Related Questions

શુદ્ધ પ્રેમ ક્યાં મળે? પ્રેમ, જે જગતે પહેલા કયારેય જોયો નથી, સુણ્યો નથી, શ્રદ્ધયો નથી, અનુભવ્યો નથી.

આ કાળમાં આવા પ્રેમનાં દર્શન હજારોને પરમાત્મ પ્રેમ સ્વરૂપ શ્રી દાદા ભગવાનમાં થયાં. એક વખત જે કોઈ એમની અભેદતા ચાખી ગયો, તે નિરંતર તેમના નિદિધ્યાસનમાં કે તેમની યાદમાં રહે છે, સંસારની સર્વે જંજાળોમાં જકડાયેલો હોવા છતાં પણ !

હજારો લોકોને પૂજ્યશ્રી, વર્ષોનાં વર્ષોથી એક ક્ષણ પણ વીસરાતા નથી એ આ કાળનું મહાન આશ્ચર્ય છે !! હજારો લોકો તેઓશ્રીના સંસર્ગમાં આવ્યા, પણ તેમની કરુણા, તેમનો પ્રેમ દરેક પર વરસતો બધાએ અનુભવ્યો. દરેકને એમ જ લાગે કે મારા પર સૌથી વધારે કૃપા છે, રાજીપો છે !

અને સંપૂર્ણ વીતરાગોના પ્રેમનો તો વર્લ્ડમાં જોટો જ ના જડે ! એક ફેરો વીતરાગના, તેમની વીતરાગતાના દર્શન થઈ જાય ત્યાં પોતે આખી જિંદગી સમર્પણ થઈ જાય. એ પ્રેમને એક ક્ષણ પણ ભૂલી ના શકે !

સામેની વ્યક્તિ કેમ કરીને આત્યંતિક કલ્યાણને પામે એ જ નિરંતર લક્ષને કારણે આ પ્રેમ, આ કરુણા ફલિત થતી જોવાય છે. જગતે જોયો નથી, સુણ્યો નથી, શ્રધ્ધયો નથી, અનુભવ્યો નથી, એવો પરમાત્મ પ્રેમ પ્રત્યક્ષમાં પામવો હોય તો પ્રેમ સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાનીને જ સેવવા. બાકી, એ શબ્દમાં શી રીતે સમાય ? 

×
Share on
Copy