Related Questions

ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?

બે પેઢી વચ્ચેના અંતરને ઓછું કરવા માટે માતા-પિતાએ પહેલ અવશ્ય કરવી જોઈએ. જ્યારે બાળક સોળ વર્ષનું થાય, ત્યારથી તમારે તેના મિત્રની જેમ વર્તવું જોઈએ. તેની સાથે મિત્રતાપૂર્વક વાતો કરો કે જેથી તમારા શબ્દો વધુ અસરકારક સાબિત થાય. જો માતા-પિતા, એક માતા કે પિતા તરીકે જ વર્ત્યા કરશે તો બાળક તેમનું ક્યારેય નહીં સાંભળે.

Parent Child

ટીનએજર્સ સાથે વર્તન કરતા પહેલા તેમના મિત્ર કઈ રીતે બનવું તે જાણવું જરૂરી છે. નીચે તે માટેની રીતો દર્શાવેલ છે:

  • તમારા બાળકોના રસ વિશેની વાતો કરો, સાથે ચાલવા જાઓ, સાથે રમત રમો, સાથે ચા પીઓ, વગેરે.
  • સૌ પ્રથમ, તમારે તેમની સાથે મિત્ર તરીકે રહેવું છે, તે માટેનો દૃઢ નિશ્ચય કરો અને પછી જ તમે તેવું કરી શકશો. જો તમારા મિત્ર કશું ખોટું કરે છે, તો તમે કેટલી હદ સુધી તેની ચિંતા કરશો? તમે માત્ર તેને તે મુદ્દા વિશે સલાહ જ આપશો જે તે સાંભળશે, પરંતુ તમે તેના ઉપર કચકચ નહીં કરો.
  • તમે તમારા મિત્રને તે જેવો છે તેવો જ સ્વીકારી લો છો. જ્યારે તમને પૂછે ત્યારે જ તમે સલાહ આપો છો, જેમ કે, તમે કહો છો તે સાચું છે, પરંતુ તમે તેને એવું પણ કહો છો કે તે જે કરવા ઈચ્છે કે તેને જે યોગ્ય લાગે તે કરવા માટે તે સ્વતંત્ર છે અને તમે તો માત્ર સૂચન જ કરો છો. આ જ રીતે, તમે પણ તે જ કરશો જે ઈચ્છતા હોવ, તેના માટેનો આદર કે લાગણીને દુભાવ્યા વિના. જો બાળકને કંઈ ન કરવાનું દબાણપૂર્વક કહેવામાં આવે છે, ત્યારે તે ખરેખર તેવું જ કરશે, કારણ કે, માતા-પિતા અને બાળકનો અહંકાર સામસામે ટકરાય છે.
  • આ વાતનો મતલબ એવો જરાય નથી કે તમે હંમેશાં તેની સામે સારા જ રહો. ઘણી વખત ટીનએજર્સ એટલા હોશિયાર હોય છે કે તેઓ તમારી સાથે દલીલ કરવામાં ઊતરી જાય છે, ત્યારે તેની સાથે ખેંચાય જશો નહીં. માત્ર એટલું જ કહો કે હું આ બાબત ઉપર વિચારી જોઈશ. તેઓ કદાચ તમને લાગણીશીલ બનાવવા આરોપો કરશે. થોડી પીછેહઠ કરો અને શાંત રહો.
  • તેઓના ઉચ્ચ શિક્ષણ માટે તમારી મર્યાદાને પાર ન કરો. તમારે તેઓને કહેવું કે તમે લોન લીધી છે અને તેઓ લોન ભરવા માટે જવાબદાર છે અથવા તેઓને લોન લેવા માટે કહો.
  • જો તમે તેઓ વિશે નકારાત્મક વિચારવા લાગશો, તો તમારે તરત જ પ્રતિક્રમણ કરી લેવું જોઈએ. (કોઈ પણ ખરાબ કાર્ય માટે પશ્ચાતાપપૂર્વક માફી માગવી)

પરમ પૂજ્ય દાદાશ્રીએ આજની જનરેશન માટે સુંદર શોધખોળ કરી છે કે આજનો યુવાવર્ગ હેલ્ધી માઈન્ડવાળો છે. એમના મોહમાં મસ્ત રહે પણ કષાયો ઓછા, મમતા ઓછી, તેજોદ્વેષ એવા અપલક્ષણોથી દૂર, ભણેલા પણ ગણતર ઓછું.

