ધંધાના બે બાળકો છે, જે નિયમથી જ જન્મે છે. એકનું નામ ખોટ અને એકનું નામ નફો. નફો બધાને ગમે અને ખોટ કોઈનેય ગમે નહીં, પણ બે સાથે જ હોય. ધંધામાં નફો કે ખોટ આવે ત્યારે મનુષ્યએ સમભાવમાં રહેવું જોઈએ. સમભાવ એટલે નફામાં ઉત્તેજિત ન થઈ જવું અને ખોટમાં ડિપ્રેશનમાં ન જવું. જો મનુષ્યને સાચી સમજણ મળે તો નફો અને ખોટ બંને વખતે સમભાવ રહી શકે.
જે ચઢ-ઉતર થાય તેનું નામ જ ધંધો. ધંધો કરવામાં તો છાતી બહુ મોટી જોઈએ. છાતીનાં પાટિયાં બેસી જાય તો ધંધો બેસી જાય. ચિંતાથી ધંધાનું મોત આવે છે. ધંધામાં જો ચિંતા થવા માંડે તો સમજવાનું કે કામ બગડવાનું છે અને ચિંતા ન થાય તો સમજવું કે કામમાં અવરોધ નહીં આવે. ધંધો વધારવા માટે સામાન્ય રીતે વિચારવાની જરૂર ખરી. પણ એથી આગળ વધીને જો દિવસ-રાત ધંધાના વિચારો આવવા માંડે તો સમજવું કે એ નોર્માલિટીની બહાર ગયું છે. ધંધાના વિચારો તો આવે, પણ એ વિચારો લંબાય અને પછી એનું ધ્યાન ઉત્પન્ન થાય તેનાથી ચિંતા થાય અને ચિંતા બહુ નુકસાન કરે. માટે ચિંતા થાય તે પહેલાં વિચારોને બાજુએ મૂકી દેવા.
જેમ આપણે ચિંતા ન કરીએ તો પણ દાઢીના વાળ એની મેળે ઊગે છે, જમીને સૂઈ જઈએ પછી ખોરાકનું પાચન એની મેળે થયા કરે છે, તેવી જ રીતે ચિંતા નહીં કરીએ તો પણ ધંધો ચાલ્યા કરશે. માટે રાત્રે નિરાંતે સૂઈ જવું. તેમ છતાં મન કૂદાકૂદ કરતું હોય કે, “આવતીકાલનું કામ આજે પતાવી દઉં”, તો મનને કહેવું કે, “બધા સૂઈ ગયા છે, તું એકલો શેના માટે જાગે છે? વગર કામની બૂમાબૂમ કરીશ, તો પણ કંઈ વળવાનું નથી.” આખી રાત જાગીને કામ કરીએ અને બીજા દિવસે સવારે મોડા ઊઠીએ એના કરતા નિરાંતે સૂઈ જવું. એટલે ધંધાને વધારવાના પ્રયત્નો બધા જ કરવા પણ ચિંતા ન કરવી.
ધંધો નિશ્ચિતભાવે, શાંતરૂપે કર્યા કરવો. તેમાં પૈસા કમાવાની કે નફો મેળવવાની બહુ ઉતાવળ ન કરવી. હા, ઘરમાં અનાજ ખૂટી પડતું હોય, પહેરવાના કપડાં ખૂટી પડતાં હોય, તો પૈસા કમાવા માટે હાયવોય કરીએ. ઘણીવાર એવું હોય કે ધંધો બે વર્ષ આગળ વધતો અટકી જાય, તો પણ ઘરમાં ખાવા-પીવા-રહેવાની કોઈ તકલીફ ન પડે એવું હોય છે. ત્યારે સ્થિરતા પકડવી. છતાં આપણે નફો મેળવવા દોડધામ કરી મૂકીએ છીએ. આપણે લક્ષ્મીને જીવવાનો આધાર માની બેઠા છીએ, પણ એ આધાર ક્યારે ખસી જાય કહેવાય નહીં. માટે પહેલેથી એવી રીતે જીવવું કે જેથી ખોટના સમયે હાલી ન જવાય.
પરમ પૂજ્ય દાદાશ્રી પોતે આત્મજ્ઞાનનો સંપૂર્ણ અનુભવ પામ્યાં તે પહેલા સંસારીવેશે કોન્ટ્રાક્ટનો ધંધો કરતા હતા. તેઓશ્રી કહે છે કે, ઘરમાં બધાની તબિયત સારી હોય, તે વખતે ધંધાના ચોપડામાં ખોટ હોય તોય સમજવું કે નફો જ છે. ધંધાની તબિયત બગડે કે ના બગડે, ઘરની વ્યક્તિઓની તબિયત ના બગાડવી જોઈએ. જીવનનું ગણિત જો આમ બદલી નાખીશું તો નફો-ખોટ બંનેમાં સમભાવ રહેશે.
