Related Questions

સાચા પ્રેમની વ્યાખ્યા શું છે?

દાદાશ્રી : વોટ ઈઝ ધ ડેફિનેશન ઓફ લવ ?

પ્રશ્નકર્તા : મને ખબર નથી. એ સમજાવો.

દાદાશ્રી : અરે, હું જ નાનપણમાં પ્રેમની વ્યાખ્યા ખોળતો હતો ને ! મને થયું, પ્રેમ શું હશે ? આ લોકો 'પ્રેમ પ્રેમ' કર્યા કરે છે તે પ્રેમ શું હશે ? તે પછી બધા પુસ્તકો જોયાં, બધાં શાસ્ત્રો વાંચ્યાં, પણ પ્રેમની વ્યાખ્યા કોઈ જગ્યાએ જડે નહીં. મને અજાયબી લાગી કે કોઈ શાસ્ત્રોએ પ્રેમ શું છે એવી વ્યાખ્યા જ નથી કરી ! પછી જ્યારે કબીર સાહેબનું પુસ્તક જોયું ત્યારે દિલ ઠર્યું કે પ્રેમની વ્યાખ્યા તો આમણે કરી છે. એ વ્યાખ્યા મને કામ લાગી. એ શું કહે છે કે,

''ઘડી ચઢે, ઘડી ઊતરે, વોહ તો પ્રેમ ના હોય

અઘટ પ્રેમ હી હૃદય બસે, પ્રેમ કહીએ સોય.''

એમણે વ્યાખ્યા કરી. મને તો બહુ સુંદર લાગી હતી વ્યાખ્યા, 'કહેવું પડે કબીર સાહેબ, ધન્ય છે !' આ સાચામાં સાચો પ્રેમ. ઘડી ચઢે ને ઘડી ઊતરે, એને પ્રેમ કહેવાય ?

પ્રશ્નકર્તા : તો સાચો પ્રેમ કોનું નામ કહેવાય ?

દાદાશ્રી : સાચો પ્રેમ, જે વધે નહીં, ઘટે નહીં એ ! અમારો જ્ઞાનીઓનો પ્રેમ એવો હોય, જે વધઘટ ના થાય. એવો અમારો સાચો પ્રેમ આખા વર્લ્ડ ઉપર હોય. અને એ પ્રેમ તો પરમાત્મા છે.

પ્રશ્નકર્તા : છતાંય જગતમાં ક્યાંક તો પ્રેમ હશે ને ?

દાદાશ્રી : કોઈ જગ્યાએ પ્રેમ જ નથી. પ્રેમ જેવી વસ્તુ જ આ જગતમાં નથી. બધી આસક્તિ જ છે. અવળું બોલીએ ને, ત્યારે તરત ખબર પડી જાય.

હમણે આજ ભાઈ આવ્યા વિલાયતથી, તે આજ તો એની જોડે ને જોડે બેસી રહેવાનું ગમે. એની જોડે જમવાનું-ફરવાનું ગમે. અને બીજે દહાડે એ આપણને કહેશે, 'નોનસેન્સ જેવા થઈ ગયા છો.'  એટલે થઈ રહ્યું ! અને 'જ્ઞાની પુરુષ'ને તો સાત વખત 'નોનસેન્સ' કહે તોય  કહેશે, 'હા, ભાઈ, બેસ, તું બેસ.' કારણ કે 'જ્ઞાની' પોતે જાણે છે કે આ બોલતો નથી, આ રેકર્ડ બોલી રહી છે.

આ ખરો પ્રેમ તો કેવો છે કે જેની પાછળ દ્વેષ જ ના હોય. જ્યાં પ્રેમમાં, પ્રેમની પાછળ દ્વેષ છે, એ પ્રેમને પ્રેમ કહેવાય જ કેવી રીતે ? એકધારો પ્રેમ હોવો જોઈએ. 

×
Share on
Copy