Related Questions

સાચા પ્રેમને કેવી રીતે ઓળખવો?

બહુ માર ખાય ત્યારે જે મોહ હતોને, તે મોહ છૂટી જાય બધો. ખાલી મોહ જ હતો. તેનો જ માર ખા ખા કર્યો.

પ્રશ્નકર્તા : મોહ અને પ્રેમ આ બન્નેની ભેદરેખા શું છે ?

દાદાશ્રી : આ ફૂદું છે ને, આ ફૂદું દીવાની પાછળ પડી અને યાહોમ થઈ જાય ને ? એ પોતાની જિંદગી ખલાસ કરી નાખે છે, એ મોહ કહેવાય.જ્યારે પ્રેમ એ ટકે, પ્રેમ ટકાઉ હોય, એ મોહ ના હોય.

મોહ એટલે 'યુઝલેસ' જીવન. એ તો આંધળા થવા બરાબર છે. આંધળો માણસ ફૂદાંની પેઠ ફરે અને માર ખાય એના જેવું અને પ્રેમ તો ટકાઉ હોય, એમાં તો આખી જિંદગીનું સુખ જોઈતું હોય. એ તાત્કાલિક સુખ ખોળે એવું નહીં ને !

એટલે આ બધા મોહ જ છે ને ! મોહ એટલે ઉઘાડા દગા-ફટકા. મોહ એટલે હંડ્રેડ પરસેન્ટ દગા નીકળેલા.

પ્રશ્નકર્તા : પણ આ મોહ છે ને આ પ્રેમ છે એવું સામાન્ય જનને કેવી રીતે ખબર પડે ? એક વ્યક્તિને સાચો પ્રેમ છે કે આ એનો મોહ છે એવું પોતાને કઈ રીતે ખબર પડે ?

દાદાશ્રી : એ તો ટૈડકાવીએ ત્યારે એની મેળે ખબર પડે. એક દહાડો ટૈડકાવીએ અને એ ચિડાઈ જાય એટલે જાણીએને કે આ યુઝલેસ છે ! પછી દશા શું થાય ? એના કરતાં પહેલેથી ખખડાવીએ. રૂપિયો ખખડાવી જોઈએ, કલદાર છે કે બહેરો છે એ તરત ખબર પડી જાય ને ? કંઈ બહાનું ખોળી કાઢી અને ખખડાવીએ. અત્યારે તો નર્યા ભયંકર સ્વાર્થો ! સ્વાર્થના માટે હઉ કોઈ પ્રેમ દેખાડે. પણ એક દહાડો ખખડાવી જોઈએ તો ખબર પડે કે આ સાચો પ્રેમ છે કે નહીં ?

પ્રશ્નકર્તા : સાચો પ્રેમ હોય ત્યાં કેવું હોય, ખખડાવે તોય ?

દાદાશ્રી : એ ખખડાવે તો ય શાંત રહીને પોતે એને નુકસાન ન થાય એવું કરે. સાચો પ્રેમ હોય ત્યાં ગળી જાય. હવે, સાવ બદમાશ હોય ને તો એય ત્યાં ગળી જાય. 

×
Share on
Copy