Related Questions

સિંગલ પેરેન્ટ તરીકે ટીનએજર સાથે કેવી રીતે વર્તવું?

જ્યારે પોતાનું બાળક ટીનેજમાં એટલે કે કિશોરાવસ્થામાં પ્રવેશે ત્યારે તેની સાથે કેવો વ્યવહાર કરવો એ દરેક પેરેન્ટ્સના જીવનના એકમાત્ર ધ્યેય બની જાય છે. એવું મનાય છે કે પેરેન્ટ્સની ભૂમિકામાં સૌથી અઘરો તબક્કો ટીનએજરના પેરેન્ટ્સનો હોય છે. સિંગલ પેરેન્ટ માટે આ તબક્કો વધારે અઘરો બની જાય છે.

આ જ દૃષ્ટિકોણને આ રીતે જોઈએ: આ તબક્કો સિંગલ પેરેન્ટને અન્ય પેરેન્ટ્સ કરતાં મજબૂત બનાવવા તેમના પર વધુ જવાબદારીઓ લાવે છે. તમે સિંગલ મધર કે સિંગલ ફાધર હો એના કરતા પણ અગત્યનું ટીનએજરનો ઉછેર કેવી રીતે કરવો એ વાત વધારે પ્રોત્સાહિત કરે એવી નથી લાગતી? યાદ રાખો કે તમારા ટીનએજર બાળકો ત્યારે જ સ્ટ્રોંગ બનશે જયારે તમે પોતે સ્ટ્રોંગ હશો.

માતા અને પિતા બંનેની ભૂમિકા ભજવવાથી અને પરિવારની વધારાની જવાબદારીઓ પૂરી કરવાથી, સિંગલ પેરેન્ટ્સમાં નોંધપાત્ર શક્તિઓ કેળવાય છે. જેમ કે, પ્રતિબદ્ધતા, દ્રઢ નિર્ણય લેવાની ક્ષમતા, પ્રાથમિકતા નક્કી કરવાની સ્પષ્ટતા અને પારિવારિક મૂલ્યો જાળવવા વગેરે. માટે, એવું ક્યારેય ના માનશો કે સિંગલ પેરેન્ટ હોવાથી તમે ટીનએજરને સારી રીતે સંભાળી નથી શકતા કે તમારા માટે એમનું પેરેન્ટિંગ કરવું અધરું છે.

તમને એ વાતનો ખ્યાલ હોવો જોઈએ કે કુદરતી રીતે જ ટીનેજમાં ઘણા પડકારો આવે છે, જેના લીધે તમે પણ ખૂબ અકળાઈ શકો છો. જો કે, આ જ ખરો સમય છે જ્યારે તમારા અને તમારા બાળક વચ્ચેના સંબંધને એક નવી પરિભાષાની જરૂર હોય છે.

હા, શરૂઆતમાં એ સ્વીકારવાનું ચોક્કસપણે અઘરું લાગે કે બાળકો હવે મોટા થઈ રહ્યાં છે અને એમનાં દૃષ્ટિકોણ, અભિપ્રાયો, અને નિર્ણયો તમારા કરતા અલગ હોવાની શક્યતા છે. તેમ છતાં, એને સહજતાથી સ્વીકારી લેવું એ ટીનેજરના ઉછેરમાં આવતી ઘણીબધી મુક્શ્કેલીઓ અને અકળામણને પહોંચી વળવા માટેનું પહેલું પગથિયું છે. એકવાર તમે આ સ્વીકારી લેશો તો ટીનએજરને સંભાળવાનું ઘણું સહેલું બની જશે. આ માટે અમુક સરળ ટીપ્સ છે. જો કે, આ વિશે સમજતા પહેલાં આપણે ટીનેજને ટૂંકમાં સમજી લઈએ.

ટીનેજના વર્તન અંગેની સમજણ

સિંગલ મધર કે સિંગલ ફાધર તરીકે ટીનએજરનો ઉછેર કરવામાં કઈ વસ્તુ વધારે પડકારરૂપ છે? જે બાળકો પહેલાં આજ્ઞાકારી હતા એ જ બાળકો હવે વાતે-વાતે પ્રશ્નો પૂછે છે અને પેરેન્ટ્સની કોઈ વાત સ્વીકારતા નથી, એવું શા માટે?