સમય સાથે અનુરૂપ થતા શીખો. જો તમારો છોકરો નવી ટોપી અથવા ટેટૂ લગાવીને ઘરે આવે, તો તેને એવું ન પૂછો કે, “તું આવું ક્યાંથી શીખી લાવ્યો?” તેના બદલે તેની સાથે ભળી જાઓ અને પૂછો, “તે આવી સરસ ટોપી ક્યાંથી લીધી? કેટલાની આવી? તને ખૂબ સરસ લેતા આવડે છે!” આ રીતે તમારે એડજસ્ટ થઈ જવું જોઈએ. આપણો ધર્મ શું કહે છે, “અગવડમાં પણ સગવડ જુઓ.” પાંચ ઈન્‍દ્રિયોનું વિજ્ઞાન અગવડતા દર્શાવે છે અને આત્મા સગવડ બતાવે છે. તેથી હંમેશાં પોતાની જાતમાં જ રહો.

કેટલાક માતા-પિતા તેઓની યુવાન દીકરી બાબતે ચિંતા કરતા હોય છે. અહીં પરમ પૂજ્ય દાદાશ્રી વ્યવહારુકતા કઈ રીતે અપનાવવી તેની નીચેની વાતચીત દ્વારા સમજણ આપે છે:

કેટલાક માતા-પિતા તેઓની યુવાન દીકરી બાબતે ચિંતા કરતા હોય છે. અહીં પરમ પૂજ્ય દાદાશ્રી વ્યવહારૂકતા કઇ રીતે અપનાવવી તેની નીચેની વાતચીત દ્વારા સમજણ આપે છે:

દાદાશ્રી: એક માણસ મારી પાસે આવતો. તે એને એક છોડી હતી. તેને મેં પહેલેથી જ સમજાવ્યું હતું કે આ તો કળિયુગ છે, એમાં કળિયુગની અસર છોડીનેય થાય. માટે ચેતતો રહેજે. તે એ માણસ સમજી ગયો અને જ્યારે એની છોડી બીજા જોડે નાસી ગઈ. ત્યારે એ માણસે મને યાદ કર્યો ને મારી પાસે આવ્યો ને કહેવા લાગ્યો. ‘તમે કહી હતી તે વાત સાચી. જો તમે મને આવી વાત ના જણાવી હોત તો મારે ઝેર પીવું પડત.’ આવું છે આ જગત પોલંપોલ. જે થાય તે સ્વીકાર્ય કરી લેવું પડે. એમાં તે કંઈ ઝેર પીવાય? ના મૂઆ! એ તો તું ગાંડો ગણાઈશ. આ તો કપડાં ઢાંકીને આબરૂ રાખે છે અને કહે છે કે અમે ખાનદાન!

એક અમારો ખાસ સગો હતો, તેને ચાર છોડીઓ હતી. તે જાગૃત બહુ. તે મને કહે, ‘આ છોડીઓ મોટી થઈ, કોલેજમાં ગઈ, તે મને વિશ્વાસ નથી રહેતો.’ ત્યારે મેં કહ્યું, ‘જોડે જજો. કોલેજમાં જોડે જઈએ અને એ કોલેજમાંથી નીકળે ત્યારે પાછળ આવજે.’ એ તો એક દહાડો જઈશ. પણ બીજી વખત શું કરીશ? વહુને મોકલજે (!) અલ્યા, વિશ્વાસ ક્યાં રાખવો ને ક્યાં રાખવો નહીં, એટલુંય નથી સમજતો? અહીંથી આપણે કહી દેવાનું, ‘બેન જો, આપણે સારા માણસ, આપણે ખાનદાન, કુળવાન છીએ.’ આમ એને આપણે ચેતવી દેવાનું. પછી જે બન્યું એ ‘કરેક્ટ’. શંકા નહીં કરવાની. કેટલાક શંકા કરતા હશે? જે જાગ્રત હોય તે શંકા કર્યા કરે. એવો સંશય રાખે ક્યારે પાર આવે ?

માટે ગમે તેવી શંકા તો ઉત્પન્ન થતા પહેલા જ તેને ઉખાડીને ફેંકી દેવી. આ તો આ છોડીઓ બહાર ફરવા જાય, રમવા જાય, એની શંકા કરે. અને શંકા ઉત્પન્ન થઈ કે ત્યાં સુખ આપણને બહુ વર્તે ખરું?

