Related Questions

વ્યસન મુક્તિ માટે શું કરવું? વ્યસનથી કઈ રીતે છૂટવું?

વ્યસનથી છૂટવાના ઉપાયોમાં બે પ્રકારની સમજણ મળે છે. એક તો વ્યવહારમાં કયા પ્રકારની સાવચેતી રાખવી જેથી વ્યસનમાં પડાય નહીં કે પડી ગયા હોઈએ તો નીકળી શકાય. બીજું, વ્યસનમાંથી મુક્ત થવાના વૈજ્ઞાનિક ઉપાય, જેના આધારે વ્યસનમાંથી કાયમી મુક્તિ મળે છે.  છેવટે, વ્યસનમાંથી મુક્ત થવાનો સૌથી સહેલો ઉપાય આપણને અહીં મળે છે.

વ્યસનોથી છૂટવાના પ્રેક્ટિકલ રસ્તાઓ

વ્યસનીના સંગથી છેટા રહેવું

વ્યસન એ અગ્નિ જેવું છે. અગ્નિની પાસે જઈએ ને દઝાઈએ નહીં એના પ્રયત્નો કરવા કરતાં અગ્નિ પાસે જવું જ નહીં, એ સારામાં સારો ઉપાય છે.

જેમને વ્યસન છોડવું છે, તેમના માટે વ્યસન કરનારા મિત્રો કુસંગ છે. જ્યાં કુસંગ હોય ત્યાં મૈત્રી જ ના કરવી, નહીં તો કુસંગ ચડ્યા વગર રહે જ નહીં. કુસંગનો સ્વભાવ એવો છે કે એનો પાસ ચડી જ જાય. જ્યારે સારા સંસ્કાર ચડતા વાર લાગે.

યુવાનોમાં, ખાસ કરીને અઢાર-વીસ વર્ષની વયે એવું જોવા મળે છે કે એમના ફ્રેન્ડસ દારૂ, સિગરેટ કે કોકેઈન, હેરોઇન, એલ.એસ.ડી, મૉર્ફિન જેવા ડ્રગ્સનું સેવન કરતા હોય. તેમને એવું લાગે કે એ લોકો મારા સારા મિત્રો છે, મને એમની સાથે રહેવું ગમે છે, એટલે મારે એમને છોડવા નથી. એ લોકો નશો કરે છે, પણ હું એમાં નહીં ફસાઉં. પણ પછી ફ્રેન્ડશિપ ટકાવી રાખવા ક્યારે પોતે જ એમાં ફસાઈ જાય તે કહેવાય નહીં. ફ્રેન્ડશિપ તો એવી હોય કે અડચણના સમયે મિત્રો મદદે આવીને ઊભા રહે. આપણે એમને વ્યસન જેવા ખોટા કામોમાં સાથ ના આપીએ ને મિત્રો છૂટા પડી જાય, તો એ સાચી ફ્રેન્ડશિપ ના કહેવાય. એના કરતા તો મિત્રતા ન રાખવી સારી.

આજકાલ ઓફિસ કે કુટુંબની પાર્ટીઓમાં સોશિયલી ડ્રિંક કરવાની પણ ફેશન ચાલી છે. એવી કોઈ પાર્ટીમાં ગયા હોઈએ ને કોઈ આપણને આગ્રહ કરે કે ડ્રિંક કરો જ કરો. ત્યારે આપણે પોતાના હિત માટે ખોટું બોલીને પણ છૂટી જવું. ત્યાં “હું ધર્મિષ્ઠ માણસ છું, નથી પીતો” એમ કહીએ તો કદાચ લોકો ન માને. ત્યારે એમ કહીએ કે, “આલ્કોહોલ મારા શરીરને માફક નથી આવતું, તબિયતને બહુ નુકસાન કરે છે, એટલે ડોક્ટરે ખાસ મનાઈ કરી છે કે એક ટીપું પણ ના લેશો, આ શરીર સહન કરી શકે એમ નથી.” તો સામો સ્વીકારી લે અને આપણે એના સકંજામાંથી છૂટી જઈએ.

