Related Questions

ધંધામાં નીતિ અને પ્રમાણિકતા કઈ રીતે રાખવા?

સુખી થવાનો સાચો માર્ગ છે, નીતિ અને પ્રામાણિકતા ભર્યું જીવન. મનુષ્ય નીતિ અને પ્રામાણિકતાભર્યું જીવન જીવે તો ત્યાં સદા પ્રભુનો વાસ રહે છે. મનુષ્યજીવનમાં આ ત્રણ વસ્તુનું પાલન થાય તો તેમાં સમગ્ર વ્યવહાર ધર્મ સમાઈ જાય છે:

  1. નીતિમત્તા
  2. ઓબ્લાઈઝિંગ નેચર (પરોપકારી સ્વભાવ)
  3. પરોપકારનો બદલો લેવાની ઈચ્છા પણ ન રાખવી તે!

જ્યાં પ્રામાણિકતા, નૈતિકતા અને ઑબ્લાઈઝિંગ નેચર - આ ત્રણ ગુણ હોય, તેના બીજા બધા દુર્ગુણો અવશ્ય જાય. જ્યાં દરેક વ્યવહારમાં સંપૂર્ણ નીતિ હોય, ત્યાં સુખ હોય. એમાંય જે પોતાના નહીં પણ પારકાંના સુખ માટે જીવતા હોય, તેમને બહુ જ સુખ હોય. 

પણ આજકાલ ધંધા રોજગારમાં પૈસા કમાવાની લાલચને લઈને નીતિ અને પ્રામાણિકતાનું સ્થાન અનીતિ, ભેળસેળ, ભ્રષ્ટાચાર અને કાળા બજારે લઈ લીધું છે. “બાય, બોરો ઓર સ્ટીલ” (પૈસા મેળવવા જે જરૂરી હોય એ રસ્તા લેવા)ની રીતે નાણું ઘરમાં આવે તો પોતાના જ પગ ઉપર કુહાડો મારવા જેવી સ્થિતિ થાય છે. મૃત્યુ પછી નનામી નીકળશે તો પૈસા તો અહીં જ પડી રહે છે. પણ જે ભયંકર પાપકર્મ બંધાયા તે પોતાની સાથે આવે છે. જેના પરિણામે પોતે દુઃખ અને અધોગતિ ભોગવે છે. ધંધો રોજગાર કરતી વખતે પ્રામાણિકપણું હોય ત્યાં પાછું મનુષ્યપણું પમાશે. પણ જ્યાં અણહક્કની લક્ષ્મી ભોગવવાની દાનત છે તેને તો તે ભોગવવા પશુમાં જ જવું પડે. પછી ભલે ને ગમે તેટલી ભક્તિ કે દાન-પુણ્ય કરતા હોઈએ! 

પરમ પૂજ્ય દાદાશ્રી આપણને ધર્મનો પાયો સમજાવે છે.

દાદાશ્રી: ધંધામાં અણહક્કનું નહીં. ને જે દહાડે અણહક્કનું લેવાઈ જાય, તે દહાડે બરકત નહીં રહે ધંધામાં. ભગવાન હાથ ઘાલતા જ નથી. ધંધામાં તો તારી આવડત ને તારું નૈતિક ધોરણ બે જ કામ લાગશે. અનૈતિક ધોરણ વરસ, બે વરસ સારું મળશે, પણ પછી નુકસાન જશે. ખોટું થાય તો છેવટે પસ્તાવો કરશો તોય છૂટશો. વ્યવહારનો સાર આખો હોય તો તે નીતિ, નીતિ હશે ને પૈસા ઓછા હશે તો પણ તમને શાંતિ રહેશે અને નીતિ નહીં હોય ને પૈસા ખૂબ હશે તોય અશાંતિ રહેશે. નૈતિકતા વગર ધર્મ જ નથી. ધર્મનો પાયો જ નૈતિકતા છે!

લોકોને એવી માન્યતા હોય છે કે પ્રામાણિકતા સાથે ધંધો કરવા જઈએ તો વધારે મુશ્કેલીઓ આવે છે. પણ લોકોને એ નથી ખ્યાલ કે, અપ્રમાણિકતાથી ધંધો કરવામાં જે પાપકર્મો બંધાય છે તે ભોગવવામાં જે મુશ્કેલીઓ આવશે તેની સામે આ મુશ્કેલીઓ ઓછી છે. પ્રામાણિકતા તો પ્રભુનો પરવાનો છે, એ ફાડી ના નખાય.

“ઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ પોલિસી.” પણ પ્રામાણિકતા પરથી લોકોની શ્રદ્ધા ડગી ગઈ છે. એટલે પરમ પૂજ્ય દાદાશ્રીએ આ કાળને અનુરૂપ નવું સૂત્ર આપ્યું છે કે, “ડિસઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ ફૂલિશનેસ!”

