Related Questions

સાચો પ્રેમ કોને કહેવાય?

પ્રશ્નકર્તા : આમાં પ્રેમ અને આસક્તિનો ભેદ જરા સમજાવો.

દાદાશ્રી : જે વિકૃત પ્રેમ, એનું નામ જ આસક્તિ. આ જગતમાં જે પ્રેમ આપણે કહીએ છીએ એ વિકૃત પ્રેમ કહેવાય છે અને એને આસક્તિ જ કહેવાય.

આ તો સોય અને લોહચૂંબક બેને જેવી આસક્તિ છે એવી આ આસક્તિ છે. એમાં પ્રેમ જેવી વસ્તુ જ નથી. પ્રેમ હોય જ નહીંને કોઈ જગ્યાએ. આ તો સોય અને લોહચૂંબકના ખેંચાણને લઈને તમને એમ લાગે છે કે મને પ્રેમ છે તેથી મારું ખેંચાય છે. પણ એ પ્રેમ જેવી વસ્તુ જ નથી. પ્રેમ તો જ્ઞાની પુરુષનો પ્રેમ એ પ્રેમ કહેવાય.

આ દુનિયામાં શુદ્ધ પ્રેમ એ જ પરમાત્મા છે, એ સિવાય પરમાત્મા બીજો કોઈ દુનિયામાં થયો ય નથી, થશે ય નહીં અને ત્યાં દિલ ઠરે ને ત્યારે દિલાવરી કામ થાય. નહીં તો દિલાવરી કામ ના થાય. બે પ્રકારે દિલ ઠરવાનું બને છે. અધોગતિમાં જવું હોય તો કોઈ સ્ત્રી જોડે દિલ ઠારજે અને ઉર્ધ્વગતિમાં જવું હોય તો જ્ઞાની પુરુષ જોડે દિલ ઠારજે. અને એ તો તને મોક્ષે લઈ જશે. બેઉ જગ્યાએ દિલની જરૂર પડશે, તો દિલાવરી પ્રાપ્ત થાય.

એટલે જે પ્રેમમાં ક્રોધ-માન-માયા-લોભ કશુંય નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, જે પ્રેમ સમાન એકસરખો રહે છે એવો શુદ્ધ પ્રેમ જુએ, ત્યારે માણસનું દિલ ઠરે.

હું પ્રેમસ્વરૂપ થઈ ગયેલો છું. એ પ્રેમમાં જ તમે મસ્ત થઈ જશો તો જગત ભૂલી જ જશો, જગત બધું ભૂલાતું જશે. પ્રેમમાં મસ્ત થાય એટલે સંસાર તમારો બહુ સરસ ચાલશે પછી, આદર્શ ચાલશે. 

×
Share on
Copy