લોકો એમ માને છે કે લક્ષ્મી મહેનત કરવાથી, એની પાછળ પડવાથી કે બુદ્ધિ વાપરવાથી મળે છે. પણ જો મહેનતથી લક્ષ્મી મળતી હોત તો મજૂરો પાસે સૌથી વધારે લક્ષ્મી હોવી જોઈએ. કારણ કે તેઓ લક્ષ્મી પાછળ બાર-બાર કલાક મહેનત કરે છે, છતાં તેમને બે ટંક જમવાની વ્યવસ્થા માંડ થાય છે. જ્યારે શેઠ કશું કર્યા વગર બેઠા બેઠા કમાય છે. જો લક્ષ્મી બુદ્ધિથી પ્રાપ્ત થતી હોત તો બધા પંડિતો પાસે ખૂબ લક્ષ્મી હોત પણ એમનું ચંપલ અડધું ઘસાઈ ગયેલું હોય છે. મોટા મિલમાલિકો અને શેઠ છાંટોય બુદ્ધિ ન વાપરે, છતાં ઢગલેબંધ પૈસા કમાય છે. જ્યારે હિસાબકિતાબ રાખનાર મેનેજર કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આખો દિવસ બુદ્ધિ વાપર વાપર કરે તોય શેઠ જેટલું નથી કમાતા. એટલું જ નહીં, ઈન્કમટેક્સ ઓફિસમાં સાહેબોનો સામનો પણ એ લોકો કરે છે અને શેઠ નિરાંતે ઊંઘતા હોય.
ગમે તેટલા મહેનત કે બુદ્ધિથી નાખેલા પાસા કાયમ સવળા નથી પડતા. તેવી જ રીતે, લક્ષ્મી મળવી કે ના મળવી એ પોતાની સત્તાની વાત નથી. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “પૈસા કમાવા એ બુદ્ધિના ખેલ નથી કે મહેનતનું ફળ નથી. એ તો તમે પૂર્વે પુણ્ય કરેલી છે તેના ફળરૂપે તમને મળે છે અને ખોટ એ પાપ કરેલું તેના ફળરૂપે છે. પુણ્યને અને પાપને આધીન લક્ષ્મી છે. એટલે લક્ષ્મી જો જોઈતી હોય તો આપણે પુણ્ય-પાપનું ધ્યાન રાખવું જોઈએ. ”
પુણ્ય ક્યાંથી મળે? આપણે કોઈની ઉપર ઉપકાર કર્યા હોય, કોઈનું ભલું કર્યું હોય, તેનાથી પુણ્ય બંધાય. અથવા ભગવાનને સમજીને ભજ્યા હોય, ધર્મ કર્યો હોય તેનાથી પુણ્ય બંધાય! પૈસા કમાવા માટે વધારે પડતી બુદ્ધિથી બીજાને છેતરીને પડાવી લે તો ઊલટાં પાપ બંધાય.
પુણ્ય બહુ ઓછું હોય તો ખૂબ મહેનત કરે તો પણ ઓછામાં ઓછી લક્ષ્મી મળે. થોડું વધારે પુણ્ય હોય તેમને શારીરિક મહેનત બહુ ન કરવી પડે, પણ વાણીની મહેનત કરવી પડે, જેમ કે, વકીલનો વ્યવસાય. એથીય વધારે પુણ્ય હોય તો શારીરિક કે વાણીની મહેનત ન કરવી પડે, પણ માનસિક માથાકૂટ કરવી પડે ત્યારે લક્ષ્મી આવે. એથીય વધારે પુણ્યશાળી મનુષ્યોને ઓછી મહેનતે, ફક્ત સંકલ્પ કર્યો હોય ને બધું આવી મળે. જેટલી મહેનત વધુ એટલો લક્ષ્મીનો અંતરાય!
