Related Questions

શુદ્ધ ચિત્ત કેવી રીતે કર્મોનું શુદ્ધિકરણ કરે છે? શું પ્રામાણિકતાના પરિણામ સ્વરૂપે સંસાર વ્યવહાર શુદ્ધ થઈ શકે?

ચિત્તશુદ્ધીકરણ એ જ અધ્યાત્મસિદ્ધિ!

પ્રશ્નકર્તા: કર્મની શુદ્ધિ કેવી રીતે થાય?

દાદાશ્રી: કર્મની શુદ્ધિ એટલે ચિત્તની શુદ્ધિ કરવાથી થઈ જાય. ચિત્તની શુદ્ધિ થાય એટલે કર્મની શુદ્ધિ થઈ જાય. આ તો ચિત્તની અશુદ્ધિને લઈને કર્મ અશુદ્ધ થાય છે. ચિત્ત શુદ્ધ થઈ જાય એટલે કર્મ શુદ્ધ જ થઈ જાય.

પ્રશ્નકર્તા: દરેક કર્મ શુદ્ધ થઈ જાય? ગમે તે કર્મ કરે તે શુદ્ધ થઈ જાય?

દાદાશ્રી: ચિત્ત શુદ્ધ થઈ જાય ને તો પછી કર્મ શુદ્ધ થઈ જાય. ચિત્ત અશુદ્ધ હોય તો કર્મ અશુદ્ધ, ચિત્ત શુભ હોય તો કર્મ શુદ્ધ, ચિત્ત અશુભ હોય તો, કર્મ અશુભ! એટલે ચિત્ત ઉપર ડિપેન્ડ (આધાર) છે. બધું એનું! એટલે ચિત્તને રીપેર કરવાનું છે. આપણા લોક શું કહે છે કે, મારે ચિત્તશુદ્ધિ કરવાની છે. એટલે આ જગતમાં ચિત્તશુદ્ધિ કરવા માટે જ અધ્યાત્મ છે. એટલે ચિત્તશુદ્ધિ કરવાની જરૂર છે.

ચોરી કરવાથી ચિત્ત અશુદ્ધ થાય અને પછી પશ્ચાત્તાપ કરવાથી એનું એ ચિત્ત શુદ્ધ થઈ જાય. અને પશ્ચાત્તાપ નહીં કરવાથી આ જ લોકોના ચિત્તની અશુદ્ધિ રહી છે. તેથી બધા અશુદ્ધ કર્મો થયા કરે છે. પશ્ચાત્તાપ કરતા જ નથી, જાણે તોય પશ્ચાત્તાપ નથી કરતા. જાણે તોય શું કહે, કે બધા એવું જ કરે છે ને?

એટલે પોતાનું ચિત્ત અશુદ્ધ થાય છે તે ભાન નથી રહેતું.

પ્રશ્નકર્તા: વ્યવહારશુદ્ધિ કેવી રીતે થાય??

દાદાશ્રી: એ તો વ્યવહારમાં ચિત્તની શુદ્ધિ રાખે કે ભઈ, આપણે આને દગો કરવો નથી, તો પછી એ વ્યવહારશુદ્ધિ થઈ ગઈ. અને દગો થઈ જાય તો વ્યવહાર અશુદ્ધ થઈ જાય. એટલે નીતિનિયમ પ્રામાણિકતાથી ચાલે તો વ્યવહારશુદ્ધિ રહે.

ઓનેસ્ટ ઈઝ ધી બેસ્ટ પોલિસી, ડિસ્ઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફૂલીશનેસ. (પ્રામાણિકતા એ જ ઉત્તમ નીતિ છે ને અપ્રમાણિકતા એ ઉત્તમ મૂર્ખાઈ છે!)

વ્યવહારશુદ્ધિ માટે, સામાને દુઃખ ના થાય એવો વ્યવહાર રાખીએ, એ વ્યવહારશુદ્ધિ કહેવાય. સહેજ દુઃખ ના થાય. આપણને થયું હોય, તે ખમી ખાવાનું. પણ સામાને ન જ થવું જોઈએ.

પ્રશ્નકર્તા: આપણે કર્મોના પ્રતિક્રમણ કરીએ તો છૂટી જવાય કે નહીં?

દાદાશ્રી: પ્રતિક્રમણ કરવાથી બધું ખલાસ થઈ જાય લગભગ. થોડું ઘણું રહે. આ કર્મ જ અતિક્રમણથી બંધાય છે. એ તો મહીં રસને લીધે નહીં બંધાતું. રસ જેટલું ભોગવવાનું રહે પછી. જેવા રસથી અતિક્રમણ કર્યું હતું, તેવો રસ ભોગવવાનો. પ્રતિક્રમણ કરે તોય રસ તો ભોગવવો પડે. રસ મહીં લીધો છે ને?! વધારે દોષ અતિક્રમણનો છે, સહેજે ચાલતું હોય તેનો કશો વાંધો નહીં. વ્યવહાર ચાલતો હોય. કોઈને કશી હરકત ના થાય. પરિણામે પ્રતિક્રમણથી નવા કર્મ બંધાતા અટકે. જૂના તો ભોગવી લેવા પડે.

Related Questions
  1. શું વાંકા લોકોની સાથે સીધા થવું એ મૂર્ખામી છે? સ્વાર્થી લોકો સાથે કેવી રીતે વર્તવુ જોઈએ?
  2. પ્યોરિટી અને મુકિત - આ બંને વૈજ્ઞાનિક રીતે એકબીજાની સાથે કેવી રીતે સંકળાયેલા છે? શું પ્યોરિટીનું અંતિમ પરિણામ મોક્ષ છે?
  3. શુદ્ધ ચિત્ત કેવી રીતે કર્મોનું શુદ્ધિકરણ કરે છે? શું પ્રામાણિકતાના પરિણામ સ્વરૂપે સંસાર વ્યવહાર શુદ્ધ થઈ શકે?
  4. કેવી રીતે ચિત્તશુદ્ધિ થાય, એટલે કે સત્ ચિત્ આનંદ સ્વરૂપ બની શકાય?
  5. બોલેલા શબ્દોની શું અસર થાય? વાણીમાં કેવી રીતે પ્યોરિટી આવે અને વચનબળ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે?
  6. કોઈ વ્યકિત પ્યોર કેવી રીતે બની શકે?
  7. પ્યોરિટીમાંથી ઉદ્ભવતા શીલનું બળ શું છે? ઓરાની શકિતના ગુણો કયા કયા છે?
  8. શુદ્ધાત્મા એ શું છે? તે આત્માથી કઈ રીતે જુદો છે? શુદ્ધાત્માની જાગૃતિમાં રહેવાથી પ્યોરિટી તરફ કેવી રીતે જવાય?
  9. શીલવાન કોને કહેવાય? શીલવાન અને ચારિત્રવાનના વાણીના લક્ષણો શું હોય છે?
×
Share on