Related Questions

લોભ શા માટે ન કરવો?

લોભ એટલે અંધાપો!  પોતાને પણ ના ખબર પડે કે લોભ થઈ રહ્યો છે. લોભી વ્યક્તિનું ચિત્ત આખો દિવસ લોભમાં ને લોભમાં જ હોય. લોભમાં ફક્ત પૈસાનો જ નહીં, દરેક વસ્તુનો લોભ સમાઈ જાય. આપણે અહીં પૈસાના લોભને સમજીશું.

લોભથી આપણને શું શું નુકસાન છે તે સમજાય તો લોભ ન કરવો જોઈએ એમ સમજાય. લોભી માણસ પોતાના નજીકના લોકોને પણ આરામથી છેતરે! જેમ કે, પત્ની જાત્રા માટે પચીસ હજાર માંગે તો પતિ કહે, “હમણાં નથી” અને બેંકમાં જોઈએ તો પાંચ લાખ કમાયા હોય!  એટલે પત્નીનું મન કચવાય. લોભ માનને પણ બાજુમાં મૂકી દે. એટલે કે, અપમાન થતું હોય એ સહન કરી લે, પણ લોભમાં ખોટ ન જવા દે.

લોભનો રક્ષક કપટ છે. લોભની ગાંઠને અડચણ ન આવે તે માટે કપટ તેનું રક્ષણ કરે. ક્યાંય રૂપિયા આપવાના થાય તો કળા કરીને એ સમય ટાળી દે જેથી આપવા ન પડે.

સામાન્ય વસ્તુ વાપરવામાં કરકસર કરવી એ ગુનો નથી. કરકસર તો ઓછા સાધન-સંપત્તિ હોય ત્યારે ભવિષ્યનો વિચાર કરીને થાય છે. પણ પૈસા ખૂબ હોય ત્યાં પણ લોભિયા થવું એ ગુનો છે.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, લોભથી જ આ સંસાર ખડો થયો છે. એકપણ વસ્તુનો લોભ બાકી હોય ત્યાં સુધી સંસારમાં આવવું પડે છે. લોભ છે ત્યાં સુધી સંસારની રઝળપાટ ચાલુ રહે છે. જ્યારે લોભ સંપૂર્ણ જશે ત્યારે આ સંસાર આથમશે!

લોભી સૌથી દુઃખી

લોભી વ્યક્તિ સૌથી દુઃખી હોય છે. જે પ્રાપ્ત છે એને પોતે ભોગવી ના શકે, અને જે નથી એની પાછળ દોડ્યા કરે છે. એ પણ ખાલી મનથી જ દોડે છે, હાથમાં આવે કે ન આવે. લોભ મનુષ્યને સુખ-ચેનથી રહેવા નથી દેતો. આપણને આપણી આસપાસ કે આપણા પોતાનામાં આવો લોભ જોવા મળી શકે છે.

પાણીની તૃષ્ણા સારી, પણ લક્ષ્મીની તૃષ્ણા બહુ ભયંકર કહેવાય! કારણ કે લક્ષ્મીની તૃષ્ણાનો સંતોષ થાય પણ તૃપ્તિ તો ક્યારેય થાય જ નહીં. સંતોષમાં તો ફરી એની ઈચ્છા ઊભી થાય, જ્યારે તૃપ્તિ એટલે ફરી એની ઈચ્છા જ ના થાય, વિચાર જ ના આવે.

“આઠ આના શોધવા પાછળ આઠ કલાક કાઢે” એવી લોભી મનુષ્યની વૃત્તિને કારણે પૈસા પાછળ મનુષ્યપણાનો સમય અને શક્તિઓ વેડફાય છે.  જે ફક્ત પોતાના માટે લક્ષ્મી વાપરે છે, તેના માટે દુઃખ રાહ જોઈને ઊભું છે.

લોભી વ્યક્તિ આખી જિંદગી કંજૂસાઈ કરી કરીને ધન ભેગું કરે. પણ એને ત્યાં બાળકો જ એવા ઉડાઉ પાકે કે વ્યસન અને જુગાર જેવા આડા રસ્તે બધું ધન વેડફી નાખે, પરિણામે આખું ઘરબાર ઊડી જાય. જેમ કીડી કણ કણ કરીને મણ ભેગું કરે અને એક દિવસ ઉંદર આવીને બધું સફાચટ કરી જાય એ રીતે સંગ્રહ કરેલું ધન ક્યારે ઊડી જાય કહેવાય નહીં.  અંતે દુઃખી થવાનો વારો આવે.

સતત પૈસા માટે વિચાર કરવો એ કુટેવ છે. જેમ શરદી ને તાવ થયા હોય તો આપણે વરાળનો નાસ લઈએ. વરાળ લેવાથી પરસેવો થાય અને તાવ ઊતરી જાય. પણ તાવ ન હોય ત્યારે પણ રોજેરોજ વરાળ ન લેવાય. નહીં તો શરીરમાંથી જરૂરી પાણી પણ નીકળી જાય અને શરીર લાકડું થઈ જાય. તેવી રીતે લક્ષ્મીનું આખો દિવસ ચિંતવન કરવાથી પોતાને જ નુકસાન થાય.