બીજું, આપણે કોઈ મિત્રનું વ્યસન છોડાવવા જવું જ નહીં, ઊલટું એમ કરતા આપણે ન બંધાઈ જઈએ એ જોવું. કારણ કે જેઓ છોડાવવા ગયેલા એ જ ફસાઈ ગયેલા. એવા મિત્રોથી છેટા રહેવું સારું, નહીં તો બધા એક દિવસ ભેગા થઈને સંપીને આપણને જ વ્યસનમાં નાખી દેશે.

જો પોતાને પીવાની ઈચ્છા નથી, તો છૂટવાના બધા ઉપાયો મળી આવશે. પણ જેને પોતાને પીવાની ઈચ્છા છે તેને રસ્તા નહીં જડે.

મોટા વ્યસનથી નાના વ્યસન પર આવી જવું

દારૂ જેવા નશાયુક્ત પીણાંનું વ્યસન તો મનુષ્યને બેભાન કરે છે ને મનુષ્યમાંથી જાનવરગતિ તરફ લઈ જાય છે. માટે તે વ્યસન અડવા જેવું જ નથી. ડ્રગ્સ કે દારૂ જેવા વ્યસનમાંથી છૂટાતું ન હોય તો પાન-સોપારી કે સિગરેટ જેવા નાના વ્યસન પર આવી જઈને દારૂમાંથી તો ત્વરિત છૂટી જવા જેવું જ છે. ત્યારબાદ અન્ય વ્યસનમાંથી પણ સ્ટેપિંગથી ધીમે ધીમે છૂટી જવું.

વ્યસનો માત્ર ખોટાં તો ખરા જ. છતાંય મનને નાનું વ્યસન આપી દેવું કે, “ભઈ, લે, આ સિગરેટ કે પાન લેજે. પણ દારૂ ડ્રગ્સ એ બધું ના જોઈએ.” કારણ કે જે વ્યસન આપણને બેભાન કરે એ તો ગાંડપણ કહેવાય, એ ના હોવું જોઈએ.

બહુ મન ગૂંચાય ત્યારે એકાદ સિગરેટ પી લઈએ, તો એટલા પૂરતું એ ગૂંચાતું બંધ થઈ જાય. બીજું કંઈ ના હોય તો સોપારીવાળું પાન પણ ચાલે.

ચાનું વ્યસન પણ મનને ચંચળ કરે છે.  પણ તે એટલું જોખમકારક નથી થતું. દુનિયામાં ઘણી ખાવા-પીવાની વસ્તુ છે. ચા-કૉફી કે પછી સોડા ને કોલ્ડ ડ્રિંક્સ લઈ શકાય. નહીં તો ફર્સ્ટક્લાસ બદામવાળું દૂધ બનાવીને પણ પીવાય.  આમ જે-તે રસ્તે મનને પટાવીને વ્યસનમાંથી મુક્ત થવા જેવું છે. 

વ્યસનોથી છૂટવા ‘ચાર સ્ટેપ’નો વૈજ્ઞાનિક રસ્તો

વ્યસનથી મુક્ત થવાની અનોખી વૈજ્ઞાનિક રીત આપણને અહીં ચાર સ્ટેપ્સમાં મળે છે. જેનો અમલ કરીને વ્યસનમાંથી ચોક્કસપણે મુક્ત થવાય છે.

અહીં દર્શાવેલ ચાર સ્ટેપ્સ એ વિજ્ઞાન ઉપર આધારિત છે કે જે રીતે દોષ પેઠો હોય એ જ રીતે તે જાય. વ્યસનમાંથી નીકળવા માટે પહેલા આ દોષ પેઠો કઈ રીતે તેની તપાસ કરવી જોઈએ.  આ ચાર પગથિયાંની વિસ્તૃત સમજણ આપણે મેળવીએ.

સ્ટેપ-1: ‘વ્યસન ખોટું છે’ એ નિશ્ચય કરવો

પહેલું પગથિયું છે, દૃઢ નિશ્ચય. ઘણા લોકો દારૂ, સિગરેટ વગેરે વ્યસનની લતમાં પડે પછી કહે છે કે, “અમારે વ્યસન છોડવું છે, તોયે અમારાથી છૂટતું નથી.” ઘણા કાળ સુધી વ્યસન પેસી ગયું, પછી એને છોડવું મુશ્કેલ થઈ જાય છે. છતાં જેમને છોડવું હોય, તે પોતે નિશ્ચય કરે તો છૂટાય, બાકી એ સિવાય કોઈ રસ્તે છૂટાય એવું નથી.

