવી જ દશા હોય.
ચોથા અને પાંચમા આરામાં ફક્ત એટલો જ ફેર છે કે, ચોથા આરામાં મન-વચન-કાયાની એકતા હોય છે અને પાંચમા આરામાં આ એકતા તૂટી જાય છે. એટલે મનમાં જે હોય એવું વાણીમાં બોલતા નથી ને વાણીમાં હોય એવું વર્તનમાં લાવતા નથી, એનું નામ પાંચમો આરો. અને ચોથા આરામાં તો મનમાં જે હોય એવું જ વાણીમાં બોલે અને એવું જ કરે. કોઈ માણસ ત્યાં આગળ ચોથા આરામાં કહે કે મને આખું ગામ સળગાવી મેલવાનો વિચાર આવે છે, એટલે આપણે જાણવું કે આ રૂપકમાં આવી જવાનું છે. આજે લોકો શું કહે છે કે શું વિચારે છે તેમાં કોઈ સાર નથી.
જેને અહીં આત્માનું લક્ષ બેઠું હોય તે અહીં આગળ ભરતક્ષેત્રમાં રહી શકે જ નહીં. જેને આત્માનું લક્ષ બેઠેલું હોય, તે મહાવિદેહમાં જ પહોંચી જાય એવો નિયમ છે. અહીં આ દુષમકાળમાં રહી શકે જ નહીં. આ શુદ્ધાત્માનું લક્ષ બેઠું તે મહાવિદેહ ક્ષેત્રમાં એક અવતાર કે બે અવતાર કરી, તીર્થંકરનાં દર્શન કરીને મોક્ષે ચાલ્યો જાય.
વર્તમાનમાં તીર્થંકર ભગવાન શ્રી સીમંધર સ્વામી હાજર છે, હાલ અરિહંત છે, ભરતક્ષેત્રના જીવોના કલ્યાણના મોક્ષના નિમિત્ત છે. ભલે આ ક્ષેત્રે નથી પણ બીજા ક્ષેત્રમાં છે અને આપણા ભરતક્ષેત્ર માટે અત્યંત ઉપકારી હોવા છતાં લોકો તેમનાથી અજાણ છે. નવકાર મહામંત્રનું પ્રથમ ચરણ નમો અરિહંતાણં, પ્રત્યક્ષ દેહધારી અરિહંત ભગવાન શ્રી સીમંધર સ્વામી માટે છે. સીમંધર સ્વામી એ બ્રહ્માંડમાં છે. આખા બ્રહ્માંડમાં અરિહંત જ્યાં પણ હોય એમને નમસ્કાર કરું છું એવું સમજીને બોલવાથી તો એનું ફળ બહુ સુંદર મળે છે.
સવારનું સાડાચારથી સાડા છ, એ તો બ્રહ્મમુહૂર્ત કહેવાય, ઊંચામાં ઊંચું મુહૂર્ત એ. એમાં જેમણે જ્ઞાની પુરુષને સંભાર્યા, તીર્થંકરોને સંભાર્યા, શાસન દેવ-દેવીઓને સંભાર્યા, તે બધું જ પહેલું એક્સેપ્ટ થઈ જાય બધાને! કારણ કે પછી ભીડ થવા માંડે! સાત વાગ્યાથી ભીડ થવા માંડે. પછી બાર વાગે જબરદસ્ત ભીડ હોય. માટે પહેલો જઈને ઊભો રહ્યો, એને ભગવાનના ફ્રેશ દર્શન થાય. તે વખતે ત્યાં કોઈ ભીડ હોય નહીં. માટે સાડા ચારથી સાડા છ, એ તો અપૂર્વ કાળ કહેવાય! જેની જુવાની હોય, તેણે તો આ છોડવું ના જોઈએ.
સવારનું કહેવાનો ભાવાર્થ એટલો જ કે બીજા કામ-ધંધા પર જતાં પહેલાં, ગમે તે ટાઈમે ચિત્તની એકાગ્રતાથી કરો.
મૂર્તિમાં અમૂર્ત નથી પણ મૂર્તિમાં પ્રતિષ્ઠા કરેલી હોય છે અને ત્યાં આગળ દેવલોકોનું વધુ રક્ષણ હોય. ત્યાં વાતાવરણ હોય એટલે અસર વધારે થાય. માટે, ઘરે પ્રાર્થના કરવી અને મંદિરમાં પ્રાર્થના કરવી એમાં ફરક છે.
