Related Questions

સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?

ઉત્તમ પેરેન્ટિંગ કળા એટલે માતા-પિતાએ એક થઈને રહેવું

બે મન ક્યારેય પણ એકમત ન થઈ શકે. તેથી, માતા-પિતા વચ્ચે એવો તફાવત રહે છે કે, એક ખૂબ કડક અને એક નરમ. જે વ્યક્તિ કડક છે તે એવું અનુભવે છે કે બીજી વ્યક્તિ સાથ આપતી નથી અને જે વ્યક્તિ નરમ છે તેને એવું લાગે છે, સામી વ્યક્તિ ખૂબ જ કડક અને નિર્દય છે. આના કારણે જ માતા-પિતા વચ્ચે મતભેદ અને ઝઘડાઓ થાય છે. માતા-પિતા તેમના બાળકો સામે ઝઘડતા હોય અથવા દલીલો કરતા હોય તો સમજી લેવું જોઈએ કે આની તેઓના બાળક ઉપર ખરાબ અસર પડવાની છે.

અહીં માતા-પિતાએ ‘એક’ થઈને કઈ રીતે રહેવું તેની કેટલીક ટીપ્સ આપેલ છે, જે માતા-પિતા તરીકેની સારી કળાઓ વિકસાવવામાં ખૂબ મદદરૂપ થશે:

  • બાળકના સંતુલિત વિકાસ માટે કડકાઈ અને હૂંફ બંનેની જરૂર છે. કડક દ્રષ્ટિકોણ ધરાવતા પેરેન્ટ્સ બાળકને સ્વયં શિસ્ત શીખવે છે અને બીજી તરફ નરમ દ્રષ્ટિકોણ ધરાવતા પેરેન્ટ્સ સ્વતંત્રતાનું મૂલ્ય સમજાવે છે. જેવી રીતે સંતુલિત ભોજનમાં તીખાશ અને મીઠાસ બંનેની આવશ્યક્તા હોય છે, તેવી રીતે સંતુલિત વિકાસ માટે કડકાઈ અને હૂંફ બંનેની જરૂર છે. જ્યારે બાળક પડકારજનક પરિસ્થિતિનો સામનો કરશે, ત્યારે બાળકમાં કોઈ પણ પરિસ્થિમાં એડજસ્ટ થઈ શકવાની ક્ષમતામાં વધારો થશે.
  • તમારા બાળકની સામે તમારા જીવનસાથી વિશેનું કશું ખરાબ ન બોલો. સારા માતા-પિતા તરીકેનો આ એક મહત્ત્વનો ગુણ છે કે બાળકોની સામે ‘એક’ થઈને રહેવાથી બાળકનો સારો ઉછેર થઈ શકે છે. જ્યારે ભૂલથી તમારાથી કશું બોલાઈ ગયું હોય, ત્યારે જો તમારું બાળક તેની નકલ કરે તો તેના પર કશું ધ્યાન ન આપો. કશી પ્રતિક્રિયા ન આપો, જેથી તે આવું બીજી વખત કરવા ન પ્રેરાય.
  • તમે અને તમારા જીવનસાથી એકબીજાના મિત્ર છો, પ્રતિસ્પર્ધી નહીં. અંદરોઅંદરની સમજણ ગોઠવીને એકબીજાને મદદ કરો; જ્યારે એક વ્યક્તિ નર્વસ હોય ત્યારે બાળકને સંભાળવામાં બીજી વ્યક્તિએ મદદ કરવી જોઈએ.
  • માતા-પિતામાંથી એક જ વ્યક્તિને એક સમયે પરિસ્થિતિ સંભાળવા દો. જ્યારે માતા-પિતામાંથી કોઈ એક પહેલા કશો નિર્ણય આપી દે છે, ત્યારે બીજી વ્યક્તિએ તેમાંથી કંઈક પોઝિટિવ શોધીને તેને વળગી રહેવું જોઈએ. દાખલા તરીકે, જો માતા-પિતામાંથી કોઈ એક કડક છે, તો બીજાએ વિચારવું જોઈએ કે કડકાઈથી બાળક બહાદૂર બનશે. તમારે અંદરોઅંદર પહેલા અથવા પછી ચર્ચા કરી લેવી જોઈએ.
  • કામગીરીની વહેંચણી કરી લેવી, જેમ કે, મમ્મીએ ખાવા-પીવાની બાબતોમાં અને પપ્પાએ ભણવાની બાબતોમાં કહેવું. માતા-પિતા બંનેમાં એકતા લાગવી જોઈએ. તમારા બાળકની સામે એક થઈને રહેવું, એ કદાચ બાળકોને ઉછેરવા માટેની એક સરળ કળા છે. નહીં તો, બાળક આ મતભેદનો ફાયદો ઉઠાવશે અને તમે જોશો કે માતા-પિતા તે બાબત પર દલીલો કર્યા કરશે. બાળકને જે ગમે તે કરવા માટેની સ્વતંત્રતા મળી જશે. તેથી, આનાથી દરેકને નુકસાન થવાનું છે. બાળકો તેઓના માતા-પિતાને ઝઘડતા જોશે, તો તેઓમાં માતા-પિતામાંથી કોઈ એક માટે ખરાબ અભિપ્રાય બંધાઈ જશે.
  • જ્યારે માતા-પિતામાંથી કોઈ એક ઠપકો આપતું હોય અને બીજી વ્યક્તિ બાળકને સાથ આપતો હોય, તો પછી બાળકની સુધરવાની કોઈ આશા નથી.માતા-પિતામાંથી જે બાળકના પક્ષમાં હશે, તેના માટે બાળકને આદર રહેશે અને માતા-પિતામાંથી જે શિસ્તના આગ્રહી હશે, તેના તરફ બાળકને વેરભાવ રહેશે. અને તે બાળક મોટું થશે એટલે માતા-પિતા સામે બદલો લેશે.