દસ-અગિયાર વર્ષની ઉંમર સુધી બાળકો ભીની માટી જેવા હોય છે. તમે એમને ગમે તે ઘાટમાં ઘડી શકો. તેમનામાં સંસ્કાર સિંચન કરવાનો, તેમના સારા ગુણો પ્રોત્સાહિત કરીને ખીલવવાનો અને અવગુણો તરફ ધ્યાન ન આપીને એમને ખોટી આદતોમાંથી છોડાવવાનો આ સૌથી ઉત્તમ સમય છે.

બાળકો પંદર કે સોળ વર્ષના થાય પછી એમનો અહંકાર વિકસિત થઈ જાય છે. સરળ ભાષામાં કહીએ તો હવે એમની પાસે પોતાના દૃષ્ટિકોણ, અભિપ્રાયો, લાગણીઓ, અવલોકન અને અનુભવો હોય છે. જે તમારા કરતાં જુદા પણ હોઈ શકે છે. તેથી મોટેભાગે, તમારા ટીનેજર માટે પહેલાંની જેમ તમને પોઝિટિવ રીતે પ્રત્યુત્તર આપવાનું શક્ય નથી બનતું.

આ બધાં મતભેદોના પરિણામે તેઓ ઝઘડા અને ઉદ્ધતાઈવાળું વર્તન કરે છે. આની માટે આપણે જ જવાબદાર છીએ કારણ કે, બાળકો નાના હોય ત્યારથી જ આપણે નાની-નાની વાતોમાં એમને વઢતા અને ટોકતા આવ્યા છીએ.

અહંકાર વધવાની સાથે સાથે સેન્સિટિવિટી પણ વધે છે અને ચેતવણીવાળા શબ્દોથી ફાયદા કરતા વધારે નુકસાન થાય છે. માટે જ પરમ પૂજ્ય દાદાશ્રીએ કહ્યું છે કે બાળકોને ક્યારેય વઢવા ના જોઈએ. પાંચ વર્ષથી મોટા બાળકોને કોઈકવાર ખરેખર જરૂર લાગે તો જ વઢવા. અને પંદર વર્ષથી મોટા બાળકોને તો ગમે તેવા સંજોગો હોય પણ ક્યારેય ન વઢાય.

એકલામાં કે જાહેરમાં એમને ટોકવા, વણમાંગી સલાહ આપવી, ટોણાં મારવા, દલીલો કરવી કે એમનું અપમાન કરવું વગેરે તો ના જ કરવું જોઈએ. નહીં તો, આવા વર્તનથી ટીનએજર્સના અસ્વીકાર્ય રિએક્શનમાં પરિણમી શકે છે અને આપણે તેમને ખોઈ પણ શકીએ છીએ, ખાસ કરીને સિંગલ પેરેન્ટવાળા પરિવારમાં.

સિંગલ પેરેન્ટ તરીકે ટીનએજર્સના ઉછેર માટેની ચાવીઓ

ચાલો, જાણીએ કે સિંગલ પેરેન્ટ તરીકે ટીનએજરનો ઉછેર કેવી રીતે કરવો જોઈએ.

મિત્ર બનો

ટીનેજનાં સમયગાળામાં જ તમારા બાળકોને તમારી મિત્રતાની સૌથી વધારે જરૂર હોય છે. એમનો અહંકાર એટલો વધી ગયેલો હોય છે કે તમે જે પણ કંઈ કહેશો કે આદેશ આપશો તો એ તેઓ તરત નહીં સ્વીકારે. તેઓ સત્તા કે અધિકારવાળું વર્તન સ્વીકારી લે એવી શક્યતાઓ ઓછી છે.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “આપણે લોકોએ કહ્યુંને કે ભઈ, સોળ વર્ષ પછી, અમુક વર્ષ પછી ફ્રેંડ તરીકે સ્વીકારજો એમ કહ્યું, નથી કહ્યું? ફ્રેન્ડલી ટોનમાં હોય તો આપણો ટોન સારો નીકળે. નહીં તો રોજ બાપ થવા જઈએ ને, તો ભલીવાર આવે નહીં. ચાલીસ વર્ષનો થઈ ગયો હોય અને આપણે બાપ થવા ફરીએ, તો શું થાય?”

