Related Questions

લોભમાંથી કઈ રીતે નીકળાય?

લોભનો વિરોધી શબ્દ છે સંતોષ. જેટલો સંતોષ રહે એટલો લોભ જાય. પણ સંતોષ રાખ્યો રખાય નહીં. જેટલી સાચી સમજણ હશે તેટલો પરિણામરૂપે સંતોષ રહેશે.  અથવા તો પૂર્વે અનંત અવતાર ભૌતિક સુખો ભોગવેલા હોય તો આજે સંતોષ રહે કે કોઈ ચીજ જોઈતી નથી.

દરેકને ધનવાન થવું છે. પણ પૈસાના ઢગલા થવા એને આપણે ધનવાન માનીએ છીએ. પરમ પૂજ્ય દાદાશ્રી ધનવાનની અલૌકિક વ્યાખ્યા આપતા કહે છે કે જરૂર પૂરતા રૂપિયા આવે ને જરૂર પૂરતા જાય, પછી અડચણ ના પડે, એનું નામ ધનવાન. આવી સમજણ હાજર રહે તો લોભ ઊભો ન થાય. પણ વાસ્તવિકતામાં ગમે તેટલું ધન કમાઈએ તોય તૃપ્તિ નથી થતી. મનુષ્યો ગામડાનું જીવન છોડીને જીવનનિર્વાહ માટે શહેરોમાં આવે છે. ઘણા શહેરમાં આવીને ખૂબ કમાય પણ છે. અબજો રૂપિયા કમાઈ લીધા પછી પણ કોઈ એમ નથી કહેતું કે કમાવા જ આવ્યા હતા, હવે બહુ કમાઈ લીધું, વધારે કમાવાની જરૂરિયાત નથી! દુનિયામાં કોઈ પૈસા કમાઈને ધરાયું હોય એવું જોવા નથી મળતું. પૈસા કમાઈને સંતોષ થાય ઘડીક! પણ પાછી ઈચ્છા ફરી વળે અને તૃપ્તિ ન થાય. તૃપ્તિ એટલે ફરી ક્યારેય ઈચ્છા ઊભી ના થાય!

લોભની ગાંઠ હોય તેને સુખ રહેતું નથી. જેટલો પરિગ્રહ ઓછો, સંતોષ વધુ, એટલી જીવનમાં શાંતિ! પરિગ્રહ વધુ હોય તો એ જો ખોવાઈ જાય, બળી જાય, ચોરાઈ જાય તો આપણને દુઃખ અને અશાંતિ ઊભા થઈ જાય. આખો દિવસ લોભના ને લોભના ધ્યાનમાં જ જાય. ખાવા-પીવામાં, પહેરવા-ઓઢવામાંય ચિત્ત ના રહે.

જેને કોઈ ઈચ્છા જ નથી તેને કષાય બિલકુલ નથી! જેને કંઈ જ જોઈતું નથી, બધી લોભની ગાંઠ તૂટે ત્યારે અનંત સમાધિ સુખ વર્તે!

આપવાથી લોભ ઘટે

સંત કબીરે કહ્યું છે કે,

“ખાય પી ખીલાય દે, કર લે અપનાં કામ,

ચલતી વખત રે નરો, સંગ ન ચલે બદામ!

પૈસા કોઈ સાથે લઈને ગયું નથી. જો લઈને જવાતું હોત તો કોઈ પોતાના બાળકોને પણ આપીને જાય એવા નથી. જીવન જીવતાં તો એને આવડ્યું કહેવાય જે પોતાનું બધું સારા રસ્તે લૂંટાવી દે. એમ નહીં કરીએ તો એક દિવસ મૃત્યુ આવશે ત્યારે આમ પણ પોતે લૂંટાઈ જશે. જોડે શું આવશે? આપણે જેટલું પારકાંના દિલ ઠાર્યા હશે, તે પોતાની સાથે આવશે. માટે, લોભની ગાંઠ તોડવા માટે જે લક્ષ્મી કમાયા હોઈએ એમાંથી અમુક મૂડીને બચતમાં રાખીને બાકીની લક્ષ્મી સારા રસ્તે વાપરવી. ધાર્મિક જાત્રામાં ખર્ચો કરીએ, મંદિર બાંધવા જેવા સત્કાર્યોમાં દાન આપીએ, ભૂખ્યાને જમાડીએ, હોસ્પિટલો બંધાવીએ તો પણ લોભ કપાય. મોજશોખના રસ્તે લક્ષ્મી વેડફી નાખીએ તો એ અંતે ગટરમાં જાય.

