વ્યસન એક ગંભીર રોગ છે, જેનાથી ફક્ત શારીરિક, માનસિક, આર્થિક કે સામાજિક નુકસાન જ નહીં, પરંતુ ધર્મ અને અધ્યાત્મના માર્ગે પણ ભારે નુકસાન થાય છે.
વ્યસનથી શારીરિક રોગો થાય છે જેમાં કેન્સર મુખ્ય છે. બીડી-સિગરેટ-તમાકુ શરીરને નુકસાન કરે છે, કેન્સર જેવા રોગો ઊભા કરે છે, તેમજ ઈમોશનલ કરે છે. બીડી, સિગરેટ, તમાકુના સેવનથી જડબાં અને ફેફસાં ખલાસ થઈ જાય છે. તમાકુના વધુ પડતા સેવનથી મોઢાનું કેન્સર થાય છે. જેમાં જીભ, ગળું, ગાલ વગેરે ભાગ કાપી નાખવા પડે છે. ધૂમ્રપાન કરીને ધુમાડો કાઢવાની મજા લેવામાં શરીરના મુખ્ય અવયવો બરબાદ થઈ જાય છે. પછી કેન્સર જેવા રોગોનું દુઃખ ભોગવતી વખતે એક-એક મિનિટ અસહ્ય થઈ પડે છે.
દારૂના વ્યસનથી લીવર ખલાસ થઈ જાય છે, તેમજ મગજને પણ નુકસાન થાય છે. પહેલા વ્યસની દારૂની બાટલી પીએ છે ને પછી દારૂની બાટલી વ્યસનીને પી જાય છે. એટલે કે, તેમનું આખું જીવન ખલાસ થઈ જાય છે.
વ્યસનથી ઘણા માનસિક નુકસાન પણ થાય છે. વ્યસન મનને ખેંચી રાખે અને શરીરમાં તાણ ઊભી કરે છે. વ્યસન ન મળે તો એના વગર બીજું કંઈ ચાલે નહીં. વ્યસન એક એવો રોગ છે જે ચિત્તની એકાગ્રતા ન રહેવા દે, ખાસ કરીને જ્યારે વ્યસનની તલપ લાગે ત્યારે.
વ્યસન અને કુસંગના વાતાવરણમાં રહેતી વ્યક્તિ ગાળો અને અપશબ્દો બોલતી થઈ જાય. ઘણીવાર તે ભાન ભૂલીને ઘરના લોકોને પજવે, મારેઝૂડે અને ઝઘડા પણ કરે છે. ઘરમાં બાપ દારૂ પીને પત્ની સાથે ઝઘડા કરતા હોય તો તેનાથી બાળકો પર ખૂબ ખરાબ અસર પડે છે. કૌટુંબિક જીવન ખલાસ થઈ જાય છે. ઘરમાં કોઈને વ્યસની ઉપર પ્રેમ કે રિસ્પેક્ટ નથી આવતો.
વ્યસનનો ખર્ચ પહોંચી વળવા વ્યસન કરનાર પૈસાના ગોટાળા શરૂ કરે છે. ઘરમાં બધા કંટાળી જાય છે. વ્યસન કરતી વ્યક્તિના મોઢામાંથી દુર્ગંધ આવે છે, જે નજીકના લોકોની ઘૃણાનું કારણ બને છે.
ભણવા માટે સ્કૂલ કે કૉલેજમાં જતા વિદ્યાર્થીઓ વ્યસનના રવાડે ચડી જતાં કારકિર્દી અને જિંદગી બગાડે છે. ખાનગીમાં ગોટાળા કરીને મા-બાપ અને શિક્ષકો સાથે દગા-ફટકા કરે છે.
ઘણા લોકો સમાજમાં ઈમ્પ્રેશન પાડવા કે પ્રતિષ્ઠા માટે દારૂ અને સિગરેટ જેવા વ્યસન કરે છે. પણ એ વ્યસન ચડી બેસે તો એ જ સમાજમાં તેમની ઈમ્પ્રેશન ખરેખર ખલાસ થઈ જાય છે.