જ્યારે તમને તમારા ટીનેજરના માતા-પિતા બંને બનવાનું આવે ત્યારે તમારે માતા-પિતાની ભારપૂર્વક ભૂમિકા ભજવવાની જરૂર નથી. એના કરતાં તમે એમના મિત્ર બનો કે જેથી એમને સાચું માર્ગદર્શન મળી રહે અને તમારામાં એમને જોઈતું મૈત્રીભર્યું કમ્ફર્ટ ઝોન પણ મળી રહે.

જ્યારે ટીનેજરને પેરેન્ટ્સ પાસેથી યોગ્ય હૂંફ અને માર્ગદર્શન મળી રહેશે ત્યારે તેઓ બહાર બહારથી હૂંફ માટે ફાંફાં નહીં મારે. એ ખાસ યાદ રાખવાની જરૂર છે કે ઘણી બધી વખત પેરેન્ટ્સ જજ કરશે એ ડરથી જ આપણા ટીનેજ સંતાનો આપણી સાથે નિખાલસતાથી ખુલ્લા નથી થઈ શકતા.

એમના મિત્ર બનવાથી તેઓ તમારી સાથે ખુલીને તમારી સાથે વાતચીત કરી શકશે અને તમે પણ એમને દુ:ખ ના થાય કે એમની લાગણી ના દુભાય એ રીતે એમને સાચી સલાહ આપી શકશો. બાળકોને સલાહ પણ વિવેકથી આપવી જોઈએ. બાળકો ખોટી દિશામાં જતા હોય ત્યારે એમને ચેતવવા કે સલાહ આપવામાં કંઈ ખોટું નથી પણ એમને ટોકવા અથવા મોટેથી ધમકાવવા ના જોઈએ.

ટીનએજરને માર્ગદર્શન આપતી વખતે, તમારે એમને દરેક કાર્યની પાછળ કેવા પરિણામ આવશે એ વિશે જરૂર સમજાવવા જોઈએ અને પછી નિર્ણય લેવાનું કામ ટીનએજર્સ પર છોડી દેવું. તેઓ સાચો નિર્ણય લેશે એવો તમને વિશ્વાસ છે એ જણાવવાથી તેમને પોતાની નબળાઈઓમાંથી બહાર નીકળવાની અને સાચા નિર્ણયો લેવાની શક્તિ તો મળશે જ સાથે સાથે તેમનો તમારી પર વિશ્વાસ દ્રઢ થશે જે સિંગલ પેરેન્ટ અને બાળક વચ્ચેના સંબંધને વધારે મજબૂત બનાવશે.

તમારા ટીનએજરની સમજણનું લેવલ તમારા જેટલું જ હોય એવી આશા ના રાખવી. ખરેખર તો, તમારે એમની સમજણના લેવલ પર આવવું જોઈએ. એમના મિત્ર બનવા માટેનો આ એક જ રસ્તો છે. ટીનએજર સાથે અસરકારક વ્યવહાર કરવાની આ સૌથી સરળ ચાવી છે.

યોગ્ય વર્તનથી ઉદાહરણ બનો; એમના આદર્શ બનો

બાળકો અમુક ઉંમરના થાય ત્યારે એમને શું યોગ્ય છે એ કહેવાથી એટલી અસર નહીં થાય જેટલી તમારા વર્તનના ઉદાહરણની થશે. તમે એમને શિસ્તમાં લાવવા હુકમ ચલાવશો, તો એનાથી તેઓ બઘવાઈ જશે.

ધીમે ધીમે તેઓ બળવાખોર થતા જશે અને પેરેન્ટ્સની સામા થશે. આવા પરિણામથી જૂના પ્રશ્નોના સમાધાન નહીં આવે અને ઊલટાના નવા પ્રશ્નો વધશે.

બાળકો અને ટીનેજર્સ પોતાના આદર્શને સારો રિસ્પોન્સ આપે છે. જો તમે કષાયરહિત શાંતિપૂર્ણ જીવન જીવશો, નોનવેજ, દારૂ કે અન્ય વ્યસનોથી તેમજ હિંસક ચીજોથી દૂર રહેશો તેમજ પરસ્પર સમજણ અને પ્રેમથી સમસ્યાઓના નિરાકરણ લાવશો; તો તમારું ટીનએજર બાળક સમય જતાં તમારો વધારે આદર કરશે અને તમારું અનુકરણ કરીને તમારા જેવા થવાની મહત્ત્વાકાંક્ષા રાખશે.

