Related Questions

સાસુ-વહુના પ્રોબ્લેમ્સમાં કેવી રીતે વર્તવું?

સાસુ, વહુ અને વર એક ત્રિકોણ છે. આ ત્રિકોણ ભારત જેવા દેશોમાં દરેક ઘરમાં જોવા મળે છે. સાસુ અને વહુના સંબંધમાં સતત કોઈને કોઈ કારણસર તણાવ કે તકરાર સર્જાતાં હોય છે. તેમાં બે સ્ત્રીઓની પ્રકૃતિને એક પુરુષ ક્યારેય સમજી શકતો નથી. હવે, જ્યાં પતિ સમજવામાં જ ગોથું ખાઈ જાય છે, ત્યાં પોતાની પત્ની અને માતા બેઉ સાથે સંતુલિત વ્યવહાર કઈ રીતે કરી શકે? તે કોઈ એકના પક્ષમાં બેસે તો બીજાને મુશ્કેલી થાય. એટલે સાસુ-વહુના સંબંધમાં મોટેભાગે પતિની ‘સૂડી વચ્ચે સોપારી’ જેવી હાલત થાય છે!

એમાંય ઘરમાં બે વહુઓ હોય તેમાંથી ધારો કે, જેઠાણી સાસુના કહ્યા પ્રમાણે કરતી હોય અથવા સાસુની સામે ન બોલતી હોય તો તે સાસુને વહાલી લાગે. જ્યારે દેરાણી તડફડ સામું બોલી નાખે, તો તે વાંકી લાગે. પછી દેરાણી-જેઠાણી વચ્ચે પણ તકરાર અને અથડામણો વધતાં જાય છે. 

મૂળ કારણ, પત્ની અને માતાના પઝેસિવનેસ અને ઈન્સિક્યુરિટી

સાસુ-વહુના સંબંધમાંથી ક્લેશ જવા માટે સૌથી પહેલા એ ક્લેશનું કારણ સમજવું જરૂરી છે.

દરેક પત્ની કે માતાની પ્રકૃતિની ખાસિયત હોય છે, પઝેસિવનેસ (માલિકીભાવ) અને ઈન્સિક્યુરિટી (અસલામતી). તેમની માનસિકતામાં બહુ ઊંડે ઊંડે મૂળ અસલામતીનો ભય હોય છે. તેમને સલામતી માટે કોઈક તો જોઈએ જ. પછી જે વ્યક્તિથી કે સાધનથી સલામતી લાગે, તેના પર પઝેસિવનેસ આવે છે. પઝેસિવનેસ ઉત્પન્ન થયા પછી તે વ્યક્તિ કે સાધનમાં બીજું કોઈ ભાગ પડાવે એ તેનાથી સહન નથી થતું.

શરૂઆતમાં પત્ની પોતાના પતિ માટે પઝેસિવ હોય, પછી બાળકો થાય એટલે તેમની માટે પઝેસિવ થાય છે. લગ્ન પહેલા તો દરેક દીકરો લગભગ પચ્ચીસ વર્ષ સુધી માના કહ્યા પ્રમાણે ચાલતો હોય છે. ઘરમાં બધું માના કહ્યા પ્રમાણે થતું હોય. જેમ કે, ક્યાં પૈસા ખર્ચવા, ક્યાં નહીં, એ બધો કંટ્રોલ માના હાથમાં હોય. એટલે માતાનું એકહથ્થું સામ્રાજ્ય ઘરમાં ચાલતું હોય છે. પછી દીકરાના નવાં નવાં લગ્ન થતાં, વહુ પરણીને ઘરે આવે, ત્યારે આ એકહથ્થું સામ્રાજ્યમાં ભાગ પડાવનાર વહુ ચિત્રમાં આવે છે. હવે, નવી પરણેલી વહુને પણ પોતાના પતિ માટે પઝેસિવનેસ હોય, એટલે માતાનો પોતાના દીકરા ઉપર જે સો ટકા માલિકીભાવ હતો તેમાં ભાગ પડે છે. પરિણામે સાસુ અને વહુમાં તકરાર શરૂ થાય છે.

બહાર દેખીતા જે પ્રસંગો બને, જેમાં સાસુ તેની વહુની ભૂલો કાઢતા હોય, જેમ કે “વહુને શાક વઘારતા નથી આવડતું”, “ફૂવડ જેવી છે”, “પૈસા ઉડાવે છે” એ બધા તો ઉપરછલ્લાં ડાળાં-પાંદડાં છે. મૂળમાં બીજી સ્ત્રી પોતાના સલામતીના સાધનમાં ભાગ પડાવે છે, એ તેની અસલામતીનું કારણ બને છે, જેની તેને પોતાને પણ ખબર નથી હોતી. પરિણામે આવાં રિએક્શન બહાર નીકળે છે.