વ્યસનો તો એક વળગણ છે, ઉપાધિનું વળગણ. એ વળગણ વળગે પછી એવી દશા થાય છે કે, જો વ્યસન ના મળે તો આખો દિવસ નકામો જાય. આખો દિવસ વ્યસન યાદ આવે અને હેરાન કરી મૂકે. કેફી વસ્તુઓનું વ્યસન વળગે, પછી એનો ટાઈમ થાય ને ના મળે તો તેનું ધ્યાન શરૂ થાય કે, “સાત વાગ્યા, આઠ વાગ્યા, હજુ ના આવ્યું.”
ધારો કે, સોપારીવાળું પાન ખાવાનું વ્યસન પેઠું પછી એના માટે પાનની દુકાને જવું પડે. વખતે જો દુકાન બંધ હોય તો રાહ જોવી પડે. તે મળે નહીં ત્યાં સુધી યાદ આવ્યા કરે. કેટલાક લોકોને જ્યાં સુધી ચા ન પીએ કે સિગરેટ ન ફૂંકે ત્યાં સુધી સંડાસ ન આવે. એટલે વ્યસન આપણો કંટ્રોલ લઈ લે છે. વ્યસનકારક પદાર્થોનું અવલંબન લીધું એટલે પોતાની સ્વતંત્રતા પર તરાપ વાગી.
ઘણા લોકો કહેતા હોય કે, “હું કોઈક વખત જ ડ્રિંક લઉં છું”, “હું સોશિયલ ડ્રિંક જ કરું છું.”, “માપસર પીવામાં શું વાંધો છે?” પણ માપસર કાયમ માટે રહેતું નથી. કોઈક વખત ડ્રિંક લેતા લેતા ક્યારે તે લતમાં ફેરવાઈ જાય, આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય અને માણસ ખલાસ થઈ જાય તે કહેવાય નહીં. કોઈ રોજ ચાર સિગરેટ પીતું હોય, તે દિવસની છ, આઠ કે બાર સિગરેટ પીતા પણ થઈ જાય. એમાંય દારૂ અને ડ્રગ્સ જેવા વ્યસનમાં એક વાર વ્યક્તિ ફસાય પછી નીકળી શકતી નથી અને ખૂબ દુઃખી થાય છે.
ઘણા લોકો બચાવ કરે કે, “હું વ્હીસ્કીને ન અડું પણ કોઈવાર બીયર પીઉં છું.” પણ બીયરમાં આલ્કોહોલ હોય છે, જેનાથી બેભાનપણું આવે ને મસ્તી ચડે. પણ એમાં દારૂ કરતાં ઓછી અસર થાય. તેમ છતાં, બીયર પીવાથી વાડ છૂટી જાય છે. એટલે કે, એક વખત જે બીયર લેવા માંડે, તેને આગળ વધીને બ્રાન્ડીની લત લાગતાં વાર ન લાગે.
જે વ્યક્તિ ક્યારેક ક્યારેક જ વ્યસન કરે છે, તે ક્યાં સુધી વ્યસનને કાબૂમાં રાખી શકે? જ્યાં સુધી જીવન નિયમિત અને સુખેથી ચાલતું હોય ત્યાં સુધી. પણ કુદરતના ઘેર ક્યારે જીવન અનિયમિત થઈ જાય કહેવાય નહીં. જેમ કે, ધંધામાં ઉપર-નીચે થઈ જાય ને પૈસાની મોટી ખોટ જાય, તો તે ઘડીએ વ્યક્તિ વ્યસન પરનો કાબૂ ગુમાવી દે છે. જીવનમાં ચિંતા અને સ્ટ્રેસ વધી જાય એટલે વધારે વ્યસન તરફ વળે, ઊંધા રસ્તે આગળ વધે ને પછી કાયમ માટે રખડી મરે.