એટલે પહેલામાં પહેલું તો આ વ્યસન બંધ થવું જ જોઈએ, એવો સ્ટ્રોંગ નિશ્ચય કરવો જોઈએ. કારણ કે, અંદરખાને આપણને “મજા કરવી છે, એન્જોય કરવું છે, એમાં શું ખોટું છે?” એવો અભિપ્રાય હોય છે. જે સૌથી જોખમી છે. માટે, સૌથી પહેલા એમાંથી બહાર નીકળવું જ છે એવો નિશ્ચય કરવો અને એના પર સ્ટ્રોંગ રહેવું જોઈએ.

જેમ વ્યસન પેસે ત્યારે “આમાં મજા છે.” એવી શ્રદ્ધા બેસે છે, પછી એ વ્યસન આપણને વળગે છે. તેવી જ રીતે વ્યસનથી છૂટવા માટે એ શ્રદ્ધા ફરવી જોઈએ કે, “આ ખોટું છે, મને નુકસાન કરે છે”.  જેમ આપણે ગાડી ચલાવતા હોઈએ, તો ગાડી રસ્તાની બહાર ન નીકળે એવા નિશ્ચય સાથે આપણે સ્ટીઅરિંગને ફેરવીએ છીએ. તેવી જ રીતે આપણો નિશ્ચય એ પણ એક પ્રકારનું સ્ટીઅરિંગ છે.

જેમણે વ્યસનમાંથી નીકળવું જ છે એવો નિશ્ચય કર્યો છે, તેમણે પછી પોતાના નિશ્ચયને ટેકો આપવો.  “વ્યસન ખોટું છે” એ શ્રદ્ધા ખસવી ના જોઈએ, આપણો નિશ્ચય ખસવો ના જોઈએ. જો એમ થાય તો પછી વ્યસનથી પોતે દૂર જ રહે. પણ જો સહેજ પણ એવું થાય કે “આમાં કંઈ વાંધો નથી”, તો વ્યસન પાછું પેસી જાય.

સ્ટેપ-2: કઈ રીતે ‘ખોટું છે’ એની વિગત ભેગી કરવી

નિશ્ચય કર્યા પછી બીજા સ્ટેપમાં વ્યસન કેટલું જોખમી છે તે બધી રીતે સમજણમાં આવવું જોઈએ. એક વખત સમજણ ફિટ થાય પછી વ્યસન એની મેળે ધીમે ધીમે છૂટવા માંડે અને છેવટે વર્તનમાં પૂરેપૂરું બંધ થઈ જાય.

“વ્યસનના પરિણામો શું આવે છે?” આ પેજ પર આપણને વ્યસનથી થતાં નુકસાનની વિસ્તૃત સમજણ મળે છે.  વ્યસન આપણને શારીરિક, આર્થિક, માનસિક, કૌટુંબિક રીતે તેમજ ધર્મ ને અધ્યાત્મમાં ખૂબ નુકસાનકર્તા છે.

વ્યસનથી થતાં નુકસાન જાણ્યા પછી, આપણે પોતાની જાતને સમજાવ-સમજાવ કરવું પડે કે, વ્યસન કઈ રીતે ખોટું છે, પછી એમ કરતા-કરતા એમાંથી નીકળી જવાય. વ્યસનને એકદમ કાપવા જઈશું, પણ જો એ સમજણથી નહીં છૂટ્યું હોય, તો ફરી પાછું એ વ્યસન ચોંટી જશે.

