Related Questions

શું ચમત્કાર ખરેખર થાય છે?

ભારત જેવા દેશમાં કોઈ વ્યક્તિ હાથમાંથી કંકુ કે રાખોડી કાઢે, ખાલી હાથ ઘડિયાળ લઈ આવે, આંખથી વસ્તુ ઊંચકે, સ્ટીલની ચમચી વાળે વગેરેને ચમત્કાર થયો કહે છે. અને ચમત્કાર કરનારી વ્યક્તિઓને સત્‌પુરુષ માનીને પૂજે પણ છે.

પરમ પૂજ્ય દાદાશ્રી આપણને લૌકિક માન્યતાથી જુદી અને અનોખી સમજણ આપતા કહે છે કે, ચમત્કાર કરે તે સત્‌પુરુષો નહીં, જાદુગર કહેવાય. સાધનામાં ઊંચે ગયેલા સત્‌પુરુષો કંકુ, રાખોડી કે ઘડિયાળ કાઢવાના ચમત્કાર નહીં. પણ સત્‌પુરુષો જેનાથી આપણને આંતરિક ફેરફાર થયેલો લાગે, સુખ અને શાંતિ થાય તેવા ચમત્કાર કરે. બાકી જે બધા ચમત્કાર થાય છે, તેમાં જાદુગરી અને હાથચાલાકી કામ કરે છે. તેનાથી ઘડીભર લોકો અંજાઈ જાય, પણ પોતાને કશો ફાયદો થતો નથી.

પરમ પૂજ્ય દાદાશ્રી ચમત્કારની માન્યતા સામે તાર્કિક દૃષ્ટાંત આપતા કહે છે કે, “બાકી, ચમત્કાર જેવી વસ્તુ નથી અને તું ચમત્કાર કરનારો હોય તો એવો ચમત્કાર કરને કે ભાઈ, આ દેશને અનાજ બહારથી ના લાવવું પડે. એટલું કરને તોય બહુ થઈ ગયું. એવો ચમત્કાર કર. આ અમથો રાખોડી કાઢે છે ને ઘડિયાળ કાઢે છે, તે લોકોને મૂરખ બનાવે છે! બીજા ચમત્કાર કેમ નથી કરતો? એનાં એ જ ઘડિયાળ ને એની એ જ રાખોડી! અને કંઈક કાઢી આપ્યું, ફલાણું કાઢી આપ્યું, ઘડિયાળ કાઢી આપ્યું તો આપણે કહીએ ને કે ભઈ, અહીં ઘડિયાળ બનાવ્યા જ કરને બધા, તો આ કારખાનાં બધાં આપણે ના કરવા પડે અને ફોરેનનું લાવવું ના પડે.ખરેખર જોવા જઈએ તો કેમ ક્યાંય સોનાની ગીનીઓ પડે કે રૂપિયાની નોટો પડે એવા કોઈ ચમત્કાર નથી કરતું? એવું થાય તો લોકોની મુશ્કેલીઓ દૂર થાય ને કંઈક કામ થાય. પણ એવું નથી થતું.

કોઈ વ્યક્તિ ધારો કે, આંબાનું પાન લઈને લોકોને દેખીતો ચમત્કાર બતાવે, તેને આપણે પૂછીએ કે આ જ ચમત્કાર મહુડાનું પાન લઈને બતાવો તો તે કરશે? ના. એ કહેશે “મને આંબાનું જ પાન આપો.” જો ચમત્કાર હોય તો કોઈપણ પાનમાં કરી શકે. આમ, જેમાં લોકોને સમજણ ના પડે કે આ કઈ રીતે થાય છે, એમાં લોકો એવું માની બેસે કે ચમત્કાર કર્યો. લોકો મૂર્ખ બને અને એ વ્યક્તિ પોતે પણ પોતાનું જોખમ વહોરે છે.

પરમ પૂજ્ય દાદાશ્રી ચમત્કાર અને અંધશ્રદ્ધા વચ્ચે શું સંબંધ છે તે સમજાવે છે.

પ્રશ્નકર્તા : તો પછી ચમત્કારનું જીવનમાં કેટલું સ્થાન? ચમત્કાર અંધશ્રદ્ધા તરફ લઈ જાય ખરો?