એનો અર્થ એવો નથી કે આપણે પૈસા કમાવાના પ્રયત્નો કર્યા વિના બેસી રહીએ. સામન્ય પ્રયત્નો કરવા અને ફરજો નિભાવવી પણ લક્ષ્મીની દિવસ-રાત વિચારણા ન કરવી. આપણે જો પુણ્ય લઈને આવ્યા છીએ, તો લક્ષ્મી એની મેળે આવશે. એના માટે તરફડિયા શું કામ મારીએ? અને જો પુણ્ય નથી લઈને આવ્યા, તો ગમે તેટલા ફાંફાં મરીશું તોય લક્ષ્મી નહીં આવે. તો ત્યારે પણ તરફડિયા શું કામ મારવા? જો આવી સાચી સમજણ હાજર રહે તો મનુષ્યને ગમે તેવી પરિસ્થિતિમાં શાંતિ રહે.
લક્ષ્મી એ બાય પ્રોડક્શન છે. એની મેળે, સહજ સ્વભાવે આવે એમ છે. ત્યારે લોકોએ લક્ષ્મીને જ મેઈન પ્રોડક્શન બનાવી દીધું છે. મનુષ્યએ જીવનનો હેતુ નક્કી કરવો જોઈએ. દેખાદેખીથી લક્ષ્મીની પાછળ આંધળી દોટ મૂકવાને બદલે લોકોને મદદ થઈ શકે તેનો ધ્યેય રાખવો. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “જગતનું કામ કરો, તમારું કામ થયા જ કરશે. જગતનું કામ કરશો ત્યારે તમારું કામ એમ ને એમ થયા કરશે, ત્યારે તમને અજાયબી લાગશે!”
કહેવાય છે કે, લક્ષ્મી એ તો હાથનો મેલ છે. જેમ પરસેવો આવ્યા વગર રહેતો નથી, તેમ લક્ષ્મી આવ્યા વગર રહેતી નથી. કોઈને વધારે પરસેવો આવે, કોઈને ઓછો પરસેવો આવે, એવું કોઈને લક્ષ્મી વધારે આવે ને કોઈને ઓછી લક્ષ્મી આવે. જેમ નાહવા માટે પાણીની ડોલ મળી રહે છે તેમ જરૂરિયાત પૂરતા પૈસા દરેકને મળી રહે એવો નિયમ જ છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનને કોઈએ પૂછ્યું કે લક્ષ્મી શેના જેવી છે? ત્યારે તેઓશ્રીએ કહ્યું કે લક્ષ્મી ઊંઘ જેવી છે. કેટલાકને સૂઈ જાય કે તરત ઊંઘ આવી જાય, કેટલાકને આખી રાત પાસાં ઘસે તોય ઊંઘ ના આવે અને કેટલાક ઊંઘ આવવા માટે ગોળીઓ ખાય. જેમ ઊંઘ આપણી સત્તામાં નથી તેમ આ લક્ષ્મી એ આપણી સત્તાની વાત નથી, એ પરસત્તા છે. તો જે પરસત્તા છે તેમાં ઉપાધિ કરવાની શું જરૂર? જેમ શરીરની તંદુરસ્તી હોય ત્યારે ઊંઘ આવે, એવું મનની આ તંદુરસ્તી હોય તો લક્ષ્મીજી આવે.
પરમ પૂજ્ય દાદાશ્રીની આગવી શોધખોળ છે કે, ‘ભીડ નહીં ને ભરાવોય નહીં!’ એટલી લક્ષ્મી હોવી જોઈએ. ભીડવાળા સુકાઈ જાય અને ભરાવાવાળાને સોજા ચઢે. જેમ શ્વાસ લઈએ તો તેને ભરી નથી રાખતા, ઉચ્છવાસમાં કાઢી નાખીએ છીએ. તેમ લક્ષ્મીને પણ ભરી ન રખાય. લક્ષ્મીજી તો ચલતા ભલા નહીં તો દુઃખદાયક થઈ પડે. પૈસાનો ભરાવો થાય તોય દુઃખ ને ભીડ થાય તોય દુઃખ.