પરમ પૂજ્ય દાદા ભગવાને ધંધામાં ખોટ સમયે, પોતાના જ અનુભવ પરથી જે તારણ કાઢ્યું તે આપણને તેમના જ શબ્દોમાં જાણવા મળે છે.
દાદાશ્રી: પહેલાં અમારે એક ફેરો, અમારી કંપનીમાં ખોટ આવેલી. જ્ઞાન થયા પહેલાં, ત્યારે અમને આખી રાત ઊંઘ ના આવે. ચિંતા થયા કરે. ત્યારે મહીંથી જવાબ મળ્યો કે આ ખોટમાં કોણ કોણ ચિંતા અત્યારે કરતું હશે? મને એમ લાગ્યું કે મારા ભાગીદાર તો વખતે ચિંતા નાયે કરતા હોય. હું ફક્ત એકલો જ કરતો હોઉ. અને બધાં બૈરાંછોકરાં ભાગીદાર છે, તો તે કોઈ જાણતાં જ નથી. હવે એ બધાં નથી જાણતાં તોય એમનું ચાલે છે, તો હું એકલો જ અક્કલ વગરનો તે ચિંતા કરું આ બધુંય! એટલે પછી મારી અક્કલ આવી ગઈ. કારણ કે પેલાં બધાં ચિંતા ના કરે, ભાગીદાર છે બધાં, તોય તે ચિંતા ના કરે, તો હું એકલો જ ચિંતા કરું.
તે પછી મારામાં અક્કલ આવી ગઈ એટલે ચિંતા કરું નહીં. અરે, એ લોકો ચિંતા ના કરે તો મારે ચિંતા કરવાની શી જરૂર? મારે તો મારી ફરજ બજાવવાની; ચિંતા-બિંતા કરવાની નહીં. એ નફો-નુકસાન એ બધું કારખાનાનું હોય છે. આપણે માથે નથી. આપણે તો ફરજ બજાવાના અધિકારી. બધું કારખાનાનું હોય છે. કારખાનું માથે લઈને ફરીએ છીએ તો રાત્રે ઊંઘ કેટલી બધી આવે?
મનનો સ્વભાવ એવો છે કે એના ધાર્યા પ્રમાણે ના થાય, એટલે એ નિરાશ થઈ જાય. માટે પહેલેથી આપણે ધારણા ન બાંધવી, અથવા નફાની આશા હોય ત્યાં ખોટ આવશે એવી ધારણા બાંધવી. એનાથી ખોટ જાય ત્યારે ચિંતા નહીં થાય. ધારો કે, ધંધામાં પાંચ લાખ નફો મળે એવું હોય ત્યાં પહેલેથી નક્કી કરવું કે લાખ રૂપિયા નફો મળે તો બસ છે. એમાંય છેવટે સરભર થઈને રહે અને ઈન્કમટેક્સ અને ઘરખર્ચ નીકળી જાય તોય બહુ થઈ ગયું. આવી ધારણા બાંધી હોય અને એમાં ત્રણ લાખનો નફો થાય તો આનંદ થાય, કે ધાર્યા કરતાં ઘણા વધારે મળ્યા. પણ પાંચ લાખ ધાર્યા હોય અને ત્રણ લાખ મળે તો ચિંતા અને દુઃખ થાય. એટલે, ખોટ જાય એવી આપણી ઈચ્છા ન રાખવી, પણ ખોટ આવે તો નિરાશ ન થવાય એના માટે આ ચાવી છે. આમ પણ વેપાર એટલે આ પાર કે પેલે પાર, નફો અને ખોટ બંને આવવાના જ. નફાની આશાના મહેલ બાંધ્યા હશે તો નિરાશા આવ્યા વગર નહીં રહે.