બીજી બાજુ નવી પરણીને આવેલી પત્નીને પણ એમ હોય છે કે મારો પતિ સંપૂર્ણપણે મારા કહ્યામાં જ હોવો જોઈએ. પતિ બધું જ પોતાના કહ્યા પ્રમાણે કરે એટલે પત્નીને સલામતી લાગે. એમાં જો એકાદ વખત પતિ જો સાસુના કહ્યા પ્રમાણે કરે તો પત્ની વીફરે. મૂળ એને અસલામતી લાગે કે મારો પતિ મારા હાથમાંથી ગયો, એટલે મોટું તોફાન મચી જાય. બંનેને સો ટકા પઝેસિવનેસ હોય. એટલે સાસુ વહુમાં સતત તકરાર અને અથડામણો થયા જ કરે. એ બંનેમાં પતિની સેન્ડવીચ જેવા હાલ થાય. કારણ કે ઘડીમાં પત્ની સાસુની ફરિયાદ કરે, તો ઘડીમાં સાસુ એની વહુની ફરિયાદ કરે. પતિ સમજી નથી શકતો કે કઈ રીતે આ બે પ્રકૃતિ સાથે વર્તન કરવું.

પતિની દશા, સૂડી વચ્ચે સોપારી જેવી

ઝીણવટથી જોઈએ તો શરૂઆતમાં વહુ પણ સાચવી સાચવીને પગલાં ભરતી હોય, એટલે સાસુના કહ્યા પ્રમાણે જ દીકરો બધું કરતો હોય ત્યાં સુધી કોઈ મુશ્કેલી નથી આવતી. પછી ધીમે ધીમે પત્ની પોતાના પતિને કઈ રીતે પક્ષમાં લેવો તેના ઉપાયો કરે. સાસુની કોઈ ભૂલ થઈ હોય તો રાત્રે પતિને એકાંતમાં ધીમે ધીમે બતાડતી જાય કે, “મમ્મીજી મને આમ કહે છે, મારી સાથે આમ કર્યું” વગેરે. શરૂઆતમાં તો પતિ બધી વાત ન માને કે વિરોધ બતાવે, કારણ કે તે માતા સાથે રાગથી સંકળાયેલો હોય. એટલે પત્ની એને ‘માવડિયો છે’ એવું સર્ટિફિકેટ આપી દે! પણ પછી સમય જતાં, જ્યારે મા-દીકરામાં જ કોઈ અથડામણ થાય કે તરત વહુ એ મોકાનો લાભ લઈને પુરાવો આપે કે, “જુઓ હું કહેતી હતી ને કે મમ્મીજી આવું કરે છે.” ત્યારે દીકરાને પણ થાય કે પત્નીની વાત બરાબર છે. એમ કરતાં કરતાં પત્ની તેની સાસુના એક એક કરીને ઘણા બધા નેગેટિવ પતિના મગજમાં રેડે. પતિને લાગે કે મારી પત્ની સાચી છે, પછી દીકરાનું માની સામે થવાનું શરૂ થાય. એટલે માને દુઃખ થાય અને પછી એ દીકરાને ‘વહુઘેલો છે’ એવું સર્ટિફિકેટ આપે.

ક્યારેક વહુની ભૂલ થાય ત્યારે સાસુ ચગી જાય, તો ક્યારેક સાસુની ભૂલ થાય ત્યારે વહુ ચગી જાય. પોતાની પત્ની અને માતા વચ્ચે પતિ સંતુલન નથી જાળવી શકતો. જ્યારે વાત વધુ વણસે ત્યારે જો દીકરો માના પક્ષમાં જાય તો વાત ડિવોર્સ સુધી આવીને ઊભી રહે અને વહુના પક્ષમાં જાય તો મા-બાપથી જુદું ઘર માંડીને રહે.

મોટેભાગે પતિ-પત્ની સાસુથી છૂટા પડીને જુદું ઘર માંડે એવું વધારે જોવા મળે છે. કારણ કે પતિ-પત્ની તન-મનથી, હૂંફ માટે અને બીજી અનેક રીતે એકબીજા ઉપર વધુ આધાર રાખે છે, બંનેને એકબીજા વગર ચાલે એવું નથી હોતું. તેમાંય બાળકો થાય પછી છૂટા પડવું અઘરું બને છે, કારણ કે બાળકોને સારી રીતે ઉછેરવા માતા-પિતા બંનેનું સાથે હોવું આવશ્યક છે.