દાદાશ્રી : આ બધી અંધશ્રદ્ધા એ જ ચમત્કાર. એટલે ચમત્કાર કરે છેને, એ કહેનારો જ અંધશ્રદ્ધાળુ છે. પોતાની જાતને મૂરખ બનાવે છે તોય નથી સમજતો! હું તો એટલું તમને શીખવાડું કે આપણે ચમત્કાર કરનારાને પૂછવું કે, ‘સાહેબ, કોઈ દહાડો સંડાસ જાવ છો?’ ત્યારે એ કહે, ‘હા.’ તો આપણે એમને પૂછીએ, ‘તો એ આપ બંધ કરી શકો છો? અગર તો એની તમારા હાથમાં સત્તા છે?’ ત્યારે કહે, ‘ના.’ ‘તો પછી સંડાસ જવાની તમારામાં શક્તિ નથી, તો શું કરવા આ બધા લોકોને મૂરખ બનાવો છો?’ કહીએ.

એટલે ચમત્કારનું જીવનમાં સ્થાન નથી! શ્રીકૃષ્ણ ભગવાન જેવા મહાન પુરુષો ચમત્કાર વિશે કશું બોલ્યા નથી, તો પછી પામર મનુષ્યોમાં એ શક્તિ કઈ રીતે હોઈ શકે? આ તો ભોળા લોકોને છેતરીને તેમનો લાભ ઉઠાવવા માટે ઠેરઠેર ચમત્કારીઓ ઊભા થઈ ગયા છે. જો કોઈ વિચારશીલ વૈજ્ઞાનિક સામે પડકાર ફેંકીને કહે કે, “આ ચમત્કાર છે એમ સાબિત કરી આપે તેને લાખ રૂપિયાનું ઇનામ આપીશ.” તો બધા ભાગી જાય. કોઈ એ પડકારને સ્વીકારે નહીં. કારણ કે લાખ રૂપિયા આપનાર ઝીણવટથી બધી જ તપાસ કરે, આમથી તેમ પૂછે અને સામાને પૂરેપૂરી રીતે ચકાસે. મોટા મોટા જજ ત્યાં બેઠા હોય અને તરત જ કોઈ હાથચાલાકી કે જાદુગરી હોય તો પકડી પાડે, એટલે ચમત્કાર ચાલે નહીં. આ તો લોકોને સંસારિક લાભ ઉઠાવવાની લાલચ છે, તેથી ચમત્કારમાં માને છે. જેને કોઈ લાલચ નથી તે આ ચમત્કારમાં માને નહીં.

પરમ પૂજ્ય દાદા ભગવાન આ લૌકિક માન્યતા ઉપર આપણને વિચારતા કરી મૂકે તેવા સ્પષ્ટ શબ્દોમાં ચમત્કાર પાછળનો ફોડ પાડે છે.

પ્રશ્નકર્તા : આ બધા લોકો જે ઘડિયાળ કાઢે છે ને ચમત્કાર કરે છે, આ ચમત્કાર કરીને એ પુરવાર શું કરવા માગે છે?

દાદાશ્રી : ચમત્કાર કરીને એમની પોતાની મહત્તા વધારે છે. મહત્તા વધારીને આ ગાડરિયા પ્રવાહ પાસેથી પોતાનો લાભ ઉઠાવે છે બધો. પાંચ ઇન્દ્રિયના વિષય સંબંધી બધો લાભ ઉઠાવે છે અને કષાય સંબંધીયે લાભ ઉઠાવે છે, બધીયે પ્રકારનો લાભ ઉઠાવવો છે. એટલે આપણે ચમત્કાર વસ્તુને જ ઉડાડી દેવા માગીએ છીએ કે ભઈ, આવા ચમત્કારમાં સપડાશો નહીં. પણ ગાડરિયો પ્રવાહ તો સપડાવાનો જ છે, લાલચુ છે એટલે. અને કોઈ પણ માણસ જો લાલચુ હોય તો એને બુદ્ધિશાળી કહેવાય જ નહીં. બુદ્ધિશાળીને લાલચ હોય નહીં અને લાલચ હોય તો બુદ્ધિ છે નહીં!”