નફો આવે તે ધંધાનો ગણવો અને ખોટ જાય એ પણ ધંધાની ગણવી. આપણે બેઉને માથે ન લેવા. ધંધાનો સ્વભાવ જ છે કે નફો અને ખોટ દેખાડે, બ્લેક એન્ડ વ્હાઈટ, બ્લેક એન્ડ વ્હાઈટ ચાલ્યા જ કરે. એમાં આપણે નક્કી કરવું કે મારે આર્તધ્યાન કે રૌદ્રધ્યાન નથી કરવું. આજકાલ ધંધામાં સહેજ નિષ્ફળતા મળે ને માણસ નાસીપાસ થઈ જાય છે. તે વખતે પોઝિટિવ વિચારવું કે, રૂપિયા ડૂબી ગયા તો શું થયું? આપણે તો રહેવાના છીએ. કોઈ આપણને બે લાખમાં આપણી બે આંખો વેચવાનું કહે તો આપણે વેચીએ? દસ લાખમાં લીવર, ને પંદર લાખમાં હૃદય વેચવાનું કહે તો? આપણે ના વેચીએ. આટલી મોટી મિલકતના માલિક આપણે ખુદ છીએ, તો પછી રૂપિયા ગયા એની ચિંતા શું કામ કરવી? આપણે હયાત છીએ તો બીજી વખત નફો કમાઈ લઈશું.
લોકો એક ધંધામાં ખોટ જાય તો તે બંધ કરીને બીજો ધંધો શરૂ કરવાનું કે નોકરી કરવાનું વિચારે છે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે ધંધામાં ગયેલી ખોટ ધંધામાંથી જ પૂરી થાય. જે બજારમાં ધંધાને ઘા પડ્યો હોય, તે જ બજારમાં એ ઘા રૂઝાય અને ત્યાં જ એની દવા હોય. જેમ કે, રૂ બજારમાં ખોટ ગઈ હોય તો એ કરિયાણાની દુકાન ખોલવાથી પૂરી ના થાય અને કોન્ટ્રાક્ટના ધંધામાં ગયેલી ખોટ પાનની દુકાન ખોલવાથી ના પૂરી થાય.
નફાની લાલચમાં ગ્રાહકો સાથેનો સંબંધ ના બગડવા દેવો. આપણે ગ્રાહકને ખોટો માલ આપીને છેતર્યા હોય, પછી ધંધો બંધ કરી દઈએ તો પણ તેઓ યાદ રાખે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “આપણે સત્ય, હિત, પ્રિય અને મિત રીતે કામ લેવું. કોઈ ઘરાક આવ્યો તો એને પ્રિય લાગે એવી રીતે વાત કરવાની, એને હિતકારી હોય એવી વાતચીત કરવી. એવી વસ્તુ ના આપીએ કે જે એને ઘેર જઈને નકામી થઈ જાય. તો ત્યાં આપણે એને કહીએ, “ભઈ, આ વસ્તુ તમારા કામની નથી.” પ્રામાણિકતાથી ધંધો કરવો, કારણ કે ગ્રાહકોનો વિશ્વાસ જીતાયો હશે તો વર્ષો સુધી તેઓ યાદ રાખશે.
ધંધાના સમયમાં પણ નોર્માલિટી રાખવી. ધારો કે, આપણી દુકાન હોય તો આખી દુનિયા જયારે દુકાન ખોલે ત્યારે ખોલવી અને બંધ કરે ત્યારે આપણે પણ બંધ કરીને ઘરે જવું. ઘણા લોકો નફો મેળવવાની આશાથી દુકાન વહેલી ખોલે અને મોડી બંધ કરે. પણ એમાં કાંઈ મોટો નફો નથી થતો. એમાંય એક દિવસ નોકર સહેજ મોડો આવે તો એને વઢી મૂકીએ અને આપણા જ કષાયો વધારીએ. જો દુકાનમાં ગ્રાહક ન આવે તો આખો દિવસ ચક્કર ચાલે કે આજે કમાણી ન થઈ. જેમ ઈલેક્ટ્રિસિટી જાય તો આપણે ઉધામા નથી નાખતા, શાંતિથી બેસીને રાહ જોઈએ છીએ. બહુ બહુ તો એક-બે વાર ફોન કરીએ, પછી ઈલેક્ટ્રિસિટી એની મેળે પાછી આવી જાય છે. તેવી જ રીતે ધંધામાં ખોટના સમયમાં ઉધામા ન નાખવા અને ભાવ ન બગાડવો. પણ ધીરજ અને ‘રેગ્યુલારિટી’ રાખવી. ગ્રાહક આવે તો શાંતિથી વ્યવહાર કરવો અને ના આવે ત્યારે ભગવાનનું નામ લેવું.