અતિ લોભ તે પાપનું મૂળ

લોભ એ હિંસકભાવ છે! લોભનો અર્થ બીજાનું પડાવી લેવું. દરેકનો પૈસાનો ક્વોટા કુદરતી નિર્માણ થયેલો છે. પોતાની પાસે પૈસો સારા પ્રમાણમાં આવતો હોય, તો પણ વધારે પૈસા કમાવાની ભાવના કરવી, એટલે બીજાના ક્વોટામાંથી હું વધારે ખેંચી લઉં એવો ભાવ કરવો. એટલે બીજાને ભાગે રહે નહીં. બીજાની પાસેથી મારી પાસે પૈસા આવે તે જ હિંસકભાવ!

પૈસાનો લોભ એ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થવા માટેનું મોટું કારણ બને છે, જેનાથી પાપ બંધાય છે. ધારો કે, નોકર વીસ કપ ચા લઈને આવતો હોય અને એના હાથમાંથી ચાની ટ્રે પડી જાય, અને કાચના કપ-રકાબી ફૂટી જાય, તો લોભી માણસનો જાણે આત્મા ફૂટી જાય! અંદર કકળાટ શરૂ થઈ જાય પણ બધાની સામે ખરાબ ન લાગે એટલે બોલે નહીં, એ આર્તધ્યાન. નોકર પણ અંદર ભયથી ધ્રૂજે કે બધા જશે પછી પોતાનું આવી બન્યું! કેટલાક શેઠ-શેઠાણી તો બધાની સામે નોકરને ઠપકો આપે. સસ્તી કિંમતનું માટલું ફૂટે તો આટલો કકળાટ ન થાય, પણ કાચના મોંઘા કપ-રકાબીની કિંમત મૂકી છે એટલે કકળાટ થાય. એક તરફ પૈસાનું નુકસાન તો થયું પણ બીજી બાજુ નોકરને દુઃખ પણ આપ્યું. આખો દિવસ પૈસા કમાવાના ધ્યાનમાં જ પડેલા હોય, તેવા લોકો ઘરની નજીકની વ્યક્તિઓને પણ ભૂલી જાય. એ ધ્યાનમાં કોઈ બોલાવે કે ખલેલ પહોંચાડે તો મૂડ બદલાઈ જાય ને ગુસ્સો આવી જાય, એ બધું રૌદ્રધ્યાન. પોતાને જે વસ્તુનો લોભ હોય તે બીજાને વધારે મળે તો અંદર બળતરા શરૂ થાય.

એટલી હદે લોભ હોય કે આખી જિંદગી ધનનું રક્ષણ કર્યું એટલે મૃત્યુ પછી પણ જીવ ધનમાં જ રહે. મર્યા પછી નાગ કે વીંછી થઈનેય ધન કરેલા ચરુને સાચવે! બધાનું સહિયારું ધન હોય તો બધા ભમરા થઈને ઘડામાં ભરાઈ રહે. પછી કોઈ હાથ નાખવા જાય તો એને ડંખ મારી દે!

પૈસાની કમાણી પુણ્યના આધારે થાય છે, પણ તેને ખર્ચતી વખતે પુણ્ય કે પાપ બંધાઈ શકે. એટલે આજે પુણ્યના હિસાબે પુષ્કળ પૈસા આવે પણ વાપરતી વખતે આખો દિવસ “હાય પૈસો, હાય પૈસો!” એમ આર્તધ્યાન થયા કરે. ટૂંકમાં, પોતે પૈસા ભોગવી ન શકે અને આવતા ભવ માટે પાપ બંધાય.

વધુ લક્ષ્મી મેળવવા કે બચાવવાના લોભને લઈને મનુષ્યો ઊંધા કામો કરવામાં પણ અચકાતા નથી, અને ફસાય છે. કેટલાક વેપારીઓ સરકારના કાયદાની વિરુદ્ધ જઈને પૈસા કમાવા માટે ટેક્સની ચોરીઓ કરે છે. ધંધામાં ગ્રાહકોને છેતરીને, ઓછો તોલ આપીને, વસ્તુમાં ભેળસેળ કરીને પૈસા કમાય છે. અને નિયમ એવો છે કે ખરાબ રીતે ઘરમાં નાણું આવે તો સાથે ખરાબ વિચારો પણ આવે કે કેમ કરીને બીજાનું વધારે પડાવી લઉં, ભોગવી લઉં. પરિણામે મનુષ્ય પાપ બાંધે અને અધોગતિને નોતરે છે. જે લોભથી આચાર બગડે, તેનાથી જાનવરમાં જવાય! કેટલાય અવતારો સુધી રખડાવે તેવો જો કોઈ એક દોષ હોય તો તે છે લોભ!

×
Share on