લક્ષ્મી તો કેવી છે? કમાતાં દુઃખ, સાચવતાં દુઃખ અને વાપરતાંય દુઃખ. ઘેર લાખો રૂપિયા આવે એટલે તેને સાચવવાની ઉપાધિ થઈ જાય. કઈ બેંકમાં આની સેફસાઈડ છે એ શોધવું પડે. પાછાં સગાં-વહાલાં કે મિત્રોને ખબર પડે કે કમાયા છીએ એટલે એ લોકો તરત દોડતાં આવે. દસ લાખ કમાયા હોઈએ તો કોઈ એકાદ લાખ માંગવાવાળું ઊભું થાય. ના પાડીએ તો કહે કે, “અરે યાર મારા પર આટલોય વિશ્વાસ નથી? ખાલી એક લાખ જોઈએ છે.” તો પછી નાછૂટકે આપવા પડે અને ન આપીએ તો ઝઘડા કે મનદુઃખ થાય. એના કરતાં, પૈસા ના હોય ત્યારે ઘરમાં બધા ભેગા બેસીને ખાય પીએ ને મજા કરે. એવું છે આ પૈસાનું કામ!
ભીડ પડે ત્યારે લોકો એમ વિચારે કે આ વર્ષે એકસામટી વધારે કમાણી થઈ જાય તો સારું. હવે, એક વર્ષે એકસામટો વરસાદ પડી જાય ને પાંચ વર્ષ દુકાળ પડે તો ચાલે? ના. તેવી જ રીતે હપ્તે હપ્તે લક્ષ્મીજી આવે છે તે બરાબર છે. આખી મૂડી હાથમાં આવશે તો બધી વપરાઈ જશે. અડધી તપેલી દૂધને ગેસ ઉપર ગરમ કરવા મૂક્યું હોય, અને ઊભરાઈને આખી તપેલી ભરાઈ જાય, પણ તે ઊભરો ટકે નહીં. તેવી જ રીતે લક્ષ્મીમાં ઊભરો ટકે નહીં, હિસાબ હોય તેટલી જ લક્ષ્મી ટકે.
જેમ નર્મદા નદીમાં પાણી પટના ગજા પ્રમાણે જ આવે તો સારું. જો વધારે પાણી આવે તો આજુબાજુનાં ગામો પાણીમાં તણાઈ જાય. તેમ લક્ષ્મીનો ભરાવો થાય તે પણ ઉપાધિ છે. એટલે ભીડ ના પડે તો બહુ થઈ ગયું! લક્ષ્મીજી નોર્મલ આવે ત્યાં સુધી સારું. લક્ષ્મીજી બિલો નોર્મલ આવે તો પણ ફીવર અને એબોવ નોર્મલ પણ ફીવર છે.
પરમ પૂજ્ય દાદાશ્રી લક્ષ્મીનો ગૂઢ નિયમ સમજાવે છે કે, જેમ અનાજ બે-ત્રણ વર્ષ પછી ઊગે નહીં, જેમ દવા અમુક વર્ષ પછી કામ ન કરે, તેમ લક્ષ્મીની ‘એક્સપાયરી ડેટ’ હોય છે અગિયાર વર્ષની! એટલે કે, દર અગિયાર વરસે પૈસા બદલાય. આજે આપણી પાસે અગિયાર વર્ષ પહેલાંની લક્ષ્મી ન હોય. પછી નફાના રૂપમાં, ખોટના રૂપમાં કે વ્યાજના રૂપમાં, પણ પૈસો ફરે. પચીસ કરોડનો આસામી હોય પણ જો અગિયાર વર્ષ સુધી એનો એક પણ રૂપિયો ન બદલાય તો એ પૈસો ખલાસ થઈ જાય.
આ કાળમાં લક્ષ્મી બહુ છે છતાં શાંતિ નથી તેનું કારણ શું? કળિયુગમાં નાણું આવે ને પુણ્યથી જ આવે પણ બંધ પાપના પાડતું જાય, એટલે કે પાપાનુબંધી પુણ્ય! જે પૈસા ખોટે રસ્તે ભેગા થયા છે, તે પોતાની પાસે રહે નહીં. એ ના હોય તે જ સારું કારણ કે, નર્યું પાપ જ બંધાવે! જ્યાં જ્યાં ખોટી રીતે કમાયેલી લક્ષ્મી પેસે ત્યાં ક્લેશનું વાતાવરણ થઈ જાય છે. જ્યાં પ્રામાણિકતાથી, ચોખ્ખી દાનત સહિત મેળવેલી સાચી લક્ષ્મી આવે ત્યાં એક જ રૂપિયો કેટલું સુખ આપીને જાય! ઘરમાં બધાને નિરંતર અંતરશાંતિ સાથે જાહોજલાલી હોય, અને ત્યાં ધર્મ હોય.