નીતિનું ધોરણ કઈ રીતે નક્કી થાય? જે ધંધાથી કોઈને દુઃખ ન થતું હોય અને જેમાં હિંસા ન સમાતી હોય તે ધંધો સારો. ખાવાની વસ્તુમાં ભેળસેળ કરીએ તો એ અધર્મ કહેવાય. વેપારમાં જો અધર્મ પેસી જાય તો મનુષ્યમાંથી જાનવરમાં જવાનો વારો આવે. ધારો કે, કોઈ કરિયાણાનો વેપારી એક વેગન સારી ગુણવત્તાવાળા ઇન્દોરી ઘઉં મંગાવે અને એમાં એક વેગન રેતી ભેગી કરીને ઘઉંના કોથળા ભરીને વેચે, તો એ નીતિ ન કહેવાય. જે વસ્તુઓ મનુષ્યને ખોરાકમાં કે દવામાં વપરાય છે તેમાં તો ભેળસેળ ન જ કરવી જોઈએ. તેલ, દૂધ, શાકભાજી, અનાજ અને દવાઓ મનુષ્યના શરીરમાં જાય છે અને તેમાં ભેળસેળ હોય તો શરીરમાં રોગો અને દુઃખો ઉત્પન્ન કરે છે. માટે તેમાં ભેળસેળ કરવી એ ગુનો છે.

તેવી જ રીતે કાપડના વેપારીઓ કપડું ખેંચી ખેંચીને માપીને આપે એટલે ધારો કે, ચાળીસ મીટર કપડું આપ્યું હોય તો ભાવ ચાળીસ મીટરનો લે અને અડધો મીટર કાપડ ઓછું જાય. એ પણ અનીતિ આચરી કહેવાય, જેના દંડરૂપે અધોગતિ આવશે. એમ કરવાને બદલે કાપડનો ભાવ થોડો વધારે રાખવો પણ કપડું માપસર જ આપવું. પણ ઘણા ધંધાદારીઓ એમ વિચારે છે વધારે ભાવ રાખીએ તો ગ્રાહક બીજી દુકાને જતા રહે છે. પણ જો ગ્રાહક એક વખત છેતરાશે તો બીજી વખત દુકાને આવતા બંધ થઈ જશે. એને બદલે ઓછા નફામાં પ્રામાણિક ધંધો કરવો વધારે સારો.

આજકાલ પૈસા કમાવાના હેતુથી, મકાન બનાવવાના સિમેન્ટના કોથળામાંથી સિમેન્ટ કાઢી લઈને પ્રમાણ કરતાં વધારે રેતી અને કપચી ઉમેરાય છે. જરૂર કરતા ઓછું અને હલકી ગુણવત્તાવાળું લોખંડ વપરાય છે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે આ રીતે સિમેન્ટ કાઢી લેવો એ માણસમાંથી લોહી ચૂસી લેવા બરાબર છે. તેમજ લોખંડ કાઢી લેવું એ માણસના શરીરમાંથી હાડકાં કાઢી લેવા જેવું છે. લોહી અને હાડકાં વગરના શરીરમાં જેમ કાંઈ નથી રહેતું, તેમ મકાન બાંધવાની વસ્તુઓમાં ભેળસેળ થાય તો તેની મજબૂતી જોખમમાં મૂકાય છે. ધંધામાં ભેળસેળ કરતા લોકોને ઉદ્દેશીને પરમ પૂજ્ય દાદાશ્રી તો ત્યાં સુધી કહે છે કે, “આપણને ચોરી ના શોભે - આપણે શાહુકાર થઈને ચોરી કરીએ તેના કરતાં તો ચોર સારા - આ ચોરીઓ કરે છે ને તેના કરતાં ભેળસેળ કરે છે તે તો વધારે ગુનેગાર છે. આ તો ભાન જ નથી કે હું આ ગુનો કરું તેનું ફળ શું આવશે, બેભાનપણામાં ભાન વગર જ ગુના કરે છે.”

વધારેમાં વધારે હિંસાવાળો ધંધો કસાઈનો છે. પછી કુંભારનો ધંધો જેમાં માટલા પકવવા માટે નિભાડા સળગાવવામાં આવે છે. તેમાં ઘણા જીવો મરી જાય છે. જંતુનાશક દવાના ધંધામાં પણ ઘણા જીવોની હિંસા થાય છે. કરિયાણાના ધંધામાં પણ ગમે તેટલું સાચવીએ છતાં તેમાં જીવાતો પડી જાય છે અને હિંસા થાય છે. એટલું જ નહીં, અનાજ સાથે એકાદ-બે તોલો જીવડા પણ વેચાઈ જાય છે. સૌથી ઓછી હિંસાવાળો ધંધો ઝવેરીનો ધંધો છે જેમાં હીરા, માણેકમાં ભેળસેળનું પ્રમાણ ઓછું હોય છે. જો કે આજકાલ તો તેમાંય ભેળસેળ વધી ગઈ છે.