વ્યસન એટલે ઈન્ટૉક્સિકેશન, જેનાથી માણસ ઉત્તેજના અનુભવે છે. પણ એ ઉત્તેજના બહુ નુકસાન કરે છે. આ વ્યસનો એ ધીમું ઝેર છે. ઘણાં વર્ષો સુધી વ્યસન કરવાથી થોડું થોડું ઝેર શરીરમાં રેડાય છે. ચા-કૉફી પણ ધીમું ઝેર છે, પણ એનાથી વધારે બીડી-સિગરેટનું વ્યસન નુકસાન કરે. એથી વધુ નુકસાન દારૂથી થાય, જે માણસને ખલાસ જ કરી નાખે. તેનાથી પણ વધુ નુકસાન ચરસ-ગાંજો જેવા ડ્રગ્સથી થાય જેમાં માણસ આકાશમાં ઊડતો ફરે. કોઈપણ નશો એ ઉત્તેજના કહેવાય, જે પછી ઊતરી જાય તો ડિપ્રેશન આપે.
ખરેખર વ્યસનોમાં આનંદ હોતો જ નથી. આ જેટલા નશાકારક પદાર્થો છે, તે આપણી અંદર જે શક્તિઓ પડી છે, જીવનમાં જરૂરિયાતની જે શક્તિઓ અનામત પડી રહી છે, તેને ઉઠાવીને આજે બહાર લાવે છે. તે પોતાનો જ આનંદ જે અંદર છે તેને બહાર લાવે છે, નવો આનંદ નથી આપતા. જે રોજ વાપરવાની હતી તે શક્તિ એક જ દિવસમાં બહાર કાઢીને વાપરી નાખે, પછી દસ દિવસ સુધી માણસને ઢીલો કરી નાખે, ખલાસ કરી નાખે. એક દિવસ તો તે ઉલ્લાસમાં આવી જાય, પણ પછી યૂઝલેસ થઈ જાય.
લોકો જીવનમાં ચિંતા ઓછી કરવા માટે વ્યસનનો ઉપાય કરે છે. પણ તેનાથી ખરેખર ચિંતા ઓછી નથી થતી, પણ એક પ્રકારની સાઈકોલોજિકલ ઈફેક્ટ ઊભી થાય છે, એટલે પોતે મસ્તીમાં આવી જાય છે અને ચિંતા ઘટી એમ ખાલી લાગે છે.
ખરેખર આ વ્યસનોથી માણસ બેભાન થઈ જાય છે. દારૂ પીધેલો માણસ બેભાનપણામાં “હું દેશનો પ્રાઈમ મિનિસ્ટર છું” એવી લવારી કરવા માંડે. જે આપણું ભાન ખોવડાવી નાખે, એ વસ્તુને અડાય જ કેમ!
દારૂ બનાવવાની પદ્ધતિમાં ફળ કે અનાજ કહોવાવાથી ખૂબ બધા બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે અને એના પરિણામે બનતો દારૂ પીવાથી તરત અસર થાય છે. જેમ ઇલેક્ટ્રિસિટીને અડવાથી તરત કરંટ લાગે છે, એમ દારૂ પીવાથી તરત ભાન બધું જતું રહે છે.
કોઈએ દારૂ પીધો હોય, તો એટલું બેભાનપણું આવી જાય કે લોકો દસ્તાવેજ ઉપર સહી કરાવી લે તો પણ એને ભાન ન પડે.
નશો કરવાથી મગજમાં જ્ઞાનતંતુઓને અવળી અસર થાય છે, મગજમાં ફેરફારો થાય છે. વધુ પડતા વ્યસનથી માણસ જડ જેવો થઈ જાય, પછી તેને સારા વિચારો કે કંઈ આવે નહીં. દારૂના વ્યસનથી મનુષ્યની સમજશક્તિ ઉપર આવરણ આવવાથી તે ઘટી જાય છે.
