Related Questions

પૈસાની પાછળ દોટ મૂકવાનું શું પરિણામ આવે?

હંમેશા લોકો લક્ષ્મીની પાછળ દોટ મૂકે છે. પણ વધુ લક્ષ્મી મેળવવાની દોટ માણસને મજૂર બનાવે છે. તેમાં જેટલા લોકો પૈસા કમાઈને દાનમાં આપે છે તેટલું પુણ્ય કમાય છે. બાકી મોટાભાગના લોકો આખો દિવસ પૈસા કમાવા માટે વૈતરું કર્યા કરે છે. તેમને પત્ની કે બાળકોની જાણે પડી જ નથી હોતી. ફક્ત પૈસા બનાવાની જ પડી હોય છે. ઘરમાં આપવા માટે તેમની પાસે સમય જ નથી હોતો. લક્ષ્મીની દોટ તો માણસને ગાંડો-ઘેલો બનાવી દે છે. પોતાને હિતાહિતનું ભાન નથી રહેતું.

લોકો રેસકોર્સમાં પડ્યા છે. જેમ રેસકોર્સમાં બધા ઘોડા દોડ દોડ કરે, પણ પહેલો નંબર એકનો જ આવે, બાકીના હાંફી હાંફીને મરી જાય. તેવી જ રીતે દુનિયાના લોકો પૈસા કમાવાની રેસકોર્સમાં દોડી દોડીને, હાંફી હાંફીને થાકી જાય છે પણ સુખ હાથમાં આવતું નથી. માટે, આપણાથી દોડાય એટલું દોડવું, બધી ફરજો શાંતિપૂર્વક બજાવવી પણ સ્પર્ધામાં પડવા જેવું નથી. આખી દુનિયા રાત્રે અગિયાર વાગ્યે સૂઈ જતી હોય તો આપણે પણ નિરાંતે સૂઈ જવું. પૈસા કમાવાની લ્હાયમાં વગર કામનું આખી રાત મથામણ કરીને એકલા દોડવું નહીં.

વિચારણા કરીએ તો જ્યારે આવક ઓછી હોય ત્યારે જીવનમાં બિલકુલ શાંતિ હોય. ઘરની વ્યક્તિઓ સાથે સમય વિતાવવાનો, બાળકોને સંસ્કાર આપવાનો, મંદિરે ભગવાનના દર્શન કરવાનો, ધર્મ કરવાનો સમય મળી આવે. જેમ જેમ કમાણી વધે તેમ તેમ કામનો સ્ટ્રેસ વધે અને શાંતિ ઘટે.  એકલું લક્ષ્મીની પાછળ પડવાથી ઘરના સંસ્કાર લૂંટાઈ જાય, પોતાનું સ્વાસ્થ્ય લૂંટાઈ જાય, બ્લડ પ્રેશર વધે ને હાર્ટ ફેઈલ થવાની તૈયારીઓ ચાલતી હોય.

પૈસા હોય ત્યાં અંતરશાંતિ હોય જ એવું જરૂરી નથી. ધનવાન વ્યક્તિઓના બહારના ઠાઠમાઠ જોઈને આપણે અંજાઈ જઈએ. પણ તપાસ કરીએ તો બધા અંદરથી કોઈ ને કોઈ કારણોસર ચિંતામાં કે દુઃખમાં હોય. મોટો કરોડોનો ફ્લેટ હોય પણ તેમાં બે જ વ્યક્તિ રહેતા હોય, તો ઘર સ્મશાન જેવું લાગે. પછી એ બંગલામાં પણ સુખ ન લાગે. મોટા ઘરમાં અંતરશાંતિ તો ખરેખર રસોઈયા અને નોકરોને હોય, જેઓ ઘરના માલિક કરતા વધુ સમય તેમાં રહેતા હોય અને સુખ-સગવડ ભોગવતા હોય. પૈસાની પથારી કરીને સૂઈ જવાથી વધારે સારી ઊંઘ આવે એવું બનતું નથી.