સમજણથી વ્યસન છૂટી જવું એટલે શું? ધારો કે, એક ઘરમાં સફેદ પાવડરની બે બોટલ પડી છે. એક ઉપર ‘વિટામિન’ લખ્યું છે અને બીજા ઉપર ‘પૉઈઝન’. હવે ઘરમાં પિતાને વિટામિન લેતાં જોઈને બાળક કહે કે હું પણ ચાખું. બેઉ સફેદ છે, સરખું દેખાય છે અને બાળકને વાંચતા આવડતું નથી. ત્યારે પિતાએ શું સમજણ આપવી જોઈએ કે “જો આ શીશીમાંથી લઈશ તો તું મરી જઈશ.” પણ “મરી જઈશ” કહેવાથી બાળકને સમજાય નહીં. એ પૂછે કે, “મરી જઈશ એટલે શું?” ત્યારે સમજાવવું પડે કે “પેલા પડોશમાં કાકા આપણે હતા ને, તે મરી ગયા તો એમને ઠાઠડીમાં બાંધીને લઈ ગયા હતા ને પછી બાળી દીધા.” એટલે બાળકના ખ્યાલમાં આવે કે મરી ગયા પછી આવું લઈ જાય છે. એને સમજણ ફિટ થાય પછી એ ના અડે. તેવી જ રીતે વ્યસન છોડવા માટે સમજણ ફિટ થાય પછી તે વર્તનમાં આવે.

કોઈપણ વસ્તુ પરથી પ્રેમ ઘટી જાય, પછી આપણને એના ગુણ-દોષ દેખાય. જ્યાં સુધી વ્યસન પર પ્રેમ હોય ત્યાં સુધી એના અવગુણ ન દેખાય. બીડીનું વ્યસન હોય ને ઉધરસ આવે તો બીડીને કારણે આવી એમ ન લાગે, “ઉધરસ તો આવે” એમ થાય.

બીજો રસ્તો છે કે જ્યારે કોઈ બીજી વ્યક્તિ વ્યસન કરતી હોય, તો આપણે એના પરથી “આ વ્યસન ના કરવું જોઈએ, વ્યસન કરવાથી જુઓ એની શી દશા થઈ.” એમ નુકસાન કહ્યા કરીએ તો પોતાની વ્યસન કરવાની ગ્રંથિ ઊડી જાય, પછી પોતે વ્યસન ના કરી શકે.  જેમ આપણે કોઈ પ્રવચનમાં કે મોટિવેશનલ સ્પીકર પાસે સાંભળીએ ત્યારે સમજણ બરાબર રહે, પણ પછી થોડા સમય પછી સમજણ જતી રહે. તેમ “વ્યસન ન કરવું જોઈએ.” એ ફક્ત બોલવાથી ન ચાલે, પણ તે સમજણમાં એટલે કે ગેડમાં બેસી જવું જોઈએ.

સિગરેટના પેકેટ ઉપર લખ્યું હોય છે કે “ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.” અને સાથે ફોટા પણ લગાડેલા હોય છે. છતાં લોકો એ વાંચતા જાય ને બીડી-સિગરેટ પીતા જાય. એટલે એનાથી સાચી સમજણ નથી પડતી. સાચી સમજણ તો એને કહેવાય કે જે મેળવીને વ્યક્તિ મનમાં નક્કી કરે કે ‘હવે વ્યસનને નહીં અડું’.

સ્ટેપ-3: વ્યસન થાય એટલી વખત પશ્ચાત્તાપ કરવો

ત્રીજું પગથિયું છે, પસ્તાવો લેવો. “વ્યસન ખોટું છે” એવો ભાવ થયા કરતો હોય ને સાથે સાથે વ્યસન પણ ચાલુ હોય ત્યારે, જેટલી વખત વ્યસન થાય તેટલી વખત તેના પસ્તાવા લેવા.

એની પાછળનું વિજ્ઞાન એવું છે કે વ્યસન કરે છે, પણ તેના પર પસ્તાવો લેવાથી પોતે “વ્યસનમાં મજા છે, કરવું જોઈએ” એ અભિપ્રાયથી વિરુદ્ધ દિશામાં ચાલે છે. વ્યસન શરૂઆતમાં સારું લાગતું હતું, એટલે એવા અભિપ્રાયથી વ્યસનની ટેવ પડી ગઈ. પસ્તાવા લેવાથી અભિપ્રાય ફર્યો એટલે વ્યસન છૂટવાની તૈયારી થઈ ગઈ.