એટલે ક્યાંય ચમત્કાર જોવા મળે તો ત્યાં પહેલા એ પ્રશ્ન થવો જોઈએ કે, “આનાથી મારા જીવનમાં કોઈ ફેરફાર થશે?” કે “મને સુખ અને શાંતિનો રસ્તો મળશે?” જો તેનો જવાબ ના હોય તો એવા ચમત્કારની અંધશ્રદ્ધામાં ફસાવાની જરૂર નથી.

કેટલીક જગ્યાએ દેવ-દેવીઓ લોકોમાં શ્રદ્ધા જન્મે તે હેતુથી કંકુ કે ચોખા પાડે છે. ક્યારેક ભગવાનની પ્રતિમામાં અમીઝરણાં કે કેસરના છાંટણા પણ થાય છે, મંદિરના ઘંટ વાગે છે. તે ખોટું નથી. તેનાથી લોકોમાં ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા મજબૂત થાય છે. બીજા દિવસે મંદિરમાં દર્શન માટે લોકોની લાંબી લાઈન લાગે છે. પરમ પૂજ્ય દાદાશ્રી સાચો રાહ બતાવતા કહે છે કે, આપણે દેવલોકોને અને ઈશ્વરને ભાવથી નમસ્કાર કરીએ. પણ જો આપણે સાચા ભગવાનને ઓળખીને વીતરાગ માર્ગે પ્રગતિ કરવા ઈચ્છતા હોઈએ, જીવનના સુખ-દુઃખથી મુક્ત એવા મોક્ષમાર્ગને શોધતા હોઈએ, તો આવા દેવકૃત ચમત્કારમાં પણ અટવાઈ જવા જેવું નથી. તેને બદલે આપણે તે જ ભગવાન અને દેવ-દેવીઓને પ્રાર્થના કરીએ કે “મારા ક્રોધ-માન-માયા-લોભ ઓછા થાય, જીવનમાં શાંતિ થાય તેવું કંઈક કરી આપો.” આ તો જેમ નાના બાળકને ચોકલેટની લાલચ આપીએ તો એ દોડીને જાય, તેમ મનુષ્યો લાભ લેવાની લાલચે અંધશ્રદ્ધામાં ખેંચાય છે. મંદિરનો કળશ હલે ને કેટલાકને દેખાય તો કેટલાકને ન દેખાય. એટલે એમાં બહુ ઊંડા ઊતરવા જેવું નથી. જે દેખાય છે તેને માટે બરાબર છે. બાકી વિજ્ઞાન આ વાત કબૂલ નથી કરતું. વિજ્ઞાન કબૂલ કરે એટલી સાચી વાત માનવી. બીજું બધું તો અંધશ્રદ્ધા છે. 

સહેજ કોઈ ચિત્તની શક્તિ વાપરીને સ્ટીલની ચમચી વાળે, ટીપોયને હવામાં ઊંચી કરે કે કોઈ વસ્તુ અડ્યા વગર હલાવે તે આપણા માટે શું કામનું? પણ આજકાલ ચમત્કાર જોવા લોકોની લાંબી લાઈનો થાય છે. જો આપણું અજ્ઞાન ખસે અને આત્માનો ઉઘાડ થાય તો તે ચમત્કાર સાચો. આપણને અંદર ઠંડક થાય અને જીવનમાં કાયમી શાંતિ થાય તો કામનું. આત્મા પ્રાપ્ત થાય તો કાયમના સુખ શાંતિ પ્રાપ્ત થાય તેમ છે. આત્મા પ્રાપ્ત કરવાની ભૂમિકા જો કોઈ હોય તો આ મનુષ્યગતિ એક જ એવી ભૂમિકા છે. જ્યાં આપણને ખાતરી થાય કે અહીંથી સંસારના સુખ-દુઃખમાંથી મારી મુક્તિ અવશ્ય થવાની, તે જગ્યા સાચી. બાકી બીજા ચમત્કારો ને બધું અંધશ્રદ્ધા છે.

×
Share on