ધંધો એટલો કરવો કે આપણને રાત્રે નિરાંતે ઊંઘ આવે. વ્યવહાર સાચવીને ધંધા પર જવું. વ્યવહારને સાચવવામાં નિરાંતે જમવું, શરીરને પૂરતો આરામ અને ઊંઘ આપવા, ઘરની વ્યક્તિઓને પૂરતો સમય આપવો એ બધું સમાઈ જાય. આપણે ચાર શિફ્ટમાં ધંધો કરીએ એનાથી બસ્સો વર્ષનું આયુષ્ય નહીં થઈ જાય. માટે આખો દિવસ કઢાપો અને અજંપો થાય એ રીતે દોડધામ કરવાનો અર્થ નથી. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “નાણું કમાવાનું જોર કરવા જેવું નથી. નાણાંમાં બરકત શી રીતે આવે છે તે વિચારવા જેવું છે.” ખૂબ પૈસા હોવા છતાં જો આખો દિવસ ઉપાધિ, હાયવોય, ચિંતા અને બળતરા થયા કરતી હોય તો સમજવું કે નાણું બરકત વગરનું છે. જે નાણું આપણને શાંતિ આપે એ બરકત વાળું અને દુઃખ આપે એ બરકત વગરનું.
આપણે બધી બાજુથી પ્રયત્નો કરીએ છતાં ધંધામાં નફો ન થતો હોય તો સમજવું કે અત્યારે સંજોગો સવળા નથી. તેવા સમયે વધારે પ્રયત્નો કરવા જઈશું તો વધારે ખોટ જશે. એના કરતા ધંધામાં ખરાબ સમય ચાલતો હોય ત્યારે ધર્મનું જોર વધારવું. ભગવાનની ભક્તિ, આરાધના કે સત્સંગમાં સમય ફાળવવો. ઘરમાં શાક ન લાવી શકીએ તો ખીચડી ખાઈને દિવસો કાઢવા, એમ કરકસરથી જીવન ગુજારવું. પછી જયારે સંજોગો સવળા થાય અને ધંધામાં નફો થાય ત્યારે વધારાના પૈસા ભગવાનના મંદિર બંધાવવા જેવા પુણ્યના કાર્યોમાં અથવા કોઈ ગરીબને દાન આપવામાં, ભૂખ્યાને જમાડવામાં ખર્ચવા.
Q. ધંધામાં નીતિ અને પ્રમાણિકતા કઈ રીતે રાખવા?
A. સુખી થવાનો સાચો માર્ગ છે, નીતિ અને પ્રામાણિકતા ભર્યું જીવન. મનુષ્ય નીતિ અને પ્રામાણિકતાભર્યું... Read More
Q. ધંધામાં લેણ-દેણ વખતે શું ધ્યાનમાં રાખવું?
A. ધંધામાં આપણે કોઈના દેણદાર હોઈએ, એટલે કે આપણે કોઈના પૈસા ઉછીના લીધા હોય અને એ દેવું ચૂકવવાનું હોય.... Read More
A. લોભ એટલે અંધાપો! પોતાને પણ ના ખબર પડે કે લોભ થઈ રહ્યો છે. લોભી વ્યક્તિનું ચિત્ત આખો દિવસ લોભમાં... Read More
Q. શું મારે ઉધાર પૈસા આપવા જોઈએ?
A. પ્રશ્નકર્તા: કોઈ માણસે આપણને રૂપિયા આપવાના હોય, આપણે એને આપ્યા હોય એ આપણે એની પાસેથી પાછા લેવાના... Read More
A. લોકો એમ માને છે કે લક્ષ્મી મહેનત કરવાથી, એની પાછળ પડવાથી કે બુદ્ધિ વાપરવાથી મળે છે. પણ જો મહેનતથી... Read More
Q. પૈસાની પાછળ દોટ મૂકવાનું શું પરિણામ આવે?
A. હંમેશા લોકો લક્ષ્મીની પાછળ દોટ મૂકે છે. પણ વધુ લક્ષ્મી મેળવવાની દોટ માણસને મજૂર બનાવે છે. તેમાં... Read More
Q. લક્ષ્મીનો વ્યવહાર કેવો હોવો જોઈએ?
A. લોકો લક્ષ્મી મેળવવા દિવસ-રાત મહેનત કરે છે. પણ કોઈને આયુષ્યનું એક્સટેન્શન મળે છે? જો મળતું હોય તો... Read More
A. લોભનો વિરોધી શબ્દ છે સંતોષ. જેટલો સંતોષ રહે એટલો લોભ જાય. પણ સંતોષ રાખ્યો રખાય નહીં. જેટલી સાચી... Read More
Q. પૈસાનો લોભ એટલે શું? તે કઈ રીતે ઓળખાય?
A. લોભની વ્યાખ્યા શું? પોતાની પાસે ઘણા પૈસા હોય, છતાં રાત-દિવસ પૈસાના જ વિચારો આવ્યા કરતા હોય;... Read More
subscribe your email for our latest news and events