ધારો કે દારૂનું વ્યસન થતું હોય, તો રોજ સાચા હૃદયથી પચીસ-ત્રીસ વખત એમ બોલવું કે, “અત્યાર સુધીમાં મેં જેટલી વાર દારૂ પીધો હોય, કોઈને પીવડાવ્યો હોય, કે પીનાર પ્રત્યે અનુમોદના આપી હોય (પીનારને પ્રોત્સાહન આપ્યું હોય), તો તે સર્વ દોષો બદલ હું માફી માંગું છું. હવે ફરી નહીં જ પીઉં એમ નક્કી કરું છું.” આવું દરેક વ્યસન માટે કરી શકાય.

પસ્તાવો સાચા દિલથી હોવો જોઈએ, ઉપલક નહીં. ગમે તેવો ખરાબ દોષ હોય, પણ જો તેનો સાચા હૃદયથી ખૂબ પસ્તાવો કરીએ તો તે ગયે જ છૂટકો. પસ્તાવો કર્યા પછી ફરીથી દોષ થઈ જાય, તો ફરીથી પસ્તાવો કર્યા કરવો.

પોતાને જે ઈશ્વરમાં શ્રદ્ધા હોય તેમની પાસે દિવસમાં ૧૫-૨૦ મિનિટ શક્તિઓ માંગવી કે “મારે આ વ્યસનમાંથી નીકળવું જ છે, મને આમાંથી નીકળવાની શક્તિ આપો.”

સ્ટેપ-4:ઉપરાણું ક્યારેય ન લેવું

વ્યસન ખોટું છે એ સમજમાં હોય, પસ્તાવા લઈએ, શક્તિ માંગીએ, છતાં એ છૂટતું ના હોય તો ક્યાં ભૂલ થઈ જતી હોય છે? આપણે જ ઉપરાણું લઈને વ્યસનને આવરદા આપી દઈએ છીએ, એ પણ વીસ વર્ષની.

કઈ રીતે આયુષ્ય વધી જાય છે? ધારો કે, કોઈ વ્યક્તિને સિગરેટનું વ્યસન હોય. તેમને સિગરેટ છોડવી પણ છે. રોજ કહે પણ ખરા કે, “સિગરેટ કોઈ દિવસ પીવા જેવી નથી. આ પીઉં છું તે જ ખોટું છે.” એવું દસ વર્ષ સુધી “સિગરેટ ખરાબ છે” એવું માને, પણ એક દિવસ કોઈ આવીને કહે કે, “આ ખોટું વ્યસન શું કરવા કરો છો?” તો તે ઘડીએ વ્યક્તિ ઉપરાણું લઈ લે કે, “ના, એનો કશો વાંધો નહીં. ”

કોઈ કહે કે, “સિગરેટ છોડી દો ને!” ત્યારે પોતાને અંદરખાને છોડવી જ હોય, પણ બધામાં આબરૂ ન જાય, એટલા પૂરતું ઉપરાણું લઈ લે કે, “ક્યારેક જ પીવું છું, એમાં શું ખોટું છે? ” આમ વ્યસનના સપૉર્ટમાં દલીલ કરે, એટલે પછી સિગરેટ પીવાની ટેવને પ્રોત્સાહન મળ્યા કરે. કેટલાક સિગરેટ પીતા પીતા એમ કહે છે કે, “આઈ સ્મોક આઉટ માય મિઝરી. હું મારા દુઃખોને ધુમાડો કરી નાખું છું. ” તે આ રીતે વ્યસનને આયુષ્ય આપ્યું.

વૈજ્ઞાનિક ઉપાય એ છે કે વ્યસનને ક્યાંય આધાર ન આપવો. એક વાર પણ જો ઉપરાણું લીધું, પોતાની કુટેવનું રક્ષણ કર્યું, તો પછી વર્ષોના વર્ષો સુધી એનું એક્સ્ટેન્શન થાય, એટલે કે લંબાયા કરે. ત્યાં અંદર સતત જાગૃતિ રહેવી જોઈએ કે આ થાય છે એ ખોટું છે અને ના હોવું જોઈએ. કોઈ દિવસ ભૂલેચૂકે વાણીથી, વર્તનથી કે મનથી પણ એનું ઉપરાણું ના લેવાય, તો પછી આપણે એ કુટેવથી મુક્ત થઈ શકીએ.