માતા-પિતા અને બાળક વચ્ચે પ્રત્યેક તબક્કે એડજસ્ટમેન્‍ટ હોય છે. જો આપણે સમજણપૂર્વક એડજસ્ટ થઈશું, તો શાંતિ અને સુમેળ રહેશે. ચાલો, પરમ પૂજ્ય દાદાશ્રી દ્વારા સમજાવેલ એડજસ્ટ થવાની કળા વિશે જાણીએ:

માતા-પિતા બંનેના અભિપ્રાયો બાળકની સામે સરખા જ રહેવા જોઈએ. બાળકોની સામે ઝઘડવું નહીં.

Parent Child

પ્રશ્નકર્તા: પતિ-પત્નીના ઝઘડાથી છોકરાં પર શું અસર થાય?

દાદાશ્રી: ઓહોહો ! બહુ ખરાબ અસર થાય. મનમાં નોંધ કરે આ, નોટેડ ઈટસ્ કન્ટેન્ટસ્ (તે બાબતની નોંધ લીધી). ઘરમાં આવું તોફાન જુએ પછી મનમાં રાખી મેલે. પછી એ મોટો થાય એટલે આપે! છોકરાં સારા થઈ જાય, સંસ્કાર પડે, એ આપણો રસ્તો. છોકરાંને જે ના ગમતું હોય એ કાર્ય નહીં કરવાનું. છોકરાંને પૂછવું કે ‘અમે બે ઝઘડીએ છીએ તો તમને ગમે?’ ત્યારે કહે, ‘ના ગમે.’ તો આપણે બંધ કરી દેવું. છોકરાં મા-બાપને સારા દેખે ને, તો બહુ સારા થઈ જાય. એને શીખવાડવું ના પડે. સંસ્કાર જોઈને સંસ્કાર શીખી જાય છે. છોકરાં કંઈ પણ આપણે ત્યાં ખરાબ દેખે નહીં એવું વર્તન હોવું જોઈએ. સંસ્કારી છોકરા હોવા જોઈએ. એટલે જીવન કંઈક તો સુધારો, આપણા છોકરા સુધરે એવું તો કંઈક કરો. નિશ્ચય કરો તો થઈ જશે. તમે નિશ્ચય કરો કે મારે આમ કરવું છે, તો બધું થાય એવું છે.