આખો દિવસ પૈસા માટે મહેનત કરતા મનુષ્યો લોકોને દુઃખ આપીને કે છેતરીને જાણ્યે અજાણ્યે અધોગતિના કર્મો બાંધે છે. પુણ્યના હિસાબે આજે લક્ષ્મી કમાય છે પણ નવું પાપકર્મ બાંધે છે. જ્યારે કેટલાક લોકોનું પુણ્ય એવું હોય કે તેમને દિવસમાં અડધો કલાક જ મહેનત કરવી પડે અને બધું કામ સરળતાથી ચાલ્યા કરે. એમાંય દાન-ધર્મમાં લક્ષ્મી આપે એટલે નવું પુણ્યકર્મ બંધાય. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, આખો દિવસ મહેનત-મજૂરી કરીને પૈસા કમાય છે તે તો મજૂર કહેવાય, જ્યારે જે લક્ષ્મી ભોગવે છે તે પુણ્યશાળી કહેવાય.

જગતના લોકો પૈસા પાછળ પડ્યા છે! પણ કોઈ પૈસાથી ધરાયેલું જોવા મળતું નથી. કારણ કે જેમની પાસે પૈસા હોય તે પણ દુઃખી છે અને નથી તે પણ દુઃખી છે.  મોટા પ્રધાન હોય કે ભિખારી, મોટા શેઠ હોય કે નોકર, બધાને આખો દિવસ દુઃખ, દુઃખ ને દુઃખ જ છે. મોટા બે મિલના માલિક પણ લક્ષ્મી પાછળ દોડે છે, એક મિલનો માલિક પણ લક્ષ્મી પાછળ દોડે છે, મિલના સેક્રેટરી પણ લક્ષ્મી પાછળ પડ્યા છે અને મિલના મજૂરને પણ લક્ષ્મી જોઈએ છે. તો આ બધામાં સુખી કોણ છે?  એટલે પૈસાથી કાયમનું સુખ નથી મળતું, પણ એમાં લક્ષ્મીનો દોષ નથી, પોતાની માન્યતાનો દોષ છે.

મોટેભાગે લોકો વ્યર્થ દુઃખી હોય છે. બેંકમાં પૈસા ઓછા થઈ ગયા હોય તો કહે નાદાર થઈ ગયા. અરે! બેંકમાં થોડા રૂપિયા પડ્યા છે. બે ટંક જમવાનું મળે એટલા પૈસા છે. કોઈ દેવું નથી થયું. ઘરની વ્યક્તિઓ સાજી-સારી છે. એટલું જ નહીં અબજોની કિંમતના આપણા હાથ-પગ ને આંખો સાબૂત છે! હવે, આટલી બધી મિલકત હોવા છતાં નાહકની પૈસાની ચિંતા શું કામ કરવી?

વાસ્તવિકતામાં જે લોકો અઢળક પૈસા કમાઈને ખૂબ ઊંચે ચડ્યા હોય તેમને બહુ જોખમદારી હોય. તેમને આખો દિવસ કેમ કરીને ઈન્કમટેક્સ બચાવવો એનું જ ધ્યાન હોય.  મોટા મોટા વેપારીઓ આખો દિવસ જાણે દિવેલ પીધું હોય એવું મોઢું લઈને ફરતા હોય. જીવનમાં આખો દિવસ પૈસા કમાવાનો જ હેતુ હોય, અને એમાં જ ધ્યાન રહ્યા કરે, પરિણામે અધોગતિના કર્મો બંધાય.

વધુ રૂપિયા આવે ત્યારે વધુ અકળામણ થાય, પૈસાની ગણતરીઓ કરી કરીને મગજ શુષ્ક થઈ જાય, કશું યાદ ના રહે અને આખો દિવસ અજંપો, અજંપો, અજંપો રહ્યા કરે. મનુષ્ય દેહ ધારણ કરીને ફક્ત પૈસા મેળવવાની દોડમાં લોકો પ્રાણીઓની મોતે મરે છે. પૈસાનો લોભ કરીને, આર્તધ્યાન-રૌદ્રધ્યાન કરીને મનુષ્યનો અવતાર બગાડે છે.

આ દુષમકાળ જે દુઃખ-મુખ્ય કાળ છે, તેમાં મનુષ્યોને આખો દિવસ કકળાટ અને બળતરા ચાલુ જ હોય છે. રોજ સવારમાં નાસ્તાના ટેબલ ઉપર ક્લેશ પીરસાય છે. કોઈને અંતરશાંતિ નથી મળતી. પછી કોઈ રીતે સૂઝ ના પડે એટલે લોકો માની બેસે છે કે પૈસાથી સુખ મળશે અને એ માન્યતા ધીમે ધીમે દૃઢ થઈ જાય છે. પણ પછી તેમાંય બળતરા ઊભી થાય છે.

