Related Questions

જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?

જ્યારે બાળકો ભૂલો કરે છે અથવા કંઈક ખોટું કરે છે, ત્યારે સાચો રસ્તો છે તેને મિત્રતાપૂર્વક પૂછવું કે, ‘બેટા, તું શું કરી રહ્યો છે તેના વિશે તે વિચાર્યું છ?’ અને ‘શું આવું તને શોભે છે?’ જો તેઓ ના કહે તો પછી તમારે તેમને પૂછવું કે, ‘તું શા માટે આવું કાર્ય કરે છે.’ તેઓ નિર્ણય લેવા માટે અને સમજવા માટે સક્ષમ છે. જ્યારે તેઓ કશું ખોટું કરે છે, ત્યારે તેઓને તરત જ ખબર પડી જાય છે. પરંતુ, જો તમે તેમની નિંદા કરવાનું શરૂ કરશો, તો પછી તેઓ તમારી સામે થશે અને ગુસ્સાવાળા થશે.

એ રીતે બોલો કે જેથી સામી વ્યક્તિનો અહંકાર ઊભો ન થાય. જ્યારે તમે તમારા બાળકો સાથે વાતો કરો છો ત્યારે રોફપૂર્વકના શબ્દો ન બોલો. એવી રીતે બોલો કે જેથી તેમણે જે ભૂલો કરી છે, તેમાંથી શીખવા માટે તેઓને તમારા શબ્દો મદદરૂપ થાય. જ્યારે પરમ પૂજ્ય દાદાશ્રી લોકો સાથે વાત કરે છે ત્યારે, લોકોનો અહંકાર જરા પણ હલે નહીં. કારણ કે, તેમની વાણી અહંકાર રહિતની હોય છે અને તેમનો અવાજ ભારપૂર્વકનો હોતો નથી.

પરમ પૂજ્ય દાદાશ્રી સમજાવે છે કે જ્યાં સુધી બાળકો પંદર વર્ષના છે, ત્યાં સુધી તમે ઈચ્છો તે રીતે બાળકોને વાળી શકો છો.

અહીં બાળકોને ઘડવા માટેના કેટલાક રસ્તાઓ આપેલ છે, જેથી તેઓ તેમના બાળપણની ભૂલોમાંથી શીખે:

  • તેમનો પ્રેમ જીતવા માટે અને તમારામાં વિશ્વાસ લાવવા માટે તેઓને સાંભળો અને તેમની સાથે સંમત થાવ અથવા મૌન રહો પરંતુ, કોઈ તારણ પર ન આવો અને દરરોજની વાતચીતમાં તેનો વિરોધ ન કરો જેમ કે:
    • જ્યારે બાળક શાળાએથી આવે છે અને કહે છે, ‘અરે, આજે તો હું થાકી ગયો અને બહુ બધુ હોમવર્ક આપ્યું છે’, ત્યારે માત્ર એવું કંઈક જ કહો કે, ‘અરે! તો તો આજે તું ખૂબ જ વ્યસ્ત હતો!’
    • જ્યારે બાળક ગુસ્સામાં અથવા ચિડાયેલા મૂડમાં હોય અને કહે કે, ‘અરે, મને તે ગમતી જ નથી, તે છેતરપિંડી જ કરે છે’, ત્યારે ફક્ત એટલું જ કહેવું કે, ‘અરે, મને પણ જ્યારે કોઈ છેતરપિંડી કરે છે તે ગમતું નથી.’ આવું કહેવાને બદલે આપણે તો આવેશમાં આવી જઈએ છીએ અને તેઓને ઠપકો આપીએ છીએ કે, ‘તે જોયું, તારે છેતરપિંડી ન કરવી જોઈએ’ અથવા ‘તું પણ તે સમયે આવી જ છેતરપિંડી કરતો હતો.’
  • તમારા ચહેરાના હાવભાવ બગાડ્યા વિના ઠપકો આપો. બાળકોને ઠપકો આપવો એ એક કળા છે. તમારા ચહેરાના હાવભાવ સ્વસ્થ રાખો અને પછી ઠપકો આપો! જો તમે આવું કરી શકો, તો તેનો મતલબ એ છે કે તમે નાટકીય રીતે ઠપકો આપો છો અને તેનાથી તેના અહંકારને દુ:ખ નહીં થાય, પરંતુ, તેનાથી તો બાળકને સાચી વાત સમજાશે. બીજી તરફ, જો તમારા ચહેરાના હાવભાવ બગડે છે, તો તેનો મતલબ એ છે કે તમે અહંકાર દ્વારા ઠપકો આપો છો અને તેનાથી બાળકમાં બદલો લેવાની ભાવના ઉત્પન્ન થાય છે.
  • કોઈ પણ પૂર્વગ્રહ રહિત ઠપકો આપવો એ ઉપયોગી છે. આપણે એવા શબ્દો વાપરીએ છીએ જેવા કે, ‘તમે હંમેશાં મને નિરાશ જ કરો છો’, ‘તું મારું સાંભળતો જ નથી’, ‘હું તને કંઈ પણ કહેવા ઈચ્છતી જ નથી’ અને આવું તો ઘણું બધું, આ બધી ‘વધારાની વસ્તુઓ’ છે. તે જ્યારે બાળક ભૂલો કરે છે, ત્યારે તમારો તેના પ્રત્યેનો પૂર્વગ્રહ બતાવે છે.
  • ક્યારેય બાળકને કશું ઉપનામ કે સંબોધન ન આપવું. જેમ કે, ‘તું મૂર્ખ છે, તું કાયમ બેદરકાર જ હોય છે, તું હંમેશાં બીજાને છેતરે છે, તું ક્યારેય ભણતો નથી, તું સાવ નકામો છે, તું જાડો છે’ વગેરે. આ વર્તન ક્ષણિક છે, પરંતુ આ બધા ઉપનામ તેની સાથે કાયમ રહે છે. આવા નકારાત્મક શબ્દો તેને હંમેશાં દુ:ખ આપે છે, જેના કારણે તે ભૂલોમાંથી ક્યારેય કશું શીખતો જ નથી.
  • જ્યારે તમે કોઈ મહત્ત્વની વાત કહેવા ઈચ્છતા હો, ત્યારે તેવો કોઈક પ્રસંગ બને કે તરત જ તેમને ન કહેવું જોઈએ. ઓછામાં ઓછા ૨૪ કલાક માટે પરિસ્થિતિ શાંત થવાની રાહ જુઓ, જેનાથી તમે પરિસ્થિતિનો આવેશમાં આવ્યા વિના સામનો કરી શકશો.
  • જેને તમે ભૂલો ગણો છો તે થવી મહત્ત્વની છે, જેમ કે, રૂમ સાફ ન રાખવા માટેની દરરોજની નાની-મોટી કચકચ અથવા વહેલા ન ઊઠવા માટે દરરોજ કહ્યા કરવું, વગેરે ભૂલો નથી. એવી બાબત કે જે તેના ચારિત્ર્યને અથવા ભવિષ્યને અસર કરે તે ભૂલ ગણાય છે. અને તેના માટે પણ તમારે મહિનામાં એક વખત જ કહેવું જોઈએ અને દરરોજ કહ્યા ન કરવું જોઈએ.