એક નિયમ બનાવો: ઘરમાં ઝઘડાઓ ન થાય એ સારા પેરેન્ટિંગ માટેની ચાવી

ક્લેશ તમારે કરવો હોય તો બહાર જઈને કરી આવવો. ઘરમાં જો કકળાટ કરવો હોય તો તે દહાડે બગીચામાં જઈને ખૂબ લડીને ઘેર આવવું. પણ ઘરમાં ‘આપણી રૂમમાં લડવું નહીં.’ એવો કાયદો કરવો.

પ્રશ્નકર્તા: પણ કંકાસ ઊભા થવાનું કારણ શું? સ્વભાવ ના મળે તેથી?

દાદાશ્રી: અજ્ઞાનતા છે તેથી. સંસાર તેનું નામ કે કોઈ કોઈના સ્વભાવ મળે જ નહીં. આ ‘જ્ઞાન’ મળે તેનો એક જ રસ્તો છે, ‘એડજસ્ટ એવરીવ્હેર’! કોઈ તને મારે તોય તારે તેને ‘એડજસ્ટ’ થઈ જવાનું.

મોટામાં મોટું દુઃખ શેનું છે? ‘ડિસ્એડજસ્ટમેન્ટ’નું, ત્યાં ‘એડજસ્ટ એવરીવ્હેર’નું કરે તો શું વાંધો છે.

પ્રશ્નકર્તા: એમાં તો પુરુષાર્થ જોઈએ.

દાદાશ્રી: કશો પુરુષાર્થ નહીં. મારી આજ્ઞા પાળવાની કે ‘દાદા’ એ કહ્યું છે કે ‘એડજસ્ટ એવરીવ્હેર.’ તે એડજસ્ટ થયા કરે. બીબી કહે કે, ‘તમે ચોર છો.’ તો કહેવું કે, ‘યુ આર કરેક્ટ.’ અને થોડીવાર પછી એ કહે કે, ‘ના, તમે ચોરી નથી કરી.’ તોય ‘યુ આર કરેક્ટ.’ કહીએ.

એવું છે બ્રહ્યાનો એક દિવસ, એટલી આપણી આખી જિંદગી! બ્રહ્માનો એક દહાડો જીવવું ને આ શી ધાંધલ? વખતે આપણને બ્રહ્માના સો વર્ષ જીવવાનું હોય તો તો આપણે જાણીએ કે ઠીક છે, એડજસ્ટ શા માટે થઇએ ? ‘દાવો માંડ’ કહીએ. પણ આ તો જલદી પતાવવું હોય તેને શું કરવું પડે? ‘એડજસ્ટ’ થઈએ કે દાવો માંડો કહીએ? પણ આ તો એક દહાડો જ છે, આ તો જલદી પતાવવાનું છે. જે કામ જલદી પતાવવું હોય તેને શું કરવું પડે? ‘એડજસ્ટ’ થઈને ટૂંકાવી દેવું, નહીં તો લંબાયા કરે કે ના લંબાયા કરે?

બીબી જોડે લઢે તો રાત્રે ઊંઘ આવે ખરી? અને સવારે નાસ્તોય સારો ના મળે.

ચીકણી માટી આવે ને તમે લપસ્યા એમાં ભૂલ તમારી છે. ચીકણી માટી તો નિમિત્ત છે. તમારે નિમિત્તને સમજીને મહીં આંગળા ખોસી દેવા પડે. ચીકણી માટી તો હોય જ, ને લપસાવવું એ તો એનો સ્વભાવ જ છે.

Related Questions
  1. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
  2. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
  3. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
  4. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
  5. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
  6. ઊંચા સ્વરે બોલ્યા વિના બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું? બાળકને સારી ટેવો વાળું અને શિસ્તબધ્ધ રીતે કઇ રીતે ઉછેરવું?
  7. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  8. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  9. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
  10. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
  11. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
  12. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
  13. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
  14. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
  15. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
  16. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
  17. સિંગલ પેરેન્ટ તરીકે ટીનએજર સાથે કેવી રીતે વર્તવું?
  18. બાળકો માટે થતી પ્રાર્થનાની શક્તિ કેવી હોય? હું બાળકો માટે કેવી રીતે પ્રાર્થના કરું?
×
Share on