બીજું વ્યાજ લઈને પૈસા ધીરવાના ધંધા સામે પણ પરમ પૂજ્ય દાદાશ્રીએ ચેતવ્યા છે. બને ત્યાં સુધી કોઈને રૂપિયા ધીરવા નહીં. કારણ કે, જયારે સામી વ્યક્તિ આપી ન શકે ત્યારે તેને વ્યાજ ચડતું જાય અને બહુ દુઃખ થાય છે. એના કરતા બેંકમાં પૈસા મૂકવામાં વાંધો નહીં. પણ કોઈ વ્યક્તિને પૈસા ધીરે એ માણસ દોઢ-બે-અઢી ટકા વ્યાજની લાલચમાં ક્યારે વ્યક્તિ પ્રત્યે નિર્દય થઈ જાય તે કહેવાય નહીં. કોઈ વ્યક્તિને જરૂર પડ્યે નાણા આપીએ તો પણ બેંકમાં જે વ્યાજ ચાલતું હોય તે લેવું. અને વખતે વ્યક્તિ પાસે આપવા માટે વ્યાજ તો શું, મૂડી પણ ન હોય તો મૌન રહેવું. કોઈને પૈસા ધીરતી વખતે એ પાછા આવશે તેની અપેક્ષા ન રાખવી. નાણા દરિયામાં પડી ગયા હોય તો પાછા ન આવે એમ માનીને ચાલવું.

ઘણા લોકો સરકારી કાયદાઓનો લાભ ઉઠાવવા, નીચેના ટેક્સના સ્લેબની આવક બતાવીને પૈસા બચાવે છે. આમ, સરકારને આપવાના ઈન્કમટેક્સની ચોરીઓ કરવી તે પણ ગુનો છે. એટલું જ નહીં, વકીલ અને ડૉક્ટર જેવા વ્યવસાયોમાં પણ પૈસા કમાવા માટે જે કંઈ આડા કામો કરવા પડે છે, તે વિશે બહુ ચર્ચા નથી થતી, પણ એ બધામાં જોખમદારી પોતાની જ છે જેના ફળ ભોગવ્યા વગર છૂટકો નથી!

ધંધામાં નફો આવે કે ખોટ, બંને સમયે આપણે આપણા હાથ નીચે કામ કરતા માણસોને સાચવવા જોઈએ. મંદી હોય ત્યારે મજૂરોનું શોષણ થશે તો તેજીમાં મજૂરો માલિકને પજવશે. મજૂરો આખો દિવસ મહેનત કરીને રોજેરોજની રોટી રળતા હોય છે. તેમાં જો એમના પૈસા બાકી રાખીએ, તો એ બિચારાને ભૂખ્યા સૂવાનો વારો આવે. એટલે ગમે તેવી પરિસ્થિતિ હોય પણ એમનો પગાર ચૂકવી દેવાનો.

અનીતિ અને અપ્રમાણિકતાથી આપણે કોઈને દુઃખ આપીએ, તો બદલામાં આપણને દુઃખ પડ્યા વગર નથી રહેતું. એટલે સંસારમાં જો સુખ જોઈતું હોય તો નીતિ અને પ્રામાણિકતા રાખવા. 

અનીતિના કાળમાં પ્રેક્ટિકલ ઉપાય

ઘણી વખત આપણે નીતિથી જવું હોય, પણ કાળને હિસાબે અનીતિનો ભોગ બનવું પડતું હોય છે, ત્યારે શું કરવું? ધારો કે, આપણે લાંચ નથી જ લેવી એવી નીતિ પાળતા હોઈએ પણ ધંધામાં કોઈ કામ માટે આપણે લાંચ ન આપીએ તો કામ અટકી જાય એવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. એવા સમયે પરમ પૂજ્ય દાદાશ્રી પ્રેક્ટિકલ ઉપાય બતાવતા કહે છે કે, આપણો હાથ પથ્થર નીચે આવી જાય, તો સાચવીને હાથ કાઢી લેવો પડે, નહીં તો હાથ ભાંગી જાય. જેમ રસ્તામાં બહારવટિયા લૂંટવા આવે અને આપણે પૈસા ના આપીએ, તો એ આપણને ઈજા પહોંચાડી શકે. તેવી જ રીતે ધંધામાં આ પ્રકારે “સિવિલાઇઝ્ડ (સુધરેલા) બહારવટિયા” નો સામનો થાય ત્યારે નાછૂટકે તેમને પૈસા આપીને છૂટી જવું પડે. ત્યાં નીતિનો આગ્રહ પકડી રાખીએ તો મુશ્કેલી સર્જાય. છતાં, આપણો ભાવ સો ટકા નીતિ પાળવાનો જ હોવો જોઈએ. પણ આપણા થકી ક્યાંય હિંસા થતી હોય, કોઈને દુઃખ થતું હોય, કોઈ માર્યો જતો હોય એવું ન બને તે ખાસ જોવું જોઈએ. કોઈ આપણી સાથે ચાલાકી કરવા આવે, ત્યારે આપણે ત્યાંથી છટકી જવું. પણ આપણે સામે ચાલાકી કરવી નહીં. 