નીચેના સંવાદમાં પરમ પૂજ્ય દાદાશ્રી સમજાવે છે કે બાળક સાથે કઈ રીતે વાતો કરવી જોઈએ કે જેથી તેનો ઉછેર સંતુલિત વ્યક્તિ તરીકે થાય?

Parent Child

બાળકને પ્રેમથી ઉછેરો

પ્રશ્નકર્તા: ટકોર કરવી પડે ને, જો એની ભૂલ થતી હોય તો?

દાદાશ્રી: તે આપણે એમને એમ પૂછવું કે તમે આ બધું કરો છો એ તમને ઠીક લાગે છે, તમે વિચારીને કર્યું આ બધું? ત્યારે એ કહે કે, મને ઠીક નહીં લાગતું. તો આપણે કહીએ કે ભઈ, તો શા માટે આપણે નકામું આમ કરવું? એમ પોતે જરા વિચારીને કહોને, પોતે ન્યાયાધીશ હોય છે બધા, સમજે છે બધા, પોતે ખોટું થયું હોય ને તો એને સમજે તો ખરો જ. પણ તમે એમ કહો કે તું મૂર્ખ છું અને ગધેડો છું. તેં આ કેમ કર્યું? ત્યારે ઊલટો પકડ પકડે. ના, ‘હું કરું છું’ એ જ ખરું છે, જાવ કહેશે. ઊંધું કરે પછી કેમ ઘર ચલાવવું તે આવડતું નથી. જીવન કેમ જીવવું તે આવડતું નથી. એટલે જીવન જીવવાની ચાવી મૂકેલી છે બધી આમાં, કેમ કરીને જીવન જીવવું તે?

સામાનો અહંકાર ઊભો જ ના થાય. સત્તાવાહી અવાજ અમારો ના હોય. એટલે સત્તા ના હોવી જોઈએ. છોકરાને તમે કહોને તો સત્તાવાહી અવાજ ના હોવો જોઈએ.

ચીડીયાપણાથી આવતા ભવ (જન્મ) માટે પાપકર્મ બંધાય છે

પ્રશ્નકર્તા: સંસારમાં રહ્યા પછી કેટલીક જવાબદારીઓ બજાવવી પડે છે અને જવાબદારીઓ અદા કરવી એ એક ધર્મ છે. એ ધર્મ બજાવતા કારણે કે અકારણે કટુ વચન બોલવા પડે, તો એ પાપ કે દોષ છે?