લોભ તોડવા પૈસા હાથમાં અડવા દેવા ખરા, પણ હાથ ચીકણો ન થવા દેવો. એટલે કે, પૈસા ઉપર એટલી બધી પ્રીતિ ન બેસાડવી કે પૈસા છૂટે જ નહીં.  રૂપિયા કમાતાં જે આનંદ થાય છે તેવો જ આનંદ ખર્ચ કરતી વખતે થવો જ જોઈએ. “આટલા ખર્ચાઈ ગયા!” એમ ન બોલવું. પૈસા વપરાઈ જશે એવા ભયમાં રહેવાને બદલે, જે-તે રસ્તે પૈસા વાપરવા, જેથી કરીને લોભ છૂટે ને ફરી ફરી અપાય.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, ગરીબી કે શ્રીમંતાઈ બંને અહિતકારી છે, નોર્માલિટી જોઈએ. હાથ ભલે ખાલી હોય પણ દિલના રાજા રહેવું તે સારું! માર્કેટમાં શાક કે એવી કોઈ વસ્તુ ખરીદવા ગયા હોઈએ તો જે ભાવે મળે તે ભાવે લઈ લેવું. તેઓશ્રીએ વર્ષો પહેલાં એક વ્યક્તિને ઉપાય બતાવ્યો હતો કે, “દરરોજ પંદર-વીસ રૂપિયાનું પરચૂરણ વેરતા જવું! મન ઓછું કરવા માંડે દહાડે દહાડે, તે પછી અઠવાડિયા પછી સામટા સો રૂપિયા વેરી આવવા એટલે મન ઠેકાણે આવે.” તે સમયે સો રૂપિયાની કિંમત બહુ હતી. એક વખત આપવાની શરૂઆત કરીએ તો મન મોટું થતું જાય.

મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ? જે પરોપકાર અર્થે, પરકલ્યાણ અર્થે ખર્ચાય તેવું. તીર્થંકરો ચક્રવર્તી સમ્રાટ હોવા છતાં, રાજપાટ, વૈભવ, રાણીઓ બધું મૂકીને ચાલી નીકળ્યા હતા! પોતાનું અને પારકાંનું કલ્યાણ કરવા અર્થે. એનું નામ જીવન. ઘરના બે-પાંચ લોકો માટે તો અનંત અવતાર જીવન ખર્ચ્યું, હવે એક અવતાર પારકાં માટે તો ગાળી જોઈએ! જેણે જીવનમાં સેવાભાવનો ઊંચો હેતુ નક્કી કર્યો હોય કે, “કેમ કરીને લોકો સુખી થાય, કઈ રીતે લોકોને જીવનમાં મદદરૂપ થઈએ” તો એને લક્ષ્મી બાય પ્રોડક્શનમાં આવી મળે જ! કારણ કે મનુષ્યમાં ભગવાન રહેલા છે. મનુષ્યની સેવા કરવી એ ભગવાનની ભજના કર્યા બરાબર છે. અને જ્યાં નારાયણ રાજી તો લક્ષ્મીજી પણ રાજી થાય!

પૈસા તો જેટલા આવવાના હશે એટલા જ આવશે. ધર્મમાં વળીશું તોય ને અધર્મમાં વળીશું તોય. પણ અધર્મમાં લક્ષ્મીનો દુરુપયોગ થશે ને દુઃખી થવાશે, જ્યારે ધર્મમાં લક્ષ્મીનો સદુપયોગ થશે ને સુખી થવાશે.

નુકસાન વખતે સાચી સમજણ

લક્ષ્મી ચંચળ સ્વભાવની છે. આજે પૈસા છે તો બે વર્ષ પછી કશું જ ના હોય. આજે નફો તો કાલે ખોટ. એટલે એનો એટલો બધો આધાર ના માનીને ન બેસવું.  એના કરતા નુકસાન વખતે સાચી સમજણ ગોઠવવી.