તેમ છતાં પરમ પૂજ્ય દાદાશ્રી આ કાળને અનુરૂપ પ્રેક્ટિકલ ઉપાય બતાવતા કહે છે કે, આ કાળમાં સંપૂર્ણ નીતિ પાળવી શક્ય ન હોય તો નિયમથી અનીતિ પાળવી. ધારો કે, એક ઈન્કમટેક્સ ઓફિસરે સો ટકા નીતિ રાખવાનું નક્કી કર્યું હોય એટલે ક્યારેય લાંચ ના લેતા હોય. પણ એમની સાથેવાળાએ લાંચ લઈ લઈને ગાડી-બંગલા વસાવેલા હોય. એટલે દેખાદેખીથી ઘરમાં પત્ની સાથે રોજ વઢવાઢ ચાલતી હોય કે, “તમે લાંચ કેમ નથી લેતા? આવા ને આવા રહ્યા!” ઘણી વખત છોકરાઓની સ્કૂલની ફી પણ ઉછીની લેવી પડે. તે સમયે ઓફિસરને પણ મનમાં ખટક્યા કરે કે પૈસા ખૂટે છે, થોડા ખર્ચ માટે મળે તો ઘરમાં શાંતિ રહે, પણ લાંચ લેવાય નહીં એટલે શું કરે? ઘણી વખત ઓફિસમાં બીજા લોકો લાંચ લેતા હોય પણ આપણે સિદ્ધાંતને વળગી રહીને લાંચ ન લઈએ તો સહકર્મચારીઓને વાંકું પડે અને સીધી કે આડકતરી રીતે આપણને લાંચ લેવા માટે દબાણ કરે એવું બને ત્યારે શું કરવું? એનો ઉપાય આપતા પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે ત્યારે આપણને મહીને જેટલા ખર્ચની જરૂર હોય, એટલા જ રૂપિયા સુધી લાંચ લેવી એમ નક્કી કરવું. પછી એથી વધારે લાંચ આવે તો ન લેવી.

પરમ પૂજ્ય દાદાશ્રીના જ શબ્દોમાં નિયમથી અનીતિ પાછળનો આશય વધુ સ્પષ્ટ સમજાય છે.

દાદાશ્રી: અત્યારે માણસ શી રીતે આ બધી મુશ્કેલીઓથી દહાડા કાઢે? અને પછી એને ખૂટતા રૂપિયા ના મળે તો શું થાય? ગૂંચવાડો ઊભો થાય કે રૂપિયા ખૂટે છે, એ ક્યાંથી લાવવા? આ તો એને ખૂટતા બધા આવી ગયા. એનેય પછી પઝલ સોલ્વ થઈ ગયું ને? નહીં તો આમાંથી માણસ ઊંધો રસ્તો લે ને પછી અવળે રસ્તે ચાલ્યો જાય, પછી એ આખી લાંચ લેતો થઈ જાય, એના કરતાં આ વચગાળાનો માર્ગ કાઢ્યો છે અને એ અનીતિ કરી છતાંય નીતિ કહેવાય, અને એનેય સરળતા થઈ ગઈ ને, નીતિ કહેવાય અને તેનું ઘર ચાલે. 

પણ પરમ પૂજ્ય દાદાશ્રીની આ વાતનો અવળો અર્થ કરે કે, “અનીતિ કરવામાં વાંધો નથી.” અને તેનો દુરુપયોગ થાય તો જોખમદારી પોતાની જ આવે છે.

તે છતાં ખોટા રસ્તે આવેલી લક્ષ્મી ધર્મના કાર્યોમાં ખર્ચી નાખવી. આવકનો કેટલોક ભાગ તેમાં મંદિરો બંધાવવાના કામોમાં, ગરીબોને ભોજન કે ઔષધદાન કરવા જેવા પુણ્યના સત્કાર્યોમાં લક્ષ્મીનું વહેણ વાળી લેવું જોઈએ.

×
Share on