આખા જગતે લક્ષ્મીને જ મુખ્ય માની છે! દરેક કામમાં લક્ષ્મી જ મુખ્ય છે એટલે લક્ષ્મી ઉપર જ મનુષ્યની વધારે પ્રીતિ છે. નિયમ એવો છે કે જ્યાં સુધી લક્ષ્મી ઉપર વધારે પ્રીતિ હોય ત્યાં સુધી ભગવાન ઉપર પ્રીતિ ના બેસે, અને જો ભગવાન ઉપર પ્રીતિ થાય પછી લક્ષ્મીની પ્રીતિ ઊડી જાય. બેમાંથી એક ઉપર પ્રીતિ બેસે, કાં તો લક્ષ્મી ઉપર ને કાં તો નારાયણ ઉપર. ક્યાં રહેવું છે એ આપણે નક્કી કરવાનું. લક્ષ્મી ઉપર પ્રીતિ રાખીશું, તો લક્ષ્મી આજે છે ને કાલે નહીં હોય ત્યારે રડવાનો વખત આવશે. પણ જો નારાયણ ઉપર પ્રીતિ રાખીશું તો આપણને નિરંતર આનંદ અને મુક્તભાવ રહેશે. લક્ષ્મી સહજભાવે ભેગી થતી હોય તો થવા દેવી પણ તેના પર ટેકો ના દેવો. ટેકો દઈને ‘હાશ’ કરીએ, પણ ક્યારે એ ટેકો ખસી જાય એ કહેવાય નહીં.

જે પૈસા કમાવામાં, પૈસાની ગણતરીમાં આખું જીવન કાઢ્યું, એ પૈસા બધા અહીં ને અહીં રહી ગયા, ને ગણનારા ઉપડી ગયા! જીવનમાં બુદ્ધિજીવીઓ પણ આ વાત સ્વીકારે એમ છે. આટલું જો સમજી લઈએ તો ચિંતાનું કોઈ કારણ નહીં રહે!

એક લક્ષ્મી અને એક વિષય-વિકાર માણસને બધું ભૂલાડી દે, ભગવાન યાદ જ ના આવવા દે. દુનિયામાં બીજી કોઈ વસ્તુનો એટલો પ્રભાવ નથી કે બધું ભૂલાવી શકે. કાયદો એવો છે કે જ્યાં રુચિ હોય ત્યાં એકાગ્રતા થાય. લોકોને ભગવાન કરતા પૈસામાં વધારે રુચિ છે એટલે ત્યાં એકાગ્રતા થાય છે. પૈસાની પ્રીતિ ઘટાડવા જીવનમાં શેની કિંમત વધુ છે તે નક્કી કરવું. જો જીવનમાં સુખ-શાંતિ વધુ કિંમતી હોય તો ભગવાન ઉપર પ્રીતિ રહે અને પૈસાની કિંમત વધુ માની હોય તો ત્યાં પ્રીતિ રહે.

દુનિયામાં લોકો બે અર્થે જીવે છે: એક આત્માર્થે, અને બીજું લક્ષ્મી અર્થે. બહુ જૂજ લોકો આત્માર્થે જીવે છે, બીજા બધા લક્ષ્મીના અર્થે જીવે છે. આખો દિવસ લક્ષ્મી, લક્ષ્મી ને લક્ષ્મી કરે છે! લોકોએ માન્યું કે પૈસામાં સુખ છે, એટલે આપણે પણ માન્યું. આમ લોકસંજ્ઞાથી આ રોગ પેઠો છે. આ ભૌતિક સુખ કરતાં અલૌકિક સુખ હોવું જોઈએ કે જે સુખમાં આપણને તૃપ્તિ મળે. આ લૌકિક સુખ તો ઊલટો અજંપો વધારે! જ્ઞાની પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય, સાચી સમજણ મળે ત્યારે આત્માનું સાચું સુખ પ્રાપ્ત થાય, અને પછી આ રોગ નીકળે.

×
Share on