લોભી વ્યક્તિને બે ગુરુ હોય. એક ધુતારો અને બીજી ખોટ. પૈસાનો મોહ ઘટાડ્યો ન ઘટે. પણ જ્યારે ભયંકર ખોટ આવે ત્યારે લોભની ગાંઠ હડહડાટ તૂટી જાય! અથવા તો કોઈ ધુતારો છેતરી જાય ત્યારે થાય કે આની જગ્યાએ સારા રસ્તે વાપર્યાં હોત તો સારું થાત.

લોભી માણસને પૈસાનું નુકસાન થાય તો અંદર કે બહાર કકળાટ થયા વગર ન રહે. જેમ કે, નોકરથી મોંઘા ચાના કપ-રકાબી તૂટી જાય તો નોકરને વઢી મૂકે. પણ સસ્તી કિંમતનું માટલું તૂટ્યું હોય તો કંઈ ન થાય. જે વસ્તુની કિંમત મૂકી છે ત્યાં વધારે અસર થાય છે. માટે, વસ્તુની કિંમત ડિવેલ્યુ કરી નાખવી.

પચીસ લાખના આસામીને પચાસ હજાર રૂપિયા માટે કોઈ ફસાવી દે, તો લોભી માણસને અંદર કકળાટ ચાલુ થઈ જાય! એ વખતે જો એવી ગણતરી રાખીએ કે સાડા ચોવીસ લાખની જ મૂડી હતી તો કકળાટ ન થાય.

ધંધામાં મંદીના સમયે જ્યારે આર્થિક દબાણ આવે, જેમ કે, ઈન્કમટેક્સ અને સેલ્સટેક્સ ભરવાના હોય, લોકોના પગાર ચૂકવવાના હોય, ત્યારે લોકો “આમ કરી લઉં, તેમ કરી લઉં” એમ ફાંફાં મારે છે. આવા સમયે લોભથી પ્રેરાઈને દોડધામ કરી મૂકીએ તો બધું બગડે છે. અધીરાઈ કરવા જતાં ગૂંચવાડો વધે છે. એના બદલે ધીરજ રાખીએ તો સરળતાથી રસ્તો નીકળી આવે છે.  ભારે ખોટ આવે ત્યારે પોઝિટિવ રહીને પ્રયત્નો કરવાની આપણી ફરજ બજાવવી, પણ દિવસ-રાત એની ચિંતા કરવી, એના માટે વિચારવું એ ગુનો છે. એનાથી લોભની ગ્રંથિ મોટી થાય, અને છૂટવાને બદલે વધારે બંધન થાય.

પસ્તાવાથી લોભ ઢીલો

ખાવા-પીવા, કપડાં-લત્તાં બધામાં લોભ ઊભો થાય ત્યારે પોતાના લોભને વગોવીએ તો એ જાય. પૈસા બચાવીને ખુશ થાય ત્યારે, “અરેરે, આવું કર્યું? આમાં શું સારું કહેવાય? આવું તમને શોભે?” એમ અને ઠપકો આપીએ ત્યારે તેનાથી છૂટાય.

લોભ ઊભો થાય ત્યારે પસ્તાવો કરીએ તો પણ ગાંઠ હળવી થતી જાય.  લોભની ગાંઠથી પ્રેરાઈને ખોટું બોલીને લોકોના પૈસા લીધા હોય, બુદ્ધિથી ટ્રિકો કરીને ચોરી કે લુચ્ચાઈ કરી હોય, ભ્રષ્ટાચાર કર્યો હોય, અણહક્કનું પડાવી લીધું હોય, તો તે દરેક પ્રસંગને યાદ કરીને માફી માંગવી, અને ફરી આવી ભૂલ ન થાય તે માટે નિશ્ચય કરવો તો પણ લોભની ગાંઠ ઢીલી પડતી જાય. કારણ કે આવી ચોરી બહાર પકડાય નહીં, પણ કુદરતના ચોપડામાં એનો ગુનો નોંધાય છે!

×
Share on