મંદિરો, મૂર્તિઓની રચના પાછળ તો હિન્દુસ્તાનનું બહુ મોટું સાયન્સ રહેલું છે. મંદિરો નામ કાઢવા માટે નહીં પણ સમજીને કામ કાઢી લેવા માટે છે. મંદિરો છે તો લોકો થોડી ઘણી ભક્તિ કરશે તો તેમનું કંઈક તો કલ્યાણ થશે અને ઊંધા માર્ગે જતા અટકશે. મંદિરમાં મૂર્તિ ઉપાસના પરોક્ષ છે પણ સીમંધર સ્વામી પ્રત્યક્ષ હાજર હોવાથી તેમની ભક્તિથી પ્રત્યક્ષ ભક્તિ જેટલું જ ફળ મળે છે. અમુક જગ્યાએ સીમંધર સ્વામીના મંદિર છે પણ વાડા-સંપ્રદાયના બંધનથી મુક્ત રહી શક્યા નથી. આ સીમંધર સ્વામી કે જે પ્રત્યક્ષ છે, એમનું મંદિર બંધાય તો લોકો પ્રત્યક્ષને ઓળખે, પ્રત્યક્ષની આરાધના કરે, તો જ લોકોનું કલ્યાણ થાય.
મંદિરમાં સીમંધર સ્વામી ભગવાનની પ્રતિમા એ પ્રગટ પરમાત્માની પ્રતિકૃતિ છે. ભગવાન પ્રત્યક્ષ છે એટલે એમના પરમાણુ પણ ખૂબ કામ કરે અને ભગવાનનાં રક્ષક દેવ-દેવીઓ પણ લોકોના કલ્યાણ માટે ખૂબ મદદ કરે છે, આશીર્વાદ પાઠવે છે.
હે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી, ત્રૈલોક્ય પ્રકાશક, પ્રત્યક્ષ પ્રગટ જ્ઞાની પુરુષ શ્રી દાદા ભગવાનની સાક્ષીએ, આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી આપનું અનન્ય શરણું સ્વીકારું છું. હે પ્રભુ! આપના ચરણકમળમાં મને સ્થાન આપી અનંતકાળની ભયંકર ભટકામણનો અંત લાવવા કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો!
હે વિશ્વવંદ્ય એવા પ્રગટ પરમાત્મ સ્વરૂપ પ્રભુ! આપનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે પણ અજ્ઞાનતાના કારણે મને મારું પરમાત્મ સ્વરૂપ સમજાતું નથી. તેથી આપના સ્વરૂપમાં જ હું મારા સ્વરૂપનાં નિરંતર દર્શન કરું એવી મને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો!
હે પરમતારક દેવાધિદેવ, સંસારરૂપી નાટકના આરંભકાળથી આજના દિવસની અદ્યક્ષણ પર્યંત, કોઈ પણ દેહધારી જીવાત્માના મન-વચન-કાયા પ્રત્યે, જાણ્યે-અજાણ્યે જે અનંત દોષો કર્યા છે, તે પ્રત્યેક દોષોને જોઈને, તેનું પ્રતિક્રમણ કરવાની મને શક્તિ આપો. આ સર્વે દોષોની હું આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરું છું. હે પ્રભુ! મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને મારાથી ફરી આવા દોષો ક્યારેય ન થાય તેવો દ્રઢ નિર્ધાર કરું છું. આ માટે મને જાગૃતિ અર્પો; પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો.
પોતાના પ્રત્યેક પાવન પગલે તીર્થ સ્થાપનાર હે તીર્થંકર શ્રી સીમંધર સ્વામી પ્રભુ! જગતના સર્વે જીવો પ્રત્યે સંપૂર્ણ અવિરાધકભાવ અને સર્વે સમકિતી જીવો પ્રત્યે સંપૂર્ણ આરાધકભાવ મારા હૃદયમાં સદા સંસ્થાપિત રહો, સંસ્થાપિત રહો, સંસ્થાપિત રહો. ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળના સર્વ ક્ષેત્રોના સર્વ જ્ઞાની ભગવંતોને મારા નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો. હે પ્રભુ! આપ મારા પર એવી કૃપા વરસાવો કે જેથી કરીને મને આ ભરતક્ષેત્રમાં આપના પ્રતિનિધિ સમાન કોઈ જ્ઞાની પુરુષનો, સત્ પુરુષનો અને સત્ સમાગમ થાય અને એમનો કૃપાધિકારી બની આપના ચરણકમળ સુધી પહોંચવાની પાત્રતાને પામું.
હે શાસન દેવદેવીઓ! હે પાંચાગુલિ યક્ષણી દેવી તથા હે ચાંદ્રાયણ યક્ષદેવ! હે શ્રી પદ્માવતી દેવી! અમને શ્રી સીમંધર સ્વામીના ચરણકમળમાં સ્થાન પામવાના માર્ગમાં કોઈ વિધ્ન ન આવે એવું અભૂતપૂર્વ રક્ષણ આપવાની કૃપા કરો અને કેવળજ્ઞાન સ્વરૂપમાં જ રહેવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો.”
શ્રી સીમંધર સ્વામીની ભવ્ય પ્રતિમા ત્રિમંદિરની વચ્ચોવચ્ચ બિરાજમાન છે. ભરતક્ષેત્ર સાથે એમના પૂર્વના ઋણાનુંબંધને કારણે એમની ભક્તિ કરવાથી મોક્ષમાર્ગમાં સહાય મળે છે. એમના દર્શનમાત્રથી જ એમની અપાર કૃપા પ્રાપ્ત થાય છે.
subscribe your email for our latest news and events