ટૂંકમાં, તમે તમારા ટીનએજર પાસેથી જેવી આશા રાખો છો એવા પહેલાં તમે બનો! જો તમે ઘરના વડીલો જેમ કે, તમારા માતા-પિતા અને સાસુ-સસરાની વાત ના માનતા હો તો તમારા ટીનએજર તમારી વાત માનશે એવી આશા ના રાખશો.

દરેક વ્યક્તિની જેમ ટીનએજર્સ બાળકો પણ સુખને શોધે છે. સાચું સુખ શું છે અને તે કેવી રીતે મેળવી શકાય એ તેમને બતાડવું તમારા હાથમાં છે.

માળી બનો

ઘણીવાર, સિંગલ પેરેન્ટ્સ વધારે પડતું પેરેન્ટિંગ કરવા જાય છે. એટલે કે, તેઓ પોતાની ફરજથી આગળ વધીને ટીનેજર્સના જીવનનું દરેક પાસું સુધારે છે અથવા માઈક્રો-મેનેજ કરે છે.ઘણા સિંગલ પેરેન્ટ્સ ટીનએજરને એકદમ પોતાની પ્રતિકૃતિ બનાવવાનો પ્રયત્ન કરે છે અથવા તો સતત પોતાની સાથે એમની સરખામણી કરીને પોતાનો અસંતોષ વ્યક્ત કરે છે. આવા વર્તનથી બાળક પોતાને અળખામણું અને નકામું સમજવા લાગશે અને પછી એમનામાં ફક્ત નેગેટિવિટી જ વધશે.

પૂજ્ય દાદાશ્રીએ આના માટે એક અત્યંત સરળ છતાં સચોટ ઉપાય દર્શાવ્યો છે. તેઓ કહેતા કે, ઘરને વિવિધ ફૂલોવાળા એક બગીચાની જેમ સાચવવું જોઈએ. જેમ દરેક ફૂલનાં અલગ-અલગ આકાર, માપ, સુગંધ, રંગ અને બીજા ગુણો છે એવી રીતે ઘરની દરેક વ્યક્તિ પણ અલગ-અલગ વ્યક્તિત્વ ધરાવે છે.

બાળકો અને ટીનેજર્સને એમના વ્યક્તિત્વ એટલે કે એમના સ્વભાવ પ્રમાણે ખીલવા દેવા જોઈએ. આપણે બાળકોને જેવા છે તેવા સ્વીકારીને તેમના વ્યક્તિત્વ સાથે એવી રીતે એડજસ્ટ થવું જોઈએ કે જેથી એમને બદલવાના દબાણ વગર એમની સાથે વ્યવહાર કરી શકીએ. જ્યારે આવું થશે ત્યારે બધા મતભેદો આપમેળે દૂર થઈ જશે.

હંમેશા યાદ રાખો

ટીનએજર્સે અમુક સમય પછી, પોતાની ભૂલો પરથી જાતે શીખવું પડશે. જો આપણે સિંગલ પેરેન્ટ તરીકેની આપણી ફરજ બરાબર રીતે બજાવીશું, તો આપણે પણ એમને સંઘર્ષના સમયમાં માર્ગદર્શન આપી શકીશું.

Related Questions
  1. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
  2. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
  3. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
  4. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
  5. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
  6. ઊંચા સ્વરે બોલ્યા વિના બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું? બાળકને સારી ટેવો વાળું અને શિસ્તબધ્ધ રીતે કઇ રીતે ઉછેરવું?
  7. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  8. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  9. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
  10. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
  11. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
  12. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
  13. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
  14. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
  15. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
  16. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
  17. સિંગલ પેરેન્ટ તરીકે ટીનએજર સાથે કેવી રીતે વર્તવું?
  18. બાળકો માટે થતી પ્રાર્થનાની શક્તિ કેવી હોય? હું બાળકો માટે કેવી રીતે પ્રાર્થના કરું?
×
Share on