એટલે કોઈ ફેરો છોડી રાતે મોડી આવે તો પણ શંકા ના કરીએ, શંકા કાઢી નાખીએ, તો કેટલો ફાયદો કરે? વગર કામની ભડક રાખ્યાનો શો અર્થ છે? એક અવતારમાં કશો ફેરફાર થવાનો નથી. પેલી છોકરીઓને વગર કામનું દુઃખ દેશો નહીં, છોકરાંઓને દુઃખ દેશો નહીં. ફક્ત મોઢે એમ કહેવું ખરું કે, ‘બેન તું બહાર જાય છે તે મોડું ના થવું જોઈએ. આપણે ખાનદાન ગામના, આપણને આ શોભે નહીં. માટે આટલું મોડું ના કરશો.’ આમતેમ બધી વાતચીત કરવી, સમજાવીએ કરીએ. પણ શંકા કર્યે પાલવે નહીં કે ‘કોની જોડે ફરતી હશે, શું કરતી હશે.’ અને પછી રાતે બાર વાગે આવે તોય પાછું બીજે દહાડે કહેવાનું કે, ‘બેન, આવું ના થવું જોઈએ!’ તેને જો કાઢી મૂકીએ તો એ કોને ત્યાં જશે એનું ઠેકાણું નહીં. ફાયદો શેમાં? ઓછામાં ઓછું નુકસાન થાય એમાં ફાયદો ને? એટલે મેં બધાને કહ્યું છે કે મોડી આવે તોય છોડીઓને ઘરમાં પેસવા દેજો, એમને કાઢી ના મૂકશો. નહીં તો બહારથી કાઢી મેલે, આ કડક મિજાજના લોકો એવા ખરા કે ? કાળ કેવો વિચિત્ર છે ! કેટલી બળતરાવાળો કાળ છે!! ને પાછો આ કળિયુગ છે, એટલે ઘરમાં બેસાડીને પછી સમજાવવું.

બાળકોના લગ્ન સંબંધી ચિંતા છે?

દાદાશ્રી: છોડીએ એનો હિસાબ લઈને આવેલી હોય છે. છોડીની વરીઝ તમારે કરવાની નહીં. છોડીના તમે પાલક છો, છોડી એને માટે છોકરોય લઈને આવેલી હોય છે. આપણે કોઈને કહેવા ના જવું પડે કે છોકરો જણજો. અમારે છોકરી છે તેને માટે છોકરો જણજો, એવું કહેવા જવું પડે? એટલે બધો સામાન તૈયાર લઈને આવેલી હોય છે. ત્યારે બાપા કહેશે, ‘આ પચ્ચીસ વર્ષની થઈ, હજી એનું કંઈ ઠેકાણું પડતું નથી, આમ છે, તેમ છે’. તે આખો દહાડો ગા ગા કર્યા કરશે. અલ્યા, ત્યાં આગળ છોકરો સત્તાવીસ વર્ષનો થયેલો છે, પણ તને જડતો નથી, તો બૂમાબૂમ શું કરવા કરે છે? સૂઈ જાને, છાનોમાનો! એ છોડી એનું ટાઈમીંગ બધું ગોઠવીને આવેલી છે.

ચિંતા કરવાથી તો અંતરાય કર્મ પડે છે ઊલટું, એ કામ લાંબું થાય છે. આપણને કોઈકે કહ્યું હોય કે ફલાણી જગ્યાએ છોકરો છે, તો આપણે પ્રયત્ન કરવો. ચિંતા કરવાની ભગવાને ના પાડી છે. ચિંતા કરવાથી તો એક અંતરાય વધારે પડે છે અને વીતરાગ ભગવાને શું કહ્યું છે કે, ‘ભઈ, ચિંતા તમે કરો છો, તો તમે જ માલિક છો? તમે જ દુનિયા ચલાવો છો?’ આને આમ જોવા જાય તો ખબર પડે કે પોતાને સંડાસ જવાની પણ સ્વતંત્ર શક્તિ નથી, એ તો જ્યારે બંધ થાય ત્યારે ડૉકટરને બોલાવવો પડે. ત્યાં સુધી એ શક્તિ આપણી છે એવું આપણને લાગ્યા કરે, પણ એ શક્તિ આપણી નથી. એ શક્તિ કોને આધિન છે, એ બધું જાણી રાખવું ના પડે?

Related Questions
  1. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
  2. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
  3. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
  4. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
  5. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
  6. ઊંચા સ્વરે બોલ્યા વિના બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું? બાળકને સારી ટેવો વાળું અને શિસ્તબધ્ધ રીતે કઇ રીતે ઉછેરવું?
  7. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  8. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  9. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
  10. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
  11. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
  12. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
  13. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
  14. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
  15. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
  16. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
  17. સિંગલ પેરેન્ટ તરીકે ટીનએજર સાથે કેવી રીતે વર્તવું?
  18. બાળકો માટે થતી પ્રાર્થનાની શક્તિ કેવી હોય? હું બાળકો માટે કેવી રીતે પ્રાર્થના કરું?
×
Share on