નિર્દોષ જોઈને એડજસ્ટમેન્ટ લેવું

કાયમ વહુને એમ જ લાગે કે મારી ભૂલ નથી, સાસુ જ વાંકા છે. જ્યારે સાસુને પણ એમ જ થાય કે હું બરાબર છું, વહુ જ ખરાબ છે. જ્યારે સાસુ અને વહુ બંને પોતપોતાની ભૂલ જોતાં થશે, પોતાના જ પઝેસિવનેસ અને ઈન્સિક્યુરિટીને જોતાં થશે, ત્યારે જ આ સમસ્યાનો અંત આવશે. કેટલીક સાસુ આમ બહાર બોલે કે, “હું મારી વહુને દીકરીની જેમ જ રાખું છું”, પણ એને દોષિત જોવામાં કશું બાકી ન રહેતું હોય. બંને એકબીજાના દોષ જ જોયાં કરતાં હોય, પછી બંનેમાં પ્રેમ ક્યાંથી આવે?

સાસુ જો સમજે કે દીકરો એની પત્નીના પક્ષમાં જતો હોય તો ભલે જતો, સુખી થશે તો ઘરમાં તકરાર ટળે. અથવા નવી નવી વહુ સમજે કે મારે શાંતિથી રહેવું હોય તો એડજસ્ટમેન્ટ લેવા જ પડશે. પતિ કે દીકરા પર પોતાનું સો ટકાનું પઝેશન નહીં રહે એ બેઉએ સ્વીકારી લેવું જોઈએ. શરૂઆતમાં પાંચેક વર્ષ જ આ સમજણ સતત હાજર રાખીને શાંતિ જાળવવાના પ્રયત્નો કરવાના છે. ધીમે ધીમે માને સંતોષ થાય કે દીકરો એના કહ્યામાં જ છે. એને સલામતી લાગે કે દીકરો વહુના કહેવાથી મને ઘરમાંથી કાઢી નહીં મૂકે કે જુદું ઘર નહીં માંડે. વહુ તરફથી પણ એવું વલણ હોય કે દીકરો સો ટકા તમારો જ છે. તો ખેંચાખેંચી નહીં થાય.

ચલણ છોડે તેની કિંમત વધે

સાસુ વહુ પર કંટ્રોલ રાખવા જાય અને વાતે વાતે તેની ભૂલ કાઢ્યા કરે. શા માટે? વહુનું ચલણ તોડવા માટે. હંમેશા દરેકને ઊંચું પદ મળે એટલે પોતાના હાથ નીચેના ઉપર કંટ્રોલ કરવાની દાનત ઊભી થાય. પણ ખરેખર કોઈ વ્યક્તિ દબાઈને રહેવા નથી માંગતી, એટલે સામી થાય. પરિણામે સામસામે ઘર્ષણ થાય છે. સાસુને એમ હોય કે વહુ જો બધું સારું કરશે અને બધાના હૃદયમાં એ વસી જશે તો મારી પછી કિંમત જ નહીં રહે. એટલે વાતેવાતે વહુને “બેટા આમ કરવાનું, આમ નહીં કરવાનું” એમ સલાહ આપ્યા કરે. પછી વહુ પણ કંટાળે. ખરેખર તો જે સાસુ આવી રીતે વહુને કચડે છે, ધીમે ધીમે ઘરમાં તેની કિંમત ઘટી જાય છે. કારણ કે બધા સમજે છે કે સાસુ જબરી છે અને વહુને કંટ્રોલમાં લેવા જાય છે એટલે કચડે છે. જેટલું વહુને સોંપતી જાય છે એટલી સાસુની કિંમત વધે છે, ઘરમાં તેના માટે આદર જળવાઈ રહે છે.

પ્રતિક્રમણ અને વિનય સચોટ ઉપાય

સાસુ વહુની તકરાર સામે સચોટ ઉપાય બતાવતાં પૂજ્ય નીરુમા હંમેશા કહેતા કે દરરોજ વહુએ સાસુના પગે લાગવું. બીજું, જ્યારે જ્યારે અથડામણ થાય ત્યારે બંનેએ એકબીજાની માફી માંગી લેવી. પોતાની ભૂલ ઉપર પસ્તાવો લઈએ તો એ દોષ ધોવાય છે અને વ્યવહાર સુધરે છે. પણ જ્યાં સુધી બીજાના દોષ દેખાય છે, ત્યાં સુધી સાચા હૃદયથી પસ્તાવો નથી થતો. એટલે સાસુ અને વહુ બંનેએ નક્કી કરવું કે મારે સામાના દોષ જોવા જ નથી. એમ કરતાં કરતાં સાસુ-વહુના સંબંધમાં ઊભું થતું ઘર્ષણ ઓછું થતું થતું બંધ થઈ જશે.

×
Share on