લક્ષ્મીનો સ્વભાવ ચંચળ છે. જે મનુષ્ય લક્ષ્મીના ધ્યાનમાં ઊતરે તે પોતે ચંચળ થઈ જાય. ઘરે ખાવા-પીવાની તેમજ અન્ય સગવડ છે, છતાં હજી વધુ લક્ષ્મીની આશા રાખવી એટલે બીજાને ત્યાં ખૂટી પડે એવો પ્રમાણભંગ થયાનો ગુનો લાગે. એ મોટું રૌદ્રધ્યાન છે. મનુષ્ય લક્ષ્મી વધારવા માટે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કરે છે. પણ આર્તધ્યાન ને રૌદ્રધ્યાનથી તો ઊલટું લક્ષ્મી ઘટે છે. માટે, લક્ષ્મીનું ધ્યાન ન કરાય, અને જેટલી લક્ષ્મી આવી એને આંતરી પણ ન રખાય.
લક્ષ્મીજીનો સ્વભાવ કેવો છે? જે આનંદી હોય એને ત્યાં લક્ષ્મીજી મુકામ કરે. બાકી ચિંતાવાળાને ત્યાં મુકામ કરે નહીં. જે આનંદી હોય, જે ભગવાનને યાદ કરતા હોય એને ત્યાં લક્ષ્મીજી જાય.
લક્ષ્મીનો અંતરાય ચોરીથી છે. ટ્રિક અને લક્ષ્મીને વેર. જ્યાં મન-વચન-કાયાથી ચોરી ન થતી હોય ત્યાં લક્ષ્મીજી મહેર કરે! વધારે બુદ્ધિનો લાભ ઉઠાવીને ઓછી બુદ્ધિવાળાને છેતરવા, એ સૂક્ષ્મ ચોરી એટલે કે ટ્રિકો કરવી એ હાર્ડ રૌદ્રધ્યાન કહેવાય છે. લક્ષ્મીજીના કાયદા એમ કહે છે કે, હક્કની લક્ષ્મી મળે તો લેવી, પણ ખોટી રીતે કોઈની લક્ષ્મીને ઝૂંટવીને કે ઠગીને ના લેવી. આ કાયદો તોડે તો લક્ષ્મીજી ક્યારેય રાજી ન થાય. જેટલું ખોટું નાણું હોય, તેટલું જ લૂંટાઈ જાય ને સાચું નાણું હોય, તો તેનો સદુપયોગ થાય!
લક્ષ્મી ક્યારે ના મળે? લોકોની નિંદા-કૂથલીમાં પડે ત્યારે! જ્યાં મનની સ્વચ્છતા, દેહની સ્વચ્છતા અને વાણીની સ્વચ્છતા હોય તો લક્ષ્મી મળે. તિરસ્કાર ને નિંદા હોય ત્યાં લક્ષ્મી રહે નહીં. વાણી એટલે તો સરસ્વતી દેવી કહેવાય. જો નિંદા-કૂથલીમાં વાણીનો દુરુપયોગ કરીએ તો લક્ષ્મીજી પણ રિસાય.
“મારે પૈસા જોઈતા નથી” એમ લક્ષ્મીનો તિરસ્કાર કરવો પણ ગુનો છે. લક્ષ્મીજીને તરછોડ મારીએ તો એટલા મોટા અંતરાય પડે કે આવતા ભવે લક્ષ્મીના દર્શન પણ ન મળે.
લક્ષ્મીજી તો નારાયણ ભગવાનના પત્ની કહેવાય. લક્ષ્મીજીને આખો દિવસ યાદ કર કર કરીએ તો નારાયણ નારાજ થાય. લક્ષ્મીજીને નમસ્કાર કરવા અને તેમનો વિનય રાખવો કે, “આ ઘર તમારું છે, જ્યારે અનુકૂળ હોય ત્યારે આવજો.”