દાદાશ્રી: એવું છે ને, કડવું વચન બોલીએ તે ઘડીએ આપણું મોઢું કેવું થઈ જાય? ગુલાબના ફૂલ જેવું, નહીં? આપણું મોઢું બગડે તો જાણવું કે પાપ લાગ્યું. આપણું મોઢું બગડે એવી વાણી નીકળી ત્યાં જ જાણવું કે પાપ લાગ્યું. કડવા વચન ના બોલાય, ધીમે રહીને આસ્તે રહીને બોલો. થોડા વાક્યો બોલો પણ આસ્તે રહીને સમજીને કહો, પ્રેમ રાખો, એક દહાડો જીતી શકશો. કડવાશથી જીતી નહીં શકો. પણ એ સામો થશે ને અવળા પરિણામ બાંધશે. એ છોકરો અવળા પરિણામ બાંધે. ‘અત્યારે તો નાની ઉંમરનો છું તે મને આવું ટૈડકાવે છે. મોટી ઉંમરનો થઈશ એટલે આપીશ.’ એવા પરિણામ મહીં બાંધે. માટે આવું ના કરો, એને સમજાવો. એક દહાડો પ્રેમ જીતશે. બે દહાડામાં જ એનું ફળ નહીં આવે. દશ દહાડે, પંદર દહાડે, મહિના સુધી પ્રેમ રાખ્યા કરો. જુઓ, આ પ્રેમનું શું ફળ આવે એ તો જુઓ.

પ્રશ્નકર્તા: આપણે અનેકવાર સમજાવીએ, છતા એ ના સમજે તો શું કરવું?

દાદાશ્રી: સમજાવવાની જરૂર જ નથી. પ્રેમ રાખો છતાં આપણે એને સમજણ પાડીએ ધીમે રહીને. આપણા પડોશીને ય એવું કડવું વચન બોલીએ છીએ આપણે?

માતા-પિતાએ તેમનો રોલ પૂર્ણ રીતે બજાવવો જોઈએ

દાદાશ્રીએક બેંકનો મેનેજર કહે છે, દાદાજી, હું તો કોઈ દહાડોય વાઈફને કે છોકરાને કે છોડીને એક અક્ષરેય બોલ્યો નથી. ગમે તેવી ભૂલો કરે, ગમે તે કરતા હોય, પણ મારે બોલવાનું નહીં. એ એમ સમજ્યો કે દાદાજી, મને એવી પાઘડી પહેરાવી દેશે સરસ! એ શું આશા રાખતો હતો, સમજાયું ને?! અને મને એની પર ખૂબ રીસ ચઢી કે તમને કોણે બેંકના મેનેજર બનાવ્યા તે આ? તમને છોડી-છોકરાં સાચવતા નથી આવડતા ને વહુ સાચવતા નથી આવડતી! તે એ તો ગભરાઈ ગયો બિચારો. પણ મેં તેમને કહ્યું, ‘તમે છેલ્લામાં છેલ્લા પ્રકારના નકામા માણસ છો. આ દુનિયામાં કશા કામના તમે નથી.’ પેલો માણસ મનમાં સમજે કે હું આવું કહીશ એટલે આ ‘દાદા’ મને મોટું ઈનામ આપી દેશે. મેર ગાંડિયા, આનું ઈનામ હોતું હશે? છોકરો ઊંધું કરતો હોય, ત્યારે એને આપણે ‘કેમ આવું કર્યું? હવે આવું નહીં કરવાનું.’ એમ નાટકીય બોલવાનું. નહીં તો બાબો એમ જ જાણે કે આપણે જે કંઈ કરીએ છીએ તે ‘કરેક્ટ’ જ છે. કારણ કે બાપાએ ‘એક્સેપ્ટ’ કર્યું છે. આ ના બોલ્યા, તેથી તો ઘરના ફાટી ગયા છે. બોલવાનું બધું પણ નાટકીય! છોકરાઓને રાત્રે બેસાડી સમજાવીએ, વાતચીત કરીએ. ઘરના બધા ખૂણામાં પૂંજો તો વાળવો પડશે ને? છોકરાંઓને જરાક હલાવવાની જ જરૂર હોય છે. આમ સંસ્કાર તો હોય છે, પણ હલાવવું પડે. તેમને હલાવવામાં કશો ગુનો છે?

Related Questions
  1. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
  2. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
  3. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
  4. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
  5. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
  6. ઊંચા સ્વરે બોલ્યા વિના બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું? બાળકને સારી ટેવો વાળું અને શિસ્તબધ્ધ રીતે કઇ રીતે ઉછેરવું?
  7. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  8. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  9. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
  10. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
  11. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
  12. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
  13. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
  14. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
  15. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
  16. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
  17. સિંગલ પેરેન્ટ તરીકે ટીનએજર સાથે કેવી રીતે વર્તવું?
  18. બાળકો માટે થતી પ્રાર્થનાની શક્તિ કેવી હોય? હું બાળકો માટે કેવી રીતે પ્રાર્થના કરું?
×
Share on