કોઈ આપણી વ્યસનની ભૂલ દેખાડે ત્યારે એમ બોલવું કે, “હા, આ મારી નબળાઈ છે. તમને તો આજે દેખાઈ, મને તો કાયમ દેખાય છે. મારે કાઢવી જ છે, હું કાઢી નાખીશ હવે. ”

લોકો નિશ્ચય કર્યા પછી પણ વ્યસન કરવાનો સંજોગ ભેગો થાય, તો ખાનગીમાં છૂપાઈને વ્યસન કરી લે છે. એટલે પહેલા તો સ્ટ્રોંગ રહીને વ્યસન કરાવે તેવા બધા સંજોગો ટાળવા. છતાં સંજોગો ભેગા થાય તો ત્યાંથી ખસી જવું અથવા વ્યસનકારક પદાર્થો દૂર કરી દેવા.  કેટલાક લોકો છાનામાના સંતાઈને બાથરૂમમાં સિગરેટ પી આવે, કારણ કે જાહેરમાં પીએ તો લોકોમાં આબરૂ બગડે. તેના કરતા જાહેરમાં જ સિગરેટ પીવી એટલે એને રક્ષણ ન મળે.

કેટલાક લોકો કહે કે, “દારૂ નથી પીતા પણ કોઈક વખત વાઈન લેવામાં શું વાંધો છે? એ તો દ્રાક્ષાસવ દવા જેવું હોય.” આપણે નક્કી કર્યું હોય કે ચોરી કરવી ખોટી છે અને ક્યારેય ન કરવી જોઈએ. પછી વર્ષમાં એકાદ વખત કોઈના ખીસામાંથી પૈસા ચોરીને લઈએ?  ના. ઊલટું, આમ કહેવાથી વ્યસનને આયુષ્ય મળી જાય છે.

દરેક વ્યસન માટે જે ખોટું છે એને ખોટા તરીકે સ્વીકાર કરવો જોઈએ. એનું ઉપરાણું લેવાને બદલે ચોખ્ખું કહી દેવું જોઈએ કે મારી આ નબળાઈ છે, તો એનો અંત આવશે.

મિત્રો વ્યસન માટે ઉશ્કેરે તેવા હોય તો તેમની સાથે સંપર્કમાં ન રહેવું, એમનો સંગ ટાળવો. આમ જાગૃત રહીને જોર મારતાં મારતાં વ્યસનમાંથી નીકળી શકાય.

તેમ છતાં વ્યસનની લત લાગી ગઈ હોય અને છૂટતી ન હોય તો, રિહેબિલિટેશનના વર્કશોપ ભરવા. ફરી ફરીને ભૂલ થઈ જાય તો જવાબદાર વ્યક્તિ પાસે ભૂલ કબૂલ કરી આવવી. 

આત્મજ્ઞાન સહેલો ઉપાય

વ્યસનમાંથી છૂટવા માટેનો છેવટનો અને સૌથી સરળ ઉપાય છે, પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ પાસેથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ. જેનાથી અનેક વ્યસનીઓ કાયમ માટે વ્યસનમુક્ત જીવન સુખેથી જીવી રહ્યાં છે. એવા પણ ઉદાહરણ મળે છે કે રોજ એક ગેલન (લગભગ 4 લીટર) દારૂ પીનારનું વ્યસન પણ આત્મજ્ઞાન પછી બિલકુલ બંધ થઈ ગયું!

કારણ કે લોકો દુઃખ મટાડવા માટે કે આંતરિક શાંતિના અભાવે જ વ્યસનમાં પડે છે. પણ તેમાં કાયમી સુખ કે શાંતિ ખરેખર મળતાં નથી, છતાં વ્યસનમાંથી નીકળી શકાતું નથી. જ્યારે આત્મજ્ઞાન થાય છે, ત્યારે આત્માનું સુખ ઉત્પન્ન થાય છે અને એ સુખ પછી ક્યારેય જતું નથી. પછી દુઃખ જ ઉત્પન્ન ના થાય એટલે વ્યસન આપોઆપ છૂટી જાય છે. 

×
Share on