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “નાણાંના અંતરાય ક્યાં સુધી હોય? જ્યાં સુધી કમાવાની ઈચ્છા હોય ત્યાં સુધી. નાણાં તરફ દુર્લક્ષ થયું એટલે એ ઢગલેબંધ આવે. ” તેઓશ્રીને એક ભાઈ મળ્યા હતા. તેમને ધંધામાં મહિને વીસ હજાર રૂપિયાની ખોટ જતી હતી, એટલે પૈસાની હાય હાય કરતા હતા. પરમ પૂજ્ય દાદાશ્રીએ તેમને કહ્યું કે પૈસા સંભારવાના બંધ કરી દો. ત્યારથી એમના પૈસા વધવા માંડ્યા અને ઊલટું દર મહિને ત્રીસ હજારનો નફો થવા માંડ્યો. લક્ષ્મી મેળવવા મન-વચન-કાયાએ કરીએ પ્રયત્નો કરવા પણ ઈચ્છા ન કર્યા કરવી. જે ઈચ્છા નથી કરતા તેમને ત્યાં લક્ષ્મીજી સમયસર વ્યાજ સાથે પહોંચી જાય છે.
શું કર્યું હોય તો શ્રીમંતાઈ આવે? લોકોને ખૂબ મદદ કરી હોય ત્યારે લક્ષ્મી આપણે ત્યાં આવે! નહીં તો લક્ષ્મી આવે નહીં. લક્ષ્મી તો આપવાની ઈચ્છાવાળાને ત્યાં જ આવે. જે ઘસાઈ છૂટે છે, છેતરાય, નોબિલિટી દાખવે, એને લક્ષ્મી આવે. જતી રહેલી આમ લાગે ખરી, પણ આવીને પછી ત્યાં જ ઊભી રહે.
Q. ધંધામાં નીતિ અને પ્રામાણિકતા શા માટે રાખવા?
A. સુખી થવાનો સાચો માર્ગ છે, નીતિ અને પ્રામાણિકતા ભર્યું જીવન. મનુષ્ય નીતિ અને પ્રામાણિકતાભર્યું... Read More
Q. ધંધામાં નફો કે ખોટ આવે ત્યારે શું કરવું?
A. ધંધાના બે બાળકો છે, જે નિયમથી જ જન્મે છે. એકનું નામ ખોટ અને એકનું નામ નફો. નફો બધાને ગમે અને ખોટ... Read More
Q. ધંધામાં લેણ-દેણ વખતે શું ધ્યાનમાં રાખવું?
A. ધંધામાં આપણે કોઈના દેણદાર હોઈએ, એટલે કે આપણે કોઈના પૈસા ઉછીના લીધા હોય અને એ દેવું ચૂકવવાનું હોય.... Read More
Q. પૈસાનો લોભ એટલે શું? તે કઈ રીતે ઓળખાય?
A. લોભની વ્યાખ્યા શું? પોતાની પાસે ઘણા પૈસા હોય, છતાં રાત-દિવસ પૈસાના જ વિચારો આવ્યા કરતા હોય;... Read More
A. લોભ એટલે અંધાપો! પોતાને પણ ના ખબર પડે કે લોભ થઈ રહ્યો છે. લોભી વ્યક્તિનું ચિત્ત આખો દિવસ લોભમાં... Read More
A. લોભનો વિરોધી શબ્દ છે સંતોષ. જેટલો સંતોષ રહે એટલો લોભ જાય. પણ સંતોષ રાખ્યો રખાય નહીં. જેટલી સાચી... Read More
Q. પૈસાની પાછળ દોટ મૂકવાનું શું પરિણામ આવે?
A. હંમેશા લોકો લક્ષ્મીની પાછળ દોટ મૂકે છે. પણ વધુ લક્ષ્મી મેળવવાની દોટ માણસને મજૂર બનાવે છે. તેમાં... Read More
Q. લક્ષ્મીનો વ્યવહાર કેવો હોવો જોઈએ?
A. લોકો લક્ષ્મી મેળવવા દિવસ-રાત મહેનત કરે છે. પણ કોઈને આયુષ્યનું એક્સટેન્શન મળે છે? જો મળતું હોય તો... Read More
subscribe your email for our latest news and events