વ્યસનને કોઈ ધર્મમાં સ્વીકારતા નથી. દારૂ, ડ્રગ્સ વગેરે વ્યસનો માણસને પતનના માર્ગે દોરે છે. જેનાથી સંસાર તો બગડે, પણ સાથે ધર્મ અને મોક્ષ પણ બગડે છે.
દારૂ કે વાઈન બનાવવાની પ્રોસેસમાં, ફર્મેન્ટેશનમાં બહુ બધા સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય છે અને તેમની હિંસા થાય છે. એટલે દારૂ તો હાલતા-ચાલતા જીવોનો ભારોભાર રસ છે! દારૂના એક પરમાણુમાં એટલી બધી જીવાત છે કે તે ધર્મને પણ ધૂળધાણી કરી નાખે. હિંસાનું પાપકર્મ બંધાય તે જુદું.
મનુષ્ય કોઈપણ વ્યસનનો પહેલા પોતે શોખ કરે છે, પછી તેની પ્રકૃતિ બંધાણી થઈ જાય છે. પછી દારૂ ને ડ્રગ્સના નશામાં કુસંગ, જુગાર કે વ્યભિચારના રવાડે ચડી જાય છે. આમ, માણસને કુસંગ ભેગો થાય, પછી કુસંગથી અવળા વ્યસનો પેસે અને વ્યસન પાછું તેને કુસંગના જ વાતાવરણમાં રાખે, એટલે ઓર અધોગતિમાં લઈ જાય. આમ, વ્યસનથી મોંઘુ મનુષ્યપણું ખોઈને અધોગતિમાં ભટકવાનો વખત આવી જાય છે.
મનુષ્ય વ્યસન દેખાદેખીથી કે દુઃખ ભૂલાવવા કરે છે. વ્યસનથી બેભાનપણું થાય એટલે ઘડીભર દુઃખ ભૂલાયું લાગે. પણ અધ્યાત્મની દૃષ્ટિએ મનુષ્યમાં બેભાન થાય એટલે મનુષ્યથી આગળ અવતાર ના મળે, અધોગતિમાં જાય. મનુષ્યો ધંધામાં, ઘરમાં ને સંસારમાં બહુ જાગૃતિ રાખે છે, પણ પરલોકમાં મારું શું થશે એની જાગૃતિ નથી હોતી. વ્યસની માણસ જાનવર જેવો થઈ જાય. કારણ કે એની જાગૃતિ બધી ખલાસ થઈ જાય છે. જેમ જાગૃતિ વધે તેમ માણસ ઉત્તમ થાય. બેભાનપણું જાનવરમાં વધારે હોય એટલે અધોગતિમાં જવું પડે.
Q. વ્યસન એટલે શું? વ્યસન કોને કહેવાય?
A. ચા-કૉફી જેવા કેફીનયુક્ત પીણાંથી લઈને સોપારી, તમાકુ અને તમાકુના અન્ય સ્વરૂપ જેમ કે, પાન, ગુટકા,... Read More
Q. વ્યસનના કારણો કયા કયા છે? વ્યસન કઈ રીતે શરૂ થાય છે?
A. મોટેભાગે યુવાનોમાં દેખાદેખીથી વ્યસનની લત લાગતી હોય છે. આજકાલના યુવાનોને સાચી દિશા બતાવનારું કોઈ... Read More
Q. વ્યસન મુક્તિ માટે શું કરવું? વ્યસનથી કઈ રીતે છૂટવું?
A. વ્યસનથી છૂટવાના ઉપાયોમાં બે પ્રકારની સમજણ મળે છે. એક તો વ્યવહારમાં કયા પ્રકારની સાવચેતી રાખવી જેથી... Read More
Q. કુટુંબમાં વ્યસની સાથે વ્યવહાર કેવી રીતે કરવો?
A. ઘરમાં કોઈ વ્યક્તિને વ્યસનની આદત હોય તો તેને સુધારવા માટે પહેલા પોતે સુધરવું પડે. જો આપણે આપણી સમજણ... Read More
subscribe your email for our latest news and events
